08 January 2015

Brent Crude Price Drops Below $50 for 1st Time Since 2009

બ્રેન્ટ ક્રૂડ ૫૦ ડોલરની અંદર ઃ સપ્તાહમાં ૧૧ ટકાનો કડાકો

-વિશ્વમાં ચાલુ વર્ષે ૧૫ લાખ બેરલ પ્રતિ દિવસ સરપ્લસ સ્ટોકનો અંદાજ
-ક્રૂડતેલનાં ભાવ હજુ પણ ઘટે તેવી સંભાવનાં
ક્રૂડતેલમાં મંદી દિવસેને દિવસે વધુ વકરી રહી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલનાં ભાવ આજે ૨૦૦૯ બાદ પ્રથમવાર ૫૦ ડોલરની સાઈકોલોજિક સપાટીની અંદર પહોંચી ગયાં હતાં. બીજી તરફ ભારતનું આયાતી બાસ્કેટ ક્રૂડનાં ભાવ પણ ૫૦ ડોલરની અંદર ઉતરી ગયાં છે. જે છેલ્લા છ વર્ષમાં પ્રથમવાર જોવા મળ્યું છે.
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલનાં ભાવ આજે ઈન્ટ્રા ડે ઘટીને ૪૯.૬૬ ડોલરની સપાટીએ પહોંચ્યાં હતાં, જે મે ૨૦૦૯ બાદની સૌથી નીચી સપાટી છે. છેલ્લા એક સપ્તાહમાં ક્રૂડતેલનાં ભાવમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અમેરિકન ડબલ્યુટીઆઈ ક્રૂડતેલનાં ભાવ ચાર ટકા ઘટીને ૪૬.૮૩ ડોલરની સપાટીએ પહોંચ્યાં હતાં, જે એપ્રિલ ૨૦૦૯ બાદની સૌથી નીચી સપાટી બતાવે છે.
અમેરિકન રિસર્ચ સંસ્થા એસઈબીનાં ચીફ કોમોડિટી એનાલિસ્ટ બજાર્ને સ્ચીલદ્રોપે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ચાલુ વર્ષે ૧૦થી ૧૫ લાખ બેરલ પ્રતિ દિવસનો સરપ્લસ સ્ટોક રહે તેવી ધારણાં છે. ઓપેકે ઓછી માંગને કારણે ઉત્પાદનમાં કાપ માટે દરમિયાનગિરી કરવાની જરૃર છે. જો આવું નહીં થાય તો ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે.
તેમણે વધુમાં કહ્યું કે ક્રૂડતેલનાં ભાવ ઘટતા અમેરિકન શેલ ઉત્પાદન ઉપર પણ અસર પહોંચી છે. વર્તમાન સમયમાં ક્રૂડ કરતા શેલ ગેસની ઉત્પાદન પડતર ઊંચી થઈ ગઈ છે.
બ્રેન્ટ-નાયમેક્સનાં ભાવ સરખા થાય તેવી સંભાવનાં
ક્રૂડતેલનાં ટેકનિકલ એનાલિસ્ટોનું કહેવુું છે કે આગામી દિવસોમાં બ્રેન્ટ અને નાયમેક્સનાં ભાવ એક સરખા થાય તેવી પણ સંભાવનાં રહેલી છે. આજે બ્રેન્ટનું પ્રીમિયમ બે ડોલરનું રહ્યું હતું. વૈશ્વિક બજારમાં અત્યારે ક્રૂડતેલનાં ઉત્પાદન કે પૂરવઠો ખોરવાય તેવા કોઈ જ કારણો છે નહીં, જેને કારણે બ્રેન્ટનું પ્રીમિયમ ઘટી રહ્યું છે. બીજી તરફ અમેરિકામાં ક્રૂડતેલનું ઉત્પાદન સતત વધી રહ્યું હોવાથી નાયમેક્સનાં ભાવ ઝડપથી ઘટે તેવી સંભાવનાં છે.
ભારતીય આયાતી બાસ્કેટ ક્રૂડ ભાવ છ વર્ષનાં તળિયે
ભારતીય આયાતી ક્રૂડતેલનાં બાસ્કેટ ભાવ ઘટીને ૪૯.૨૨ ડોલરની સપાટીએ પહોંચ્યાં હતાં, જે એક દિવસ પહેલા ૫૧.૫૩ ડોલર હતાં. આયાતી બાસ્કેટ ક્રૂડતેલ ભાવ છ વર્ષમાં પ્રથમવાર ૫૦ ડોલરની અંદર પહોંચ્યાં છે.

ક્રૂડતેલનાં ભાવમાં ઘટાડો થવાને પગલે આગામી ૧૫ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકારે પહેલી જાન્યુઆરી ઈંધણ ઉપરની સેશ પ્રતિ લિટર રૃા.૨ વધારી હોવાથી ભાવ ઘટ્યાં નહોંતાં, પરંતુ ૧૫ જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં જરૃર ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
સિટી ગ્રૂપે નેચરલ ગેસનાં ભાવનો અંદાજ ૨૦ ટકા ઘટાડ્યો
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવ ઘટતા નેચરલ ગેસનાં ભાવનો અંદાજ પણ વૈશ્વિક બેન્કો ઘટાડી રહી છે. અમેરિકા સ્થિત સિટીગ્રૂપે આજે નેચરલ ગેસનાં ભાવનો અંદાજ ચાલુ અને આગામી વર્ષે માટે સરેરાશ ૨૦ ટકા ઘટાડ્યો છે.
સિટીગ્રૂપે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નેચરલ ગેસનાં ભાવ સરેરાશ ૨.૭૦ ડોલર પ્રતિ મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટ રહેશે, જે અગાઉ ૩.૭૦ ડોલર રહેવાની આગાહી કરી હતી. ૨૦૧૬માં નેચરલ ગેસનાં ભાવ ૩ ડોલર રહેશે, જે અગાઉ ૪.૨૦ ડોલર રહેવાની આગાહી કરી હતી. વિશ્વમાં ગેસનું ઉત્પાદન વધી રહ્યું હોવાથી ભાવમાં ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છેકે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો આજે ૨.૮૩ ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. ગેસમાં ૩ ડોલરથી અંદરનાં ભાવ ડિસેમ્બર ૨૦૧૨ બાદ સૌ પ્રથમ વાર પહોંચ્યાં છે.
(Date. 7 Jan.2015)

Guargum-seed price down

ક્રૂડમાં કડાકાથી ગવારમાં પણ મંદી ઃ ગમની નિકાસ અટકવાની શક્યતાં
ગવારગમની નિકાસ ચાલુ વર્ષે ૫ લાખ ટન આસપાસ થવાનો અંદાજ

ક્રૂડતેલનાં ભાવ આજે ઘટીને ૫૦ ડોલરની અંદર પહોંચી જતા ગવારમાં ફરી એક વાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગવારસીડ અને ગવારગમનાં વાયદામાં આજે ઈન્ટ્રા ડે ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ગવારમાં હાજરનાં ખેલાડીઓનું કહેવું છેકે ગવારમાં હવે મોટી મંદી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. બીજી તરફ ગમની નિકાસ ચાલુ વર્ષે ઓછી રહે તેવી સંભાવનાં છે.
ઓલ ઈન્ડિયા ગવારગમ મેન્યુફેકચર્સ એસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ પુરષોત્તમ હિસારીયાએ જણાવ્યું હતું કે ગવારગમમાં નવા સોદા હવે અટકી જાય તેવી સંભાવનાં છે. જે પાઈપલાઈનમાં વેપારો છે તેની જ નિકાસ થઈ રહી છે. ક્રૂડતેલ ઘટતા માંગ ઘટી છે, જેને કારણે ચાલુ વર્ષે સરેરાશ ગવારગમની નિકાસ ૫ લાખ ટન કે તેનાંથી પણ ઓછી થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અપેડાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગવારગમની કુલ ૩.૮૫ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૨.૭૬ લાખ ટન થઈ હતી. ઓક્ટોબરથી ડિસેમ્બરનાં ગાળામાં કુલ બીજી ૮૦ હજારથી એક લાખ ટન વચ્ચે નિકાસ થઈ હોવાનો ટ્રેડરોનો અંદાજ છે.
ગવારગસીડનાં જાન્યુ. વાયદામાં ઈન્ટ્રા ડે રૃા. ૧૬૦ ઘટીને રૃા.૪૪૪૬નાં ભાવ હતાં. ગવારગમનાં જાન્યુઆરી વાયદામાં ઈન્ટ્રા ડે રૃા.૪૮૦ ઘટીને રૃા.૧૧,૬૫૦ રહ્યાં હતાં.
ગંગાનગર-રાજસ્થાનનાં ગવારનાં એક અગ્રણી ટ્રેડરે કહ્યું કે ગવારમાં હવે હાજરમાં મંદી લાગતી નથી. દેશમાં ૧.૬૦ કરોડ ગુણીનાં પાક સામે ૯૫ લાખ ગુણી બજારમાં આવી ગઈ હોવાનો અંદાજ છે. જે બાકીનો માલ બચ્યો છે તેમાંથી ૧૫ ટકા આવક છેક નવી સિઝન સુધી આવશે નહીં. બાકી રહેલો માલ આખું વર્ષ ધીમી ગતિએ આવતો જશે. વળી હરિયાણાનાં સ્ટોકિસ્ટોએ રૃા.૫૫૦૦નાં ભાવથી પણ ગવાર ખરીદો છે, જે ગવાર હવે બજારમાં આવશે નહીં. રાજસ્થાનમાં ચાલુ વર્ષે સ્ટોક ઓછો છે.રાજસ્થાનમાં હનુમાનગઢ-ગંગાનગરમાં ૭૫ ટકા આવકો સંપન્ન થઈ ચૂકી છે. બીજી તરફ ગવારમાં ખેડૂતોની મજબૂત પક્કડ છે, જેને કારણે બજારમાં વર્તમાન ભાવથી મોટી મંદી લાગતી નથી.

તેમણે ક્રૂડની અસર વિશે કહ્યું કે ક્રૂડ ઘટી રહ્યું હોવાથી સેન્ટીમેન્ટ  ખરાબ થઈ રહ્યુ છે. ક્રૂડતેલનાં ભાવને ગવાર સાથે સીધો કોઈ સંબંધ નથી. ક્રૂડનું ઉત્પાદન તો વધી જ રહ્યું છે, પરિણામે ગવારગમની માંગ પણ ઘટતી નથી. ભાવ ઘટી રહ્યાં હોવાથી બજારનું સેન્ટમેન્ટ બગડી રહ્યું છે. આગામી પંદર દિવસ જો ગવારગમનાં નિકાસ સોદા થાય તો બજારને ટેકો મળશે અને જો સોદા ન થાય તો બજાર સ્થિર રહી શકે છે.
(Date. 6 Jan.2015)

India's October 1-Dec 31 sugar output up 27% y/y

દેશમાં ખાંડનું ઉત્પાદન ત્રણ મહિનામાં ૨૭ ટકા વધ્યું
યુ.પી.માં ૫૫ ટકા અને મહારાષ્ટ્રમાં ૪૭ ટકા ઉત્પાદન વધ્યું
દેશમાં ચાલુ સિઝનનાં પ્રથમ ત્રણ મહિનામાં ખાંડનાં ઉત્પાદનમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશન દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કુલ ૭૪.૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૫૮.૬ લાખ ટનનું થયું હતું.
ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશને જણાવ્યું હતું કે દેશમાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ ભાવ તેની ઉત્પાદન પડતર કરતાં પણ નીચે પહોંચી જતા મિલો ખેડૂતોને શેરડીનાં પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી.
એસોસિયેશને વધુમાં કહ્યું કે ઉત્તર પ્રદેશની મિલો ચાલુ વર્ષે ત્રણ સપ્તાહ વહેલી શરૃ થઈ છે, જેને કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. વળી ખાંડની રિકવરી પણ ચાલુ વર્ષે ૯.૨૫ ટકા જોવા મળી છે, જે ગત વર્ષે ૮.૭૫ ટકા જોવા મળી હતી.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૪૭ ટકા વધીને ૩૨.૭ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૨૨.૩ લાખ ટન થયું હતું. ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન ૫૫ ટકા વધીને ૧૭.૨ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૧૧.૧ લાખ ટન થયું હતું.
કર્ણાટકમાં ૧૨ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૧૨.૩ લાખ ટન થયું હતું. તામિલનાડુંમાં ૬૫ હજાર ટન થયું છે, જે ગત વર્ષે ૧.૬૨ લાખ ટન થયું હતું. બિહારમાં ૧.૮૦ લાખ ટન થયું છે, જે ગતવર્ષે ૯૦ હજાર ટન થયું હતું.

દેશમાં ડિસેમ્બર અંત સુધીમાં કુલ ૪૮૧ મિલો ચાલુ થઈ છે, જે ગત વર્ષે ૪૮૫ મિલો ચાલુ થઈ હતી. ખાંડનાં ભાવ હાલ મહારાષ્ટ્રમાં રૃા.૨૪૫૦થી ૨૫૦૦, ઉત્તર પ્રદેશમાં રૃા.૨૬૦૦થી ૨૬૫૦ છે.

China withdraws rebate on TMT bars

સ્ટીલ ઉત્પાદકોને રાહત ઃ ચીને ટીએમટી સ્ટીલ ઉપર નિકાસ વળતર બંધ કર્યું
દેશમાં છેલ્લા છ મહિનાથી વધી રહેલી આયાતને બ્રેક લાગી શકે
દેશનાં સ્ટીલ ઉત્પાદકોને મોટી રાહત મળી છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ચીનમાંથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી છે અને સ્ટીલ ઉત્પાદકોએ ડ્યૂટી વધારવા માટે પણ અનેક વાર માંગ કરી હતી. આવી સ્થિતિમાં ભારત સરકારે તો રાહત નથી આપી, પરંતુ ચીનની સરકારે ટીએમટી સળિયા સહિતનાં સ્ટીલ ઉપરની નિકાસ ઉપરનું વળતર પાછું ખેંચી લીધું છે.
ચીને પહેલી જાન્યુઆરીથી લાગુ પડે એ રીતે ટીએમટી સળિયા ઉપરનું નવ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે. જ્યારે વાયર રોડ્સ ઉપરથી પણ ૧૩ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે.
ચીનમાંથી ટીએમટી સળિયા અને વાયર રોડ્સની છેલ્લા ચારથી છ મહિનામાં મોટા પાયે આયાત થઈ હતી. મહારાષ્ટ્ર-મુંબઈ અને ગુજરાતની બોર્ડર સિલવાસા સુધી પણ ચીનનાં સળિયા પહોંચી ગયાં હતાં. ગુજરાતની પણ એક સ્ટીલ કંપનીએ ચીનથી સ્ટીલ આયાત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ચીનમાં સ્ટીલનાં ભાવ નીચા હતાં અને સાથો સાથ સરકાર નિકાસ વળતર આપતી હોવાથી ભારતમાં મોટા પાયે આયાત થતી હતી. જેમાં હવે ઘટાડો થશે. 
સ્ટીલનાં એક ટ્રેડરે જણાવ્યું હતું કે ચીને નિકાસ રિબેટ પાછું ખેંચતા ગુજરાત સહિત દેશભરનાં ટીએમટી ઉત્પાદકોને રાહત મળી છે. સેઈલ, ટાટા સ્ટીલ જેવી મોટી કંપનીને તેની મોટી અશર થતી હતી. હવેથી સ્ટીલની આયાત ઘટશે, જેનો ફાયદો ભારતીય સ્ટીલ ઉત્પાદકોને થશે. જોકે હાલ સ્ટીલની માગં જ ઓછી હોવાથી ચાલુ મહિને સેકન્ડરી  સ્ટીલ ઉત્પાદકોએ સ્ટીલનાં ભાવમાં રૃા.૫૦૦  સુધીનો ઘટાડો કર્યો છે,પરંતુ હવે મોટો ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

Government to soon set norms on e-marketing of farm produce

કૃષિ પેદાશોનાં ઓનલાઈન વેચાણની ગાઈડલાન્સ ટૂંકમાં

દરેક માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોને ઓનલાઈન વેચાણનું પ્લેટફોર્મ પૂરૃ પડાશે
-માર્કેટિંગ યાર્ડોને રૃા.૨૦થી ૩૫ લાખ રાજય સરકાર પણ પૂરા પાડશે
ઈ-કોમર્સ અને ઓનલાઈન ટેકનોલોજીનો અત્યારે જમાનો છે ત્યારે ખેડૂતોને પણ તેમાં સમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કૃષિ પેદાશોનું ઓનલાઈન વેચાણ થઈ શકે એ માટે એમોઝોન અને જેબોંગની જેમ એગ્રી પ્લેટફોર્મ પુરૃ પાડવા માટેની તૈયારી કરી રહ્યું છે અને તે અંગેની સત્તાવાર ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવનાં છે.
દેશમાં હાલ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે ઈ-માર્કેટિંગ પ્લેટફોર્મ પોતાનાં ફંડને આધારે નાની માત્રામાં કાર્યરત છે, કેન્દ્ર સરકાર તેને રાષ્ટ્રીયસ્તરે લઈ જવા માંગે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે દેશની તમામ એમપીએમસી મંડીમાં ખેડૂતો માટે ઈ-માર્કેટિંગ ટ્રેડિંગનો વિકલ્પ શરૃ કરવા માટે ગાઈડલાન્સ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થશે.
ઈ-માર્કેટિંગ પોર્ટલ્સ માટે ગત બજેટમાં એગ્રી ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે નાણાની ફાળવણી કરવામાં આવી હતી તે હેઠળ રૃા.૧૦૦ કરોડનું ફંડ ફાળવવામાં આવશે. આનો મુખ્ય હેતું વચેટિયા અને ગેરવ્યાજબી વેપારને નાબૂદ કરવાનો છે.
સૂત્રોનું કહેવું છેકે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં દેશની ૬૦૦ મંડીમાં આ પ્રોજેક્ટ શરૃ કરશે અને દરેક એપીએમસીને એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ પુરૃ પાડશે. આ મંડીમાં નાના અને મોટા ખેડૂતો માટે બંને પ્રકારનાં વિકલ્પ રહેશે તેઓ ઓનલાઈન પણ વેચાણ કરી શકશે અને વર્તમાન સિસ્ટમ પ્રમાણે પણ વેચાણ કરી શકશે.

કેન્દ્ર સરકાર હાલમાં કંઈ કોમોડિટીનું ઓનલાઈન ટ્રેડિંગ કરી શકાશે, તેની યાદી બનાવી રહ્યું છે અને ટૂંક સમયમાં ઓનલાઈન પોર્ટલનું નામ અને આ સેવા કોણ પૂરી પાડશે તેની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું એવું પણ કહેવું છેકે  દરેક મંડીને આ સેવા શરૃ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ મંડીદીઠ રૃા.૨૦થી ૩૫ લાખ સુધીનું ફંડ સ્ટોરેજ, ગ્રેડિંગ, શોર્ટિંગ અને અન્ય માળખાગત સુવિધાઓ શરૃ કરવા માટે આપવામાં આવે તેવી શક્યતા છે. કૃષિ પેદાશોમાં ઓનલાઈન વેચાણ માટે તમામ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉનની સુવિધા અંગેના નિયમો એપીએમસી એક્ટ હેઠળ જ આવરી લેવામાં આવશે.

Cement Price Rise Rs.25 in last 15 day's in Gujarat

ગુજરાતમાં સિમેન્ટનાં ભાવમાં પખવાડિયામાં રૃા.૨૫નો ઉછાળો
-દેશમાં ચાલુ વર્ષે સિમેન્ટની માંગ ૧૦ ટકા વધવાનો અંદાજ

સિમેન્ટ બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા દશ-પંદર દિવસમાં સિમેન્ટ કંપનીઓએ સિમેન્ટનાં ભાવમાં થેલીએ રૃા.૨૫નો વધારો કર્યો છે. બજાર સૂત્રોનાં કહેવા પ્રમાણે ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
ગુજરાતમાં સિમેન્ટ ઉત્પાદકોએ કાર્ટેલકરીને ભાવમાં રૃા.૨૦થી ૨૫નો વધારો કર્યો છે. નવા ભાવ નોનટ્રેડમાં રૃા.૨૪૫-૨૫૦ અને ટ્રેડમાં રૃા.૨૬૫-૨૭૦નાં ભાવ છે. ટાટા સિમેન્ટનાં રૃા.૨૫૫નાં ભાવ ક્વોટ થઈ રહ્યાં છે.
સિમેન્ટનાં એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે સિમેન્ટ બજારમાં ઉત્પાદકોની કાર્ટેલને કારણે ભાવ ગમે ત્યારે વધી જાય છે. ક્રૂડતેલનાં ભાવ ઘટી રહ્યાં હોવા છત્તા સિમેન્ટની બજારમાં તેજી જોવા મળી રહી છે. સરકાર દ્વારા કોઈ પગલાઓ લેવામાં નહીં આવે તો સિમેન્ટનાં ભાવ હજુ પણ વધે તેવી સંભાવનાં છે.
સિમેન્ટની માંગમાં છેલ્લા થોડા સમયમાં ધીમો ગ્રોથ રહ્યાં બાદ ચાલુ વર્ષે માંગ વધે તેવી ધારણાં છે. એન્જલ બ્રોકિંગનાં એનાલિસ્ટ શ્રેણીક ગુજરાથીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશમાં સિમેન્ટની માંગમાં ૯થી ૧૦  ટકાનો વધારો થાય તેવી સંભાવનાં છે. જે છેલ્લા થોડા વર્ષોમાં સરેરાશ ૩થી ૭ ટકા જ રહ્યો છે. દેશમાં વધુ પડતા ઉત્પાદનને કારણે ભાવ પણ નીચા રહ્યાં છે, પરંતુ હવે ઈકોનોમીમાં સુધારાને કારણે ભાવ બોટમઆઉટ થઈને વધે તેવી સંભાવનાં છે.

કેન્દ્રમાં નવી  સરકાર આવ્યાં બાદ હજુ સુધી નવા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો આવ્યાં નથી, પરંતુ આગામી દિવસોમાં આવે તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી નીતિ બાદ નવું રોકાણ આવશે તો સિમેન્ટની માંગમાં પણ વધારો થાય તેવી સંભાવનાં છે.
(Date. 3 Jan.2015)

World Edible oil price say's Investment Bank

સોયા-પામતેલમાં તેજી થવાની વૈશ્વિક બેન્કોની આગાહી
-રાબોબેન્ક, મેકક્વેરી, જેફેરીઝ અને ફ્યુચર ગ્રૂપની તેજીની આગાહી
-સ્થાનીક પામતેલ વાયદો પણ રૃા.૫૧૫ સુધી જશે

ખાદ્યતેલની બજારમાં ૨૦૧૪નાં વર્ષમાં સરેરાશ મંદી જોવા મળ્યાં બાદ ૨૦૧૫માં તેજી જોવા મળે તેવી શક્યતા વિશ્વની અનેક ઈન્વેસ્ટમેન્ટ બેન્કો દર્શાવી રહી છે. રાબોબેન્ક, મેક્કેવરી, જેફેરીઝ અને ફ્યુચર ઈન્ટરનેશનલ ગ્રૂપે જણાવ્યું હતું કે વિશ્વમાં ૨૦૧૫નાં વર્ષમાં સોયાતેલ અને પામતેલમાં તેજીનો માહોલ જોવા મળે તેવી પૂરી સંભાવનાં છે.
પામતેલની માંગ વધતા ભાવ ઊંચકાશે ઃ રાબોબેન્ક
વૈશ્વિક બેન્ક રાબોબેન્કે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ૨૦૧૫માં પામતેલમાં સુધારો જોવા મળશે. માંગમાં વધારો થશે અને સુકા વાતાવરણની ધારણાએ ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ઓછું વધે તેવી ધારણાં છે. વિશ્વમાં પામતેલનું ઉત્પાદન ૨૦૧૫માં માત્ર ૧૩ લાખ ટન જ વધે તેવી ધારણાં છે, જે ૨૦૧૪માં ૩૬ લાખ ટન વધ્યું હતું. સ્ટોક પણ નીચો રહે તેવી ધારણાં છે. સ્ટોક પણ સિઝનને અંતે ઓછો રહેવાની ધારણાં છે.
પામતેલનું ઉત્પાદન ઘટવાની ધારણાં ઃ મેકક્વેરી
મેકક્વેરી બેન્કે જણાવ્યું હતુંકે અલનિનોની અસરથી ઈન્ડોનેશિયામાં સુકા વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે અને જેને કારણે પામતેલનાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે, જેને કારણે ભાવ ઊંચકાશે. પામતેલમાં શિયાળાનાં મહિના દરમિયાન સરેરાશ ઉત્પાદન ઘટે તેવી ધારણાં છે.
સોયાખોળ-સોયાતેલમાં સુધારો જોવાશે ઃ ફ્યુચર ઈન્ટરનેશનલ
સોયાખોળ જાન્યુઆરી વાયદામાં ભાવ ટૂંકાગાળાલ માટે ૩૪૦થી ૩૮૦ ડોલર અને સોયાતેલમાં ૩૦.૬૫થી ૩૩.૪૦ ડોલરની રેન્જ જોવા મળશે. સોયા ખોળ-તેલમાં ટૂંકાગાળા માટે ભાવ ઘટી શકે છે, પરંતુ આગળ ઉપર ભાવ સુધરે તેવી ધારણાં છે.
સોયા તેલમાં ૨૦૧૫માં બદલાવ આવશે ઃ જેફેરીઝ
જેફરીઝ નામની વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું હતું કે સોયા કોમ્પલેક્સમાં ૨૦૧૪માં સોયાતેલ સૌથી વધુ ઘટ્યું છે,પરંતુ ૨૦૧૫માં તેમાં બદલાવ આવશે અને ભાવ ઊંચકાય શકે છે.
સોયાતેલમાં સુધારાની ધારણાં ઃ રાબોબેન્ક
રાબોબેન્કનું માનવું છેકે સોયાતેલનાં ભાવ નીચા સ્ટોકને કારણે ૨૦૧૪ની બોટમથી ઉપરની તરફ આગળ વધી રહ્યાં છે. ૨૦૧૫માં પણ ભાવ સુધરે તેવી આશા છે. સોયાખોળની અમેરિકામાંથી રેકર્ડબ્રેક માંગને કારણે બજારને ટેકો મળશે.
એમસીએક્સ પામતેલમાં રૃા.૫૧૪નાં ભાવ જોવાશે

વૈશ્વિક બજારમાં પામતેલમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં પણ તેજીની સંભાવનાં છે. કેડિયા કોમોડિટીનાં કહેવા પ્રમાણે એમસીએક્સ જાન્યુઆરી પામતેલ વાયદો આગામી દિવસોમાં વધીને રૃા.૪૭૦, ૪૯૨ અને ત્યાર બાદ રૃા.૫૧૪.૮૦ સુધી જાય તેવી સંભાવનાં છે. રોકાણકારોએ દરેક ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. વાયદો ગત શુક્રવારે રૃા.૪૫૪.૯૦ પર બંધ રહ્યો હતો. મલેશિયન પામતેલ વાયદો છેલ્લે ૨૨૮૪ રિગિંટની  સપાટી પર બંધ રહ્યો હતો. શિકાગો સોયાતેલ ૩૨.૦૯ ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...