08 January 2015

Indias december oilmeal exports jump 107 mom

તેલીબિયાં ખોળની નિકાસ ડિસેમ્બરમાં નવેમ્બર કરતાં બમણી થઈ
એરંડા અને રાયડા ખોળની જંગી નિકાસથી સરેરાશ નિકાસનું ચીત્ર સુધર્યું
દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસમાં ફરી એક વાર વેગ આવ્યો છે. તેલીબિયાં ખોળની ડિસેમ્બર મહિનામાં નિકાસ આગલા મહિનાની તુલનાએ સરેરાશ બમણાથી પણ વધારે નોંધાય છે. ખાસ કરીને એરંડા અને રાયડા ખોળની નિકાસ વધતા કુલ નિકાસમાં વધારો જોવા મળ્યો છે.
સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા આજે જાહેર કરવામાં આવેલા નિકાસના આંકડાઓ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં કુલ ૩.૮૯ લાખ ટન તેલીબિયાં ખોળની નિકાસ થઈ છે, જે આગલા મહિને ૧.૮૮ લાખ ટન થઈ હતી. ગત વર્ષની તુલનાએ ડિસેમ્બરની નિકાસ ૩૪ ટકા ઘટી છે. ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ નવ મહિનામાં નિકાસ ગત વર્ષની તુલનાએ ૪૨ ટકા ઘટી છે.
 સીના એક્ઝિક્યુટીવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, સોયાખોળની નિકાસમાં ડિસ્પેરિટીને કારણે ઘટી રહી છે, પરંતુ રાયડા ખોળ અને રાઈસબ્રાન ખોળની સારી માંગ છે. રાયડા ખોળની નિકાસ પ્રથમ નવ મહિનામાં ૩૧ ટકા વધી છે અને રાઈસબ્રાન ખોળની બમણી નિકાસ થઈ છે.
વૈશ્વિક બજારમાં રાયડા અને એરંડા ખોળનાં નિકાસ ભાવ સરેરાશ ડિસેમ્બર મહિનામાં વધ્યાં છે. રાયડાખોળની ડિસેમ્બરમાં સરેરાશ ૨૮૬ ડોલરથી નિકાસ થઈ છે, જે આગલા મહિને ૨૫૨ ડોલર હતાં. એરંડા ખોળમાં ૯ ડોલરનો વધારો થઈને ૧૩૬ ડોલરનાં ભાવ થયાં છે. સોયાખોળમાં ભાવ ઘટ્યાં છે.
પાલનપુરનાં એક નિકાસકારે જણાવ્યું હતું કે રાયડાખોળમાં નિકાસ માંગની સાથે કાચા માલની અછત હોવાથી પણ બજારો વધ્યાં છે.  નિકાસમાં અત્યારે કોરિયાની સારી માંગ હોવાથી ચાલુ મહિને પણ નિકાસ સારી જ રહે તેવી ધારણાં છે.
દેશમાંથી છેલ્લા બે મહિના દરમિયાન તેલીબિયા ખોળની નિકાસ ( ટનમાં)
ખોળનું નામ            નવેમ્બર             ડિસેમ્બર       ફેરફાર (ટકામાં)
સોયાખોળ              ૧૧૦૮૦૬        ૧૯૮૮૩૨    ૭૯.૪૪
રાયડાખોળ              ૩૯૧૩૩           ૧૨૯૭૦૭    ૨૩૧.૪૫
રાઈસબ્રાન              ૩૪૬૩૮           ૧૮૨૦૦      ---
એરંડાખોળ              ૩૬૬૭             ૪૮૦૭૨      ૧૨૧૦
કુલ નિકાસ      ૧૮૮૬૩૯      ૩૮૯૮૧૧      ૧૦૬.૬૪
(Date. 7 Jan.2015)


Gujarat Ravi Sowing 5 Janu.2015

ગુજરાતમાં વરિયાળું વાવેતર ૩૯ ટકા વધ્યું ઃ ઈસબગુલમાં પણ વધારો
-ગુજરાતમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો

ગુજરાતમાં મોટા ભાગનું રવિ વાવેતર હવે પૂર્ણ થઈ ગયું છે અને ચાલુ વર્ષે સરેરાશ મોટા ભાગનાં મુખ્ય રવિ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ વરિયાળીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૩૯ ટકા વધ્યું છે, જ્યારે ઈસબગુલનાં વાવેતરમાં પણ ૧૪ ટકાનો વધારો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૫મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.કુલ રવિ વાવેતર ૩૦ લાખ હેકટરને પાર થયું છે, જે ગત વર્ષે ૩૭.૨૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં જીરૃનું વાવેતર ૪૨ ટકા ઘટ્યું છે. જ્યારે ઘઉંનું વાવેતર ૨૩ ટકા ઘટ્યું છે.

ગુજરાતમાં શેરડી અને તમાકુનાં વાવેતર પણ ચાલુ વર્ષે વધારો થયો છે. શેરડીનું વાવેતર ચાલુ વર્ષે ૧.૭૧ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧.૩૨ લાખ હેકટરમાં થયું હતું. જ્યારે તમાકુનું વાવેતર ૧.૨૭ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૨ હજાર હેકટરમાં જ થયું હતું.
(Date. 6 Jan.2015)

Brent Crude Price Drops Below $50 for 1st Time Since 2009

બ્રેન્ટ ક્રૂડ ૫૦ ડોલરની અંદર ઃ સપ્તાહમાં ૧૧ ટકાનો કડાકો

-વિશ્વમાં ચાલુ વર્ષે ૧૫ લાખ બેરલ પ્રતિ દિવસ સરપ્લસ સ્ટોકનો અંદાજ
-ક્રૂડતેલનાં ભાવ હજુ પણ ઘટે તેવી સંભાવનાં
ક્રૂડતેલમાં મંદી દિવસેને દિવસે વધુ વકરી રહી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલનાં ભાવ આજે ૨૦૦૯ બાદ પ્રથમવાર ૫૦ ડોલરની સાઈકોલોજિક સપાટીની અંદર પહોંચી ગયાં હતાં. બીજી તરફ ભારતનું આયાતી બાસ્કેટ ક્રૂડનાં ભાવ પણ ૫૦ ડોલરની અંદર ઉતરી ગયાં છે. જે છેલ્લા છ વર્ષમાં પ્રથમવાર જોવા મળ્યું છે.
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલનાં ભાવ આજે ઈન્ટ્રા ડે ઘટીને ૪૯.૬૬ ડોલરની સપાટીએ પહોંચ્યાં હતાં, જે મે ૨૦૦૯ બાદની સૌથી નીચી સપાટી છે. છેલ્લા એક સપ્તાહમાં ક્રૂડતેલનાં ભાવમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અમેરિકન ડબલ્યુટીઆઈ ક્રૂડતેલનાં ભાવ ચાર ટકા ઘટીને ૪૬.૮૩ ડોલરની સપાટીએ પહોંચ્યાં હતાં, જે એપ્રિલ ૨૦૦૯ બાદની સૌથી નીચી સપાટી બતાવે છે.
અમેરિકન રિસર્ચ સંસ્થા એસઈબીનાં ચીફ કોમોડિટી એનાલિસ્ટ બજાર્ને સ્ચીલદ્રોપે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ચાલુ વર્ષે ૧૦થી ૧૫ લાખ બેરલ પ્રતિ દિવસનો સરપ્લસ સ્ટોક રહે તેવી ધારણાં છે. ઓપેકે ઓછી માંગને કારણે ઉત્પાદનમાં કાપ માટે દરમિયાનગિરી કરવાની જરૃર છે. જો આવું નહીં થાય તો ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે.
તેમણે વધુમાં કહ્યું કે ક્રૂડતેલનાં ભાવ ઘટતા અમેરિકન શેલ ઉત્પાદન ઉપર પણ અસર પહોંચી છે. વર્તમાન સમયમાં ક્રૂડ કરતા શેલ ગેસની ઉત્પાદન પડતર ઊંચી થઈ ગઈ છે.
બ્રેન્ટ-નાયમેક્સનાં ભાવ સરખા થાય તેવી સંભાવનાં
ક્રૂડતેલનાં ટેકનિકલ એનાલિસ્ટોનું કહેવુું છે કે આગામી દિવસોમાં બ્રેન્ટ અને નાયમેક્સનાં ભાવ એક સરખા થાય તેવી પણ સંભાવનાં રહેલી છે. આજે બ્રેન્ટનું પ્રીમિયમ બે ડોલરનું રહ્યું હતું. વૈશ્વિક બજારમાં અત્યારે ક્રૂડતેલનાં ઉત્પાદન કે પૂરવઠો ખોરવાય તેવા કોઈ જ કારણો છે નહીં, જેને કારણે બ્રેન્ટનું પ્રીમિયમ ઘટી રહ્યું છે. બીજી તરફ અમેરિકામાં ક્રૂડતેલનું ઉત્પાદન સતત વધી રહ્યું હોવાથી નાયમેક્સનાં ભાવ ઝડપથી ઘટે તેવી સંભાવનાં છે.
ભારતીય આયાતી બાસ્કેટ ક્રૂડ ભાવ છ વર્ષનાં તળિયે
ભારતીય આયાતી ક્રૂડતેલનાં બાસ્કેટ ભાવ ઘટીને ૪૯.૨૨ ડોલરની સપાટીએ પહોંચ્યાં હતાં, જે એક દિવસ પહેલા ૫૧.૫૩ ડોલર હતાં. આયાતી બાસ્કેટ ક્રૂડતેલ ભાવ છ વર્ષમાં પ્રથમવાર ૫૦ ડોલરની અંદર પહોંચ્યાં છે.

ક્રૂડતેલનાં ભાવમાં ઘટાડો થવાને પગલે આગામી ૧૫ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકારે પહેલી જાન્યુઆરી ઈંધણ ઉપરની સેશ પ્રતિ લિટર રૃા.૨ વધારી હોવાથી ભાવ ઘટ્યાં નહોંતાં, પરંતુ ૧૫ જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં જરૃર ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
સિટી ગ્રૂપે નેચરલ ગેસનાં ભાવનો અંદાજ ૨૦ ટકા ઘટાડ્યો
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવ ઘટતા નેચરલ ગેસનાં ભાવનો અંદાજ પણ વૈશ્વિક બેન્કો ઘટાડી રહી છે. અમેરિકા સ્થિત સિટીગ્રૂપે આજે નેચરલ ગેસનાં ભાવનો અંદાજ ચાલુ અને આગામી વર્ષે માટે સરેરાશ ૨૦ ટકા ઘટાડ્યો છે.
સિટીગ્રૂપે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નેચરલ ગેસનાં ભાવ સરેરાશ ૨.૭૦ ડોલર પ્રતિ મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટ રહેશે, જે અગાઉ ૩.૭૦ ડોલર રહેવાની આગાહી કરી હતી. ૨૦૧૬માં નેચરલ ગેસનાં ભાવ ૩ ડોલર રહેશે, જે અગાઉ ૪.૨૦ ડોલર રહેવાની આગાહી કરી હતી. વિશ્વમાં ગેસનું ઉત્પાદન વધી રહ્યું હોવાથી ભાવમાં ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છેકે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો આજે ૨.૮૩ ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. ગેસમાં ૩ ડોલરથી અંદરનાં ભાવ ડિસેમ્બર ૨૦૧૨ બાદ સૌ પ્રથમ વાર પહોંચ્યાં છે.
(Date. 7 Jan.2015)

Guargum-seed price down

ક્રૂડમાં કડાકાથી ગવારમાં પણ મંદી ઃ ગમની નિકાસ અટકવાની શક્યતાં
ગવારગમની નિકાસ ચાલુ વર્ષે ૫ લાખ ટન આસપાસ થવાનો અંદાજ

ક્રૂડતેલનાં ભાવ આજે ઘટીને ૫૦ ડોલરની અંદર પહોંચી જતા ગવારમાં ફરી એક વાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગવારસીડ અને ગવારગમનાં વાયદામાં આજે ઈન્ટ્રા ડે ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ગવારમાં હાજરનાં ખેલાડીઓનું કહેવું છેકે ગવારમાં હવે મોટી મંદી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. બીજી તરફ ગમની નિકાસ ચાલુ વર્ષે ઓછી રહે તેવી સંભાવનાં છે.
ઓલ ઈન્ડિયા ગવારગમ મેન્યુફેકચર્સ એસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ પુરષોત્તમ હિસારીયાએ જણાવ્યું હતું કે ગવારગમમાં નવા સોદા હવે અટકી જાય તેવી સંભાવનાં છે. જે પાઈપલાઈનમાં વેપારો છે તેની જ નિકાસ થઈ રહી છે. ક્રૂડતેલ ઘટતા માંગ ઘટી છે, જેને કારણે ચાલુ વર્ષે સરેરાશ ગવારગમની નિકાસ ૫ લાખ ટન કે તેનાંથી પણ ઓછી થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અપેડાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગવારગમની કુલ ૩.૮૫ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૨.૭૬ લાખ ટન થઈ હતી. ઓક્ટોબરથી ડિસેમ્બરનાં ગાળામાં કુલ બીજી ૮૦ હજારથી એક લાખ ટન વચ્ચે નિકાસ થઈ હોવાનો ટ્રેડરોનો અંદાજ છે.
ગવારગસીડનાં જાન્યુ. વાયદામાં ઈન્ટ્રા ડે રૃા. ૧૬૦ ઘટીને રૃા.૪૪૪૬નાં ભાવ હતાં. ગવારગમનાં જાન્યુઆરી વાયદામાં ઈન્ટ્રા ડે રૃા.૪૮૦ ઘટીને રૃા.૧૧,૬૫૦ રહ્યાં હતાં.
ગંગાનગર-રાજસ્થાનનાં ગવારનાં એક અગ્રણી ટ્રેડરે કહ્યું કે ગવારમાં હવે હાજરમાં મંદી લાગતી નથી. દેશમાં ૧.૬૦ કરોડ ગુણીનાં પાક સામે ૯૫ લાખ ગુણી બજારમાં આવી ગઈ હોવાનો અંદાજ છે. જે બાકીનો માલ બચ્યો છે તેમાંથી ૧૫ ટકા આવક છેક નવી સિઝન સુધી આવશે નહીં. બાકી રહેલો માલ આખું વર્ષ ધીમી ગતિએ આવતો જશે. વળી હરિયાણાનાં સ્ટોકિસ્ટોએ રૃા.૫૫૦૦નાં ભાવથી પણ ગવાર ખરીદો છે, જે ગવાર હવે બજારમાં આવશે નહીં. રાજસ્થાનમાં ચાલુ વર્ષે સ્ટોક ઓછો છે.રાજસ્થાનમાં હનુમાનગઢ-ગંગાનગરમાં ૭૫ ટકા આવકો સંપન્ન થઈ ચૂકી છે. બીજી તરફ ગવારમાં ખેડૂતોની મજબૂત પક્કડ છે, જેને કારણે બજારમાં વર્તમાન ભાવથી મોટી મંદી લાગતી નથી.

તેમણે ક્રૂડની અસર વિશે કહ્યું કે ક્રૂડ ઘટી રહ્યું હોવાથી સેન્ટીમેન્ટ  ખરાબ થઈ રહ્યુ છે. ક્રૂડતેલનાં ભાવને ગવાર સાથે સીધો કોઈ સંબંધ નથી. ક્રૂડનું ઉત્પાદન તો વધી જ રહ્યું છે, પરિણામે ગવારગમની માંગ પણ ઘટતી નથી. ભાવ ઘટી રહ્યાં હોવાથી બજારનું સેન્ટમેન્ટ બગડી રહ્યું છે. આગામી પંદર દિવસ જો ગવારગમનાં નિકાસ સોદા થાય તો બજારને ટેકો મળશે અને જો સોદા ન થાય તો બજાર સ્થિર રહી શકે છે.
(Date. 6 Jan.2015)

India's October 1-Dec 31 sugar output up 27% y/y

દેશમાં ખાંડનું ઉત્પાદન ત્રણ મહિનામાં ૨૭ ટકા વધ્યું
યુ.પી.માં ૫૫ ટકા અને મહારાષ્ટ્રમાં ૪૭ ટકા ઉત્પાદન વધ્યું
દેશમાં ચાલુ સિઝનનાં પ્રથમ ત્રણ મહિનામાં ખાંડનાં ઉત્પાદનમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશન દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કુલ ૭૪.૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૫૮.૬ લાખ ટનનું થયું હતું.
ઈન્ડિયન સુગર મિલ એસોસિયેશને જણાવ્યું હતું કે દેશમાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ ભાવ તેની ઉત્પાદન પડતર કરતાં પણ નીચે પહોંચી જતા મિલો ખેડૂતોને શેરડીનાં પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી.
એસોસિયેશને વધુમાં કહ્યું કે ઉત્તર પ્રદેશની મિલો ચાલુ વર્ષે ત્રણ સપ્તાહ વહેલી શરૃ થઈ છે, જેને કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. વળી ખાંડની રિકવરી પણ ચાલુ વર્ષે ૯.૨૫ ટકા જોવા મળી છે, જે ગત વર્ષે ૮.૭૫ ટકા જોવા મળી હતી.
મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૪૭ ટકા વધીને ૩૨.૭ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૨૨.૩ લાખ ટન થયું હતું. ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન ૫૫ ટકા વધીને ૧૭.૨ લાખ ટન થયું છે, જે ગત વર્ષે ૧૧.૧ લાખ ટન થયું હતું.
કર્ણાટકમાં ૧૨ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૧૨.૩ લાખ ટન થયું હતું. તામિલનાડુંમાં ૬૫ હજાર ટન થયું છે, જે ગત વર્ષે ૧.૬૨ લાખ ટન થયું હતું. બિહારમાં ૧.૮૦ લાખ ટન થયું છે, જે ગતવર્ષે ૯૦ હજાર ટન થયું હતું.

દેશમાં ડિસેમ્બર અંત સુધીમાં કુલ ૪૮૧ મિલો ચાલુ થઈ છે, જે ગત વર્ષે ૪૮૫ મિલો ચાલુ થઈ હતી. ખાંડનાં ભાવ હાલ મહારાષ્ટ્રમાં રૃા.૨૪૫૦થી ૨૫૦૦, ઉત્તર પ્રદેશમાં રૃા.૨૬૦૦થી ૨૬૫૦ છે.

China withdraws rebate on TMT bars

સ્ટીલ ઉત્પાદકોને રાહત ઃ ચીને ટીએમટી સ્ટીલ ઉપર નિકાસ વળતર બંધ કર્યું
દેશમાં છેલ્લા છ મહિનાથી વધી રહેલી આયાતને બ્રેક લાગી શકે
દેશનાં સ્ટીલ ઉત્પાદકોને મોટી રાહત મળી છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ચીનમાંથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી છે અને સ્ટીલ ઉત્પાદકોએ ડ્યૂટી વધારવા માટે પણ અનેક વાર માંગ કરી હતી. આવી સ્થિતિમાં ભારત સરકારે તો રાહત નથી આપી, પરંતુ ચીનની સરકારે ટીએમટી સળિયા સહિતનાં સ્ટીલ ઉપરની નિકાસ ઉપરનું વળતર પાછું ખેંચી લીધું છે.
ચીને પહેલી જાન્યુઆરીથી લાગુ પડે એ રીતે ટીએમટી સળિયા ઉપરનું નવ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે. જ્યારે વાયર રોડ્સ ઉપરથી પણ ૧૩ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે.
ચીનમાંથી ટીએમટી સળિયા અને વાયર રોડ્સની છેલ્લા ચારથી છ મહિનામાં મોટા પાયે આયાત થઈ હતી. મહારાષ્ટ્ર-મુંબઈ અને ગુજરાતની બોર્ડર સિલવાસા સુધી પણ ચીનનાં સળિયા પહોંચી ગયાં હતાં. ગુજરાતની પણ એક સ્ટીલ કંપનીએ ચીનથી સ્ટીલ આયાત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ચીનમાં સ્ટીલનાં ભાવ નીચા હતાં અને સાથો સાથ સરકાર નિકાસ વળતર આપતી હોવાથી ભારતમાં મોટા પાયે આયાત થતી હતી. જેમાં હવે ઘટાડો થશે. 
સ્ટીલનાં એક ટ્રેડરે જણાવ્યું હતું કે ચીને નિકાસ રિબેટ પાછું ખેંચતા ગુજરાત સહિત દેશભરનાં ટીએમટી ઉત્પાદકોને રાહત મળી છે. સેઈલ, ટાટા સ્ટીલ જેવી મોટી કંપનીને તેની મોટી અશર થતી હતી. હવેથી સ્ટીલની આયાત ઘટશે, જેનો ફાયદો ભારતીય સ્ટીલ ઉત્પાદકોને થશે. જોકે હાલ સ્ટીલની માગં જ ઓછી હોવાથી ચાલુ મહિને સેકન્ડરી  સ્ટીલ ઉત્પાદકોએ સ્ટીલનાં ભાવમાં રૃા.૫૦૦  સુધીનો ઘટાડો કર્યો છે,પરંતુ હવે મોટો ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

Government to soon set norms on e-marketing of farm produce

કૃષિ પેદાશોનાં ઓનલાઈન વેચાણની ગાઈડલાન્સ ટૂંકમાં

દરેક માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોને ઓનલાઈન વેચાણનું પ્લેટફોર્મ પૂરૃ પડાશે
-માર્કેટિંગ યાર્ડોને રૃા.૨૦થી ૩૫ લાખ રાજય સરકાર પણ પૂરા પાડશે
ઈ-કોમર્સ અને ઓનલાઈન ટેકનોલોજીનો અત્યારે જમાનો છે ત્યારે ખેડૂતોને પણ તેમાં સમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કૃષિ પેદાશોનું ઓનલાઈન વેચાણ થઈ શકે એ માટે એમોઝોન અને જેબોંગની જેમ એગ્રી પ્લેટફોર્મ પુરૃ પાડવા માટેની તૈયારી કરી રહ્યું છે અને તે અંગેની સત્તાવાર ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવનાં છે.
દેશમાં હાલ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે ઈ-માર્કેટિંગ પ્લેટફોર્મ પોતાનાં ફંડને આધારે નાની માત્રામાં કાર્યરત છે, કેન્દ્ર સરકાર તેને રાષ્ટ્રીયસ્તરે લઈ જવા માંગે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે દેશની તમામ એમપીએમસી મંડીમાં ખેડૂતો માટે ઈ-માર્કેટિંગ ટ્રેડિંગનો વિકલ્પ શરૃ કરવા માટે ગાઈડલાન્સ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થશે.
ઈ-માર્કેટિંગ પોર્ટલ્સ માટે ગત બજેટમાં એગ્રી ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે નાણાની ફાળવણી કરવામાં આવી હતી તે હેઠળ રૃા.૧૦૦ કરોડનું ફંડ ફાળવવામાં આવશે. આનો મુખ્ય હેતું વચેટિયા અને ગેરવ્યાજબી વેપારને નાબૂદ કરવાનો છે.
સૂત્રોનું કહેવું છેકે કેન્દ્ર સરકાર પ્રથમ તબક્કામાં દેશની ૬૦૦ મંડીમાં આ પ્રોજેક્ટ શરૃ કરશે અને દરેક એપીએમસીને એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ પુરૃ પાડશે. આ મંડીમાં નાના અને મોટા ખેડૂતો માટે બંને પ્રકારનાં વિકલ્પ રહેશે તેઓ ઓનલાઈન પણ વેચાણ કરી શકશે અને વર્તમાન સિસ્ટમ પ્રમાણે પણ વેચાણ કરી શકશે.

કેન્દ્ર સરકાર હાલમાં કંઈ કોમોડિટીનું ઓનલાઈન ટ્રેડિંગ કરી શકાશે, તેની યાદી બનાવી રહ્યું છે અને ટૂંક સમયમાં ઓનલાઈન પોર્ટલનું નામ અને આ સેવા કોણ પૂરી પાડશે તેની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું એવું પણ કહેવું છેકે  દરેક મંડીને આ સેવા શરૃ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ મંડીદીઠ રૃા.૨૦થી ૩૫ લાખ સુધીનું ફંડ સ્ટોરેજ, ગ્રેડિંગ, શોર્ટિંગ અને અન્ય માળખાગત સુવિધાઓ શરૃ કરવા માટે આપવામાં આવે તેવી શક્યતા છે. કૃષિ પેદાશોમાં ઓનલાઈન વેચાણ માટે તમામ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉનની સુવિધા અંગેના નિયમો એપીએમસી એક્ટ હેઠળ જ આવરી લેવામાં આવશે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...