મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુ.પી.માં
વરસાદથી ગુજરાતનાં ઘઉંનાં ખેડૂતોને ફાયદો
મધ્ય પ્રદેશમાં ખાવાલાયક ૫૦ ટકા ઘઉંની
ક્વોલિટી બગડી ગઈ, ગુજરાતનાં ઘઉંની માગ વધશે
દેશમાં ઘઉં ઉત્પાદક રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છેલ્લે ઉત્તર પ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને
બરફનાં કરા પડવાને કારણે ઘઉંનાં પાકને મોટું નુકસાન થયું છે, જેને ફાયદો ગુજરાતનાં ખેડૂતોને મળે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યાં
છે.
મુંબઈનાં એક અગ્રણી ઘઉંનાં ટ્રેડરે જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં ગત સપ્તાહે પડેલા વરસાદને કારણે આશરે ૫૦ ટકા
માલોની ક્વોલિટી બગડી ગઈ છે. આ ઘઉં ખાવાલાયક કે જે પેકિંગ કરીને ગુજરાત કે બીજા
રાજ્યમાં મોકલાય છે તેની ક્વોલિટી બગડી છે. આ ઘઉં હવે સરકારી ખરીદીમાં ચાલે તેવી જ
ક્વોલિટીના રહ્યાં છે. એક મહિના પછી જે માલો આવશે તેની જ ક્વોલિટી હવે સારી રહે
તેવી ધારણા છે. વળી મધ્ય પ્રદેશથી એક નંબર ક્વોલિટીનાં જે ઘઉં આવતા હતા, તેની આવકો હવે પંદર દિવસ લેઈટ શરૃ થશે. રાજસ્થાનમાં પણ અમુક વિસ્તારમાં
બરફ પડવાથી ક્વોલિટી બગડી છે. સરેરાશ ૨૫ ટકા પાક બગડ્યો છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ગત શનિવાર અને રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ઘઉંને
કેટલું નુકસાન પહોંચ્યું, તેનો અંદાજ હજુ લગાવવાનો બાકી છે.
આ વેપારી કહે છે કે મધ્ય પ્રદેશની બગડેલી ક્વોલિટીનો ફાયદો
ગુજરાતના ખેડૂતોને થઈ શકે છે. હવે ગુજરાત સિવાય ક્યાંયનાં ઘઉં ચાલશે. મુંબઈમાં પણ
ગુજરાતનાં ઘઉંની માગ હવે વધશે.
ગુજરાતનાં એક ઘઉંનાં અગ્રણી વેપારી કહે છે કે દેશાવરમાં
પડેલા વરસાદથી ઘઉંનો પાક બગડતા ગુજરાતના ઘઉંની માગ વધશે. ગુજરાતમાં ચાલુ વર્ષે
બમ્પર પાક થયો છે ત્યારે ભાવ પાણી-પાણી થઈ જવાની ગણતરી હતી, તેમાં થોડી રાહત મળી છે. મધ્ય પ્રદેશનો સારી ક્વોલિટીનો માલ
ઓછો થવાને કારણે હવે મુંબઈવાળાને ગુજરાતની પડતર બેસી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતમાંથી
મુંબઈ પહોંચનાં ભાવ સરેરાશ અત્યારે રૃા.૧૯૦૦-૨૩૦૦ ચાલે છે, તેમાં
પીક સિઝનમાં પણ વધુમાં વધુ રૃા.૧૦૦થી ૧૫૦નો ઘટાડો થશે, એ
સિવાય વધુ ઘટાડો દેખાતો નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘઉંનો ચાલુ વર્ષે બમણો પાક થવાનો
અંદાજ છે. મોટા પાકને કારણે ભાવ ઘટવાના ડરે ખેડૂતો સિઝનની શરૃઆતથી જ હવાવાળો માલ પણ
બજારમાં લાવી રહ્યાં છે. કેશોદનાં એક વેપારી કહે છે કે મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં વરસાદ
બાદ ગુજરાતનાં ઘઉંની કિંમત વધી છે. ખેડૂતોએ અત્યારે ઘઉં વેચવાની ઉતાવળ ન કરવી જોઈએ.
ઘઉંમાં મોટા પાકનાં મોટા નસીબ હોય છે, એવું આ વર્ષે પણ સાબિત થઈ શકે છે. ગુજરાતનાં ખેડૂતોે ચાર થી પાંચ વર્ષ પહેલા
પણ મધ્ય પ્રદેશમાં પાક બગડ્યો ત્યારે સારા ભાવ મળ્યાં હતા, કદાચ
આ વર્ષે પણ એવું થાય તેવું લાગે છે.