Showing posts with label Guar-Gum. Show all posts
Showing posts with label Guar-Gum. Show all posts

21 January 2015

Guar Price Dowen Due to Rajsthan Govt High Production Forcast

રાજસ્થાનમાં ગવારનાં ઊંચા ઉત્પાદનનાં અંદાજથી ભાવમાં કડાકો

-ટ્રેડરોનાં ૧૫થી ૨૦ લાખ ટનનાં અંદાજ સામે રાજ્ય સરકારે ૨૮ લાખ ટનનો અંદાજ મૂક્યો
-વાયદામાં સોમવારે ચાર ટકા બાદ મંગળવારે છ ટકાની મંદીની સર્કિટ લાગી

ગવારનાં સૌથી મોટા ઉત્પાદક રાજ્ય એવા રાજસ્થાનમાં રાજ્ય સરકાર દ્વારા ગવારનાં પાકનો ઊંચો અંદાજ મૂકવામાં આવતા છેલ્લા બે દિવસથી ગવારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. વાયદામાં સોમવારે ચાર ટકા બાદ મંગળવારે છ ટકાની મંદીની સર્કિટ પણ લાગી ગઈ હતી.
રાજસ્થાન કૃષિ વિભાગે ગવારનો બીજો આગોતરો ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે, જે મુજબ રાજસ્થાનમાં ગવારનું ઉત્પાદન ૨૭.૯૫ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગતવર્ષે ૨૮.૬૧ લાખ ટન થયું હતું. રાજ્ય  સરકારે સત્તાવાર ગત વર્ષની તુલનાએ અંદાજ નીચો મૂક્યો છે, પરંતુ ટ્રેડરનાં મતે ઉત્પાદન ૧૪થી ૧૫ લાખ ટન વચ્ચે જ થાય તેવી ધારણાં છે. જેની સામે સરકારે બમણો અંદાજ મૂક્યો છે. રાજસ્થાનમાં ગત વર્ષે ૫૦ લાખ હેકટકરમાં વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે ૪૬.૨૫ લાખ હેકટરમાં જ વાવેતર થયું છે. રાજસ્થાનમાં કેટલાક ટ્રેડરો ૧૭.૫થી ૨૦ લાખ ટન વચ્ચેનો અંદાજ પણ માને છે.
ગુજરાતમાં પણ સરકારનાં બીજા આગોતરા અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે, ઉત્પાદન ૧.૮૭ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૩.૧૨ લાખ ટન ઉત્પાદન થયું હતું.
રાજસ્થાનનાં અંદાજ બાદ ગવારમાં ગઈકાલે ચાર ટકાની નીચલી સર્કિટ લાગ્યા બાદ આજે પણ છ ટકાનો ઘટાડો થયો હતો. ગવારગમ જાન્યુ.વાયદો ૮ જાન્યુ.એ રૃા.૧૨૦૨૦ હતો, જે આજે રૃા.૬૮૦ ઘટીને રૃા.૧૦૬૬૦ થયો હતો. ગવારસીડ જાન્યુ. વાયદો આ ગાળામાં રૃા.૪૬૩૬થી ઘટીને રૃા.૪૧૨૪ થયો હતો.
ગવારની તેજી-મંદી માટે ટ્રેડરોમાં પણ મતભેદ
ગવારની તેજી-મંદી માટે ટ્રેડરોમાં પણ મોટો મતભેદ જોવા મળી રહ્યો છે. ગંગાનગરનાં ગવારનાં ટ્રેડર જયદેવ ગુપ્તાનું કહેવું છેકે ગવારસીડનાં ભાવ ઘટીને રૃા.૩૭૦૦ પ્રતિ ક્વિન્ટલ સુધી જઈ શકે છે. ગવારની કુલ નિકાસ વર્ષ દરમિયાન ૨૦થી ૨૫ ટકા ઘટવાનો અંદાજ છે. એમ.એસ.ડૂગર ગ્રૂપનાં શિખર ચંદ્ર ડૂગરનું માનવું છે કે ગવારગમમાં રૃા.૧૦,૦૦૦ અને ગવારસીડમાં રૃા.૩૩૦૦ સુધીનાં ભાવ જોવા મળી શકે છે. ક્રૂડતેલનાં ભાવ ઘટવાને કારણે ગમની નિકાસમાં ઘટાડો જોવા મળે તેવી ધારણાં છે.

આ તરફ બિકાનેરનાં ટ્રેડર પુખરાજ ચોપડા કહે છેકે ગવારમાં વર્તમાન સ્તરથી મોટો ઘટાડો થાય તેવી શક્યતા નથી. જો ગવારસીડનાં ભાવ રૃા.૪૦૦૦ની નીચે જાય તો પણ ઝડપથી સુધરી જશે. જો ભાવ નીચે જશે તો ખેડૂતની વેચવાલી ઘટી જશે. તેઓ કહે છેકે અમેરિકામાં ક્રૂડનું ઉતપાદન ૨.૫ લાખ બેરલથી વધીને ૯ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ રહ્યું છે તો કેવી રીતે માની શકાય કે ગવારની માંગ ઘટી છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનાં આંકડાઓ પણ કહે છે કે ગવારની નિકાસ વધી છે. દેશમાંથી આ સમયમાં કુલ ૩.૮૫ લાખ ટનની નિકાસમાંથી ૨.૩૮ લાખ ટન ગમની અમેરિકામાં જ નિકાસ થઈ છે.
(Date 13 Jan.2015)

08 January 2015

Guargum-seed price down

ક્રૂડમાં કડાકાથી ગવારમાં પણ મંદી ઃ ગમની નિકાસ અટકવાની શક્યતાં
ગવારગમની નિકાસ ચાલુ વર્ષે ૫ લાખ ટન આસપાસ થવાનો અંદાજ

ક્રૂડતેલનાં ભાવ આજે ઘટીને ૫૦ ડોલરની અંદર પહોંચી જતા ગવારમાં ફરી એક વાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગવારસીડ અને ગવારગમનાં વાયદામાં આજે ઈન્ટ્રા ડે ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ગવારમાં હાજરનાં ખેલાડીઓનું કહેવું છેકે ગવારમાં હવે મોટી મંદી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. બીજી તરફ ગમની નિકાસ ચાલુ વર્ષે ઓછી રહે તેવી સંભાવનાં છે.
ઓલ ઈન્ડિયા ગવારગમ મેન્યુફેકચર્સ એસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ પુરષોત્તમ હિસારીયાએ જણાવ્યું હતું કે ગવારગમમાં નવા સોદા હવે અટકી જાય તેવી સંભાવનાં છે. જે પાઈપલાઈનમાં વેપારો છે તેની જ નિકાસ થઈ રહી છે. ક્રૂડતેલ ઘટતા માંગ ઘટી છે, જેને કારણે ચાલુ વર્ષે સરેરાશ ગવારગમની નિકાસ ૫ લાખ ટન કે તેનાંથી પણ ઓછી થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અપેડાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગવારગમની કુલ ૩.૮૫ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૨.૭૬ લાખ ટન થઈ હતી. ઓક્ટોબરથી ડિસેમ્બરનાં ગાળામાં કુલ બીજી ૮૦ હજારથી એક લાખ ટન વચ્ચે નિકાસ થઈ હોવાનો ટ્રેડરોનો અંદાજ છે.
ગવારગસીડનાં જાન્યુ. વાયદામાં ઈન્ટ્રા ડે રૃા. ૧૬૦ ઘટીને રૃા.૪૪૪૬નાં ભાવ હતાં. ગવારગમનાં જાન્યુઆરી વાયદામાં ઈન્ટ્રા ડે રૃા.૪૮૦ ઘટીને રૃા.૧૧,૬૫૦ રહ્યાં હતાં.
ગંગાનગર-રાજસ્થાનનાં ગવારનાં એક અગ્રણી ટ્રેડરે કહ્યું કે ગવારમાં હવે હાજરમાં મંદી લાગતી નથી. દેશમાં ૧.૬૦ કરોડ ગુણીનાં પાક સામે ૯૫ લાખ ગુણી બજારમાં આવી ગઈ હોવાનો અંદાજ છે. જે બાકીનો માલ બચ્યો છે તેમાંથી ૧૫ ટકા આવક છેક નવી સિઝન સુધી આવશે નહીં. બાકી રહેલો માલ આખું વર્ષ ધીમી ગતિએ આવતો જશે. વળી હરિયાણાનાં સ્ટોકિસ્ટોએ રૃા.૫૫૦૦નાં ભાવથી પણ ગવાર ખરીદો છે, જે ગવાર હવે બજારમાં આવશે નહીં. રાજસ્થાનમાં ચાલુ વર્ષે સ્ટોક ઓછો છે.રાજસ્થાનમાં હનુમાનગઢ-ગંગાનગરમાં ૭૫ ટકા આવકો સંપન્ન થઈ ચૂકી છે. બીજી તરફ ગવારમાં ખેડૂતોની મજબૂત પક્કડ છે, જેને કારણે બજારમાં વર્તમાન ભાવથી મોટી મંદી લાગતી નથી.

તેમણે ક્રૂડની અસર વિશે કહ્યું કે ક્રૂડ ઘટી રહ્યું હોવાથી સેન્ટીમેન્ટ  ખરાબ થઈ રહ્યુ છે. ક્રૂડતેલનાં ભાવને ગવાર સાથે સીધો કોઈ સંબંધ નથી. ક્રૂડનું ઉત્પાદન તો વધી જ રહ્યું છે, પરિણામે ગવારગમની માંગ પણ ઘટતી નથી. ભાવ ઘટી રહ્યાં હોવાથી બજારનું સેન્ટમેન્ટ બગડી રહ્યું છે. આગામી પંદર દિવસ જો ગવારગમનાં નિકાસ સોદા થાય તો બજારને ટેકો મળશે અને જો સોદા ન થાય તો બજાર સ્થિર રહી શકે છે.
(Date. 6 Jan.2015)

19 December 2014

Guargum export Rise 38% and Hps Groundnut Export Rise 33%

દેશમાંથી સાત માસમાં ગવારગમની ૩૮ ટકા અને સિંગદાણાની ૩૩ ટકા નિકાસ વધી

એપ્રિલથી ઓક્ટોબરમાં ગવારગમની ૪.૬૧ લાખ ટનની નિકાસ થઈ
દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ  સાત મહિનામાં ગવારગમ અને સિંગદાણાની નિકાસમાં મોટો વધારો જોવા મળ્યો છે. અપેડા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગવારગમની નિકાસ ૩૮ ટકા અને એચપીએસ સિંગદાણાની નિકાસમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.
દેશમાંથી એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન ગવારગમની કુલ ૪.૬૧ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૩.૩૩ લાખ ટનની નિકાસ થઈ હતી. નવેમ્બર મહિનામાં નિકાસનાં આંકડાઓ હજુ આવ્યાં નથી, પરંતુ સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછી નિકાસથાય તેવો અંદાજ છે. ગત વર્ષે નવેમ્બરમાં ૭૦ હજાર ટન ગવારગમની નિકાસ થઈ હતી.
એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન એચપીએસ સિંગદાણાની નિકાસ કુલ ૨.૮૧ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૨.૧૧ લાખ ટનની થઈ હતી. આમ તેમાં ૩૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. સિંગદાણાની નિકાસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ગત વર્ષની તુલનાએ વધે તેવી શક્યતા છે.

05 August 2014

Guar Sowing Rise in Rajsthan.. Price Dowen

રાજસ્થાનમાં ગવારનું વાવેતર ૪૦ ટકા વધ્યું ઃ વાયદામાં મંદીની સર્કિટો ઉપર સર્કિટ
-પાંચ દિવસમાં ગવાર વાયદામાં ભાવ ૧૫ ટકા સુધી તુટ્યાં ઃ ભાવ હજુ ઘટવાની સંભાવનાં


દેશમાં ગવારનાં સૌથી મોટા ઉત્પાદક રાજ્ય રાજસ્થાનમાં ગવારનું વાવેતર અત્યાર સુધીમાં ૪૦ ટકા વધી ગયું છે. ગવારનાં વાવેતરમાં વધારાને પગલે વાયદામાં આજે પણ મંદીની સર્કિટ લાગી હતી. એનાલિસ્ટોનાં મતે ભાવમાં હજુ પણ સુધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
રાજસ્થાન સરકારનાં કૃષિ વિભાગનાં આંકડાઓ પ્રમાણે રાજસ્થાનમાં ૩૧મી જુલાઈ સુધીમાં ગવારનું કુલ ૧૯.૦૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૧૩.૫૫ લાખ હેકટરમાં થયું હતું. ગવારમાં વાવેતર ઘટવાની વાતો કરનારા હવે વાવેતર વધે તેવી શક્યતા પણ વ્યક્ત કરી રહ્યાં છે.
વાવેતરનાં સારા અહેવાલને પગલે છેલ્લાં પાંચ દિવસથી ગવારગમ અને ગવારસીડનાં વાયદામાં ભાવ તુટી રહ્યાં છે અને એક પછી એક મંદીની સર્કિટો લાગી રહી છે. ગવારગમનાં ભાવ પાંચ ટ્રેડિંગ સેશનમાં ૧૧ ટકા અને ગવારસીડનાં ભાવ ૧૪ ટકાથી વધુ ઘટી ગયાં છે. ઈન્ટ્રાડે સોમવારે ગમ વાયદો રૃા.૧૩૬૨૦ અને ગવારસીડ વાયદો રૃા.૫૦૫૪ સુધી પહોંચ્યો હતો.
રેલિગેર કોમોડિટીનાં એનાલિસ્ટ અજિતેશ મલીકનું કહેવું છે કે રાજસ્થાનમાં સારા વરસાદથી વાવેતર વધ્યું છે. જેને કારણે ભાવ તુટી રહ્યાં છે. ગવારસીડનાં ભાવમાં હાલનાં લેવલથી હજુ રૃા.૫૦૦નો ઘટાડો થઈ શકે છે. ઓગસ્ટ વાયદામાં રૃા.૪૫૦૦ સુધીનાં ભાવ જોવાશે. ખેડૂતો પાસે ગત વર્ષનો સ્ટોક પણ મોટો છે, જેને કારણે ભાવ વધુ ઘટી રહ્યાં છે. તેમનાં મતે ગવારસીડમાં રૃા.૪૦૦૦થી નીચેનાં ભાવ જોવા મળે તેવી શક્યતા નથી અને લાંબાગાળે ઉપરમાં રૃા.૫૫૦૦-૬૦૦૦નાં ભાવ પણ જોવા મળ શકે છે.
ગવારનાં સ્ટોક અને ઉત્પાદનનાં ગણીત અંગે ગવાર ક્ષેત્ર સાથે સંકળાયેલાનું અનુમાન જુદા-જુદાં છે. ગત સિઝનમાં ગવારનું ઉત્પાદન ૩ કરોડ ગુણી હોવાનો અંદાજ છે અને અત્યાર સુધીમાં એટલે કે સિઝનનાં નવ મહિના સુધીમાં ૧.૭૫થી ૨ કરોડ ગુણી આવક થઈ હોવાનો અંદાજ છે. સ્ટોક અંગે ઓલ ઈન્ડિયા ગવારગમ મેન્યુફેકચરિંગ એસોસિયેશનનાં પ્રમુખ પુરષોતમ હીસારીયાનું માનવું છે કે હજુ એક કરોડ ગુણીનો સ્ટોક હોવાનો અંદાજ છે. જ્યારે ગુજરાતનાં ડીસા બાજુનાં એક મીલ માલીક કહે છે કે ૬૦થી ૭૦ લાખ ગુણીનો સ્ટોક હોવાનો અંદાજ છે. નવી સિઝન પહેલી ઓક્ટોબરથી ચાલુ થાય ત્યારે કેરીફોરવર્ડ  સ્ટોક ૬થી ૧૦ લાખ ગુણીનો રહે તેવો વેપારીઓનો અંદાજ છે.



13 December 2013

Guargum Price Dowen

ગવારમાં મંદીની સર્કિટ  નવેમ્બરમાં ગમની
 નિકાસ ઓક્ટો. કરતા ૪૫ ટકા વધી
ગવારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેે છેલ્લા એક સપ્તાહમાં ભાવ સરેરાશ ૭ થી ૮ ટકા જેટલા તુટી ગયા છે. દેશમાં ગવારના જંગી ઉત્પાદનના અંદાજે બજારો ઘટી રહ્યાં છે, પરંતુ બીજી તરફ ગવારગમ પ્રોડક્ટની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગવાર ગમની નવેમ્બર મહિનાની નિકાસ આગલા મહિના કરતા ૪૫ ટકા જેટલી વધી છે.
ગવાર ગમની નિકાસ વધવા અંગે ગુજરાતની ટોચના ગમ ઉત્પાદક રામા ઈન્ડસ્ટ્રીઝના માલિક બાબુભાઈ શાહે જણાવ્યું હતું કે, અમેરિકા, જાપાન અને ચીનની ખૂબ જ સારી નિકાસ માગ છે, જેને કારણે નિકાસ વધી રહી છે. ચીનની ગવાર દાળની ખૂબ માગ છે, ત્યાં પાઉડર પ્લાન્ટો વધ્યાં હોવાથી તેની માગ વધી છે. બીજી મહત્તવની વાત એ છે કે સામાન્ય રીતે દર વર્ષે આ સમયે ૧૦ થી ૨૦ હજાર ટન ગવાર ગમનો સ્ટોક પડ્યો હોય છે, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં એક પણ ટન ગમનો સ્ટોક પડ્યો નથી. પરિણામે આગામી દિવસોમાં સ્ટોકિસ્ટોની માગ પણ નીકળી શકે છે.
નિકાસના આંકડાઓ જોઈએ તો ગત વર્ષ ઓક્ટોબર-નવેમ્બરની તુલનાએ આ વર્ષે આ બંને મહિનામાં ગમ પ્રોડક્ટની નિકાસ બમણાંથી પણ વધારો થઈ છે જેને કારણે અત્યારે સ્ટોક નીલ છે. બાબુભાઈ ભાવ વિશે કહ્યું કે, ગવાર ગમમાં પ્રતિ કિલો રૃા.૧૨૫થી નીચે મંદી દેખાતી નથી.
જયપૂરની કોન્ફરન્સ બાદ ગવાર અને ગમમાં એકધારી મંદી જોવા મળી રહી છે. ઊંચા પાકના આંકડાઓને કારણે બજારો નરમ છે. ગમ વાયદો છેલ્લા એક સપ્તાહમાં રૃા.૧૩૮૯૦થી ઘટીને આજે રૃા.૧૩૭૩૦ હતો, જ્યારે ગવારસીડના ભાવ રૃા.૪૯૫૦થી ઘટીને રૃા.૪૫૫૦નાં હતાં.
 જોધપૂર સ્થિત જે.ડી.ઈન્ડસ્ટ્રીઝનાં રતનલાલે જણાવ્યું હતું કે, ગવારગમમાં રૃા.૧૨૫-૧૨૭ની નીચે મંદી દેખાતી નથી અને ઉપરમાં રૃા.૧૫૦-૧૫૨થી વધુ તેજી દેખાતી નથી. સામે પ્લાન્ટોની માગ પણ સારી છે.
કોટક કોમોડિટીના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગવારગમનો વાયદો રૃા.૨૨,૪૦૦ની સપાટીથી સળંગ ઘટી રહ્યો છે. તાજેતરમાં રૃા.૧૩૧૨૦ની સપાટી તુટતા હવે મંદી વધુ ઘેરી બનવાના સંજોગો દેખાય છે. વાયદામાં વેચાણ કરવાની સલાહ છે. રોકાણકારોએ રૃા.૧૩૭૯૦ સુધીના ભાવથી વેચાણ કરવું અને રૃા.૧૩૯૯૦ના સ્ટોપલોસ સાથે રૃા.૧૧૯૫૦નો ટાર્ગેટ રાખવો.

ગવાર ગમ પ્રોડક્ટની નિકાસ
મહિનો          ૨૦૧૨          ૨૦૧૩
એપ્રિલ              ૪૮,૮૮૩          ૫૧,૧૮૨
મે                     ૪૯,૦૧૩          ૫૮,૨૭૦
જૂન                  ૪૧,૮૭૦          ૫૮,૫૫૦
જુલાઈ              ૨૭,૮૩૨          ૪૫,૦૭૩
ઓગસ્ટ             ૩૩,૧૫૭          ૫૩,૯૭૩
સપ્ટેમ્બર            ૨૬,૭૫૨          ૨૫,૦૫૪
ઓક્ટોબર           ૧૮,૦૩૪          ૩૩,૭૦૦
નવેમ્બર             ૧૭,૧૭૨          ૪૮,૭૧૩
કુલ નિકાસ      ૨,૬૨,૭૧૩    ૩,૭૪,૫૧૧

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...