21 September 2020

સરકારે રવી સિઝન-૨૦૨૦-૨૧ માટે કઈ કોમોડિટીનાં કેટલા ટેકાનાં ભાવ કેટલા વધાર્યાં?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકારે આગામી રવિ સિઝન-શિયાળુ પાકોની સિઝનને ધ્યાનમાં રાખીને લઘુત્તમ ટેકાનાં ભાવની આજે જાહેરાત કરી હતી. તાજેતરમા કૃષિ બિલોનાં વિરોધનો ટાળવા માટે સરકારે પહેલી વાર સપ્ટેમ્બર મહિનામાં એટલે કે હજી શિયાળુ પાકોનું વાવેતર શરૂ થાય એ પહેલા જ જાહેર કર્યાં છે. સરકારે ચણાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫ અને મસૂરમાં રૂ.૩૦૦નો વધારો કર્યો હતો. જ્યારે રાયડાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫નો વધારો કર્યો છે. જ્યારે ઘઉંનાં ટેકાનાં ભાવમાં રૂ.૫૦નો વધારો કરીને રૂ.૧૯૭૫ પ્રતિ ક્વિન્ટલ કર્યાં છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે આ પાકોની ઉત્પાદન પડતર કરતાં ટેકાનાં ભાવ ૫૦થી ૧૦૬ ટકા જેટલા વધારે છે.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫ બાદ પહેલીવાર ઘઉનાં ભાવ સૌથી ઓછા રૂ.૫૦ જ વધાર્યાં છે. ગત વર્ષે રૂ.૮૫ અને એ અગાઉ રૂ.૧૦૦થી વધુનો જ વધારો કર્યો હતો. દેશમાં ઘઉંનો જંગી સ્ટોક હોવાથી સરકારે ઘઉંનાં ભાવ ઓછા વધાર્યાં છે.

બીજી તરફ કઠોળ પાકો અને ખાસ કરીને મસૂરની અછત હોવાથી તેનું ઉત્પાદન વધે એ માટે તેનાં ટેકાનાં ભાવમાં સૌથી વધુ વધારો કર્યો છે. તેલીબિયાં પાક રાયડાનું ઉત્પાદન વધે અને ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટે એ હેતુંથી સરકારે તેનાં ટેકાનાં ભાવ પણ રૂ.૨૨૫ વધાર્યાં છે. જ્યારે જવમાં રૂ.૭૫ અને કુસુમમાં રૂ.૧૧૨નો વધારો કર્યો છે.

(લખ્યા તા.૨૧ સપ્ટે.૨૦૨૦)


 

03 September 2020

અધધ.. ગુજરાતનો મગફળીનાં પાકનો સરકારી અંદાજ આટલો બધો..

દિપક મહેતાઃ ગુજરાતી વાર્તા રિંગણા લઉં બે-ચારની જેમ ગુજરાતના કૃષિ વિભાગે તા.૨ સપ્ટેમ્બરનાંરોજ ચાલુ ખરીફ સિઝનનાં ઉત્પાદનના અંદાજો કોઈને ગળે ન ઉતરે એવા ઊંચા મુક્યાં છે. ખાસ કરીને મગફળીનાં પાકનો અંદાજ સાંભળીને ખેડૂત હોય કે વેપારી તમામને ચક્કર આવી જાય તેમ છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનાં પાકનું ખેતર
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે (વર્ષ ૨૦૨૦ ખરીફ સિઝન) અધધ.. ૫૪.૬૫ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો
છે, જે ગત વર્ષની તુલનાએ ૨૧ ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વર્ષે મગફળીમા પ્રતિ હેકટર ૨૬૩૭ કિલોનો ઉતારો ગણીને આ અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષનાં ચોથા આગોતરા અંદાજ પ્રમાણે ૨૭૬૪ કિલોનો ઉતારો કરીને કુલ ઉત્પાદન ૪૫.૦૩ લાખ ટનનું મુક્યુ હતું. રાજ્યમાં મગફળીનું વાવેતર ૩૩ ટકા વધીને ૨૦.૭૩ લાખ હેકટરમાં થયું છે, પંરતુ ભારે વરસાદથી પાકને નુકસાન થત્તા ઉતારા ઘટી ગયાં છે. વેપારીઓનાં અંદાજો પ્રમાણે મગફળીનુ ઉત્પાદન ૩૪થી ૩૮ લાખ ટન વચ્ચે થાય તેવો પ્રાથમીક અં
દાજ આવી રહ્યો છે.

ગુજરાત સરકારે શેખચલ્લીની વાર્તાની જેમ બીજા ખરીફ પાકોનાં અંદાજો પણ મૂક્યાં છે. રાજ્યમાં એરંડા તો હજી વવાય રહ્યા છે, પંરતુ સરકાર કહે છેકે નવી સિઝનમાં એરંડાનો પાક ૧૪.૭૪ લાખ ટન થશે, જે ગત વર્ષની તુલનાએ  ત્રણ ટકાનો વધારો બતાવે છે. સરકારે ૬.૪૨ લાખ હેકટરમાં વાવેતર થશે તેવું માનીને આ અંદાજ મૂક્યો છે.

રાજ્યમાં કઠોળ પાકોનાં વાવેતરમાં મોટો વધારો થયો હોવાથી સરકારે તમામ કઠોળનાં ઉત્પાદનનાં અંદાજો પણ ઊંચા મૂક્યા છે. સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે માત્ર જુવારનું ઉત્પાદન નવ ટકા ઘટવાનો અંદાજ છે. જ્યારે કપાસનાં ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો થઈને ૮૨.૩૯ લાખ ગાસંડી થાય તેવી ધારણાં છે. ગવારસીડનું ઉત્પાદન પણ ગત વર્ષની તુલનાએ ૧૫ ટકા ઘટીને ૯૨ હજાર ટન થવાનો અંદાજ મૂક્યો છે.

વર્ષ ૨૦૨૨માં બમણી આવકનાં લક્ષ્યાંક સિદ્ધ કરવા અંદાજો વધાર્યાં?

કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આવી સ્થિતિમાં ખેડૂત નેતાઓ કે વેપારીઓ કહે છેકે સરકારને ચોપડે ખેડૂતોની આવક બમણી બતાવવી હશે એટલે જે મગફળી કે બીજા પાકોના આટલા ઉંચા અંદાજો મૂક્યાં હતાં. સરકાર પાક વીમો કે નુકસાનીનું વળતર આપતી નથી અને ઊંચા અંદાજો આપીને ખેડૂતોની આવક ચોપડે જ વધારી રહી છે.

સરકાર મગફળીનાં અંદાજ મુજબ ૧૩.૬૬ લાખ ટન ટેકાનાં ભાવથી ખરીદશે?

કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે મગફળીનાં પાકનાં ઉત્પાદનનાં અંદાજનાં ૨૫ ટકા મગફળી ટેકાના ભાવથી ફરજિયાત ખરીદવાની હોય છે, જે મુજબ રાજ્યમાં સરકારે ૫૪.૬૫ લાખ ટનનો અંદાજ મૂક્યો છે અને તેનાં ૨૫ ટકા ગણીએ તો ૧૩.૬૬ લાખ ટન મગફળી થાય છે. તો શું ખરેખર રાજ્ય સરકાર આ વર્ષે ૧૩.૬૬ લાખ ટન મગફળી ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવ રૂ.૧૦૫૫થી ખરીદશે ખરી? જોકે રાજ્યનાં નેતાઓ તો ગુજરાતનાં ખેડૂતોની તમામ મગફળી ટેકાનાં ભાવથી ખરીદાશે તેવી જાહેરાતો કરી રહ્યાં છે.

( જો આપ ખેડૂત કે વેપારી હોય અને મગફળીનાં પાક સાથે સંકળાયેલા હોય તો તમારા મતે કેટલો પાક થઈ શકે છે, જે લેખની નીચે કોમેન્ટમાં લખવા વિનંતી.)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...