26 August 2020

ગુજરાતમાંથી મગફળીની વિક્રમી સરકારી ખરીદીનો અંદાજ: ૨૫ ટકા ખરીદીની મર્યાદા દૂર કરવા વિચારણાં

દિપક મહેતાઃ ગુજરાતમાં મગફળીનાં બમ્પર વાવેતરને પગલે આ વર્ષે ઉત્પાદન પણ વિક્રમી થવાનો અંદાજ છે, જેને પગલે નવી સિઝનમાં સરકારી ખરીદી કેટલી થશે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. આવી સ્થિતિમાં સરકારી સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાંથી આ વર્ષે મગફળીની વિક્રમી ખરીદી થાય તેવી સંભાવનાં રહેલી છે.

મગફળીના ખેતરમાં ઊભા ઉના તાલુકાના ભડિયાદર ગામે વિજાણંદભાઇ
ગાંધીનગર ખાતે તાજેતરમાં એક ઉચ્ચ અધિકારીઓની વિવિધ સહકારી સંસ્થાઓ સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતમાંથી આ વર્ષે વિક્રમી ખરીદી કરવાનું નક્કી થયુ છે. ચાલુ વર્ષે મગફળીની ટેકાનાં ભાવથી ખરીદીની કામગિરી ગુજકોમાસોલ, બનાસ ડેરી, સાબર ડેરી અને પૂરવઠા નિગમને સોંપવામાં આવશે. આ ચારેય એજન્સીઓનાં અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ હતી. સુત્રોનાં કહેવા પ્રમાણે મોટા ભાગની ખરીદી ગુજકોમાસોલનાં ભાગે જ આવે તેવી સંભાવનાં છે.

કેન્દ્ર સરકારનાં નિયમ પ્રમાણે ગુજરાત સરકાર ઉત્પાદનનો જે અંદાજ મુકે તેનાં ૨૫ ટકા ખરીદી વધુમાં વધુ થત્તી હોય છે, પરંતુ આ વર્ષે આ ખરીદીની મર્યાદા દૂર કરવા માટે ગુજરાતનાં સહકારી નેતાઓએ કેન્દ્રમાં રજૂઆત કરી છે. કેન્દ્રમાં વડાપ્રધાન અને કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલા પણ ગુજરાતનાં જ છે અને ગુજરાતનાં મુખ્યમંત્રી જોર લગાવે અને ઈચ્છાશક્તિ ધરાવે તો ખેડૂતોની તમામ મગફળીની ખરીદી કરવાની મંજૂરી મળી શકે તેમ છે. જો આ નિયમને મંજૂરી ન મળે તો ગુજરાતમાંથી ૧૦થી ૧૨ લાખ ટનની ખરીદી થાય તેવો અંદાજ છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ થશે. મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ.૧૦૧૮થી વધીને રૂ.૧૦૫૫ થયા હોવાથી ખેડૂતોની નજર પણ સરકારી ખરીદી ઉપર જ છે.

ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૭માં ૮.૨૦ લાખ ટન, ૨૦૧૮માં ચાર લાખ ટન અને ૨૦૧૯માં ૫.૨૦ લાખ ટન જેવી મગફળીની ખરીદી થઈ હતી, જે આ વર્ષે વધીને ૧૦ લાખ ટન ઉપર પહોંચે તેવી સંભાવનાં છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીના પાકનો અંદાજ ૩૮ લાખ ટનથી લઈને ૪૫ લાખ ટન સુધીનાં આવી રહ્યાં છે.. જે રીતે મદ્યપ્રદેશમાંથી સરકારે ઘઉં-ચણાની અમર્યાદીત ખરીદી અને તેલંગણામાંથી કપાસની ખરીદી થઈ છે, એ રીતે ગુજરાતમાં મગફળીનો પાક મોટો છે તો વિજય રૂપાણીની સરકાર ધારે તો ખેડૂતો પાસેથી તમામ મગફળીની ખરીદી કરી શકે છે.

ગુજરાતમાંથી ગમે તેટલી મગફળી ખરીદીને પિલાણ કરવાની તૈયારીઃ દિલીપ સંઘાણી

ગુજરાતનાં પૂર્વ કૃષિ મંત્રી અને હાલ ગુજકોમાસોલનાં ચેરમેન અને અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા નેતા દિલીપ સંઘાણીએ દિલ્હીથી ટેલિફોનિક વાતચીતમાં ‘કોમોડિટી વર્લ્ડ’ને જણાવ્યું હતુ કે ગુજરાતમાં મબલખ પાક થવાનો છે ત્યારે ખેડૂતોની ચિંતા કરીને અમે કૃષિ મંત્રી સાથે વાત કરીને ગુજરાતમાં મગફળીનો જેટલો પાક થાય એ બધો જ ખરીદી લેવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ઉત્પાદનનાં ૨૫ ટકા ખરીદીની મર્યાદા છે તેને દુર કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

બીજી અમે એ રજૂઆત કરી છે કે આ વર્ષે ગુજરાતમાંથી જેટલી મગફળી ખરીદવામાં આવે તેને તુરંત પિલાણ કરી દેવામાં આવે, જેથી તેનો સંગ્રહ કરવાની ચીંતા ન રહે અને આપણે દર વર્ષે રૂ.૭૦ હજાર કરોડ ઉપરની રકમનું તેલ આયાત કરીએ છીએ તેમાં પણ ઘટાડો થશે. સરકાર મંજૂરી આપે તો ગુજકોમાસોલ ગમે તેટલા ગોડાઉન ભાડે રાખીને પણ મગફળીની ખરીદી કરવા માટે તૈયાર છે.

ગાંધીનગર મગફળીની ખરીદી માટે થયેલી બેઠકની વાત વિશે દિલીપભાઈ કહે છેકે સરકાર ચારેય સંસ્થાઓને ખરીદીની કામગિરી સોંપશે, પંરતુ પૂરવઠા નિગમ કે બનાસ ડેરી કહેશે તો ગુજકોમાસોલ તેનાં ભાગની ખરીદી કરવા પણ તૈયાર છે. મગફળીની ખરીદી કરીને તેને સોમા હસ્તક તેને પિલાણ કરવાની પણ અમે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકાર ૫૦ લાખ ટન આસપાસનો અંદાજ મુકી શકે

ગુજરાતમાં મગફળીનાં બમ્પર વાવેતરને પગલે પાકનાં અંદાજો જુદા-જુદાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારનાં અંદાજ ઉપર પણ સૌની નજર છે. ગાંધીનગર સ્થિત સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે રાજ્ય સરકારનો પહેલો આગોતરો અંદાજ તૈયાર થઈ ગયો છે, પંરતુ સત્તાવાર રીતે હજી જાહેર કરાયો નથી. એકાદ સપ્તાહમાં આ અંદાજ જાહેર થશે. સુત્રો કહે છેકે હાલ કૃષિ વિભાગની ટીમ દ્વારા ૫૦થી બાવન લાખ ટન આસપાસનો અંદાજ તૈયાર કરાયો છે, પંરતુ સરકાર જે નક્કી કરે તે ફાઈનલ થશે.

રાજ્ય સરકારનાં અંદાજો હંમેશા ખૂબ જ ઊંચા અને અકલપ્નીય હોય છે અને કોઈ કાળે તેટલું ઉત્પાદન થાય તેમ નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારનાં ઊંચા અંદાજોથી ખેડૂતોને નુકસાન જાય છે.વેપારીઓ કહે છે આ અંદાજો માત્ર સરકારી ખરીદી કરવાની ગણતરી માટે જ ફાયદાકાર છે, કેમ કે જો ૫૦ લાખ ટનનો અંદાજ આવે તો ૧૨.૫ લાખ ટનની ખરીદી સરકાર ટેકાનાં ભાવથી કરશે.

મગફળીનાં ૪૦-૪૫ લાખ ટનનાં અંદાજો ખોટાઃ સમીરભાઈ શાહ

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)નાં પ્રમુખ સમીરભાઈ શાહે ‘કોમોડિટી વર્લ્ડ’ ને જણાવ્યું હતું કે મગફળીનાં પાકનો સાચો અંદાજ લગાવવો હજી વહેલો ગણાશે. ભારે વરસાદથી નુકસાન પણ થયું છે. બજારમાં ૪૦થી ૪૫ લાખ ટનનાં અંદાજો ફરી રહ્યાં છે, જે વધુ પડતા છે અને એટલું ઉત્પાદન થાય તેવા કોઈ સંજોગો નથી. ગત વર્ષે મગફળીનાં પાકમાં ઉતારા આવ્યાં હતા એ અસામાન્ય સંજોગો હતા અને આ વર્ષે એટલા ઉતારા આવે તેવા કોઈ સંજોગો નથી. ગત વર્ષની અને આ વર્ષની સ્થિતિ જુદી છે. સરકાર સીંગતેલનો વપરાશ વધે તેવા પ્રયાસ કરે અને સીંગદાણા ઉપર નિકાસ પ્રોત્સાહનો આપે તો મગફળીનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ જરૂર મળી શકે તેમ છે.


(પ્રથમ  તસ્વીર સૌજન્યઃ રમેશ ભોરણિયા)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...