12 July 2020

અમૂલનો ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશઃ દેશને ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનાવશે?


દિપક મહેતાઃ વિશ્વમાં સહકારી મોડલ અને શ્વેતક્રાંતિ માટે જાણીતા અમૂલ બ્રાન્ડે તાજેતરમાં ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને સમગ્ર ખાદ્યતેલ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચાઓ થવા માંડી છે કે દુધની જેમ ખાદ્યતેલ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બનશે. ભારતમાં હાલ ક્રૂડતેલ પછી સૌથી વધુ વિદેશી હુડિંયામણ ખાદ્યતેલની આયાત પાછળ વપરાય છે અને આપણી જરૂરિયાતનાં ૭૦ ટકા ખાદ્યતેલ આપણે આયાત કરીએ છીએ. દેશ અનાજ-કઠોળ સહિત બીજી અનેક ખાદ્યચીજોમાં આત્મનિર્ભર બન્યો છે, પરંતુ ખાદ્યતેલમાં હજી આત્મનિર્ભર બની શક્યો નથી. દેશમાં એક તરફ તેલીબિયાં ઊગાડતા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને બીજી તરફ આપણે મલેશિયા કે ઈન્ડોનેશિયા જેવા પામતેલનાં સૌથી મોટા ઉત્પાદક દેશનાં ખેડૂતોને લાખોપતિ બનાવી દીધા છે ત્યારે અમૂલનાં પ્રવેશથી ભારતને ચોક્કસ આ દીશામાં આત્મનિર્ભર બનાવે તેવી આશાઓ જાગે, પરંતુ એ પૂર્વે દેશનું ખાદ્યતેલ બજાર અને અમૂલનાં ખાદ્યતેલ ક્ષેત્રનાં પ્રવેશ વિશે વિગતે ચર્ચા કરીએ...

અમૂલે સીંગતેલ સહિતનાં પાંચ પ્રકારનાં ખાદ્યતેલ લોન્ચ કર્યાં
ગુજરાતની તમામ ડેરીઓનાં સંયુક્ત સંગઠન અને ૩૬ લાખ દુધ ઉત્પાદકો જેમાં જોડાયેલા છે એવા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે તેની દુધ સહિતની તમામ પ્રોડક્ટ અમૂલનાં બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે એ અમૂલે ૯મી જુલાઈ,૨૦૨૦નાં રોજ પાંચ પ્રકારનાં ખાદ્યતેલ લોન્ચ કર્યાં છે. અમૂલે જન્મય બ્રાન્ડનાં નેજા હેઠળ સીંગતેલ, કપાસિયા તેલ, સોયાતેલ, સનફ્લાવર તેલ અને રાયડા તેલ ૧ લીટર પાઉંચ, પાંચ લીટર જાર અને ૧૫ કીલો ટીન-ડબ્બા પેકિંગમાં લોન્ચ કર્યાં છે. હાલ આ ખાદ્યતેલ માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ મળશે.
લોન્ચિંગ દિવસ તા.૯ જુલાઈ,૨૦૨૦નાં ભાવ
લોન્ચિંગ સમયે અમૂલનાં એમ.ડી. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં તેલીબિયાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ હેતુંથી ખાદ્યતેલ ક્ષેત્રે પર્વેશ કર્યો છે. જન્મય બ્રાંડનો અર્થ થાય છે નવજાત અથવા તાજુ… આ તેલ પાલનપુર ખાતેનાં પ્લાન્ટમાં બનશે.

જાણો આપણે દર વર્ષે કેટલું ખાદ્યતેલ પીએ છીએ...
દેશમાં છેલ્લા અંદાજો પ્રમાણે દર વર્ષે આશરે ૨૩૦ લાખ ટન આસપાસ ખાદ્યતેલનો વપરાશ થાય છે, જેમાંથી ઘરઆંગણે ૭૫થી ૮૦ લાખ ટન ખાદ્યતેલનું ઉત્પાદન થાય છે, જ્યારે બાકીનું ખાદ્યતેલ આપણે આયાત દ્વારા પુરૂ કરીએ છીએ. ખાદ્યતેલનાં સિઝન વર્ષ નવેમ્બર-૨૦૧૮થી ઓક્ટોબર-૨૦૧૦ દરમિયાન ભારતે સીનાં અંદાજ પ્રમાણે કુલ ૧૪૯.૧૩ લાખ ટન ખાદ્યતેલની આયાત કરી હતી. ભારતીય લોકો દર વર્ષે અંદાજે ૧૭ કીલો તેલ પી જાય છે અને આમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેલ-તૈલિબિયાં ક્ષેત્રે આત્મનિર્ભર બનવું જરૂરી છે. ખાદ્યતેલનાં કુલ વપરાશમાં મોટો હિસ્સો આયાતી તેલનો છે. જેમાં પણ ખાસ કરીને પામતેલનો સૌથી વધુ વપરાશ થાય છે, કારણ કે પામતેલ તમામ ખાદ્યતેલમાં સૌથી સસ્તુ છે.

ખાદ્યતેલનાં કુલ વપરાશમાં સીંગતેલ-કપાસિયા તેલનો હિસ્સો
અમૂલે ગુજરાતમાંથી ખાદ્યતેલનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં મોટા ભાગે સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ સમગ્ર દેશમાં સૌથી વધુ થાય છે, પરંતુ દેશનાં કુલ વપરાશમાં આ બંને તેલનો હિસ્સો એકદમ ઓછો છે.
દેશની ખાદ્યતેલની કુલ ૨૩૦ લાખ ટનની જરૂરિયાત છે, જેમાંથી સીંગતેલનો હિસ્સો માત્ર પાંચ લાખ ટન છે. જે સીંગતેલનાં ભાવ વધે ત્યારે આપણે દેકારો બોલાવીએ છીએ, પરંતુ એ સીંગતેલનો  હિસ્સો કુલ ખાદ્યતેલમાં માત્ર બેથી અઢી ટકા જેટલો જ છે. કપાસિયા તેલનો હિસ્સો ૧૨થી ૧૪ લાખ ટનનો છે. આમ તેનો હિસ્સો માત્ર છ ટકા જ રહેલો છે.

અમૂલ સીંગતેલ ઉપર ભાર મૂકે તો ગુજરાતને મોટો ફાયદો
ગુજરાત મગફળીનાં ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ટોચ પર છે અને દેશનાં કુલ ઉત્પાદનમાં ૬૦થી ૭૦ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો છે. ચાલુ વર્ષે એટલે વર્ષ ૨૦૨૦ની ખરીફ સિઝનમાં ગુજરાતમાં મગફળીનું બમ્પર વાવેતર થયું છે અને ઉત્પાદન ઓલટાઈમ હાઈ થવાનો અંદાજ છે ત્યારે જો સીંગતેલનાં વપરાશ ઉપર ભાર મુકાય તો ગુજરાતનાં ખેડૂતોને મોટી રાહત મળશે. એજ રીતે રાયડાતેલ ઉપર પણ ભાર મૂકવો જોઈએ, જેથી રાજસ્થાનનાં ખેડૂતોને ફાયદો થાય. બીજા ખાદ્યતેલની તુલનાએ મગફળી અને રાયડામાંથી તેલ વધારે નીકળે છે અને આરોગ્ય દષ્ટ્રીએ પણ ઉત્તમ છે. રોગપ્રતિકારક શક્તિ પણ મોટા પાયે વધારે છે.

અમૂલનાં પ્રવેશથી સહકારી ક્ષેત્રે સ્પર્ધા વધશે
ગુજરાતમાં સહકારી ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ ધારા સીંગતેલ સહિતનાં ખાદ્યતેલનાં વપરાશકારોમાં જાણીતી છે અને વર્ષો પહેલા લોકો તેનું તેલ વધારે ખરીદતા હતા. એજ રીતે એક-બે વર્ષ પહેલા સહકારી સંસ્થા ગુજકોમાસોલે પણ સીંગતેલ લોન્ચ કર્યું છે. આ સહકારી બ્રાન્ડ વચ્ચે અમૂલનાં આગમનથી સહકારી ક્ષેત્રે ખાદ્યતેલ વેચાણ કરવા માટે હરિફાઈ વધશે અને તેનો ફાયદો વપરાશકારો અને તેલીબિયાં ખેડૂતોને મળી શકશે. હાલ ખાદ્યતેલમાં ભેળસેળ વધી રહી છે ત્યારે સહકારી સંગઠનોનાં ખાદ્યતેલ ઉપર લોકોનો વિશ્વાસ વધે તેવી ધારણાં છે.
અમૂલે સનફ્લાવર કે સોયાબીન તેલની જગ્યાએ મગફળી અને રાયડાનાં ખેડૂતોને પ્રોત્સાહન મળે એ હેતુંથી સીંગતેલ અને રાયડા તેલનાં ઉત્પાદન અને વેચાણ ઉપર વધારે ભાર મુકશે તો ખરેખર ગુજરાત-રાજસ્થાનનાં ખેડૂતોને જેમ સારૂ તેલ ખાવા મળશે તેમ બંને રાજ્યનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળશે.
(લખ્યા તા.૧૨ જુલાઈ,૨૦૨૦)
-લેખ પસંદ પડે તો આપનો અભિપ્રાય  લેખની નીચે કોમેન્ટમાં  લખવા વિનંતી. મો.9374548215

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...