Showing posts with label Steel. Show all posts
Showing posts with label Steel. Show all posts

21 January 2015

Steel Import From Russia

રૃબલ તુટતા ચીન બાદ હવે રશિયાથી સ્ટીલની જંગી આયાતની સંભાવનાં
-સ્થાનિક સ્ટીલ કંપનીઓને મોટો ફટકો પડવાની સંભાવનાં
ભારતીય  સ્ટીલ કંપનીઓ ચીનની સસ્તા સ્ટીલની આયાત અટકાવવા સામે લડી રહી છે ત્યારે રશિયાની કરન્સી રૃબલ ડોલર સામે નબળી પડતાં હવે ચીનને બદલે રશિયાથી પણ મોટા પ્રમાણમાં સસ્તી સ્ટીલની આયાત થાય તેવી સંભાવનાં છે. તાજેતરમાં આ માટે ભારતીય સ્ટીલ વપરાશકારોએ રશિયા સાથે સોદા પણ કર્યાં છે.
નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડિયાનાં અભિયાને સાકાર કરવા માટે ટાટા સ્ટીલ, સેઈલ અને જેએસડબલ્યુ જેવી મોટી સ્ટીલ કંપનીઓ ઉત્પાદન વધારવા માટે આયોજન ઘડી રહી છે ત્યારે ભારતીય સ્ટીલ બાયરો સ્થાનિકને બદલે રશિયા તરફ વળ્યાં છે. રશિયાની કરન્સી રૃબલમાં ડોલર સામે ૪૯ ટકાનો ઘટાડો થયો હોવાથી રશિયાથી સ્ટીલની નિકાસ સસ્તી થઈ ગઈ છે.
વિશ્વમાં મિડલ ઈસ્ટનાં દેશો પણ રશિયા તરફ વળ્યાં છે અને ચીનને બદલે રશિયા સાથે હરિફાઈ વધી છે. રશિયા વિશ્વમાં પાંચમાં નંબરનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે.
મુંબઈ સ્થિતિ સ્ટીલએનાલિસ્ટ.કોમનાં સ્થાપક નીરજ શાહે જણાવ્યું હતું કે રશિયન કંપનીઓ ભારતીયોને હોટ રોલ્ડ સ્ટીલ ઉપર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે અને સરેરાશ ૫૫૦થી ૬૦૦ ડોલર પ્રતિ ટનનાં ભાવ ઓફર કરે છે. રશિયન કંપનીઓએ ભારત સાથે સોદા પણ કર્યાં છે અને ફેબ્રુઆરી મહિનામાં આ સોદાની ડિલીવરી થશે.

રશિયાથી આગામી દિવસોમાં ભારતમાં સ્ટીલની આયાત વધશે તો ભારતીય સ્ટીલ કંપનીઓને પણ ભાવ ઘટાડવાની સાથે ઉત્પાદનમાં કાપ મૂકવા ઉપર ફરજ પડે તેવી સંભાવનાં જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. ભારતીય સ્ટીલ બજારમાં ચાલુ મહિને સરેરાશ મોટા ભાગની કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યાં હતાં, પરંતુ ફેબ્રુઆરીમાં ભાવ ઘટાડે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.
(Date 13 Jan.2015)

08 January 2015

China withdraws rebate on TMT bars

સ્ટીલ ઉત્પાદકોને રાહત ઃ ચીને ટીએમટી સ્ટીલ ઉપર નિકાસ વળતર બંધ કર્યું
દેશમાં છેલ્લા છ મહિનાથી વધી રહેલી આયાતને બ્રેક લાગી શકે
દેશનાં સ્ટીલ ઉત્પાદકોને મોટી રાહત મળી છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ચીનમાંથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી છે અને સ્ટીલ ઉત્પાદકોએ ડ્યૂટી વધારવા માટે પણ અનેક વાર માંગ કરી હતી. આવી સ્થિતિમાં ભારત સરકારે તો રાહત નથી આપી, પરંતુ ચીનની સરકારે ટીએમટી સળિયા સહિતનાં સ્ટીલ ઉપરની નિકાસ ઉપરનું વળતર પાછું ખેંચી લીધું છે.
ચીને પહેલી જાન્યુઆરીથી લાગુ પડે એ રીતે ટીએમટી સળિયા ઉપરનું નવ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે. જ્યારે વાયર રોડ્સ ઉપરથી પણ ૧૩ ટકા નિકાસ વળતર દૂર કર્યું છે.
ચીનમાંથી ટીએમટી સળિયા અને વાયર રોડ્સની છેલ્લા ચારથી છ મહિનામાં મોટા પાયે આયાત થઈ હતી. મહારાષ્ટ્ર-મુંબઈ અને ગુજરાતની બોર્ડર સિલવાસા સુધી પણ ચીનનાં સળિયા પહોંચી ગયાં હતાં. ગુજરાતની પણ એક સ્ટીલ કંપનીએ ચીનથી સ્ટીલ આયાત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ચીનમાં સ્ટીલનાં ભાવ નીચા હતાં અને સાથો સાથ સરકાર નિકાસ વળતર આપતી હોવાથી ભારતમાં મોટા પાયે આયાત થતી હતી. જેમાં હવે ઘટાડો થશે. 
સ્ટીલનાં એક ટ્રેડરે જણાવ્યું હતું કે ચીને નિકાસ રિબેટ પાછું ખેંચતા ગુજરાત સહિત દેશભરનાં ટીએમટી ઉત્પાદકોને રાહત મળી છે. સેઈલ, ટાટા સ્ટીલ જેવી મોટી કંપનીને તેની મોટી અશર થતી હતી. હવેથી સ્ટીલની આયાત ઘટશે, જેનો ફાયદો ભારતીય સ્ટીલ ઉત્પાદકોને થશે. જોકે હાલ સ્ટીલની માગં જ ઓછી હોવાથી ચાલુ મહિને સેકન્ડરી  સ્ટીલ ઉત્પાદકોએ સ્ટીલનાં ભાવમાં રૃા.૫૦૦  સુધીનો ઘટાડો કર્યો છે,પરંતુ હવે મોટો ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

29 December 2014

TMT steel price rise due change of Dia Differnce

ગુજરાતમાં ટીએમટી સ્ટીલમાં કૃત્રિમ તેજીનો તખ્તો તૈયાર

- બે સાઈઝ વચ્ચેનો ભાવ ફરક વધારીને ભાવ વધારો કરવાની તૈયારીમાં
-સ્ટીલનાં ભાવમાં ટને રૃા.૪૦૦થી ૮૦૦નો વધારો થશે

નવો ડાય ડિફરન્સ શું રહેશે?
બેઝ રેટ          ૨૦ એમ.એમ.
+રૃા.૩૦૦૦    ૮એમ.એમ.
+રૃા.૧૫૦૦    ૧૦એમ.એમ.
+રૃા.૮૦૦      ૧૨,૧૬,૨૫
+રૃા.૧૦૦૦    ૨૮,૩૨ એમ.એમ.ક્રૂડતેલ અને આર્યનઓરનાં ભાવમાં ઘટાડો થવાથી સ્ટીલનાં ભાવમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટીલની મંદીને ટાળવા માટે ગુજરાતનાં ટીએમટી સ્ટીલ ઉત્પાદકો ભાવવધારવા માટેનો નવો તખ્તો તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં આડકતરી રીતે વપરાશકારો ઉપર ભાવવધારો કરવામાં આવે તેવી સંભાવનાં છે. નવા ડાય ડિફરન્સનાં માળખાનો પહેલી જાન્યુઆરીથી અમલ કરવાની જાહેરાત ગુજરાત રોલિંગ મિલ એસોસિયેશન દ્વારા  સર્વાનુમતે લેવામાં આવી છે.
સ્ટીલ સાથે સંકળાયનાં એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે ટીએમટી સ્ટીલમાં અત્યારે ગુજરાતની બજારમાં બેઝ ભાવ તરીકે ૨૦ એમ.એમ.ની સાઈઝ નક્કી કરવામાં આવી છે અને તેનાં આધારે અન્ય સાઈઝનાં ભાવ નક્કી થાય છે. વર્તમાન સમયમાં ૨૦ એમએમ અને અન્ય સાઈઝ વચ્ચેનો જે ભાવ ફરક છે તેમાં વધારો કરીને સ્ટીલ ઉત્પાદકો ભાવવધારો કરવાની તૈયારીમાં છે.
ટીએમટી સ્ટીલમાં અત્યારે સરેરાશ ૨૦ એમ.એમ.નાં રૃા.૪૧,૦૦૦ આસપાસનાં ભાવ ચાલી રહ્યાં છે. જેની સામે ૧૨,૧૬ અને ૨૫ એમ.એમ.ની સાઈઝનાં રૃા.૪૦૦ વધારે, ૧૦ અને ૩૨ એમ.એમ.માં રૃા.૧૦૦૦ વધારો અને ૮ એમ.એમ.ની સાઈઝમાં રૃા.૨૨૦૦ જેટલા ઊંચા ભાવ હોય છે. સ્ટીલ ઉત્પાદકો જાન્યુઆરી મહિનાથી ૨૦ એમ.એમ.નાં ભાવ એટલે કે મુળ ભાવ નહીં વધારે, પરંતુ બે સાઈઝ વચ્ચેનો બદલો છે તેમાં વધારો કરવાનું આયોજન ઘડી રહ્યાં છે. બજાર સૂત્રોનું કહેવું છેકે ગુજરાતનાં સ્ટીલ ઉત્પાદકો ૮ એમ.એમ. સાથેનો બદલો રૃા.૩૦૦૦ કરશે અને અન્ય સાઈઝમાં રૃા.૪૦૦થી વધુનો વધારો કરે તેવી સંભાવનાં છે. ટેકનિકલી ઉત્પાદકો ડાય ડિફરન્સ કરીને કમાણી કરવાનો નવો રસ્તો અપનાવી રહ્યાં છે.
સ્ટીલમાં આ ફેરફાર કરવાનું કારણ શું તે અંગે બજાર સૂત્રો કહે છે કે ઉત્પાદકો એવી દલીલ કરી રહ્યાં છે કે તેને નાની સાઈઝ બનાવવામાં પડતર વધારે બેસતી હોવાથી તે બેન્ચમાર્ક  સાઈઝ સામે બદલો વધારી રહ્યાં છે. જ્યારે વપરાશકારો અને ડિલરોનો મત એવો છેકે ઉત્પાદકોને ભાવવધારો જોઈએ, ક્રૂડતેલ અને આર્યનઓર ઘટતા ભાવ ઘટવા જોઈએ એવું માનસ હોવાથી સીધો ભાવવધારો કરવો પોસાય તેમ નથી.
ડાય ડિફરન્સનો અમલ થશે તો ડિલરો અને ઉત્પાદકોને સરવાળે નુકસાની

સ્ટીલ સેકટરનાં એક અગ્રણીનું કહેવું છેકે ગુજરાતની મિલો જો ડાય ડિફરન્સ વધારીને ભાવવધારો કરશે તો રાયપૂર અને જાલનાનાં માલો ગુજરાતમાં આવતા વધી જશે. વળી ડિલરોને છત્તે પાણીએ બીજા રાજ્યનો માલ વાપરવો પડશે. પરિસ્થિતિ એવી થશે કે ૨૦ એમ.એમ. સિવાયનાં માલો માટે ડિલરો મુળ બ્રાન્ડને બદલે બીજા રાજ્યની મિલોનું સ્ટીલ વાપરશે. સરવાળે ડિલરોની માથાકુટ વધશે અને રોલિંગ મિલોને પણ વેચાણમાં નુકસાની જઈ શકે છે. વળી અત્યારે ટાટા જેવી ટોચની બ્રાન્ડમાં પણ ૨૦ એમ.એમ. અને ૮ એમ.એમ.નો બદલો રૃા.૧૬૦૦ છે, જેની સામે સ્થાનિક બદલો પહેલાથી જ ઊંચો છે.
(Date 27 dec.2014)

23 December 2014

Bhavnagar Steel Re-Roling mill close due to Real estate recession

ભાવનગરનાં સ્ટીલ રિ-રોલિંગ મિલો ઉદ્યોગમાં મંદી ઃ ૭૦ ટકા ઉત્પાદન બંધ

-સરકારી પ્રોજેક્ટો બંધ અને રિયેલ એસ્ટેટની મંદીનું પરિણામ

રિયલ એસ્ટેટ સેકટરની મંદીની મોટી અસર સ્ટીલ મિલો ઉપર પણ જોવા મળી છે. ગુજરાતનાં એક માત્ર અલંગ આધારિત ભાવનગર જિલ્લાનાં સ્ટીલ રિ-રોલિંગ મિલ ઉદ્યોગ મંદીમાં ગરકાવ થઈ ગયો છે. સરકારી પ્રોજેક્ટનો અભાવ અને રિયલ એસ્ટેટની સરેરાશ મંદીની અસરથી આ વિસ્તારની ૭૦ ટકા મિલો અત્યારે બંધ પડી છે.
શિહોર રિ-રોલિંગ મિલ એસોસિયેશનનાં પ્રમુખ હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સરકારી પ્રોજેક્ટોનાં કામ ખુલ્યાં જ નથી અને રિયલ એસ્ટેટ સેકટરમાં પણ મંદી ચાલી રહી છે. જેને કારણે આ વિસ્તારમાં ૧૨૮ મિલોમાંથી હાલ માત્ર ૪૫ મિલો જ કાર્યરત છે. દૈનિક ૩ હજાર ટન ઉત્પાદન સામે હાલ એક હજાર ટન સ્ટીલ  સળિયાનું જ ઉત્પાદન થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે અલંગની શિપ આધારિત ઉદ્યોગ હાલ પડી ભાંગ્યો છે. પ્લેટનાં ભાવ પ્રતિ ટન રૃા.૨૭,૦૦૦ની સપાટી ચાલે છે અને ફિનીશ્ડ પ્રોડક્ટનાં ભાવ રૃા.૩૮,૦૦૦ પ્રતિ ટન છે. ગુજરાતની અન્ય ઓટોમેટિક મિલોમાં બનતા સ્ટીલ સળિયાની સરખામણીમાં રૃા.૩૦૦૦થી ૩૫૦૦ જેટલા સસ્તા હોવા છત્તા હાલ સરકારી પ્રોજેક્ટનાં અભાવે મંદી જોવા મળી રહી છે.
બીઆઈએસની માન્યતા મળે તો  ઉદ્યોગને મોટી રાહત થઈ શકે
હરીશભાઈએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પ્લેટમાંથી બનતા સળિયાને બીઆઈએસ આપવાની ના પાડી છે. છેલ્લા ચાર વર્ષથી આ ઈશ્યૂ ચાલે છે અને દર છ મહિને સરકાર મુદત લંબાવતી હતી, પરંતુ પહેલી ઓક્ટોબરથી હવે બીઆઈએસ વગરનાં સળિયા સરકારી પ્રોજેક્ટમાં વાપરવાની મનાઈ આવી છે. અમે રાજ્ય સરકાર મારફતે કેન્દ્રમાં રજૂઆત કરી રહ્યાં છે અને સફળતા મળે તેવી ધારણાં છે. અલંગની શિપમાંથી બનતી પ્લેટ દ્વારા બનતા સ્ટીલનાં સળિયા પણ બિલેટ કે ઈંગોટ દ્વારા બનતા સળિયા જેટલા જ મજબૂત હોય છે અને તેનાં કરતા સસ્તા પણ મળે છે, ત્યારે તેને પણ બીઆઈએસ પ્રમાણપત્ર મળે તે જરૃરી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય આ અંગે તૈયાર થઈ ગયું છે, પરંતુ તેનું અમલીકરણ કરવામાં મોડું થઈ રહ્યું છે. જો બીઆઈએસની મંજૂરી નહીં મળે તો આ ઉદ્યોગ આગળ ઉપર વધુ ખતમ થઈ જશે.
ચીનનાં ડમ્પિંગની પણ મોટી અસર

ચીનમાંથી સસ્તા ભાવથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી હોવાથી પણ સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીલની આયાત ઉપર આયાત ડ્યૂટી ન લગાવવામાં આવી રહી હોવાથી છેલ્લા છ-આઠ મહિનામાં મોટા પાયે ડમ્પિંગ થઈ રહ્યું છે. જેને કારણે સ્થાનિક સ્ટીલનાં વપરાશમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો હજુ ત્રણથી છ મહિના સુધી સસ્તા સ્ટીલની આયાત ચાલુ રહે તો દેશનાં નાનાં સ્ટીલ ઉત્પાદકો બંધ થઈ જાય તેવી શક્યતા છે તેમ એક અગ્રણી સ્ટીલ ટ્રેડરે જણાવ્યું હતું.

07 September 2011


ટીએમટી સળિયામાં ફરી તેજીઃ રૂા.૧,૦૦૦નો ઉછાળો


બાંધકામ ક્ષેત્રમાં વપરાતા ટીએમટી સળિયાની બજારમાં પરી તેજી જોવા મળી છે. દેશની મુખ્ય સ્ટીલ કંપનીઓએ રૂા.૧,૦૦૦નો સુધીનો વધારો જાહેર કર્યો છે, જેની પાછળ કચ્છ-ગુજરાતની સ્ટીલ કંપનીઓએ પણ આજે રૂા.૩૦૦ સુધીનો વધારો જાહેર કર્યો હતો. સેઈલ કંપનીએ સીધો ભાવવધારવાને બદલે ડિસ્કાઉન્ટ બંધ કર્યું છે. કાચા માલની અછતને કારણે સ્ટીલના ભાવમાં તેજીનો પ્રારંભ થયો છે.
જેએસડબ્લ્યુ સ્ટીલે સ્ટીલના ભાવમાં રૂા.૧,૦૦૦નો વધારો જાહેર કર્યો છે. જયારે સેઈલએ રૂા.૫૦૦થી ૧,૦૦૦નું ડિસ્કાઉન્ટ હતું તે બંધ કર્યું છે.
જેએસડબ્લ્યુ સ્ટીલના ડિરેકટર (સેલ્સ અને માર્કેટિંગ) જયંત આચાર્યે જણાવ્યું હતું કે, કંપનીએ શનિવારથી લાગુ પડે એ રીતે રૂા.૧,૦૦૦નો વધારો કર્યો છે.
ટાટા સ્ટીલે હજુ સુધી સપ્ટેમ્બર મહિના માટેના ભાવવધારાની જાહેરાત કરી નથી. એસ્સાર સ્ટીલ અને અન્ય સ્ટીલ કંપનીઓ ભાવવધારવા માટે વિચારણા કરી રહી છે તેમ બજાર સુત્રોએ જણાવ્યું હતું.
મેઈન કંપનીઓ પાછળ ગુજરાતની ટીએમટી બનાવતી કંપનીઓએ પણ ભાવવધારો જાહેર કર્યો હતો. આજે ગુજરાતની ટીએમટી સ્ટીલ કંપનીઓએ રૂા.૨૦૦થી ૩૦૦નો વધારો જાહેર કર્યો હતો. ભાવવધારા બાદ સરેરાશ ટનદીઠ ભાવ રૂા.૪૦,૨૦૦થી રૂા.૪૦,૫૦૦ના ભાવ થયા છે.
ફ્રેન્ડ્સ ટીએમટીના સૌરાષ્ટ્ર-ક્ચ્છના સિનીયર માર્કેટિંગ મેનેજર ગૌરવ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, કાચા માલની અછત અને તેના ઊંચા ભાવને કારણે સ્ટીલના ભાવમાં તેજી જોવા મળી છે. ગુજરાતની બજારમાં દશ-પંદર દિવસ બાદ હજુ વધુ રૂા.૩૦૦થી ૪૦૦નો ઉછાળો આવે તેવી શક્યતા છે.જન્માષ્ટ્રમની રજાઓ બાદ બજારમાં નવા કામ ખૂલ્યા છે અને દરેકને દિવાળી પહેલા કામ પૂરા કરવા છે, માટે બજારમાં સ્ટીલ સળિયાની માગ પણ વધી છે. 
ટાટા સ્ટીલના ગુજરાતના એક અગ્રણી ડીલરે જણાવ્યું હતું કે, સ્ટીલમાં હવે તેજીનો દોર આગળ વધશે. બજારમાં મંદીની કોઈ શક્યતા હવે દેખાતી નથી. ટાટાએ ચાલુ મહિને ભલે ભાવ ન વધાર્યા હોય, પરંતુ આવતા મહિને કે પખવાડિયા બાદ પણ ભાવ વધારે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આયર્નઓરની ખાણો બંધ થતા 
સ્ટીલમાં વધુ સુધારાની શક્યતા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટકની ખાણો બંધ થવા લાગી છે, જેને કારણે આયર્નઓરની મોટી અછત જોવા મળી રહી છે. આયર્નઓરની ખરી અછત હજુ પંદર દિવસ બાદ જોવા મળે તેવી શક્યતા છે. ખાણો બંધ થયા બાદ સ્ટોકનો માલ વેચાઈ ગયો છે, સ્ટોક પણ પૂરો થવામાં આવશે એટલે ભાવમાં વધુ તેજીની શક્યતા છે.
સ્ટીલ બનાવવા માટે આયર્નઓર મુખ્ય કાચો માલ છે. આયર્નઓરના ભાવ વધી રહ્યા છે, પરંતુ કુકિંગ કોલ (કાચા કોલસા)ના ભાવ ઘટી રહ્યા છે, પરિણામે કંપનીઓને થોડી રાહત મળી છે, નહીંતર ભાવમાં વધુ વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં કુકિંગ કોલના ભાવ  ઘટી રહ્યા છે. બીજા ક્વાર્ટર દરમિયાન  ૩૧૫ ડોલર પ્રતિ ટનના ભાવ હતા, જે ઘટીને ઓક્ટોબર ક્વાર્ટર દરમિયાન ૨૮૦ ડોલર થશે. આયર્નઓરના ભાવ તાજેતરમાં ૧૫ ડોલર જેટલા વધીને અત્યારે ૧૮૭ ડોલર પ્રતિ ટનની સપાટી પર ટ્રેડિંગમાં છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...