07 October 2020

જાણો ગુજરાતમાંથી આ વર્ષે કઈ કોમોડિટીની કેટલી ટેકાનાં ભાવથી ખરીદી થશે? અને ક્યારે?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે પાસ કરેલા ત્રણ કૃષિ બિલનો દેશભરમાં વિરોધ વધ્યો છે ત્યારે કેન્દ્રએ તમામ રાજ્યોને ટેકાનાં ભાવથી પૂરતી માત્રામાં ખરીદી કરવાની સૂચના આપી છે, જેના અનુસંધાને ગુજરાત સરકારે  કેબિનેટની બેઠકમાં રાજ્યમાંથી આ વર્ષે ખરીફ સિઝનમાં ટેકાનાં ભાવની યોજનામાં સામેલ તમામ કોમોડિટીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે અને તમામ ખરીદીની કામગિરી પુરવઠા નિગમને માથે નાખી છે. જોકે નિગમ પાસે મેનપાવરની અછત હોવાથી ટેકાનાં ભાવની ખરીદી અપૂરતી થાય તેવી પણ સંભાવનાં છે. કપાસની ખરીદી એક માત્ર કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા શરૂ કરશે, જેને પણ પહેલી ઓક્ટોબરથી સાઉથથી ખરીદી શરૂ કરી દીધી છે, પરંતુ ગુજરાતમાં ઓક્ટોબર અંત કે નવેમ્બરની શરૂઆતમાં શરૂ થઈ શકે છે.

ગુજરાત સરકાર ૧૬મી ઓક્ટોબરથી ડાંગર અને બાજરી-મકાઈની ખરીદી શરૂ કરશે, જ્યારે બીજી નવેમ્બરથી સોયાબીન અને અડદ-મગની ખરીદી શરૂ કરવામાં આવશે. મગફળીની ખરીદીની જાહેરાત અગાઉથી જ ૨૧મી ઓક્ટોબરથી કરવાની થઈ ગઈ છે.

ગુજરાત સરકારે રાજ્યનાં પહેલા આગોતરા અંદાજનાં ૨૫ ટકા લેખે સાતેય ખરીફ પાકોની રાજ્યમાંથી વધુમાં વધુ ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને એ મુજબ કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે. ગુજરાતમાં હાલ સાતેય કોમોડિટીમાંથી મગ-અડદનાં ભાવ ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યા છે, પંરતુ એ સિવાયની તમામ કોમોડિટીમાં ભાવ નીચા છે.

ગુજરાત સરકારે સોયાબીન અને કઠોળની ખરીદીની જાહેરાત કરી છે, પંરતુ રાજ્યમાંથી બહુ ઓછી માત્રામાં ખરીદી થાય તેવી સંભાવના છે. ખેડૂતો ટેકાનાં ભાવ અને બજાર ભાવ વચ્ચે થોડો તફાવત હોય તો પહેલી પસંદગી ખુલ્લા બજારમાં વેચાણ કરવાનું પસંદ કરે છે.

ગુજરાત સરકારે ગત વર્ષે ડાંગર અને અનાજની ખરીદી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાજરી કે મકાઈની કોઈ ખરીદી જ થઈ નહોંતી, જ્યારે ડાંગરની ૨૧૨૬૩ ટનની ખરીદી થઈ હતી. ચાલુ વર્ષે ત્રણેય કોમોડિટીનાં ભાવ ટેકાં ભાવથી ખૂબજ નીચા છે ત્યારે સરકાર કેટલી ખરીદી કરે છે તેનાં ઉપર નજર છે.

ગુજરાત સરકારે રાજ્યમાં દરેક પાકનો ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો છે અને તેનાં ૨૫ ટકા લેખે ખેડૂતો પાસેથી ખરીદી થશે, જેમાં હેકટરદીઠ ઉતારો નક્કી થયો છે એ મુજબ વધુમાં વધુ ખેડૂતો પાસેથી ખરીદી થશે. મગફળીની ખરીદી મોટી હોવાથી તેમાં પ્રતિ દિવસ એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો જ ખરીદી કરવાનો લક્ષ્યાંક છે.

અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં ડાંગર માટે ૯૨ ખરીદ કેન્દ્રો, મકાઈ માટે ૬૧ કેન્દ્ર, બાજરી માટે ૫૭ કેન્દ્ર, મગ માટે ૭૧ કેન્દ્ર, અડદ માટે ૮૦ કેન્દ્ર અને સોયાબીન માટે ૬૦ કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. મગફળીની અત્યાર સુધીમાં ૨.૭૦ લાખ ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે.

(લખ્યાં તા.૭ ઓક્ટો.૨૦૨૦)

ગુજરાતમાં કઈ કોમોડિટીની આ વર્ષે કેટલી ખરીદી થશે તેનું કોષ્ઠક



No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...