Showing posts with label Sowing Gujarat. Show all posts
Showing posts with label Sowing Gujarat. Show all posts

04 October 2023

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતરમાં હવે ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકાનો વધારો બતાવે છે. ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ત્રીજી ઓક્ટોબર સુધીમાં એરંડાનું કુલ વાવેતર ૭.૧૮ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૭.૦૩ લાખ હેકટરમાં થયું હતું. આમ ૨.૧૮ ટકાનો વધાર થયો છે. ગુજરાતમાં કુલ ખરીફ વાવેતર આ વર્ષે ૮૫.૭૫ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૮૫.૫૪ લાખ હેકટરમાં થયું હતું. આમ મામૂલી વધારો થયો છે. તમામકુ પાકોનું કુલ વાવેતર એક ટકા વધીને ૪૯ હજાર હેકટરની નજીક પહોંચ્યું છે.

08 August 2023

ગુજરાતમાં તલ, તુવેર અને મગફળીનું વાવેતર ઘટ્યું, કપાસમાં વધારો

ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણ થવા આવ્યુ છે અને રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષનાં સરેરાશ વાવેતરની તુલનાએ ૯૧ ટકા વાવણી પૂર્ણ થવા આવી છે. જોકે એરંડા સહિતનાં કેટલાક પાકોનું વાવેતર હજી ઓગસ્ટનાં અંત સુધી ચાલુ રહેશે. ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ૭મી ઓગસ્ટ સુધીમા કુલ ખરીફ વાવેતર ૭૮.૨૩ લાખ હેકટરમાં થયું છે જે ગત વર્ષે આજ સમયે ૭૫.૮૬ લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૩.૧૩ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ૫.૮૪ ટકા વધીને ૨૫.૨૮ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે આજ સમયે ૨૬.૭૬ લાખ હેકટરમાં થયું હતું. મગફળીનું વાવેતર ચાર ટકા ઘટીને ૧૬.૨૫ લાખ હેકટરમાં થયું હતું, જે ગત વર્ષે આજ સમયે ૧૬.૯૩ લાખ હેકટરમાં થયું હતું. એરંડાનાં વાવેતરમાં ૧૩ ટકાનો વધારો થઈને ૩.૪૬ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ સિઝનનાં અંતે પાંચથી ૧૦ ટકા જ વધે તેવી ધારણાં છે. હજી સરેરાશ વાવેતરની તુલનાએ બાવન ટકા જ વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યમાં કઠોળ પાકોનાં વાવેતરમાં ૯.૫૫ ટકાનો ઘટાડો થયો છે. ખાસ કરીને તુવેર અને અડદનાં વાવેતરમાં અનુક્રમે સાત ટકા અને ૧૨ ટકાનો ઘટાડો થયો છે. કઠોળનાં નીચા ભાવ અને અન્ય પાકોનાં ભાવ ઊંચા હોવાથી ખેડૂતોએ કઠોળનાં બદલે કપાસ, તલ કે સોયાબીન જેવા પાકોનું વાવેતર વધાર્યું છે. ગુજરાતમાં તલનાં વાવેતરમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છેઅને કુલ વાવેતર ૫૪૨૮૩ હેકટરમાં થયું છે. તલનાં વાવેતર રાજ્યની સરેરાશની તુલનાએ હજી ૫૦ ટકા જ થયા છે અને જે વાવેતર વહેલા થયા હતા તેમાં મોટા ભાગનાં વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હાવાથી વાવેતરને અસર પણ થઈ હતી.

03 September 2020

અધધ.. ગુજરાતનો મગફળીનાં પાકનો સરકારી અંદાજ આટલો બધો..

દિપક મહેતાઃ ગુજરાતી વાર્તા રિંગણા લઉં બે-ચારની જેમ ગુજરાતના કૃષિ વિભાગે તા.૨ સપ્ટેમ્બરનાંરોજ ચાલુ ખરીફ સિઝનનાં ઉત્પાદનના અંદાજો કોઈને ગળે ન ઉતરે એવા ઊંચા મુક્યાં છે. ખાસ કરીને મગફળીનાં પાકનો અંદાજ સાંભળીને ખેડૂત હોય કે વેપારી તમામને ચક્કર આવી જાય તેમ છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનાં પાકનું ખેતર
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે (વર્ષ ૨૦૨૦ ખરીફ સિઝન) અધધ.. ૫૪.૬૫ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો
છે, જે ગત વર્ષની તુલનાએ ૨૧ ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વર્ષે મગફળીમા પ્રતિ હેકટર ૨૬૩૭ કિલોનો ઉતારો ગણીને આ અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષનાં ચોથા આગોતરા અંદાજ પ્રમાણે ૨૭૬૪ કિલોનો ઉતારો કરીને કુલ ઉત્પાદન ૪૫.૦૩ લાખ ટનનું મુક્યુ હતું. રાજ્યમાં મગફળીનું વાવેતર ૩૩ ટકા વધીને ૨૦.૭૩ લાખ હેકટરમાં થયું છે, પંરતુ ભારે વરસાદથી પાકને નુકસાન થત્તા ઉતારા ઘટી ગયાં છે. વેપારીઓનાં અંદાજો પ્રમાણે મગફળીનુ ઉત્પાદન ૩૪થી ૩૮ લાખ ટન વચ્ચે થાય તેવો પ્રાથમીક અં
દાજ આવી રહ્યો છે.

ગુજરાત સરકારે શેખચલ્લીની વાર્તાની જેમ બીજા ખરીફ પાકોનાં અંદાજો પણ મૂક્યાં છે. રાજ્યમાં એરંડા તો હજી વવાય રહ્યા છે, પંરતુ સરકાર કહે છેકે નવી સિઝનમાં એરંડાનો પાક ૧૪.૭૪ લાખ ટન થશે, જે ગત વર્ષની તુલનાએ  ત્રણ ટકાનો વધારો બતાવે છે. સરકારે ૬.૪૨ લાખ હેકટરમાં વાવેતર થશે તેવું માનીને આ અંદાજ મૂક્યો છે.

રાજ્યમાં કઠોળ પાકોનાં વાવેતરમાં મોટો વધારો થયો હોવાથી સરકારે તમામ કઠોળનાં ઉત્પાદનનાં અંદાજો પણ ઊંચા મૂક્યા છે. સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે માત્ર જુવારનું ઉત્પાદન નવ ટકા ઘટવાનો અંદાજ છે. જ્યારે કપાસનાં ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો થઈને ૮૨.૩૯ લાખ ગાસંડી થાય તેવી ધારણાં છે. ગવારસીડનું ઉત્પાદન પણ ગત વર્ષની તુલનાએ ૧૫ ટકા ઘટીને ૯૨ હજાર ટન થવાનો અંદાજ મૂક્યો છે.

વર્ષ ૨૦૨૨માં બમણી આવકનાં લક્ષ્યાંક સિદ્ધ કરવા અંદાજો વધાર્યાં?

કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આવી સ્થિતિમાં ખેડૂત નેતાઓ કે વેપારીઓ કહે છેકે સરકારને ચોપડે ખેડૂતોની આવક બમણી બતાવવી હશે એટલે જે મગફળી કે બીજા પાકોના આટલા ઉંચા અંદાજો મૂક્યાં હતાં. સરકાર પાક વીમો કે નુકસાનીનું વળતર આપતી નથી અને ઊંચા અંદાજો આપીને ખેડૂતોની આવક ચોપડે જ વધારી રહી છે.

સરકાર મગફળીનાં અંદાજ મુજબ ૧૩.૬૬ લાખ ટન ટેકાનાં ભાવથી ખરીદશે?

કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે મગફળીનાં પાકનાં ઉત્પાદનનાં અંદાજનાં ૨૫ ટકા મગફળી ટેકાના ભાવથી ફરજિયાત ખરીદવાની હોય છે, જે મુજબ રાજ્યમાં સરકારે ૫૪.૬૫ લાખ ટનનો અંદાજ મૂક્યો છે અને તેનાં ૨૫ ટકા ગણીએ તો ૧૩.૬૬ લાખ ટન મગફળી થાય છે. તો શું ખરેખર રાજ્ય સરકાર આ વર્ષે ૧૩.૬૬ લાખ ટન મગફળી ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવ રૂ.૧૦૫૫થી ખરીદશે ખરી? જોકે રાજ્યનાં નેતાઓ તો ગુજરાતનાં ખેડૂતોની તમામ મગફળી ટેકાનાં ભાવથી ખરીદાશે તેવી જાહેરાતો કરી રહ્યાં છે.

( જો આપ ખેડૂત કે વેપારી હોય અને મગફળીનાં પાક સાથે સંકળાયેલા હોય તો તમારા મતે કેટલો પાક થઈ શકે છે, જે લેખની નીચે કોમેન્ટમાં લખવા વિનંતી.)

26 August 2020

ગુજરાતમાંથી મગફળીની વિક્રમી સરકારી ખરીદીનો અંદાજ: ૨૫ ટકા ખરીદીની મર્યાદા દૂર કરવા વિચારણાં

દિપક મહેતાઃ ગુજરાતમાં મગફળીનાં બમ્પર વાવેતરને પગલે આ વર્ષે ઉત્પાદન પણ વિક્રમી થવાનો અંદાજ છે, જેને પગલે નવી સિઝનમાં સરકારી ખરીદી કેટલી થશે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. આવી સ્થિતિમાં સરકારી સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાંથી આ વર્ષે મગફળીની વિક્રમી ખરીદી થાય તેવી સંભાવનાં રહેલી છે.

મગફળીના ખેતરમાં ઊભા ઉના તાલુકાના ભડિયાદર ગામે વિજાણંદભાઇ
ગાંધીનગર ખાતે તાજેતરમાં એક ઉચ્ચ અધિકારીઓની વિવિધ સહકારી સંસ્થાઓ સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતમાંથી આ વર્ષે વિક્રમી ખરીદી કરવાનું નક્કી થયુ છે. ચાલુ વર્ષે મગફળીની ટેકાનાં ભાવથી ખરીદીની કામગિરી ગુજકોમાસોલ, બનાસ ડેરી, સાબર ડેરી અને પૂરવઠા નિગમને સોંપવામાં આવશે. આ ચારેય એજન્સીઓનાં અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ હતી. સુત્રોનાં કહેવા પ્રમાણે મોટા ભાગની ખરીદી ગુજકોમાસોલનાં ભાગે જ આવે તેવી સંભાવનાં છે.

કેન્દ્ર સરકારનાં નિયમ પ્રમાણે ગુજરાત સરકાર ઉત્પાદનનો જે અંદાજ મુકે તેનાં ૨૫ ટકા ખરીદી વધુમાં વધુ થત્તી હોય છે, પરંતુ આ વર્ષે આ ખરીદીની મર્યાદા દૂર કરવા માટે ગુજરાતનાં સહકારી નેતાઓએ કેન્દ્રમાં રજૂઆત કરી છે. કેન્દ્રમાં વડાપ્રધાન અને કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલા પણ ગુજરાતનાં જ છે અને ગુજરાતનાં મુખ્યમંત્રી જોર લગાવે અને ઈચ્છાશક્તિ ધરાવે તો ખેડૂતોની તમામ મગફળીની ખરીદી કરવાની મંજૂરી મળી શકે તેમ છે. જો આ નિયમને મંજૂરી ન મળે તો ગુજરાતમાંથી ૧૦થી ૧૨ લાખ ટનની ખરીદી થાય તેવો અંદાજ છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ થશે. મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ.૧૦૧૮થી વધીને રૂ.૧૦૫૫ થયા હોવાથી ખેડૂતોની નજર પણ સરકારી ખરીદી ઉપર જ છે.

ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૭માં ૮.૨૦ લાખ ટન, ૨૦૧૮માં ચાર લાખ ટન અને ૨૦૧૯માં ૫.૨૦ લાખ ટન જેવી મગફળીની ખરીદી થઈ હતી, જે આ વર્ષે વધીને ૧૦ લાખ ટન ઉપર પહોંચે તેવી સંભાવનાં છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીના પાકનો અંદાજ ૩૮ લાખ ટનથી લઈને ૪૫ લાખ ટન સુધીનાં આવી રહ્યાં છે.. જે રીતે મદ્યપ્રદેશમાંથી સરકારે ઘઉં-ચણાની અમર્યાદીત ખરીદી અને તેલંગણામાંથી કપાસની ખરીદી થઈ છે, એ રીતે ગુજરાતમાં મગફળીનો પાક મોટો છે તો વિજય રૂપાણીની સરકાર ધારે તો ખેડૂતો પાસેથી તમામ મગફળીની ખરીદી કરી શકે છે.

ગુજરાતમાંથી ગમે તેટલી મગફળી ખરીદીને પિલાણ કરવાની તૈયારીઃ દિલીપ સંઘાણી

ગુજરાતનાં પૂર્વ કૃષિ મંત્રી અને હાલ ગુજકોમાસોલનાં ચેરમેન અને અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા નેતા દિલીપ સંઘાણીએ દિલ્હીથી ટેલિફોનિક વાતચીતમાં ‘કોમોડિટી વર્લ્ડ’ને જણાવ્યું હતુ કે ગુજરાતમાં મબલખ પાક થવાનો છે ત્યારે ખેડૂતોની ચિંતા કરીને અમે કૃષિ મંત્રી સાથે વાત કરીને ગુજરાતમાં મગફળીનો જેટલો પાક થાય એ બધો જ ખરીદી લેવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ઉત્પાદનનાં ૨૫ ટકા ખરીદીની મર્યાદા છે તેને દુર કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

બીજી અમે એ રજૂઆત કરી છે કે આ વર્ષે ગુજરાતમાંથી જેટલી મગફળી ખરીદવામાં આવે તેને તુરંત પિલાણ કરી દેવામાં આવે, જેથી તેનો સંગ્રહ કરવાની ચીંતા ન રહે અને આપણે દર વર્ષે રૂ.૭૦ હજાર કરોડ ઉપરની રકમનું તેલ આયાત કરીએ છીએ તેમાં પણ ઘટાડો થશે. સરકાર મંજૂરી આપે તો ગુજકોમાસોલ ગમે તેટલા ગોડાઉન ભાડે રાખીને પણ મગફળીની ખરીદી કરવા માટે તૈયાર છે.

ગાંધીનગર મગફળીની ખરીદી માટે થયેલી બેઠકની વાત વિશે દિલીપભાઈ કહે છેકે સરકાર ચારેય સંસ્થાઓને ખરીદીની કામગિરી સોંપશે, પંરતુ પૂરવઠા નિગમ કે બનાસ ડેરી કહેશે તો ગુજકોમાસોલ તેનાં ભાગની ખરીદી કરવા પણ તૈયાર છે. મગફળીની ખરીદી કરીને તેને સોમા હસ્તક તેને પિલાણ કરવાની પણ અમે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકાર ૫૦ લાખ ટન આસપાસનો અંદાજ મુકી શકે

ગુજરાતમાં મગફળીનાં બમ્પર વાવેતરને પગલે પાકનાં અંદાજો જુદા-જુદાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારનાં અંદાજ ઉપર પણ સૌની નજર છે. ગાંધીનગર સ્થિત સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે રાજ્ય સરકારનો પહેલો આગોતરો અંદાજ તૈયાર થઈ ગયો છે, પંરતુ સત્તાવાર રીતે હજી જાહેર કરાયો નથી. એકાદ સપ્તાહમાં આ અંદાજ જાહેર થશે. સુત્રો કહે છેકે હાલ કૃષિ વિભાગની ટીમ દ્વારા ૫૦થી બાવન લાખ ટન આસપાસનો અંદાજ તૈયાર કરાયો છે, પંરતુ સરકાર જે નક્કી કરે તે ફાઈનલ થશે.

રાજ્ય સરકારનાં અંદાજો હંમેશા ખૂબ જ ઊંચા અને અકલપ્નીય હોય છે અને કોઈ કાળે તેટલું ઉત્પાદન થાય તેમ નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારનાં ઊંચા અંદાજોથી ખેડૂતોને નુકસાન જાય છે.વેપારીઓ કહે છે આ અંદાજો માત્ર સરકારી ખરીદી કરવાની ગણતરી માટે જ ફાયદાકાર છે, કેમ કે જો ૫૦ લાખ ટનનો અંદાજ આવે તો ૧૨.૫ લાખ ટનની ખરીદી સરકાર ટેકાનાં ભાવથી કરશે.

મગફળીનાં ૪૦-૪૫ લાખ ટનનાં અંદાજો ખોટાઃ સમીરભાઈ શાહ

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)નાં પ્રમુખ સમીરભાઈ શાહે ‘કોમોડિટી વર્લ્ડ’ ને જણાવ્યું હતું કે મગફળીનાં પાકનો સાચો અંદાજ લગાવવો હજી વહેલો ગણાશે. ભારે વરસાદથી નુકસાન પણ થયું છે. બજારમાં ૪૦થી ૪૫ લાખ ટનનાં અંદાજો ફરી રહ્યાં છે, જે વધુ પડતા છે અને એટલું ઉત્પાદન થાય તેવા કોઈ સંજોગો નથી. ગત વર્ષે મગફળીનાં પાકમાં ઉતારા આવ્યાં હતા એ અસામાન્ય સંજોગો હતા અને આ વર્ષે એટલા ઉતારા આવે તેવા કોઈ સંજોગો નથી. ગત વર્ષની અને આ વર્ષની સ્થિતિ જુદી છે. સરકાર સીંગતેલનો વપરાશ વધે તેવા પ્રયાસ કરે અને સીંગદાણા ઉપર નિકાસ પ્રોત્સાહનો આપે તો મગફળીનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ જરૂર મળી શકે તેમ છે.


(પ્રથમ  તસ્વીર સૌજન્યઃ રમેશ ભોરણિયા)

20 June 2020

ગુજરાતમાં મગફળીનું વાવેતર દાયકાની ટોચે પહોંચશે

દિપક મહેતાઃ ગુજરાતમાં આ વર્ષે ખરીફ સિઝનમાં મગફળીનું વાવેતર શરૂઆતમાં ખૂબ જ સારૂ થયું છે અને સિઝનને અંતે કુલ વાવેતર છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં ન થયું હોય તેટલું વાવેતર આ વર્ષે થવાનો અંદાજ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)ને વ્યક્ત કર્યો હતો.
તસ્વીર સૌજન્યઃ રમેશ ભોરણિયા
સોમાનાં પ્રમુખ અને રાજમોતી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝનાં ધરોહર સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાણીની સગવડતા અને વરસાદ સારો થયો હોવાથી મગફળીનું વાવેતર આ વર્ષે ૧૮ લાખ હેકટરનો આંકડો પાર કરશે અને જો આગળ વરસાદ સારો આવશે તો ૧૮.૫૦થી ૧૯ લાખ હેકટર સુધી પહોંચે તેવી પણ સંભાવનાં રહેલી છે.
ગુજરાત સરકારનાં ખેતીવાડી ખાતાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે રાજ્યમાં આ અગાઉ વર્ષ ૨૦૦૯માં ૧૮ લાખ હેકટર ઉપર વાવેતર થયું હતુ અને ૨૦૦૮માં ૧૯.૦૭ લાખ હેકટરમાં થયું હતું. આમ ત્યાર બાદનું આ સૌથી વધુ વાવેતર છે. ગુજરાતમાં ગત વર્ષે ખરીફ સિઝનમાં ૧૫.૫૨ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ૧૫થી ૨૨ ટકાનો વધારો બતાવે છે.
સમીરભાઈ શાહે વધુમાં કહ્યું કે અમારા સર્વે પ્રમાણે ગુજરાતમાં બિયારણનું વેચાણ ગત વર્ષની તુલનાએ દોઢું થયું છે, પંરતુ એ રાજસ્થાન અને બીજા રાજ્યોમાં પણ ગયું હશે. ખેડૂતોને મગફળીનાં સારા ભાવ મળી રહ્યાં હોવાથી અને ઉતારા પણ સારા મળ્યાં હતાં. વળી પાછોતરો વરસાદ આવે તો મગફળીને બહુ નુકસાન થતું નથી અને બીજો પાક પણ લઈ શકાય છે. બીજી તરફ કપાસમાં ખેડૂતોને નીચા ભાવ અને ગુલાબી ઈયળથી ત્રાસી ગયા છે, પરિણામે કપાસનાં ખેડૂતો મગફળીનાં વાવેતર તરફ વળશે.
નવી સિઝનની શરૂઆત વિશે તેઓ કહે છેકે આ વર્ષે અધિક માસ હોવાથી નવી મગફળી ભાદરવો અથવા તો પહેલા આસોમાં જ આવી જશે. સામાન્ય રીતે દિવાળી આસપાસ આવકો થતી હોય છે. મગફળીની ૩૭ અને ૨૪ નંબરની જાત તો ત્રણ મહિનામાં પાકી જતી હોય છે. કદાચ વર્ષો બાદ એવું પણ બનશે કે સીંગદાણાનાં કારખાનાઓ શ્રાધ્ધપક્ષમાં પણ ચાલુ થઈ જશે. મિલો તો નાફેડની મગફળીને કારણે ચાલુ જ હશે. નવી સિઝનમાં બમ્પર પાકની આશા છે, પરંતુ ભાવ જો સરકાર દ્વારા પૂરતી ખરીદી થશે તો ખેડૂતોને સારા ભાવ જ મળશે.
( લખ્યાં તા.૧૩ જૂન,૨૦૨૦)

21 January 2015

Gujarat Ravi Sowing 19 Jan.2015

ગુજરાતમાં લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું ઃ જુવારમાં ૩૫ ટકાનો ઘટાડો

ગુજરાતમાં કુલ રવિ વાવેતર ગત વર્ષની તુલનાએ ૨૧ ટકા ઘટ્યું
ગુજરાતમાં મોટા ભાગનાં રવિ પાકોનું વાવેતર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. છૂટક છૂટક વિસ્તારમાં હજુ ઘઉંનું કે મકાઈનું વાવેતર થઈ રહ્યું છે. અત્યાર સુધીનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું છે, જ્યારે જુવારનાં વાવેતરમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત કૃષિ ખાતાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૧૯મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં કુલ ૩૦.૪૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૮.૪૨ લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ ગત વર્ષની કુલ વાવેતર વિસ્તાર ૨૧ ટકા ઘટ્યો છે.

રાજ્યમાં ચાલુ વર્ષે સૌથી વધુ ઘટાડો લસણનાં વાવેતરમાં થયો છે. લસણનું વાવેતર ચાલુ વર્ષે માત્ર ૭૬૦૦ હેકટરમાં જ થયું છે, જે ગત વર્ષે ૪૦,૬૦૦ હેકટરમાં થયું હતું. ઓછા વાવેતરને કારણે ભાવમાં તેજી જોવા મળી રહી છે. જુવારમાં પણ પાણીનાં અભાવે ખેડૂતોએ ૩૫ ટકા ઓછું વાવેતર કર્યું છે.
(Date 20 Jan.2015)

Gujarat Ravi Sowing 12 Janu.2015

ગુજરાતમાં ઘઉંનાં વાવેતરમાં ૨૩ ટકાનો ઘટાડો ઃ બટાટાનું વધ્યું
-રાજ્યમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો

ગુજરાતમાં ચાલુ વર્ષે ઘઉંનાં વાવેતર વિસ્તારમાં કુલ ૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બટાટાનાં વાવેતર વિસતારમાં ૩૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૧૨મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર ૩૦ લાખ હેકટરમાં નોંધાયું છે, જે ગત વર્ષે ૩૭ લાખ હેકટરમાં થયું હતું. ખેડૂતોએ ચાલુ વર્ષે પાણીનાં અભાવે ઓછું વાવેતર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની મોટી તંગી હોવાથી રાજ્યમાં મોટા ભાગનાં મુખ્ય શિયાળુ પાકોનાં વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ઘઉંનાં વાવેતરમાં સરેરાશ ૨૩ ટકાનો ઘટાડો થયો છે, પંરતુ સૌરાષ્ટ્રમાં વાવેતર વિસ્તાર ૫૦ ટકા જેટલો ઘટ્યો છે. ગુજરાતમાં નવા ઘઉંની આવકો ટૂંક સમયમાં ચાલુ થાય તેવી સંભાવનાં છે
(Date 13 Jan.2015

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...