20 June 2020

ગુજરાતમાં મગફળીનું વાવેતર દાયકાની ટોચે પહોંચશે

દિપક મહેતાઃ ગુજરાતમાં આ વર્ષે ખરીફ સિઝનમાં મગફળીનું વાવેતર શરૂઆતમાં ખૂબ જ સારૂ થયું છે અને સિઝનને અંતે કુલ વાવેતર છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં ન થયું હોય તેટલું વાવેતર આ વર્ષે થવાનો અંદાજ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)ને વ્યક્ત કર્યો હતો.
તસ્વીર સૌજન્યઃ રમેશ ભોરણિયા
સોમાનાં પ્રમુખ અને રાજમોતી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝનાં ધરોહર સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાણીની સગવડતા અને વરસાદ સારો થયો હોવાથી મગફળીનું વાવેતર આ વર્ષે ૧૮ લાખ હેકટરનો આંકડો પાર કરશે અને જો આગળ વરસાદ સારો આવશે તો ૧૮.૫૦થી ૧૯ લાખ હેકટર સુધી પહોંચે તેવી પણ સંભાવનાં રહેલી છે.
ગુજરાત સરકારનાં ખેતીવાડી ખાતાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે રાજ્યમાં આ અગાઉ વર્ષ ૨૦૦૯માં ૧૮ લાખ હેકટર ઉપર વાવેતર થયું હતુ અને ૨૦૦૮માં ૧૯.૦૭ લાખ હેકટરમાં થયું હતું. આમ ત્યાર બાદનું આ સૌથી વધુ વાવેતર છે. ગુજરાતમાં ગત વર્ષે ખરીફ સિઝનમાં ૧૫.૫૨ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ૧૫થી ૨૨ ટકાનો વધારો બતાવે છે.
સમીરભાઈ શાહે વધુમાં કહ્યું કે અમારા સર્વે પ્રમાણે ગુજરાતમાં બિયારણનું વેચાણ ગત વર્ષની તુલનાએ દોઢું થયું છે, પંરતુ એ રાજસ્થાન અને બીજા રાજ્યોમાં પણ ગયું હશે. ખેડૂતોને મગફળીનાં સારા ભાવ મળી રહ્યાં હોવાથી અને ઉતારા પણ સારા મળ્યાં હતાં. વળી પાછોતરો વરસાદ આવે તો મગફળીને બહુ નુકસાન થતું નથી અને બીજો પાક પણ લઈ શકાય છે. બીજી તરફ કપાસમાં ખેડૂતોને નીચા ભાવ અને ગુલાબી ઈયળથી ત્રાસી ગયા છે, પરિણામે કપાસનાં ખેડૂતો મગફળીનાં વાવેતર તરફ વળશે.
નવી સિઝનની શરૂઆત વિશે તેઓ કહે છેકે આ વર્ષે અધિક માસ હોવાથી નવી મગફળી ભાદરવો અથવા તો પહેલા આસોમાં જ આવી જશે. સામાન્ય રીતે દિવાળી આસપાસ આવકો થતી હોય છે. મગફળીની ૩૭ અને ૨૪ નંબરની જાત તો ત્રણ મહિનામાં પાકી જતી હોય છે. કદાચ વર્ષો બાદ એવું પણ બનશે કે સીંગદાણાનાં કારખાનાઓ શ્રાધ્ધપક્ષમાં પણ ચાલુ થઈ જશે. મિલો તો નાફેડની મગફળીને કારણે ચાલુ જ હશે. નવી સિઝનમાં બમ્પર પાકની આશા છે, પરંતુ ભાવ જો સરકાર દ્વારા પૂરતી ખરીદી થશે તો ખેડૂતોને સારા ભાવ જ મળશે.
( લખ્યાં તા.૧૩ જૂન,૨૦૨૦)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...