25 July 2018

સંગઠન એજ શક્તિઃ વાવ પંથકનાં ખેડૂતોએ કંપની બનાવી ૨૦ ટકા વધુ ભાવ મેળવ્યાં

રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડએ પહેલા જ વર્ષે ૨૦ લાખનું ટર્નઓવર કર્યું
ખેતપેદાશનું ગ્રેડિંગ કરીને વેચાણ કરતાં ખેડૂતોને બીજા કરતાં બોરીએ રૂ.૪૦૦ વધુ મળ્યાં

રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડનાં  બોર્ડ ઓફ ડિરેકટર્સ
ગુજરાતમાં કહેવાય છેકે સંગઠન એજ શક્તિ, જો ખેડૂતો આ વાતને ગળે ઉતારીને ખેતકાર્ય કરે તો બીજા ખેડૂતોની તુલનાએ બે પૈસા વધુ રળી શકે તેમ છે. ઉત્તર ગુજરાતનો છેવાડાનો વિસ્તાર એટલે બનાસકાંઠાનાં થરાદ-વાવ પંથકમાં પહેલેથી જ પાણીની સમસ્યાઓ હતી, પરંતુ ખેડૂતો ખેતીમાં રોદણા રોવાને બદલે વધુ કમાણી કઈ રીતે થાય તેનો રસ્તો શોધી કાઢ્યો અને બે વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની જ કંપની બનાવી દીધી અને આજે એજ સ્થિતિ છેકે બીજાની તુલનાએ તેઓ વધારે કમાણી કરી રહ્યાં છે.
વાવ પંથકનાં કોળાવા ગામનાં પ્રગતિશીલ ખેડૂત માવજીભાઈ પટેલની આગેવાનીમાં આ વિસ્તારનાં ૧૦થી વધુ ગામનાં ખેડૂતોએ એકઠા થઈને બે વર્ષ પહેલા રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડની સ્થાપના કરી. આ કંપનીની પ્રગતિ અને ઉદભવ વિશે વાત કરતા કંપનીનાં ચેરમેન માવજીભાઈ પટેલ (મો.૮૦૦૦૮૩૫૮૮૫) કૃષિ પ્રભાતને  વાત કરતાં જણાવે છે કે ખાતર કંપની ઈફ્કો કિશાનનાં ખેડૂતો અંગેનાં તાલિમ કાર્યકર્મ મારફતે અમને આ કંપનીની જાણકારી મળી અને ત્યાર બાદ ૧૬ મી મે ૨૦૧૬નાં રોજ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતો વેલ્યુએડીશન કરીને એજ પાકમાં કંઈ રીતે વધુ કમાણી કરી શકે તે હેતુંથી કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીની સ્થાપનાં બાદ તેનાં શેરહોલ્ડર ખેડૂતોને સરેરાશ ૧૫થી ૨૦ ટકા ભાવ વધારે મળ્યાં છે.
તેઓ વધુમાં કહે છે કંપનીની સ્થાપના બાદ ઈફકો દ્વારા જ રૂ.૬ લાખનાં ખર્ચે જીરૂનું ગ્રેડિંગ મશીન કંપનીને આપવામાં આવ્યું હતું અને તેનાં દ્વારા આ કંપનીનાં ખેડૂતો ગ્રેડિંગ કરીને જ યાર્ડમાં જીરૂ વેચાણ કરી રહ્યાં છે. કંપનીનાં શેરહોલ્ડરો સિવાયનાં કોઈ બહારથી ખેડૂતો ગ્રેડિંગ કરવા આવે તો અમે એક કિલોનાં એક એમ બોરીએ રૂ.૬૦નો ચાર્જ લઈને ગ્રેડિંગ કરી આપીએ છીએ. આ ગ્રેડિંગ કરેલું જીરૂ ખેડૂતો બજારમાં વેચાણ કરવા જાય છે તો તોને બીજાની તુલનાએ બોરીએ રૂ.૪૦૦થી ૪૫૦ વધારે મળી રહ્યાં છે.
જીરૂનું ગ્રેડિંગ કરવાનું મશીન

જીરૂનાં વાયદામાં પણ કમાણી કરી
કંપનીઓ પોતાનાં સભ્ય ખેડૂતો પાસેથી જીરૂની ગ્રેડિંગ પ્રમાણે ખરીદી કરીને આશરે ૧૦ ટન જીરૂનો વાયદામાં વેપાર કર્યાં હતાં, જેમાં અમે રૂ.૩૨૦૦માં ખરીદી કર્યાં બાદ તેનાં રૂ.૪૨૦૦નાં ભાવ મળ્યાં હતાં. આમ અમને મણે રૂ.૧૦૦૦ વધુ મળ્યાં હતાં. કંપનીઓ વિતેલા એક વર્ષમાં વિવિધ ખેતપેદાશ, બિયારણ-દવાનાં વેચાણ મારફતે કુલ રૂ.૨૦ લાખનું ટર્નઓવર કર્યું છે. આ ટર્નઓવરમાંથી જ નફો થશે તો જ ખેડૂત શેરહોલ્ડરોને આ વર્ષે ડિવીડંડ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.
કંપનીનું ભાવિ આયોજ
કંપની પોતાનાં સભ્ય ખેડૂતોને દવા, ખાતર, બિયારણ યોગ્ય અને વ્યાજબી ભાવથી મળી રહે એ માટે વેચાણ કરવાનું આયોજન ઘડી રહી છે. આગામી રવિ સિઝનથી રેગ્યુલર વેચાણનું આયોજન છે. આ ઉપરાંત જીરૂનાં પેકેટમાં વેચાણ માટે ફુડ સેફ્ટી ઓથોરિટીનું લાઈસન્સ લેવાની હાલ  પ્રક્રીયા ચાલુ છે.

ખેડૂતો પોતાનાં ખેતરનાં શાકભાજી ખાય એ માટે પ્રયાસ
કંપનીનાં ચેરમેન માવજીભાઈકહે છે કે ૯૦ ટકા ખેડૂતો શાકભાજી બજારમાંથી ખરીદે છે, પરંતુ કંપનીનાં ખેડૂતો પોતાનાં જ ખેતરનાં શાકભાજી ખાય એ માટે દરેક ખેડૂતોને મરચાં, તુરિયા, ભીડાં, સહિતનાં શાકભાજીનાં જરૂરિયાત પ્રમાણે રોપાનું વિતરણ કરવામાં આવે છે. હાલ આ વિસ્તારનાં ૧૦ ટકા ખેડૂતો પોતાનાં ખેતરનાં શાકભાજી ખાતા થયાં છે. કંપની દ્વારા દાડમ, સાગ અને પપૈયાનું પણ બજારની તુલનાએ ઓછા ભાવથી વેચાણ કરવામાં આવે છે.

ખેડૂત કંપનીનો પરિચય
નામઃ   રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ
ચેરમેનઃ        માવજીભાઈ પટેલ (મો. ૮૦૦૦૮૩૫૮૮૫)
શેરહોલ્ડરઃ      ૩૨૦ ખેડૂતો
સ્થાપનાઃ        ૧૬ મે, ૨૦૧૬
ટર્નઓવરઃ      ૨૦ લાખ

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...