25 July 2018

ખેડૂતોએ પોતાની જ કંપની બનાવી અને જીરૂની બ્રાન્ડ બનાવી વધુ કમાણીનો દ્વાર ખોલ્યો

રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં ૨૧ ગામનાં ૯૯૦ ખેડૂતોએ બનાસ ફાર્મર પ્રોડ્યુસર લિમીટેડ કંપની બનાવી અને ચોરાડ જીરૂની બ્રાન્ડ બનાવી
   
ઉદ્ઘાટન વેળાની તસ્વીર
ખેડૂતોની હરહંમેશ ફરિયાદ હોય છેકે ખેતપેદાશનાં પૂરતા ભાવ મળતા નથી, પરંતુ જો ખેડૂતો ધારે તો બીજા કરતાં વધુ ભાવ મેળવી શકે છે અને તેનામાં આવી તાકાત પણ રહેલી છે. તાજેતરમાં પાટણ પાસેનાં રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં ખેડૂતોએ આ વાત સાબીત કરી આપી છે અને પોતાની જ કંપની ઊભી કરીને સૌપ્રથમવાર જીરૂની બ્રાન્ડ બનાવીને તેનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકાર પણ હાલ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(એફપીઓ)ને પ્રોત્સાહન આપી રહી છે, જેનાં ભાગરૂપે વિવિધ સંસ્થાઓનાં સહયોગથી ખેડૂતોની કંપનીઓ ઊભી થઈ રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન-રાધનપુરનાં સહયોગથી રાધનપુર અને સાંતલપૂર તાલુકાનાં ૨૧ ગામનાં  કુલ ૯૯૦ ખેડૂતોએ મળીને બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ નામની કંપનીની રચના કરી હતી અને ૨૨ એપ્રિલ ૨૦૧૬નાં રોજ તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. બે વર્ષનાં ટૂંકાગાળામાં જ કંપની હરફાળ ભરી રહી છે અને અખાત્રીજનાં બીજા દિવસે કંપનીએ પોતાની જીરૂની ચોરાડ બ્રાન્ડનું લોન્ચિંગ કર્યું હતું. કંપનીમાં ચેરમેન સહિત કુલ ૭ બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ હોય છે અને તેમનાં નેજા હેઠળ પોતાનાં સભ્ય ખેડૂતોનાં ગવાર અને  જીરૂનું રાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડિંગ કરીને બીજા ખેડૂતની તુલનાએ ઊંચા ભાવ મેળવે છે.
કરશનજી જાડેજા, ચેરમેન
બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડનાં ચેરમેન કરશનજી જાડેજા (મો.95863 12031)એ કૃષિ પ્રભાતને કંપની બનાવવાની પ્રેરણા વિશે વાત કરતાં કહે છેકે ૨૦૧૩માં અમે ૧૦ ખેડૂતોએ સાથે મળીને ૩૦૦ મણ જીરૂ ઊંચા ભાવથી અમદાવાદનાં એક મોલવાલાને વેચાણ કર્યું હતું. એ સમયે બજારમાં મણનાં રૂ.૧૭૦૦થી ૧૮૦૦નાં ભાવ હતા, જેની સામે અમે રૂ.૨૩૦૦માં વેચાણ કર્યું હતું. ઊંચા ભાવ મળ્યાં ત્યારે ખબર પડી કે સમુહ અને સંગઠન હોય તો બીજા કરતાં વધુ કમાણી થઈ શકે તેમ છે. પરિણામે બે વર્ષ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળીને આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
કરશનજીભાઈ વધુમાં કહ્યું કે અત્યાર સુધી ખેડૂતોને માલ એકઠો કરીને તેનું યોગ્ય સમયે વેચાણ કરીએ છે અને એક પગલા આગળ રૂપે હવે ચોરાડ બ્રાન્ડ ઊભી કરી છે. ચોરાડ એ સાંતલપુર વિસ્તારનાં ૨૪ ગામડાને એક પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેની ક્વોલિટી બીજા કરતાં સારી હોય છે, પરિણામે એ બ્રાન્ડથી પ્રથમ જીરૂનું પેકિંગ કરીને વેચાણ શરૂ કર્યું છે. આ માટે અમે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડનું લાઈસન્સ પણ લીધું છે અને પ્રથમ તબક્કામાં ૨૫૦ ગ્રામ પેકિંગમાં ચોરાડ જીરૂ લોન્ચ કર્યું છે, જેનો ભાવ રૂ.૬૨.૫૦ એટલે કે કિલોનાં રૂ.૨૫૦ છે. ભવિષ્યમાં મગ-મઠ અને ચણા-ઘઉનું પણ બ્રાન્ડિંગ, પેકિંગ અને ગ્રેડિંગ કરીને વેચાણ કરવાનું આયોજન છે.

પાટણ જિલ્લા કલેક્ટરનાં હસ્તે ચોરાડ બ્રાન્ડનું લોન્ચિંગ
અખાત્રીજનાં બીજા દિવસે-ગણેશ ચતુર્થીનાં દિવસે પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચોરાડ બ્રાન્ડની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે જીરૂનું ગ્રેડિંગ અને ક્લિનિંગ કરીને બજારમાં મકુતા ખેડૂતોને સારા ભાવ મળશે. આ પ્રસંગે કંપનીનાં પશુઆહાર કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાનાં કલેક્ટરનાં હસ્તે લોન્ચિંગ થયું તે પ્રસંગની તસ્વીર
કાર્યક્રમમાં પદ્મશ્રી ગેનાભાઈ પટેલ દ્વારા માર્કેટીંગ ઉપર ભાર મૂકી ચોરાડ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળે એ વાત ઉપર ભાર મુકવાની પણ વાત કરી હતી. સરદાર સરોવરના એક્ઝિક્યુટિવ ડાયરેકટર મારવીયા દ્વારા જીરાની ગુણવત્તા જળવાય અને સ્પર્ધામાં ટકી રહેવા માટે આ બ્રાન્ડનો વ્યાપક પ્રચાર કરવા પર ભાર મુક્યો હતો. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના નાયરભાઈએ ખેડૂતો કંપની બનાવી તેમની ઉપજનું એક પ્લેટફોર્મ પર વેચાણ કરશે તો આવક બમણી કરવામાં આ સારું પ્લેટફોર્મ છે વધુમાં વધુ ગામ અને ખેડૂતો ને ઉત્પાદક કંપની માં જોડાવા માટે આહવાન કર્યું હતું. NCDEX ના  અનુપમ ચતુર્વેદી દ્વારા જીરા અને ગુવારના માર્કેટીંગમાં સરાહનીય કામગીરી અને હજી વધુ કોમોડિટી આ પ્લેટફોર્મ દ્વારા વેચાણ થાય તો ખેડુતોને આનો વધુ ફાયદો થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ભરત પટેલ, હેમજીભાઈ પટેલ સહિત ફાઉન્ડેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કંપનીની અત્યાર સુધીની યાત્રા કંપનીના ચેરમેન કરસનજી જાડેજાએ કરી હતી જ્યારે સ્વાગત પ્રવચન બાબુજી ઠાકોર અને આભાર વિધિ કાનજી ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.૩૦૦ થી વધુ શેરહોલ્ડર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


કંપનીનાં ખેડૂતોને કમાણી જ કમાણી...
-નોટબંધી સમયે ખેડૂતોને ગવાર કોઈ લેવા તૈયાર નહોંતું અને એ સમયે બજારમાં મણનાં રૂ.૫૭૦નાં ભાવ ચાલતાં હતાં.આ સમયે કંપનીએ એક હજાર મણ ગવાર એનસીડેક્સનાં ડીસા ગોડાઉનમાં ડિમેટ કરાવ્યો હતો અને પાછળથી આ ગવાર રૂ.૬૯૮માં ખપ્યો હતો. આમ ખેડૂતોને વધુ ભાવ મળ્યાં હતાં.
-હાલ પોતાનાં શેરહોલ્ડર-ખેડૂતો પાસેથી ૩૦૦ મણ જીરૂ રૂ.૩૦૦૦ ભાવથી ખરીદી કર્યું છે અને જુલાઈ-ઓગસ્ટમાં ભાવ  ઊંચકાશે ત્યારે તેનું વેચાણ કરશે અથવા તો પેકિંગમાં તેનું વેચાણ કરવા ઉપયોગ કરાશે. પાછળથી જે નફો થાય તે ખર્ચ બાદ કરીને ખેડૂતોને જ ચેકથી પરત આપવામાં આવશે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...