20 March 2017

ખેતીને ધંધો અપનાવી પૈસા કમાવવા વેલ્યુએડીશન અને નવીન પાકો તરફ વળવું પડશે



-જે ખેડૂતોએ સામા પવને ચાલીને નવા પ્રયોગો કર્યાં છે એ ખેડૂતો સફળ પણ થયાં છે
-પરંપરાગત ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની ફરિયાદો વધવા લાગી
-ખેડૂતો જાતે જ વેલ્યુએડીશન કરીને પાકોનું વેચાણ કરે તો ૫૦ ટકાથી પણ વધુ કમાણી થાય
-બાગાયત પાકમાં ખેડૂતો સીધી નિકાસ કરે તો પણ વધુ કમાણી થવાની સંભાવનાં

ગુજરાત સહિત દેશભરનાં ખેડૂતોને વિવિધ પાકોમાં પૂરતો ભાવ ન મળતા હોવાની ફરિયાદો વધી રહી છે. ડુંગળી, બટાટા, મગફળી, ચણા, તુવેર કે ધાણા કોઈ પણ પાક હાથમાં લો એટલે ખેડૂતોની ફરિયાદ સાંભળવા મળે છે કે અમે વાવણી કરી ત્યારે આસમાને ભાવ હતાં અને કાપણી કરી ત્યારે ભાવ તળિયે બેસી ગયાં હતા. આ ફરિયાદ દર એક કે બે વર્ષે કોઈને કોઈ પાકમાં જોવા મળતી હોય છે અને ભાજપ હોય કે કોંગ્રેસની સરકાર હજુ સુધી આનો કાયમી ઉપયાગ કોઈ જ સરકાર લાવી શકી નથી અને લાવી પણ શકશે નહીં. જો લાવી શકી હોત તો હાલ કઠોળનાં ભાવ તળિયે બેસી ગયાં છે ત્યારે તેની આયાત બંધ થઈ ગઈ હોય, પરંતુ આયાત ચાલુ જ છે. નાના બાળકને પણ ખબર પડે કે પેટ ભરાય ગયું હોય તો પાણી ન પીવાય તો નરેન્દ્ર મોદીની સરકારને શું? ના ખબર હોય કે તુવેર કે ચણાનાં ઢગલા થઈ ગયાં છે અને આયાત કરવી પડશે.

ઓછા ભાવનો કાયમી ઉપાય શું?
ખેતપેદાશોનાં ઓછા ભાવ મળે તેનો કાયમી ઉપાય એક જ છે અને એ છે કે પરંપરાગત પાકોની  સાથે ખેડૂતોએ નવીન પાક તરફ પણ વળવું જોઈએ અને નવી ટેકનોલોજીની સાથે ખેતી કરવાની શરૂઆત કરવી જોઈએ. મોટા ભાગનાં ખેડૂતો વાવેતર માટેનો નિર્ણય લે ત્યારે એક જ વસ્તુ વિચારે છે કે ગામમાં બધા ખેડૂતો શું વાવેતર કરે છે તેનું જ વાવેતર કરવું? બાજુવાળા રામજીભાઈએ કપાસ વાવ્યો તો આપણે પણ કપાસ જ વાવવો. નિર્ણય લેવામાં ખેડૂતો ભાવને પણ વધુ ધ્યાનમાં રાખે છે અને પછી ભાવ માટે જ ફરિયાદો કરે છે. ગત વર્ષે તુવેરનાં ભાવ આસમાને પહોંચ્યાં હોવાથી આ વર્ષે બધા જ ખેડૂતોએ તુવેર વાવી અને પરિણામ એ આવ્યું કે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ ભાવની ફરિયાદથી દૂર રહેવું હોય તો પરંપરાગત પાકનું વર્ષોથી જેટલું વાવેતર કરતાં હોય તેનાં કરતાં ઓછુ જ વાવેતર કરવું અને ઘેંટાની જેમ ગાડરીયા પ્રવાહમાં તરવું નહીં. ખેતીને ધંધો અપનાવો અને ધંધામાં એકાદ વર્ષ નુકસાન પણ જાય એવી તૈયારી સાથે ખેતી કરવી જોઈએ.

ખેડૂતોએ વેલ્યુએડીશન અને ગ્રેડિંગ તરફ વળવું જોઈએ
ખેડૂતોએ હવેનાં જમાનામાં બધો જ માલ એક સરખો વેચી દેવાને પગલે ગ્રેડિંગ કરીને વેચાણ કરવું જોઈએ. મગફળીમાં ક્વોલિટી પ્રમાણે અલગ કરીને જ વેચાણ કરવું જોઈએ. એજ રીતે કપાસમાં પણ ખેડૂતોએ જુદા-જુદા ટાઈમે વિણાટ કરેલા કપાસની ક્વોલિટી જુદી-જુદી હોય છે ત્યારે ખેડૂતો ઘણી વાર નબળી ક્વોલિટીના કપાસનાં સારા ભાવ માટે સારી ક્વોલિટીમાં મિક્સિંગ કરે છે, જેને કારણે સારી ક્વોલિટીનાં પણ ઓછા ભાવ મળે છે. વાતાવરણ પ્રમાણે દરેક કોમોડિટીમાં ભેજનું પ્રમાણ બદલાતુ હોય છે અને ક્વોલિટી પણ બદલાતી જાય છે.
ખેડૂતોએ ગ્રેડિંગની સાથે વેલ્યુએડીશન પણ કરવી જોઈએ. વેલ્યુએડીશનને વાત આવે તે બટાટા અને ટમેટાની વેફરના જ ઉદાહરણ  આપણને સાંભળવા મળે છે, એ દરેક ખેડૂતો માટે શક્ય પણ નથી હોય કે વેફર બનાવીને જ વેચાણ કરવામાં આવે. પરિણામે ખેડૂતોએ માત્ર વાતો જ સાંભળવા મળે છે. ખેડૂતો ટમેટાની વેફર બનાવવાને બદલે તેનો સોસ બનાવીને કાચની બોટલમાં ભરીને પણ વેચાણ કરે તો વધુ કમાણી થઈ શકે છે. સોસ બનાવવા માટે ખેતરમાં ઓછા ટમેટે પાક્યાં હોય તો પણ ચાલે છે અને વળી સોસ બનાવવો પણ સહેલો હોવાથી ઘરે મહિલાઓ પણ સરળતાથી બનાવી શકે છે. કઠોળમાં પણ સારી ક્વોલિટીનાં કઠોળનું નાના પેકિંગ બનાવીને રિટેલ કે પછી કોઈ મોટા જથ્થાબંધ વેપારીને વેચાણ કરવામાં આવે તો પણ વધુ કમાણી થઈ શકે તેમ છે. આમ ખેડૂતોએ વેલ્યુએડીશન કરવું જરૂરી છે.

બાગાયત પાકોની નિકાસ બજાર તરફ પણ ધ્યાન રાખો
કેરી, કેળા, ચીકું કે બીજા બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતો મોટા ભાગનો માલ ભારતીય બજારમાં જ વેચાણ કરતાં હોય છે. આ વેચાણ પાછળ તેની ક્વોલિટી પણ જવાબદાર હોય છે. કેટલાક હોશિયાર અને સમજૂ ખેડૂતો હવે નિકાસબર ક્વોલિટીનાં જ ફળપાકોનું વાવેતર કરે છે અને પોતાનાં જેવા બે-ચાર મોટા ખેડૂતોને માલ એક સાથે એકઠો કરીને પછી તેને સીધા પણ નિકાસ કરે છે. કચ્છનાં બટુકભાઈ કેરીની નિકાસ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. કેળા માટે પણ સાઉથમાં અનેક ખેડૂતો નિકાસ કરી રહ્યાં છે અને વધુ કમાણી કરી રહ્યાં છે. આમ ખેડૂતોએ ખેતરમાં જેટલું ઉત્પાદન થાય તેમાંથી નિકાસ થઈ શકે તેમ હોય તેવા ફળોને અલગ કરીને તેની નિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ.
આજનાં ૪જી યુગ અને ૨૧મી સદીમાં ખેડૂતોએ કેટલાક નવા પાકોનો પણ પ્રયોગ કરવો જોઈએ. સરગવો, ડ્રેગન ફ્રુટ, સીડલેસ લિંબુ (જોકે આ પ્રયોગ બધાને સફળ ન પણ થાય), સૌરાષ્ટ્રમાં હળદરની ખેતીનો પ્રયોગ, ખારેક જેવા પાકોની પણ ખેતી કરીને ખેડૂતો બીજા પાકોની તુલનાએ વધુ કમાણી કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીની સરકારમાં ખેડૂતોને સરકારી સબસિડી આગામી દિવસોમાં ધીમે ધીમે ઓછી જ મળવાની છે અને ખેડૂતોએ પણ તેનાંથી ટેવાવું પડશે. ખેતીમાં નવા પ્રયોગો કરીને કમાણી કરવી પડશે. આજે પણ ઘણા ખેડૂતો ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ કરીને પણ ખેતી કરી રહ્યાં છે અને બાપ કરતા બેટો સવાયો એમ ખેતીમાં સવાઈ અને દોઢી કમાણી કરી રહ્યાં છે. તમે પણ તમારાં પોતાનાં ખેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકના પસંદગી કરો અને શક્ય એટલી પરંપરાગત પધ્ધતિને છોડીને નવીન વિચારો સાથે ખેતીને ધંધા તરીકે અપનાવશો તો વધુ કમાણી થશે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...