13 March 2017

ઘઉંનાં બમ્પર પાકની વાતોથી ખેડૂતો સાવધાન



ઘઉંની સિઝન આવી ગઈ છે અને હોળી બાદ ઘઉંની પુષ્કળ આવકોથી બજારો ઉભરાય જશે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું બમ્પર એટલે કે ભારતનાં ઈતિહાસમાં ક્યારેય ન થયું હોય એટલું જંગી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. ખેડૂતોએ સરકારનાં બમ્પર પાકનાં આંકડાઓથી સાવધાન રહેવાની જરૂર છે અને સસ્તામાં માલ વેચાણ કરવાની ઉતાવળ કરતાં નહીં.
ઘઉંનાં ઉત્પાદનનાં આંકડાઓ ઉપર નજર
દેશમાં ચાલુ વર્ષે ઘઉંનું કુલ ૯૬૬.૪૦ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે, જે ઓલટાઈમ હાય છે. ગત વર્ષે દેશમાં સરકારી અંદાજ પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ૯૨૨.૯ લાખ ટન થયું હતું. દેશમાં આ અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં ઘઉંનું ૯૫૮.૫ લાખ ટનનું વિક્રમી ઉત્પાદન થયું હતું. દેશમાં છેલ્લા એક દાયકામાં ઘઉંનાંઉત્પાદનમાં માત્ર ૨૩ ટકાનું જ ઉત્પાદન વધ્યું છે. દશ વર્ષ પહેલા ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૭૮૫.૭ લાખ ટન થયું હતું. ઘઉંનાં ઉત્પાદનમાં  ધીમી ગ્રોથને કારણે જ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલ ૨૦૧૬થી ૩૧મી માર્ચ ૨૦૧૭  દરમિયાન ભારતે કુલ ૫૦ લાખ ટન ઘઉંની આયાત કરવી પડી છે, જે પણ દાયકાની સૌથી વધુ વાર્ષિક આયાત છે.
દેશમાં આટલા વર્ષો પછી પણ ઘઉંનાં ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી બનવા માટે હજી પ્રયાસ કરી રહ્યું છે અને વસ્તી વધારાની સાથે ઉત્પાદનનો ગ્રોથ વધતો ન હોવાતી ભારતે ઘઉંની આયાત કરવી પડી રહી છે.
ઘઉંમાં સરકારી ગોડાઉન તળિયા ઝાટક
ઘઉંમાં સરકારી ગોડાઉન તળિયા ઝાટક જોવા મળી રહ્યાં છે. સરકારી એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં તાજા આંકડાઓ પ્રમાણે પહેલી માર્ચે સરકારી ગોડાઉનમાં ઘઉંનો કુલ  સ્ટોક ૯૪ લાખ ટનનો છે જે છેલ્લા એક દાયકાનો સૌથી નીચો છે. પરિણામે  નવી સિઝનમાં સરકારે ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવથી ઘઉંની ખરીદીનો કુલ ૩૩૦  લાખ ટનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ગત સિઝનમાં માત્ર ૨૩૦ લાખ ટનની જ ખરીદ કરી હતી.
ઘઉંની આયાત ઉપર પણ નિયંત્રણો આવશે
કેન્દ્ર સરકારે હાલ ઘઉંની આયાત ડ્યૂટી ફ્રી કરી છે, જેને કારણે સાઉથની ફ્લોર મિલો બીજા રાજ્યોમાંથી ઘઉંની ખરીદી કરવાને બદલે ઓસ્ટ્રેલિયા અને યૂક્રેનથી ઘઉંની આયાત કરી રહી છે. સામાન્ય રીતે સાઉથની ફ્લોર મિલો માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રમાંથી ઘઉં ખરીદતી હોય છે અને હુડકા મારફતે વેરાવળથી મોટા પાયે ઘઉં જાય છે, પરંતુ ચાલુ વર્ષે આ લેખ લખાય છે ત્યાં  સુધીમાં એક પણ હુડકું સાઉથ ગયું નથી. ૧૦થી ૨૦  કન્ટેનર કચ્છનાં બંદરેથી ગયાં છે. સાઉથની મિલોને હાલ સૌરાષ્ટ્ર કરતાં આયાતી ઘઉં સસ્તા પડે છે. સરકાર આ આયાત ઉપર નિયંત્રણ મુકવા માટે આગામી દિવસોમાં ડ્યૂટી લગાવે તેવી સંભાવનાં છે. હાલ ૨૫ ટકા આયાત ડ્યૂટી લાદવાની વાત છે.
બીજી તરફ એપ્રિલ મહિનાથી ઘઉંમાં ફ્યુમીગેશન (મિથાઈલ બ્રીમાઈડ નામનાં કેમિકલનું ઘઉંમાં મિશ્રણ) કરવાનાં નિયમો પણ બદલાય રહ્યાં છે. ભારત સરકારે મિથાયલ બ્રમાઈડનું ફ્યુમીગેશન હવેથી જે-તે દેશનાં પોર્ટ ઉપર જ કરવાની જાહેરાત કરી છે. કાળા સમુદ્ર અને યુરોપનાં કેટલાક દેશોમાં આ કેમિકલ ઉપર પ્રતિબંધ હોવાથી અત્યાર સુધી ભારતીય પોર્ટ ઉપર આ પ્રક્રીયા થત્તી હતી, પરંતુ હવે આ પ્રક્રીયા બંધ થતા આ કેમિકલ પ્રતિબંધવાળા દેશોમાંથી ભારતમાં ઘઉં આવતા બંધ થઈ જશે. જે ખેડૂતો માટે  સારી વાત છે.
વર્તમાન સ્થિતિ જોત્તા અને આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકાર ખેડૂતોને ફાયદો થાય તેવા કેટલાક નિર્ણયો લઈ શકે છે, જેને કારણે પણ આ નિર્ણયો લેવાય તેવી સંભાવનાં છે.


ખેડૂતોએ ઘઉં કેમ સસ્તામાં કાઢવા નહીં?
કેન્દ્ર સરકારને ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ૬ ટકાએ અને ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવી છે એટલે વાસ્તવિકતાથી પણ ઊંચા ઉત્પાદનનાં આંકડાઓ આપી રહ્યાં છે, જેનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ચાલુ વર્ષે ઘઉંનો વિક્રમી પાક થવાની આગાહી આવતા માર્ચની શરૂઆત અને ફેબ્રુઆરીના  અંતમાં ઘઉંનાં ભાવ પાણી-પાણી થઈ ગયાં હતાં. જોકે હાલ થોડા સુધર્યાં પણ છે. ખેડૂતોએ ઉંચા ઉત્પાદનની વાતમાં આવુ નહીં.
સરકારી સ્ટોક તળિયા ઝાટક હોવાથી ગત વર્ષની તુલનાએ સરકારી એજન્સીઓ ૧૦૦ લાખ ટન ઘઉં વધુ ખરીદવાની છે. (એટલું તો ઉત્પાદન પણ નથી વધ્યું) ચાલુવર્ષે ૫૦ લાખ ટન ઘઉંની આયાત થઈ છે, જે આગામી વર્ષે ૨૦થી ૩૦ લાખ ટન થવાનો અંદાજ છે. ફુડ સિક્યોરિટી બિલનાં અમલને કારણે સરકારી યોજનામાં ઘઉંનો વપરાશ વધશે. સરકાર દ્વારા ૧૫મી માર્ચથી ઘઉંની પ્રતિ ક્વિન્ટલ રૂ.૧૬૨૫ અટલે કે ૨૦ કિલોનાં રૂ.૩૨૫નાં ભાવથી  ખરીદી કરશે, પરિણામે ખેડૂતોએ ભાવથી નીચે વેચાણ કરવુ જ નહીં. આગામી દિવસોમાં ખાનાર વર્ગની ઘરાકી શરૂ થશે એટલે ઘઉંનાં ભાવમાં હજી પણ વધારો થશે. સારી ક્વોલિટીનાં ઘઉંનાં ભાવ ઊંચા રહેવાની પૂરી સંભાવનાં છે. નબળા ઘઉં કાઢી નાખવા હિતાવહ છે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...