Showing posts with label Sugarcane. Show all posts
Showing posts with label Sugarcane. Show all posts

28 March 2017

ખેતી ક્ષેત્રે નવીન આવિસ્કારઃ ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ


-ચેન્નઈની એક કંપનીએ બનાવેલા ડ્રોનનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તેનું બીડું ઝડપતી સુરતની હાઈ-ટેક મીકેનાઈઝેશન કંપની
-ભારતમાં સૌપ્રથમવાર ડ્રોન દ્વારા દવાનાં છંટકવાનાં ડેમો તાજેતરમાં સુરત બાજુ શેરડીનાં ખેતરોમાં યોજાયા
 ખેતી ક્ષેત્રે અમુક વર્ષો બાદ અકલ્પનીય કે અશક્ય ટેકનોલોજી કે સંશોધનનાં આગમનથી એક ક્રાંતિનો તબક્કો શરૂ થતો હોય છે. ભારતમાં દોઢ દાયકા પહેલા બીટી કોટનનાં પ્રવેશ થયા બાદ કપાસનાં ઉત્પાદનમાં ન ધાર્યું ઉત્પાદન મેળવ્યું હતું. આવું કંઈક વર્ષ ૨૦૧૭નો ડ્રોનનો ખેતીમાં ઉપયોગ માટે યાદ રહે તેવી સંભાવનાં છે. અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ આપણે માત્ર લગ્ન કે બીજા પ્રસંગોનાં ફોટોગ્રાફી માટે જ જાણ્યો છે, પરંતુ આગામી દિવસોમાં તેનો ખેતીમાં મોટો ઉપયોગ થાય તેવી સંભાવના છે અને જેની શરૂઆત દવાનાં છંટકાવથી થઈ ચૂક્યો છે. તાજેતરમાં સુરત ખાતે અગ્રણી એગ્રીકલ્ચરલ કંપની હાઈટેક મિકેનાઈઝેશન દ્વારા શેરડીનાં ખેતરમાં ડ્રોન દ્વારા દવાનાં છંટકાવનાં ડેમો-નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ પ્રભાતની ટીમ પણ પહોંચી હતી. 
ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે હાલ માત્ર શેરડીનો પાક પસંદ કરવામાં આવ્યો છે અને તેમાં સકસેસ ગયાં બાદ કેળા, કપાસ કે બીજા તમામ પાકોમાં પણ છંટકાવ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ડ્રોન કઈ રીતે ઉપયોગી થશે તેની માહિતી આપતાં હાઈટેક મિકેનાઈઝેશનનાં પાર્ટનર ભરતભાઈ ચૌહાણ (મો.9904709689)એ જણાવ્યું હતું કે ડ્રોનનાં ઉપયોગથી ખેતી ક્ષેત્રે એક નવીન ક્રાંતિ થશે. ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ઉપયોગ શરૂ કરવા માટેનાં આ ડેમો શરૂ કરાયાં છે અને તેનાં ડ્રોનનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. ડ્રોનમાં પાણીની ટાંકીની સાઈઝ ૫ લીટર, ૧૦લીટર, ૧૫, લીટરથી લઈને ૩૦ લીટર સુધીની ક્ષમતા વાળા છે.
ડ્રોનથી મદદથી કઈ રીતે દવા છંટાશે?
ભરતભાઈ આ અંગે કહે છેકે ૧૫ લીટરનાં સાઈઝ વાળા ડ્રોનની વાત કરીએ તો એક એકર ખેતરમાં દવા છંટકાવ કરવા માટે માત્ર ૧૫ મિનીટનો સમય લાગે છે. બેટરી બેક-એપ ૧૫મિનીટ છે, પરિણામે એક વાર ડ્રોન ચાલુ કર્યાં બાદ ૧૫ મિનીટમાં તમે એક એકરમાં દવા સરળતાથી છાંટી શકો છે. વળી ડ્રોનથી દવા છાંટવાથી દરેક છોડમાં અસરકારક રીતે પહોંચે છે અને તેનો બગાડ થત્તો નથી. ડ્રોનમાં મેપિંગ અને સ્કેનીંગની સુવિધા પણ આપવામાં આવી છે. જે પોતાની જાતે જ્યાં દવાનો છંટકાવ કરવાનો હોય એ ખેતરના વિસ્તારનું માપ લઇ છે. અને સ્કેનીંગ દરમ્યાન ક્યાં કેટલી જીવાત છે કે કોઈ રોગ છે તે પણ બતાવી દે છે અને તે પ્રમાણે આપ મેળે જ્યાં જેટલી જરૂરિયાત હોય એટલી દવાનું મિક્ષણ કરીને છંટકાવ કરી શકાય છે.  
 હાઈટેક મિકેઈનાઝેશનનાં અન્ય પાર્ટનર એવા મયંકભાઈ પટેલ (મો.9904709687) કહે છેકે ખેડૂતોને સમયની સાથે નાણાનો પણ બચાવ થાય છે અને દવા છાંટવાને લીધે માનવને જે નુકસાન થાય છે તેમાંથી પણ બચી શકાય છે. ડ્રોન દ્વારા રિમોટ હોય ત્યાંથી તે એક કિલોમીટરની રેન્જમાં જઈ શકે છે, પરિણામે ખેડૂતો માટે ઘણું ઉપયોગી સાબિત થશે.
ડ્રોનનો બનાવનાર કંપનીનાં માલિકો શું કહે છે?
ડ્રોન બનાવનાર ચેન્નઈની કંપની શ્રી સાંઈ એરોટેક ઈનોવેશન્સનાં માલિક એવા પિતા-પુત્ર સાઈ પટ્ટાબિરમ અને વેન્કટેશન સાઈએ ડ્રોનનાં ઉપયોગ વિશે કહ્યું હતું કે આ ટેકનોલોજી વિશ્વમાં ચીન, અમેરિકા, યુરોપ સહિતનાં દેશોમાં મોટા પાયે વપરાય છે. માત્ર દવા છંટકાવ માટે નહીં પણ ખેતીમાં જરૂરી તમામ ઉપાયો માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. અમારી ટેકનોલોજીનો ભારતમાં હાલ ખેડૂતો દ્વારા સીધો ઉપયોગ શરૂ નથી થયો, પરંતુ તામિલનાડુની ચાનાં બગીચા ધરાવતી કંપની પેરી એગ્રોએ કુલ ૬ હજાર એકર ચાનાં બગીચામાં દવા છાંટવા માટે અમારી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.  ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધર દ્વારા પણ પાકનાં સર્વે માટે કે બીજી વિમા કંપનીઓ ઉપયોગમાં લે છે. ટાફે કંપની સાથે કપાસ અને ચાનાં ખેતરમાં પણ ઉપયોગ લેવા માટે વાતચીત ચાલી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં શેરડીનું મોટા પાયે વાવેતર થાય છે અને વર્ષો પહેલા ત્યાં હેલીકોપ્ટરની મદદથી દવા છાંટવામાં આવતી હતી, પરંતુ એ સમયે દવા ખેતરની સાથે બીજા માનવવસવાટ કે જે જગ્યાએ દવાની જરૂર ન હોય ત્યાં પણ છંટાતી હતી, જેને કારણે તેનાં ઉપર પ્રતિબંધ આવ્યો હતો. હવે આ મિની હેલ્પીકોપ્ટર જેવા ડ્રોનની મદદથી સરળતથી ખેતરમાં દવા છાંટી શકો છો અને દવાનો પૂરતો ઉપયોગ થાય છે.
ડ્રોનની દવાનાં છંટકાવનાં ડેમોને જોયા બાદ સુરતનાં દેરોડ ગામનાં ખેડૂત નારણભાઈ નરસીભાઈ પટેલે કહે  છે કે આ ટેકનોલોજી સારી છે અને ખેડૂતોએ અપનાવવા જેવી છે. હાલ દવા છાંટવાથી જે માનવશરીરને નુકસાન થાય છે અને મહેનતની સાથે વધુ સમય લાગે છે તેની તુલનાએ આ ઓછા સમયમાં થઈ જાય છે.
ડ્રોનની કિંમત અને વપરાશ ખર્ચ શું?
ડ્રોનની કિંમત રૂ.૪ લાખથી શરૂ કરીને ૭-૮ લાખ સુધીની છે. ૧૫ લિટરનાં ડ્રોનની કિંમત આશરે રૂ.૬.૫૦ લાખની છે. વપરાશ ખર્ચ સામાન્ય રીતે બેટરી ચાર્જ કરવા સિવાયનો બીજો કોઈ નથી. અમુક સમય સુધી વપરાશ કર્યા બાદ તેના પંખા અને મોટર ચેક કરવા સિવાય કોઈ ખર્ચ નથી. ૮-૧૦ વર્ષે બેટરી બદલવી પડે છે.
ભારતમાં ડ્રોન દ્વારા દવા છાંટવા માટેનો આ પહેલો પ્રયોગ શરૂ થયો છે અને આગામી દિવસોમાં જો ખેડૂતો ધીમે ધીમે અપનાવતા જશે તો ખેડૂતોને આ ટેકનોલોજીનો મોટો ફાયદો થાય તેવી સંભાવનાં છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે ડ્રોનનો ખેતીમાં ઉપયોગ માટે હાલ કોઈ ગાઈડલાઈન્સ નથી, પરંતુ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં સરકારી મંજૂરીની મહોર લાગે અને સરકાર બીજી ટેકનોલોજીમાં જેમ સબસિડી આપે છે તેમ આમા પણ ૨૦થી ૩૦ ટકા સુધીની સબસિડી આપે તો ખેડૂતોને ઓછા  ખર્ચે આધુનિક ટેકનોલોજી મળી શકે છે અને ખેતી ક્ષેત્રે હરણફાળ ફેરફાર આવી શકે તેમ છે.

ડ્રોનનો ભારત અને વિશ્વમાં ખેતી ક્ષેત્રે હાલ શું ઉપયોગ ?
ડ્રોન એક એક પ્રકારનું મિની હેલીકોપ્ટર જ છે અને વિશ્વમાં ચીન, અમેરિકા, યુરોપનાં કેટલાક દેશમાં દવા છાંટવાની સાથે, બિયારણનાં વાવેતર કરવા, પાકનું મોનેટરિંગ કરવા  સહિતનાં બીજા ઉપયોગમાં લેવાય છે. ભારતમાં અત્યાર સુધી કોઈ ખેડૂતો દ્વારા વ્યક્તિગ રીતે ખેતીમાં ઉપયોગ થયો નથી અને તેનો ડેમો પણ ભારતમાં પહેલી વાર સુરત ખાતે ચાલુ મહિને યોજાયો હતો. સ્કાયમેટ હવામાન એજન્સી કે બીજી વિમા કંપનીઓ પાકમાં નુકસાન અંગે હાલ ડ્રોનનો ઉપયોગ કરે છે.
ડ્રોનનો ઉપયોગ કરવા માટે કેટલીક સરકારી મંજૂરી પણ જરૂરી હોવાથી તે પણ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે ૨૦૦ ફુટથી વધુ ઊંચાય અને એક કિલોમીટરથી વધુ જઈ શકે તેવા ડ્રોન માટે સરકારી મંજૂરી જરૂરી હોય છે. આ ડ્રોન માત્ર ૧૦૦ ફુટ જ જઈ શકે છે અને એક કિલોમીટરની જ રેન્જ છે, પરિણામે સુરત કલેક્ટરનાં અભિપ્રાય બાદ એવું તારણ નીકળ્યું હતું કે સરકારી મંજૂરી જરૂરી નથી, પરંતુ સ્થાનિક ઓથોરિટી જેમ કે મામલતદાર કે પીઆઈને લેખિતમાં આની જાણ કરવી પડે છે.
ડ્રોન વસાવવાથી ખેડૂતોને કમાણી પણ થઈ શકે
હાઈટેકનાં ભરતભાઈ કહે છેકે ખેડૂતો દ્વારા ડ્રોનની ખરીદી કરવામાં આવે અને તેનો કોમર્શિયલ ધોરણે પોતાનાં ગામ કે બાજુનાં ગામમાં દવા છંટકાવ માટે ઉપયોગ કરવામાં આવે તો પહેલા જ વર્ષે ડ્રોનનો ખર્ચો નીકળી જાય છે અને બીજી ૨થી ૩ લાખની કમાણી પણ થઈ શકે છે. સરેરાશ દવા છાંટવા માટે મજૂરી રૂ.૩૦૦ ચાલે છે એ પ્રમાણે ખેડૂત ડ્રોન વસાવીને તેને ભાડેથી ઉપયોગ કરે તો આ કમાણી કરી શકે છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...