03 January 2015

Coriander Price Down 20% in one month

ધાણામાં મંદી , ભાવ મહિનામાં ૨૦ ટકા તુટ્યાં

-રાજસ્થાનમાં વરસાદથી ધાણાનાં ઊભા પાકને ફાયદો, પણ ગુજરાત-એમ.પી.માં નુકસાન

ધાણાની તેજી હવે અસ્ત થવા લાગી છે અને છેલ્લા બે મહિનામાં ૨૦ ટકાનો કડાકો બોલી ગયો છે. ધાણા ઉત્પાદક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે રાજસ્થાનમાં ફાયદો છે, પરંતુ એ સિવાયનાં વિસ્તારમાં નુકસાનીની સંભાવનાં છે.
ધાણા બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો ૧ ડિસેમ્બરે રૃા.૧૩૫૬૨ હતો, જે આજે ઘટીને રૃા.૧૦,૫૦૦ની નજીક પહોંચી ગયો છે. આમ તેમાં સરેરાશ રૃા.૩૦૦૦નો કડાકો બોલ્યો છે. જ્યારે નવા પાકનાં એપ્રિલ વાયદામાં ભાવ એક મહિનામાં રૃા.૮૪૯૦થી ઘટીને રૃા.૭૯૦૦ થયાં છે. સરેરાશ બજારો ઘટતા રહે તેવી ધારણાં છે.
રાજસ્થાનમાં ધાણાનાં અગ્રણી ટ્રેડર અને અખિલ ભારતીય વાયદા વ્યાપારી સંઘનાં સેક્રેટરી પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલા વરસાદને કારણે ધાણાને મોટો ફાયદો થયો છે. ધાણા માટે વર્તમાન વરસાદ અમૃત સમાન છે. ચાલુ વર્ષે અઢીથી ત્રણ ગણો પાક થવાની ધારણાં છે. ઓલ ઈન્ડિયા ધાણાનો પાક ૧.૫૦ કરોડ ક્વિન્ટલ થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૬૦ લાખ ક્વિન્ટલ થયો હતો. નવા ધાણા અમુક વિસ્તારમાં આવા લાગ્યાં છે, પરંતુ એકાદ મહિનામાં આવકો રેગ્યુલર ચાલુ થાય તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશનાં ખેડૂત અને પાટીદાર આગેવાન મનોહર પાટીદારે જણાવ્યું હતું કે બે દિવસથી પડી રહેલો વરસાદ ધાણા સિવાયનાં પાક માટે ફાયદાકારક છે. ધાણાનાં પાકને થોડી અસર જોવા મળી શકે છે અને ક્વોલિટી બગડે તેવી પણ સંભાવનાં છે.
ધાણાનાં પાક ઉપર વરસાદની દરેક વિસ્તાર પ્રમાણે અસર થતી હોય છે. રાજસ્થાનની જમીન નીતાર વાળી અને પાણી ચૂસી લેતી હોવાથી ત્યાં વરસાદ પડે તો પાકને ફાયદો થાય છે, પરંતુ એમ.પી. કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ બાજુની કાળી જમીન ઉપર પાણી પડે તો ક્યારે ભરેલા રહે છે, જેને કારણે પાકને ભવિષ્યમાં રોગ લાગી શકે છે. સૌરાષ્ટ્રમાં હળવદ કે ધ્રાંગ્રધા વિસ્તારમાં વરસાદ પડે તો ફાયદો પણ થઈ શકે છે.
ધાણાનાં ભાવ વિશે પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે ધાણાનાં ભાવ આગામી એકથી બે મહિનામાં રૃા.૨૦૦૦થી ૩૦૦૦ ઘટી જાય તેવી સંભાવનાં છે. એપ્રિલ વાયદો ઘટીને રૃા.૫૦૦૦ની સપાટીએ પણ પહોંચવાની સંભાવનાં છે. ઉલ્લેખનીય છેકે ધાણામાં ૨૦૧૪નાં વર્ષમાં સમગ્ર કોમોડિટીમાં સૌથી વધુ ૪૭ ટકાનો ભાવવધારો થયો હતો.

રાજ્ય સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ચાલુ વર્ષે ધાણાનું ૯૦ હજાર હેકટરમાં અને રાજસ્થાનમાં ૧.૯૦ લાખ હેકટરમાં વાવેતર થયું છે.
(Date 2 Jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...