Showing posts with label Wheat. Show all posts
Showing posts with label Wheat. Show all posts

21 September 2020

સરકારે રવી સિઝન-૨૦૨૦-૨૧ માટે કઈ કોમોડિટીનાં કેટલા ટેકાનાં ભાવ કેટલા વધાર્યાં?

દિપક મહેતાઃ કેન્દ્ર સરકારે આગામી રવિ સિઝન-શિયાળુ પાકોની સિઝનને ધ્યાનમાં રાખીને લઘુત્તમ ટેકાનાં ભાવની આજે જાહેરાત કરી હતી. તાજેતરમા કૃષિ બિલોનાં વિરોધનો ટાળવા માટે સરકારે પહેલી વાર સપ્ટેમ્બર મહિનામાં એટલે કે હજી શિયાળુ પાકોનું વાવેતર શરૂ થાય એ પહેલા જ જાહેર કર્યાં છે. સરકારે ચણાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫ અને મસૂરમાં રૂ.૩૦૦નો વધારો કર્યો હતો. જ્યારે રાયડાનાં ટેકાનાં ભાવમાં રૂ.૨૨૫નો વધારો કર્યો છે. જ્યારે ઘઉંનાં ટેકાનાં ભાવમાં રૂ.૫૦નો વધારો કરીને રૂ.૧૯૭૫ પ્રતિ ક્વિન્ટલ કર્યાં છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે આ પાકોની ઉત્પાદન પડતર કરતાં ટેકાનાં ભાવ ૫૦થી ૧૦૬ ટકા જેટલા વધારે છે.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫ બાદ પહેલીવાર ઘઉનાં ભાવ સૌથી ઓછા રૂ.૫૦ જ વધાર્યાં છે. ગત વર્ષે રૂ.૮૫ અને એ અગાઉ રૂ.૧૦૦થી વધુનો જ વધારો કર્યો હતો. દેશમાં ઘઉંનો જંગી સ્ટોક હોવાથી સરકારે ઘઉંનાં ભાવ ઓછા વધાર્યાં છે.

બીજી તરફ કઠોળ પાકો અને ખાસ કરીને મસૂરની અછત હોવાથી તેનું ઉત્પાદન વધે એ માટે તેનાં ટેકાનાં ભાવમાં સૌથી વધુ વધારો કર્યો છે. તેલીબિયાં પાક રાયડાનું ઉત્પાદન વધે અને ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઘટે એ હેતુંથી સરકારે તેનાં ટેકાનાં ભાવ પણ રૂ.૨૨૫ વધાર્યાં છે. જ્યારે જવમાં રૂ.૭૫ અને કુસુમમાં રૂ.૧૧૨નો વધારો કર્યો છે.

(લખ્યા તા.૨૧ સપ્ટે.૨૦૨૦)


 

13 March 2017

ઘઉંનાં બમ્પર પાકની વાતોથી ખેડૂતો સાવધાન



ઘઉંની સિઝન આવી ગઈ છે અને હોળી બાદ ઘઉંની પુષ્કળ આવકોથી બજારો ઉભરાય જશે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું બમ્પર એટલે કે ભારતનાં ઈતિહાસમાં ક્યારેય ન થયું હોય એટલું જંગી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. ખેડૂતોએ સરકારનાં બમ્પર પાકનાં આંકડાઓથી સાવધાન રહેવાની જરૂર છે અને સસ્તામાં માલ વેચાણ કરવાની ઉતાવળ કરતાં નહીં.
ઘઉંનાં ઉત્પાદનનાં આંકડાઓ ઉપર નજર
દેશમાં ચાલુ વર્ષે ઘઉંનું કુલ ૯૬૬.૪૦ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે, જે ઓલટાઈમ હાય છે. ગત વર્ષે દેશમાં સરકારી અંદાજ પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ૯૨૨.૯ લાખ ટન થયું હતું. દેશમાં આ અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં ઘઉંનું ૯૫૮.૫ લાખ ટનનું વિક્રમી ઉત્પાદન થયું હતું. દેશમાં છેલ્લા એક દાયકામાં ઘઉંનાંઉત્પાદનમાં માત્ર ૨૩ ટકાનું જ ઉત્પાદન વધ્યું છે. દશ વર્ષ પહેલા ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૭૮૫.૭ લાખ ટન થયું હતું. ઘઉંનાં ઉત્પાદનમાં  ધીમી ગ્રોથને કારણે જ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલ ૨૦૧૬થી ૩૧મી માર્ચ ૨૦૧૭  દરમિયાન ભારતે કુલ ૫૦ લાખ ટન ઘઉંની આયાત કરવી પડી છે, જે પણ દાયકાની સૌથી વધુ વાર્ષિક આયાત છે.
દેશમાં આટલા વર્ષો પછી પણ ઘઉંનાં ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી બનવા માટે હજી પ્રયાસ કરી રહ્યું છે અને વસ્તી વધારાની સાથે ઉત્પાદનનો ગ્રોથ વધતો ન હોવાતી ભારતે ઘઉંની આયાત કરવી પડી રહી છે.
ઘઉંમાં સરકારી ગોડાઉન તળિયા ઝાટક
ઘઉંમાં સરકારી ગોડાઉન તળિયા ઝાટક જોવા મળી રહ્યાં છે. સરકારી એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં તાજા આંકડાઓ પ્રમાણે પહેલી માર્ચે સરકારી ગોડાઉનમાં ઘઉંનો કુલ  સ્ટોક ૯૪ લાખ ટનનો છે જે છેલ્લા એક દાયકાનો સૌથી નીચો છે. પરિણામે  નવી સિઝનમાં સરકારે ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવથી ઘઉંની ખરીદીનો કુલ ૩૩૦  લાખ ટનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ગત સિઝનમાં માત્ર ૨૩૦ લાખ ટનની જ ખરીદ કરી હતી.
ઘઉંની આયાત ઉપર પણ નિયંત્રણો આવશે
કેન્દ્ર સરકારે હાલ ઘઉંની આયાત ડ્યૂટી ફ્રી કરી છે, જેને કારણે સાઉથની ફ્લોર મિલો બીજા રાજ્યોમાંથી ઘઉંની ખરીદી કરવાને બદલે ઓસ્ટ્રેલિયા અને યૂક્રેનથી ઘઉંની આયાત કરી રહી છે. સામાન્ય રીતે સાઉથની ફ્લોર મિલો માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રમાંથી ઘઉં ખરીદતી હોય છે અને હુડકા મારફતે વેરાવળથી મોટા પાયે ઘઉં જાય છે, પરંતુ ચાલુ વર્ષે આ લેખ લખાય છે ત્યાં  સુધીમાં એક પણ હુડકું સાઉથ ગયું નથી. ૧૦થી ૨૦  કન્ટેનર કચ્છનાં બંદરેથી ગયાં છે. સાઉથની મિલોને હાલ સૌરાષ્ટ્ર કરતાં આયાતી ઘઉં સસ્તા પડે છે. સરકાર આ આયાત ઉપર નિયંત્રણ મુકવા માટે આગામી દિવસોમાં ડ્યૂટી લગાવે તેવી સંભાવનાં છે. હાલ ૨૫ ટકા આયાત ડ્યૂટી લાદવાની વાત છે.
બીજી તરફ એપ્રિલ મહિનાથી ઘઉંમાં ફ્યુમીગેશન (મિથાઈલ બ્રીમાઈડ નામનાં કેમિકલનું ઘઉંમાં મિશ્રણ) કરવાનાં નિયમો પણ બદલાય રહ્યાં છે. ભારત સરકારે મિથાયલ બ્રમાઈડનું ફ્યુમીગેશન હવેથી જે-તે દેશનાં પોર્ટ ઉપર જ કરવાની જાહેરાત કરી છે. કાળા સમુદ્ર અને યુરોપનાં કેટલાક દેશોમાં આ કેમિકલ ઉપર પ્રતિબંધ હોવાથી અત્યાર સુધી ભારતીય પોર્ટ ઉપર આ પ્રક્રીયા થત્તી હતી, પરંતુ હવે આ પ્રક્રીયા બંધ થતા આ કેમિકલ પ્રતિબંધવાળા દેશોમાંથી ભારતમાં ઘઉં આવતા બંધ થઈ જશે. જે ખેડૂતો માટે  સારી વાત છે.
વર્તમાન સ્થિતિ જોત્તા અને આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકાર ખેડૂતોને ફાયદો થાય તેવા કેટલાક નિર્ણયો લઈ શકે છે, જેને કારણે પણ આ નિર્ણયો લેવાય તેવી સંભાવનાં છે.


ખેડૂતોએ ઘઉં કેમ સસ્તામાં કાઢવા નહીં?
કેન્દ્ર સરકારને ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ૬ ટકાએ અને ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવી છે એટલે વાસ્તવિકતાથી પણ ઊંચા ઉત્પાદનનાં આંકડાઓ આપી રહ્યાં છે, જેનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ચાલુ વર્ષે ઘઉંનો વિક્રમી પાક થવાની આગાહી આવતા માર્ચની શરૂઆત અને ફેબ્રુઆરીના  અંતમાં ઘઉંનાં ભાવ પાણી-પાણી થઈ ગયાં હતાં. જોકે હાલ થોડા સુધર્યાં પણ છે. ખેડૂતોએ ઉંચા ઉત્પાદનની વાતમાં આવુ નહીં.
સરકારી સ્ટોક તળિયા ઝાટક હોવાથી ગત વર્ષની તુલનાએ સરકારી એજન્સીઓ ૧૦૦ લાખ ટન ઘઉં વધુ ખરીદવાની છે. (એટલું તો ઉત્પાદન પણ નથી વધ્યું) ચાલુવર્ષે ૫૦ લાખ ટન ઘઉંની આયાત થઈ છે, જે આગામી વર્ષે ૨૦થી ૩૦ લાખ ટન થવાનો અંદાજ છે. ફુડ સિક્યોરિટી બિલનાં અમલને કારણે સરકારી યોજનામાં ઘઉંનો વપરાશ વધશે. સરકાર દ્વારા ૧૫મી માર્ચથી ઘઉંની પ્રતિ ક્વિન્ટલ રૂ.૧૬૨૫ અટલે કે ૨૦ કિલોનાં રૂ.૩૨૫નાં ભાવથી  ખરીદી કરશે, પરિણામે ખેડૂતોએ ભાવથી નીચે વેચાણ કરવુ જ નહીં. આગામી દિવસોમાં ખાનાર વર્ગની ઘરાકી શરૂ થશે એટલે ઘઉંનાં ભાવમાં હજી પણ વધારો થશે. સારી ક્વોલિટીનાં ઘઉંનાં ભાવ ઊંચા રહેવાની પૂરી સંભાવનાં છે. નબળા ઘઉં કાઢી નાખવા હિતાવહ છે.

19 January 2015

Wheat Export may be rise : till july may export 20 lakh ton.

ઘઉંની નિકાસ માટે સોનેરી તક , જુલાઈ સુધીમાં ૨૦ લાખ ટન નિકાસનો અંદાજ
રશિયા-યૂક્રેન દ્વારા નિકાસ નિયંત્રણોથી ભારતીય ઘઉંની નિકાસને વેગ મળશે

ભારતીય ઘઉંની નિકાસ માટે સોનેરી તક આવી રહી છે. રશિયા અને યૂક્રેન જેવા કાળા સમુદ્રનાં દેશોઓ નિકાસ ઉપર નિયંત્રણો લાદતા ભારતમાંથી જુલાઈ મહિના સુધીમાં કુલ ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થાય તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.
વિશ્વમાં છેલ્લા ત્રણ મહિનામાં ઘઉંનાં ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. રશિયા પહેલી ફેબ્રુઆરીથી ઘઉંની નિકાસ ઉપર ૪૧ ડોલર પ્રતિ ટનની નિકાસ ડ્યૂટી લાદી છે. યૂક્રેને પણ કોઈ પણ નિકાસકાર માટે  બે લાખ ટનની મર્યાદામાં જ નિકાસની છૂટ આપી છે.
નવી દિલ્હી સ્થિત એક વૈશ્વિક ટ્રેડિંગ કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કે ભારત એક એવી જગ્યાએ છેકે તેને રશિયાનાં નિયંત્રણનો મોટો લાભ મળશે. ફેબ્રુઆરીથી જુલાઈ મહિનાનાં સમયગાળામા ભારતમાંથી કુલ ૨૦ લાખ ટનની ઘઉંની નિકાસ થાય તેવી ધારણાં છે.
સિંગાપોરનાં એક ટ્રેડરે કહ્યું કે ઈન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા અને બાંગ્લાદેશ ઓછા શિપિંગ ભાડાંને કારણે યુરોપિયન દેશોને બદલે ભારતમાંથી ખરીદી કરે તેવી ધારણાં છે. એશિયન ખરીદદારોને ભારતમાંથી ઘઉંની ખરીદીમાં ટને ૧૨થી ૧૫ ડોલરનું જ ભાડું લાગે છે, જેની સામે યૂક્રેનથી ૩૦ ડોલર જેટલું ભાડું લાગે છે.
ટ્રેડરો કહે છે કે સરકાર માટે પણ સારી તક છેકે પોતાનાં ૨૫૧ લાખ ટનનાં રિઝર્વ સ્ટોકને ઘટાડવા માટે નિકાસ ટેન્ડર જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા હજુ નિકાસ માટે કોઈ જ નિર્ણય લેવાયો નથી. સરકાર ખેડૂતો પાસેથી સરેરાશ ૨૩૦ ડોલર પ્રતિ ટનનાં ભાવથી ઘઉં ખરીદે છે.
વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંનાં ખાનગી ટ્રેડરો અત્યારે ૨૭૦ ડોલર એફઓબી ભાવ ક્વોટ કરે છે. જ્યારે ફ્રેચ ઘઉંનાં ભાવ ૨૪૮થી ૨૫૦ ડોલર અને ઓસ્ટ્રેલિયન સ્ટાન્ડર્ડ ઘઉંનાં ૨૭૦ ડોલર અને યુક્રેન મિલબર ઘઉંનાં ૨૬૫ ડોલરનાં ભાવ ક્વોટ થઈ રહ્યાં છે.
સિંગાપોરનાં એક ટ્રેડરે કહ્યું કે એશિયન દેશો માટે ભારતીય ઘઉં વધુ આકર્ષક છે, કારણ કે ભાડું પણ ઓછું લાગે છે અને ડિલીવરીનો સમય પણ બચી જાય છે. પરિણામે આગામી દિવસોમાં લાખો ટન ભારતીય ઘઉંની માંગ નીકળે તેવી સંભાવનાં છે.
મધ્યપ્રદેશમાં ઘઉંનું રેકર્ડબ્રેક ૨૦૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ
દેશમાં ઘઉંનાં ટોચનાં ઉત્પાદક રાજ્ય એવા મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ઘઉંનું રેકર્ડબ્રેક ઉતપાદન થવાનો અંદાજ સરકારે મૂક્યો છે. રાજ્ય સરકારનાં મતે ચાલુ વર્ષે કુલ ૨૦૫.૨ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે, જે ગત વર્ષે ૧૭૪.૭  લાખ ટન થયું હતું.
મધ્યપ્રદેશમાં ઉત્પાદન વધારવા અંગે સરકારે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાતાવરણ અનુકૂળ રહેતા અને વરસાદ પણ સારો પડ્યો હોવાથી ઉતારા પણ વધ્યાં છે, જેને કારણે ચાલુ વર્ષે ઉત્પાદન પંજાબથી પણ વધારે થાય તેવી ધારણાં છે. આ સાથે મધ્યપ્રદેશ ઘઉંનું ટોચનું ઉત્પાદક રાજ્ય પણ બનશે.

મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ૫૬.૬ લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૮.૭૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્ય સરકારે કુલ ૬૦ લાખ હેકટર વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાવેતર ઘટ્યું છે, પરંતુ ઉતારા વધતા કુલ ઉત્પાદનમાં વધારો જોવા મળશે.
(Date 15 Jan.2015)

03 January 2015

New Wheat start in Visavadar APMC

વિસાવદરમાં નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ
-દેશમાં સૌપ્રથમ વિસાવદરમાં ૩૦ ગુણી નવા ઘઉં આવ્યાં


દેશમાં એક તરફ ઘણા વિસ્તારમાં ઘઉંની વાવણી હજુ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રનાં વિસાવદરમાં આજે નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ પણ થયાં હતાં. આ સાથે સમગ્ર દેશમાં સૌ પ્રથમ નવા ઘઉંની આવકો ચાલુ થઈ છે.
ઘઉંનાં વેપારીઓનાં જણાવ્યાં પ્રમાણે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આજે ૩૦ ગુણી નવા ઘઉંની આવકો હતી અને સરેરાશ રૃા.૩૩૨.૨૫નાં ભાવથી મૂર્હતનાં સોદા થયાં હતાં. આ ઘઉંનું વાવેતર શરદપૂનમ આસપાસ થયું હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દર વર્ષે કેશોદ પંથકમાં નવા ઘઉંની આવકો સૌપ્રથમ થતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વિસાવદરમાં થઈ છે. કેશોદમાં પણ ૧૫થી ૨૦ દિવસમાં નવા ઘઉંની આવકો ચાલુ થાય તેવી શક્યતા છે. કેશોદ આજુબાજુનાં ત્રંબાવદર, ગડુ અને જંગર સહિતના ગામોમાં ખેડૂતોએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણી આપવાનું બંધ કર્યું છે, પરિણામે તે ઘઉં પંદર દિવસમાં પાકી જશે. એકાદ મહિનામાં તો રેગ્યુલર આવકો ચાલુ થઈ જાય તેવી પણ સંભાવનાં છે.
એફસીઆઈનાં ઘઉંનાં ટેન્ડરમાં ૯૫૦૦ ટનનું વેચાણ
ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ગુજરાતનાં પહેલી જાન્યુઆરીએ ખુલેલા એક લાખ ટનનાં ટેન્ડરમાંથી ૯૫૦૦ ટન ઘઉંનું વેચાણ થયું હતું. સરેરાશ ઘઉંમાં ભાવ તેનાં લઘુત્તમ ભાવની આસપાસ જ વેચાણ  થયું હતું. આમ ગુજરાતમાં સતત બે સપ્તાહ સુધી સરકારી ઘઉંનું વેચાણ થયું છે અને બે ટેન્ડરોમાં કુલ ૧૭૫૦૦ ટન ઘઉં ખુલ્લા બજારમાં ઠલવાયા છે. આગામી ટેન્ડર આવતા સપ્તાહે ખુલશે, જેમાં ૧૦ હજાર ટન જેવાં માલનું વેચાણ થાય તેવી સંભાવનાં છે. સરકારી માલોની આવકોથી ખુલ્લા બજારમાં ભાવ વધતા અટકી ગયાં છે.
ઘઉં ઉત્પાદક વિસ્તારોમાં વરસાદથી રેકર્ડબ્રેક પાકની ધારણાં
-કેન્દ્રીય કૃષિ કમિશ્નરનાં મતે ઉત્પાદન ગત વર્ષને પાર થવાની ધારણાં
-ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા ભાગનાં વિસ્તારમાં વરસાદ
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની નજીવો ઘટાડો થયો છે,પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી ઉત્તર અને મધ્ય ભારતમાં પડી રહેલા વરસાદને કારણે ઘઉંનાં પાકનું ચીત્ર બદલાય તેવી સંભાવનાં છે અને ઉત્પાદન ગત વર્ષની તુલનાએ વધીને રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે.
કેન્દ્રીય કૃષિ કમિશ્નર જે.એસ.સાધુએ જણાવ્યું હતું કે દેશમાં ગત વર્ષે ૯૫૯ લાખ ટનનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે સરકારે સત્તાવાર રીતે ૯૪૭ લાખ ટન પાક થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ તાજેતરમાં પડેલા વરસાદને કારણે પાકનો મોટો ફાયદો થશે. વરસાદને કારણે ઉતારા પણ વધશે, પરિણામે ચાલુ વર્ષે પણ રેકર્ડબ્રેક પાક થાય તેવી ધારણાં છે.
દેશમાં ઘઉનાં ટોચનાં ઉત્પાદક એવા મધ્યપ્રદેશમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાકને મોટો ફાયદો થશે. રાજસ્થાનમાં પણ વરસાદથી પાકને ફાયદો થશે. રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર પણ ગત વર્ષની તુલનાએ નવા ટકા વધ્યું છે. પરિણામે ત્યાં ઉત્પાદન ચાલુ વર્ષે રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે. ટ્રેડરો અને જાણકારોનું કહેવું છેકે વર્તમાન સ્થિતિ જોતા હવે સમગ્ર દેશમાં ગુજરાતમાં જ ઘઉંનાં ઉત્પાદનમાં મોટો કાપ આવશે, એ સિવાયનાં રાજ્યોમાં ઉત્પાદન ઘટે તેવું લાગતું નથી. વરસાદથી ઉતારા વધતા સરેરાશ દેશમાં ઉત્પાદન ગતવર્ષ જેટલું અથવા તો તેનાંથી વધી જશે અને પાક ઓલટાઈમ હાઈ થઈ શકે છે.

કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે દેશમાં બીજી જાન્યુઆરી સુધીમાં ઘઉંનું ૨૯૩.૧૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૨૯૪ લાખ હેકટરમાં થયું હતું. આમ સરેરાશ વાવેતર વિસ્તાર ગત વર્ષ જેટલો જ છે. જો ઉતારા વધશે તો પાક પણ વધી જાય તેવી પૂરી સંભાવનાં છે.

31 December 2014

FCI Wheat Tender open 1 Jan. in Gujarat

ગુજરાતમાં એફસીઆઈનું ઘઉંનું ૧ લાખ ટનનું ટેન્ડર પહેલી જાન્યુઆરીએ ખુલશે
-ગુજરાતમાં સતત ૨૦ ટેન્ડર નિષ્ફળ ગયા બાદ ૨૧માં ટેન્ડરમાં ૮ હજાર ટન ઘઉંનું વેચાણ થયું

ઘઉંની ખુલ્લા બજારમાં અછતથી ભાવ ઊંચકાતા હવે સરકારી માલોની માંગ વધે તેવી સંભાવનાં છે. ગુજરાતમાં સરકારી એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા એક લાખ ટન ઘઉંનું ઈ-ઓક્શન પહેલી જાન્યુઆરી થઈ રહ્યું છે, જેમાં મોટો જથ્થો વેચાણ થાય તેવી સંભાવનાં છે.
એફસીઆઈ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ઓપન માર્કેટ સેલ સ્કીમ જાહેર કરવામાં આવી હતી અને દર સપ્તાહે ઈ-ઓક્શન થતું હતું. ગુજરાતમાં સતત ૨૦ સપ્તાહ સુધી એક પણ બીડ ન આવ્યાં બાદ ગત સપ્તાહે યોજાયેલા ૨૧માં ઓક્શનમાં કુલ ૮ હજાર ટન ઘઉંનું વેચાણ થયું હતું.
ગુજરાત એફસીઆઈનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે યોજાયેલા ટેન્ડરમાં ૯ હજાર ટનની બીડ આવી હતી, જેમાંથી ૮ હજાર ટનની મંજૂરી આપી છે. જેમાં સરેરાશ રૃા.૧૬૫૧થી ૧૬૯૧નાં ભાવ ભરાયાં હતાં. હવે પહેલી જાન્યુઆરીનાં દિવસે એક લાખ ટનનું ટેન્ડર છે, જેમાં ૯૬ હજાર ટન વર્ષ ૨૦૧૩-૧૪ની સિઝનનાં અને ૪ હજાર ટન વર્ષ ૨૦૧૪-૧૫ની સિઝનનાં ઘઉં છે. 
એફસીઆઈ દ્વારા રાજ્યમાં કુલ ૧૪ સેન્ટરો માટે અલગ-અલગ જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યમાં ઘઉંનાં બેઝ ભાવ જૂના ઘઉં માટે રૃા.૧૬૫૧થી ૧૭૧૦ છે જ્યારે નવા ઘઉંમાં રૃા.૭૦નું પ્રીમિયમ વસૂલવામાં આવે છે.
(Date 30 Dec.2014)

Wheat price Rise

દેશમાં ઘઉંની અછતથી લાલચોળ તેજી

-મિલબર ઘઉંમાં ક્વિન્ટલે રૃા.૧૦૦થી વધુનો સુધારો,નવી સિઝન લેઈટ થવાને કારણે પાલાખાધ સર્જાતા વધુ તેજી થશે
દેશમાં ગત વર્ષે ઘઉંનું રેકર્ડબ્રેક વાવેતર થતા ચાલુ વર્ષે ઘઉંની મોટી અછત ઊભી થઈ છે. ઘઉંની અછતને પગલે છેલ્લા દશેક દિવસમાં જ ઘઉંનાં ભાવમાં ક્વિન્ટલે રૃા.૧૦૦થી વધુનો સુધારો જોવા મળ્યો છે. ગુજરાત  સહિત સમગ્ર દેશમાં ઘઉંની અત્યારે અછત ઊભી થઈ છે અને ફ્લોર મિલોને માલ મળવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ સરકારી ગોડાઉનમાં પહેલી ડિસેમ્બરે કુલ ૨૭૫ લાખ ટનનો સ્ટોક પડ્યો છે, જે પહેલી જાન્યુઆરી પ્રમાણે બફર સ્ટોકનાં નિયમ મુજબ ૮૨ લાખ ટનનો જ હોવો જોઈએ. આમ નિયમ કરતાં ત્રણ ગણો વધારે સ્ટોક છે.
ગુજરાત રોલર ફ્લોર મિલ એસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ શરાફે કહ્યું કે મિલોને અત્યારે માલ મળવો મુશ્કેલ બની ગયો છે. ઊંચા ભાવ આપવાથી પણ બધી મિલોને માલ મળતો નથી. પરિણામે ૭૦થી ૮૦ ટકા મિલો બંધ પડી છે. દેશમાં અત્યારે ઘઉંમાં છત્તે પાણીએ દુષ્કાળ છે, સરકાર પાસે પુષ્કળ  સ્ટોક પડ્યો છે, પરંતુ ખુલ્લા બજારમાં માલ મળતો નથી. સરકારને નીચા ભાવથી ઘઉંનું વેચાણ કરવું નથી, પરિણામે બજારમાં અછતની સાથે તેજી થઈ ગઈ છે.
રાજકોટનાં એક નિકાસકાર કમ ટ્રેડરે કહ્યું કે ઘઉંમાં માલ મળતો નથી. મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓ પાસે પડેલો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે. રશિયાએ નિયંત્રણો મૂક્યા બાદ ભારતીય ઘઉંની માંગ વધી છે અને નિકાસમાં ૨૮૫ ડોલર પહોંચનાં ભાવ બોલાય છે, જે છેલ્લા ૧૦ દિવસમાં ૧૫ ડોલર વધી ગયાં છે. નવો પાક ઓછામાં ઓછા એક મહિનો લેઈટ છે. દેશમાં ભલે વાવેતર ઓછું ઘટ્યું હોય, પરંતુ ગુજરાતમાં ૪૦ ટકા અને સૌરાષ્ટ્રમાં ૭૦ ટકા પાક ઓછો દેખાય છે. પરિણામે ભાવ હજુ પણ ઊંચકાશે.

હિંમતનગરનાં અગ્રણી ટ્રેડર ઝાકીરભાઈ પહાડાવાલાએ જણાવ્યું કે ગુજરાતની જેમ એમ.પી.માં પણ વાવેતર ઓછું છે. ઓલ ઈન્ડિયા ૩૦ ટકા ઉત્પાદન ઘટે તેવું લાગી રહ્યું છે. નવા ઘઉંને હજુ ત્રણ મહિનાની વાર છે. ૨૦ માર્ચ પહેલા મને નવા ઘઉંની આવક લાગતી નથી. પરિણામે બજારમાં પાલાખાધ સર્જાય છે. ઘઉંનાં ભાવ ચાલુ વર્ષે ૨૦ કિલોનાં વધીને રૃા.૫૦૦ની સપાટીએ પહોંચે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.
(Date 29 Dec.2014)

19 December 2014

World Wheat price Rise 7 Month high due to Russia Export Ristcriction

રશિયાએ નિકાસ ઉપર નિયંત્રણો લાદતા વૈશ્વિક ઘઉં સાત માસની ટોચે

રશિયાએ ભારત સહિતનાં ચાર દેશો સિવાય ઘઉંનો નિકાસ પ્રતિબંધ મૂક્યો

વૈશ્વિક ઘઉંમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. રશિયન ઈકોનોમીમાં મંદી અને વધી રહેલા ફુગાવાનો નિયંત્રણમાં રાખવા માટે તેણે ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણો લાદ્યા છે, જેને કારણે વિશ્વ બજારમાં ઘઉંનાં ભાવ વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. બજારનો અંડરટોન હજુ પણ મજબૂત છે અને તેનાંથી ભારતને પણ ફાયદો થાય તેવી સંભાવનાં છે.
રશિયાનાં નેશનલ એસોસિયેશન ઓફ એક્સપોર્ટ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ ગ્રૂપે જણાવ્યું હતું કે સરકારે માત્ર ઈજિપ્ત, તુર્કિ, ભારત અને આર્મેન્યિા એમ ચાર જ દેશમાં ઘઉંની નિકાસ માટેની છૂટ આપી છે, એ સિવાયનાં દેશોમાં નિકાસ સર્ટિફીકેટ ઈશ્યૂ કરવાનાં બંધ કર્યાં છે. રશિયા સામાન્ય રીતે ૧૨થી વધુ દેશોમાં નિકાસ કરે છે, પરંતુ હવે માત્ર ચાર દેશમાં જ નિકાસ શક્ય બનશે. રશિયા વિશ્વમાં ઘઉંની નિકાસ કરતો ટોચનાં નિકાસકાર દેશોમાંનો એક છે.
રશિયાનાં નિર્ણય સામે ત્યાંનાં નિકાસકારોએ સરકારને પત્ર લખ્યો છેકે આ નિર્ણયથી વિશ્વ બજારમાં રશિયાની છાપ ખરાબ ઊભી થશે. જે જૂના સોદા થયા છે તે પણ રદ થશે.
રશિયાનાં નિર્ણયને પગલે શિકાગો ઘઉં વાયદો ૨૫.૨૫ સેન્ટ વધીને ૬.૪૮ ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. જે સાત મહિનાની સૌથી ઊંચી સપાટી બતાવે છે. રશિયાના નિકાસ નિયંત્રણોથી અમેરિકાની ઘઉંની નિકાસ વધે તેવી સંભાવનાં છે.
ભારતમાં પણ ઘઉંનાં ભાવ છેલ્લા ઘણા સમયથી સ્થિર છે અને નિકાસ વેપારો ખાસ થતા નથી, પરંતુ આગામી દિવસોમાં નિકાસવેપારો ખુલે તેવી સંભાવનાં છે. રશિયાનાં પ્રતિબંધથી વૈશ્વિક ઘઉંનાં ભાવ વધુ ઊંચકાય શકે છે.
માર્કેટએજનાં એનાલિસ્ટ માર્ક માર્ટીનનું કહેવું છેકે રશિયાનાં નિર્ણયને પગલે વૈશ્વિક ઘઉંનાં ભાવ વધીને આગામી ૧૨ મહિનામાં ૩૦૦ ડોલર પ્રતિ ટનની સપાટીએ પહોંચી શકે છે. જે હાલમાં ૨૫૦ ડોલર આસપાસ ચાલે છે. રશિયાની સાથે યૂક્રેન સહિતનાં કાળા સમુદ્રનાં દેશોમાં જો સિઝનને અંતે ઉત્પાદન ઓછું થાય તો ભાવ વધુ વધે તેવી પણ સંભાવનાં છે.

06 August 2014

FCI Start Wheat E-Auction From 7 August. Gujarat 1 lakh tone Tender

ગુજરાતમાં FCI ઘઉંનું ૧ લાખ ટનનું ટેન્ડર જાહેર

-ઈ-ઓક્શન મારફતે ગુરૃવારથી ટેન્ડર ખુલશે
-ગુજરાતમાં અતિ ઊંચા ભાવથી ટેન્ડરનો ફિયાસ્કો થવાની ગણતરી



કેન્દ્ર સરકારે એફસીઆઈનાં ૧૦૦ લાખ ટન ઘઉંનાં ટેન્ડરના ભાગરૃપે સમગ્ર દેશમાં રાજ્યવાર ઘઉંનાં ટેન્ડરો જાહેર કર્યાં છે. જેમાં એફસીઆઈએ ગુજરાતમાં એક લાખ ટન ઘઉંનું ટેન્ડર બહાર પાડ્યું છે. જોકે ગુજરાત માટે ઘઉંનાં જૂના અને નવા પાકનાં ઊંચા ભાવને કારણે ટેન્ડરને નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે. ઈ-ઓક્શન મારફતે ઘઉંના ઓક્શનની પ્રક્રીયા ૭મી ઓગસ્ટ એટલે કે ગુરૃવારથી શરૃ થશે.
કેન્દ્ર સરકારે ગત મહિને એફસીઆઈનાં ઘઉં છુટ્ટા કરવાની જાહેરાત કરી હતી જેમાં જૂના પાકનાં રૃા.૧૫૦૦ અને નવા પાકનાં રૃા.૧૫૭૦ બૈઝિક ભાવ નક્કી કર્યાં છે. આ ભાવ માત્ર ઘઉં ઉત્પાદક રાજ્યો એટલે કે પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણા માટે છે. આ સિવાયનાં   દેશનાં તમામ રાજ્યો માટે લુધીયાણાથી જે-તે સેન્ટરનું રેલ્વે ભાડું અને નૂરનો દર ઉમેરીને બૈઝિક ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. આ પ્રક્રીયાને કારણે ગુજરાતનાં ભાવ ખૂબજ ઊંચા છે.
એફસીઆઈનાં અમદાવાદ સ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ૧ લાખ ટન ઘઉંનું ટેન્ડર જાહેર થયું છે, જેમાં જૂના પાકનું ૯૪ હજાર ટન અને નવા પાકનું ૬ હજાર ટનનું ટેન્ડર છે. ૭મી ઓગસ્ટથી ઈ-ઓક્શન જાહેર થશે.
ગુજરાતનાં ટેન્ડરમાં બૈઝિક ભાવ સૌથી ઓછા પાલનપૂર માટે જૂના પાકનાં રૃા.૧૬૨૫ અને નવા પાકનાં રૃા.૧૬૯૫ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ માળીયા માટે રૃા.૧૬૯૩ અને રૃા.૧૭૬૩ નક્કી કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં એફસીઆઈએ કુલ ૩૪ સેન્ટરો  માટેનાં બૈઝિક ભાવ નક્કી કરી દીધા છે. આ સેન્ટરવાળાએ ઈ-ઓક્શનમાં લઘુત્તમ આજ ભાવ ભરવાનાં છે.  એફસીઆઈએ દરેક સેન્ટર વાર ઘઉંની ક્વોન્ટીટી પણ નક્કી કરી છે અને આ માટે કુલ ૧૭ ગોડાઉન છે. જેમાં  નવા ઘઉં માત્ર ભોમૈયા સેન્ટર ઉપર ૩ હજાર ટન અને અડાલજ ગોડાઉનમાં ૩ હજાર ટન છે. આ સિવાય તમામ સેન્ટરમાં જૂના ઘઉંનું જ વેચાણ થશે.
ગુજરાત રોલર ફ્લોર મિલ એસોસિયેસનનાં ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ શરાફે જણાવ્યું હતું કે સરકારે ઘણીભેદભાવવાળી નીતિ કરી છે. મધ્યપ્રદેશમાં ઘઉંનાં ભાવ રૃા.૧૫૦૦ અને ગુજરાતમાં રૃા.૧૬૨૫ ઉપરનાં છે તો લોકો ગુજરાતમાંથી ઘઉં શા માટે ખરીદી કરે? ગુજરાતમાં અત્યારે જ બજારમાં ઘઉંમાં સરેરાશ રૃા.૧૬૦૦-૧૬૩૦માં પડતર છે. વળી સરકારે ઈ-ઓક્શન રાખવાની પ્રક્રીયા જ ખોટી રાખી છે.  સરકારે ઘઉં આપવા જ છે તો સીધેસીધા આપી દેવા જોઈએ. સરકાર પાસે પણ સ્ટોક છે અને ઘઉંનું વેચાણ કરવું છે તો સરળ પધ્ધતિ અપનાવવી જોઈએ. ઈ-ઓક્શનમાં પ્રક્રીયા થયા બાદ પણ ૮થી ૧૦ દિવસે માલ મળે છે.
સરેરાશ ગુજરાતમાં એફસીઆઈનાં બજાર ભાવ કરતાં પણ ઊંચા ભાવ હોવાને કારણે ઘઉંનાં ટેન્ડરનો નબળો પ્રતિસાદ મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. ઘઉંનાં બજાર ભાવ ઉપર આની કોઈ અસર નહીં થાય, પરંતુ મોટી તેજી હવે અટકી જશે એ સ્પષ્ટ થઈ ગયું છે.


04 March 2014

Rain In M.P., Raj., Gujarat Farmer may be get Benefit.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુ.પી.માં વરસાદથી ગુજરાતનાં ઘઉંનાં ખેડૂતોને ફાયદો
મધ્ય પ્રદેશમાં ખાવાલાયક ૫૦ ટકા ઘઉંની ક્વોલિટી બગડી ગઈ, ગુજરાતનાં ઘઉંની માગ વધશે

દેશમાં ઘઉં ઉત્પાદક રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છેલ્લે ઉત્તર પ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને બરફનાં કરા પડવાને કારણે ઘઉંનાં પાકને મોટું નુકસાન થયું છે, જેને ફાયદો ગુજરાતનાં ખેડૂતોને મળે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.
મુંબઈનાં એક અગ્રણી ઘઉંનાં ટ્રેડરે જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં ગત સપ્તાહે પડેલા વરસાદને કારણે આશરે ૫૦ ટકા માલોની ક્વોલિટી બગડી ગઈ છે. આ ઘઉં ખાવાલાયક કે જે પેકિંગ કરીને ગુજરાત કે બીજા રાજ્યમાં મોકલાય છે તેની ક્વોલિટી બગડી છે. આ ઘઉં હવે સરકારી ખરીદીમાં ચાલે તેવી જ ક્વોલિટીના રહ્યાં છે. એક મહિના પછી જે માલો આવશે તેની જ ક્વોલિટી હવે સારી રહે તેવી ધારણા છે. વળી મધ્ય પ્રદેશથી એક નંબર ક્વોલિટીનાં જે ઘઉં આવતા હતા, તેની આવકો હવે પંદર દિવસ લેઈટ શરૃ થશે. રાજસ્થાનમાં પણ અમુક વિસ્તારમાં બરફ પડવાથી ક્વોલિટી બગડી છે. સરેરાશ ૨૫ ટકા પાક બગડ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ગત શનિવાર અને રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ઘઉંને કેટલું નુકસાન પહોંચ્યું, તેનો અંદાજ હજુ લગાવવાનો બાકી છે.
આ વેપારી કહે છે કે મધ્ય પ્રદેશની બગડેલી ક્વોલિટીનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થઈ શકે છે. હવે ગુજરાત સિવાય ક્યાંયનાં ઘઉં ચાલશે. મુંબઈમાં પણ ગુજરાતનાં ઘઉંની માગ હવે વધશે.
ગુજરાતનાં એક ઘઉંનાં અગ્રણી વેપારી કહે છે કે દેશાવરમાં પડેલા વરસાદથી ઘઉંનો પાક બગડતા ગુજરાતના ઘઉંની માગ વધશે. ગુજરાતમાં ચાલુ વર્ષે બમ્પર પાક થયો છે ત્યારે ભાવ પાણી-પાણી થઈ જવાની ગણતરી હતી, તેમાં થોડી રાહત મળી છે. મધ્ય પ્રદેશનો સારી ક્વોલિટીનો માલ ઓછો થવાને કારણે હવે મુંબઈવાળાને ગુજરાતની પડતર બેસી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતમાંથી મુંબઈ પહોંચનાં ભાવ સરેરાશ અત્યારે રૃા.૧૯૦૦-૨૩૦૦ ચાલે છે, તેમાં પીક સિઝનમાં પણ વધુમાં વધુ રૃા.૧૦૦થી ૧૫૦નો ઘટાડો થશે, એ સિવાય વધુ ઘટાડો દેખાતો નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘઉંનો ચાલુ વર્ષે બમણો પાક થવાનો અંદાજ છે. મોટા પાકને કારણે ભાવ ઘટવાના ડરે ખેડૂતો સિઝનની શરૃઆતથી જ હવાવાળો માલ પણ બજારમાં લાવી રહ્યાં છે. કેશોદનાં એક વેપારી કહે છે કે મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં વરસાદ બાદ ગુજરાતનાં ઘઉંની કિંમત વધી છે. ખેડૂતોએ અત્યારે ઘઉં વેચવાની ઉતાવળ ન કરવી જોઈએ. ઘઉંમાં મોટા પાકનાં મોટા નસીબ હોય છે, એવું આ વર્ષે પણ સાબિત થઈ શકે છે. ગુજરાતનાં ખેડૂતોે ચાર થી પાંચ વર્ષ પહેલા પણ મધ્ય પ્રદેશમાં પાક બગડ્યો ત્યારે સારા ભાવ મળ્યાં હતા, કદાચ આ વર્ષે પણ એવું થાય તેવું લાગે છે.



ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...