03 January 2015

New Wheat start in Visavadar APMC

વિસાવદરમાં નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ
-દેશમાં સૌપ્રથમ વિસાવદરમાં ૩૦ ગુણી નવા ઘઉં આવ્યાં


દેશમાં એક તરફ ઘણા વિસ્તારમાં ઘઉંની વાવણી હજુ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રનાં વિસાવદરમાં આજે નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ પણ થયાં હતાં. આ સાથે સમગ્ર દેશમાં સૌ પ્રથમ નવા ઘઉંની આવકો ચાલુ થઈ છે.
ઘઉંનાં વેપારીઓનાં જણાવ્યાં પ્રમાણે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આજે ૩૦ ગુણી નવા ઘઉંની આવકો હતી અને સરેરાશ રૃા.૩૩૨.૨૫નાં ભાવથી મૂર્હતનાં સોદા થયાં હતાં. આ ઘઉંનું વાવેતર શરદપૂનમ આસપાસ થયું હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દર વર્ષે કેશોદ પંથકમાં નવા ઘઉંની આવકો સૌપ્રથમ થતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વિસાવદરમાં થઈ છે. કેશોદમાં પણ ૧૫થી ૨૦ દિવસમાં નવા ઘઉંની આવકો ચાલુ થાય તેવી શક્યતા છે. કેશોદ આજુબાજુનાં ત્રંબાવદર, ગડુ અને જંગર સહિતના ગામોમાં ખેડૂતોએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણી આપવાનું બંધ કર્યું છે, પરિણામે તે ઘઉં પંદર દિવસમાં પાકી જશે. એકાદ મહિનામાં તો રેગ્યુલર આવકો ચાલુ થઈ જાય તેવી પણ સંભાવનાં છે.
એફસીઆઈનાં ઘઉંનાં ટેન્ડરમાં ૯૫૦૦ ટનનું વેચાણ
ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ગુજરાતનાં પહેલી જાન્યુઆરીએ ખુલેલા એક લાખ ટનનાં ટેન્ડરમાંથી ૯૫૦૦ ટન ઘઉંનું વેચાણ થયું હતું. સરેરાશ ઘઉંમાં ભાવ તેનાં લઘુત્તમ ભાવની આસપાસ જ વેચાણ  થયું હતું. આમ ગુજરાતમાં સતત બે સપ્તાહ સુધી સરકારી ઘઉંનું વેચાણ થયું છે અને બે ટેન્ડરોમાં કુલ ૧૭૫૦૦ ટન ઘઉં ખુલ્લા બજારમાં ઠલવાયા છે. આગામી ટેન્ડર આવતા સપ્તાહે ખુલશે, જેમાં ૧૦ હજાર ટન જેવાં માલનું વેચાણ થાય તેવી સંભાવનાં છે. સરકારી માલોની આવકોથી ખુલ્લા બજારમાં ભાવ વધતા અટકી ગયાં છે.
ઘઉં ઉત્પાદક વિસ્તારોમાં વરસાદથી રેકર્ડબ્રેક પાકની ધારણાં
-કેન્દ્રીય કૃષિ કમિશ્નરનાં મતે ઉત્પાદન ગત વર્ષને પાર થવાની ધારણાં
-ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા ભાગનાં વિસ્તારમાં વરસાદ
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની નજીવો ઘટાડો થયો છે,પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી ઉત્તર અને મધ્ય ભારતમાં પડી રહેલા વરસાદને કારણે ઘઉંનાં પાકનું ચીત્ર બદલાય તેવી સંભાવનાં છે અને ઉત્પાદન ગત વર્ષની તુલનાએ વધીને રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે.
કેન્દ્રીય કૃષિ કમિશ્નર જે.એસ.સાધુએ જણાવ્યું હતું કે દેશમાં ગત વર્ષે ૯૫૯ લાખ ટનનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે સરકારે સત્તાવાર રીતે ૯૪૭ લાખ ટન પાક થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ તાજેતરમાં પડેલા વરસાદને કારણે પાકનો મોટો ફાયદો થશે. વરસાદને કારણે ઉતારા પણ વધશે, પરિણામે ચાલુ વર્ષે પણ રેકર્ડબ્રેક પાક થાય તેવી ધારણાં છે.
દેશમાં ઘઉનાં ટોચનાં ઉત્પાદક એવા મધ્યપ્રદેશમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાકને મોટો ફાયદો થશે. રાજસ્થાનમાં પણ વરસાદથી પાકને ફાયદો થશે. રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર પણ ગત વર્ષની તુલનાએ નવા ટકા વધ્યું છે. પરિણામે ત્યાં ઉત્પાદન ચાલુ વર્ષે રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે. ટ્રેડરો અને જાણકારોનું કહેવું છેકે વર્તમાન સ્થિતિ જોતા હવે સમગ્ર દેશમાં ગુજરાતમાં જ ઘઉંનાં ઉત્પાદનમાં મોટો કાપ આવશે, એ સિવાયનાં રાજ્યોમાં ઉત્પાદન ઘટે તેવું લાગતું નથી. વરસાદથી ઉતારા વધતા સરેરાશ દેશમાં ઉત્પાદન ગતવર્ષ જેટલું અથવા તો તેનાંથી વધી જશે અને પાક ઓલટાઈમ હાઈ થઈ શકે છે.

કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે દેશમાં બીજી જાન્યુઆરી સુધીમાં ઘઉંનું ૨૯૩.૧૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૨૯૪ લાખ હેકટરમાં થયું હતું. આમ સરેરાશ વાવેતર વિસ્તાર ગત વર્ષ જેટલો જ છે. જો ઉતારા વધશે તો પાક પણ વધી જાય તેવી પૂરી સંભાવનાં છે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...