Showing posts with label Farmer. Show all posts
Showing posts with label Farmer. Show all posts
04 October 2023
ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું
અમદાવાદ તા.૩
ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતરમાં હવે ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકાનો વધારો બતાવે છે.
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તાજા આંકડાઓ મુજબ રાજ્યમાં ત્રીજી ઓક્ટોબર સુધીમાં એરંડાનું કુલ વાવેતર ૭.૧૮ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૭.૦૩ લાખ હેકટરમાં થયું હતું. આમ ૨.૧૮ ટકાનો વધાર થયો છે.
ગુજરાતમાં કુલ ખરીફ વાવેતર આ વર્ષે ૮૫.૭૫ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૮૫.૫૪ લાખ હેકટરમાં થયું હતું. આમ મામૂલી વધારો થયો છે.
તમામકુ પાકોનું કુલ વાવેતર એક ટકા વધીને ૪૯ હજાર હેકટરની નજીક પહોંચ્યું છે.
25 July 2018
સંગઠન એજ શક્તિઃ વાવ પંથકનાં ખેડૂતોએ કંપની બનાવી ૨૦ ટકા વધુ ભાવ મેળવ્યાં
રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડએ
પહેલા જ વર્ષે ૨૦ લાખનું ટર્નઓવર કર્યું
ખેતપેદાશનું ગ્રેડિંગ કરીને વેચાણ કરતાં
ખેડૂતોને બીજા કરતાં બોરીએ રૂ.૪૦૦ વધુ મળ્યાં
![]() |
રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ |
ગુજરાતમાં કહેવાય છેકે સંગઠન એજ શક્તિ, જો ખેડૂતો
આ વાતને ગળે ઉતારીને ખેતકાર્ય કરે તો બીજા ખેડૂતોની તુલનાએ બે પૈસા વધુ રળી શકે
તેમ છે. ઉત્તર ગુજરાતનો છેવાડાનો વિસ્તાર એટલે બનાસકાંઠાનાં થરાદ-વાવ પંથકમાં
પહેલેથી જ પાણીની સમસ્યાઓ હતી, પરંતુ ખેડૂતો ખેતીમાં રોદણા રોવાને બદલે વધુ કમાણી
કઈ રીતે થાય તેનો રસ્તો શોધી કાઢ્યો અને બે વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની જ કંપની
બનાવી દીધી અને આજે એજ સ્થિતિ છેકે બીજાની તુલનાએ તેઓ વધારે કમાણી કરી રહ્યાં છે.
વાવ પંથકનાં કોળાવા ગામનાં પ્રગતિશીલ ખેડૂત
માવજીભાઈ પટેલની આગેવાનીમાં આ વિસ્તારનાં ૧૦થી વધુ ગામનાં ખેડૂતોએ એકઠા થઈને બે
વર્ષ પહેલા રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડની સ્થાપના કરી. આ કંપનીની
પ્રગતિ અને ઉદભવ વિશે વાત કરતા કંપનીનાં ચેરમેન માવજીભાઈ પટેલ (મો.૮૦૦૦૮૩૫૮૮૫) ‘કૃષિ
પ્રભાત’ને વાત કરતાં જણાવે છે કે
ખાતર કંપની ઈફ્કો કિશાનનાં ખેડૂતો અંગેનાં તાલિમ કાર્યકર્મ મારફતે અમને આ કંપનીની
જાણકારી મળી અને ત્યાર બાદ ૧૬ મી મે ૨૦૧૬નાં રોજ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
ખાસ કરીને ખેડૂતો વેલ્યુએડીશન કરીને એજ પાકમાં કંઈ રીતે વધુ કમાણી કરી શકે તે
હેતુંથી કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીની સ્થાપનાં બાદ તેનાં શેરહોલ્ડર
ખેડૂતોને સરેરાશ ૧૫થી ૨૦ ટકા ભાવ વધારે મળ્યાં છે.
તેઓ વધુમાં કહે છે કંપનીની સ્થાપના બાદ ઈફકો દ્વારા જ રૂ.૬ લાખનાં
ખર્ચે જીરૂનું ગ્રેડિંગ મશીન કંપનીને આપવામાં આવ્યું હતું અને તેનાં દ્વારા આ
કંપનીનાં ખેડૂતો ગ્રેડિંગ કરીને જ યાર્ડમાં જીરૂ વેચાણ કરી રહ્યાં છે. કંપનીનાં
શેરહોલ્ડરો સિવાયનાં કોઈ બહારથી ખેડૂતો ગ્રેડિંગ કરવા આવે તો અમે એક કિલોનાં એક એમ
બોરીએ રૂ.૬૦નો ચાર્જ લઈને ગ્રેડિંગ કરી આપીએ છીએ. આ ગ્રેડિંગ કરેલું જીરૂ ખેડૂતો
બજારમાં વેચાણ કરવા જાય છે તો તોને બીજાની તુલનાએ બોરીએ રૂ.૪૦૦થી ૪૫૦ વધારે મળી
રહ્યાં છે.
![]() |
જીરૂનું ગ્રેડિંગ કરવાનું મશીન |
જીરૂનાં વાયદામાં પણ કમાણી કરી
કંપનીઓ પોતાનાં સભ્ય ખેડૂતો પાસેથી જીરૂની ગ્રેડિંગ પ્રમાણે ખરીદી
કરીને આશરે ૧૦ ટન જીરૂનો વાયદામાં વેપાર કર્યાં હતાં, જેમાં અમે રૂ.૩૨૦૦માં ખરીદી
કર્યાં બાદ તેનાં રૂ.૪૨૦૦નાં ભાવ મળ્યાં હતાં. આમ અમને મણે રૂ.૧૦૦૦ વધુ મળ્યાં
હતાં. કંપનીઓ
વિતેલા એક વર્ષમાં વિવિધ ખેતપેદાશ, બિયારણ-દવાનાં વેચાણ મારફતે કુલ રૂ.૨૦ લાખનું
ટર્નઓવર કર્યું છે. આ ટર્નઓવરમાંથી જ નફો થશે તો જ ખેડૂત શેરહોલ્ડરોને આ વર્ષે
ડિવીડંડ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.
કંપનીનું ભાવિ આયોજન
કંપની પોતાનાં સભ્ય ખેડૂતોને દવા, ખાતર, બિયારણ યોગ્ય અને વ્યાજબી
ભાવથી મળી રહે એ માટે વેચાણ કરવાનું આયોજન ઘડી રહી છે. આગામી રવિ સિઝનથી રેગ્યુલર
વેચાણનું આયોજન છે. આ ઉપરાંત જીરૂનાં પેકેટમાં વેચાણ માટે ફુડ સેફ્ટી ઓથોરિટીનું
લાઈસન્સ લેવાની હાલ પ્રક્રીયા ચાલુ છે.
ખેડૂતો પોતાનાં ખેતરનાં શાકભાજી ખાય એ માટે
પ્રયાસ
કંપનીનાં ચેરમેન માવજીભાઈકહે છે કે ૯૦ ટકા ખેડૂતો
શાકભાજી બજારમાંથી ખરીદે છે, પરંતુ કંપનીનાં ખેડૂતો પોતાનાં જ ખેતરનાં શાકભાજી ખાય
એ માટે દરેક ખેડૂતોને મરચાં, તુરિયા, ભીડાં, સહિતનાં શાકભાજીનાં જરૂરિયાત પ્રમાણે
રોપાનું વિતરણ કરવામાં આવે છે. હાલ આ વિસ્તારનાં ૧૦ ટકા ખેડૂતો પોતાનાં ખેતરનાં
શાકભાજી ખાતા થયાં છે. કંપની દ્વારા દાડમ, સાગ અને પપૈયાનું પણ બજારની તુલનાએ ઓછા
ભાવથી વેચાણ કરવામાં આવે છે.
ખેડૂત કંપનીનો પરિચય
નામઃ રાજેશ્વર
ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ
ચેરમેનઃ માવજીભાઈ
પટેલ (મો. ૮૦૦૦૮૩૫૮૮૫)
શેરહોલ્ડરઃ ૩૨૦
ખેડૂતો
સ્થાપનાઃ ૧૬
મે, ૨૦૧૬
ટર્નઓવરઃ ૨૦
લાખ
28 March 2017
સીડલેસ લેમનની ૭૮૬ છોડમાં ખેતી કરીને લાખોની કમાણી કરતાં પીપલગનાં કિરણભાઈ પટેલ
કિરણભાઈની વાડીમાં અંબીકા એગ્રોનાં સીડલેસ
લીંબુનાં ટીશ્યુનું વાવેતર કરેલા છોડને જોવા ગુજરાતનાં ખુણે-ખુણેથી
ખેડૂતો-વૈજ્ઞાનિકો આવી રહ્યાં છે....
![]() |
ખેડા જિલ્લાનાં પીપલગ ગામનાં પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ ફુલાભાઈ પટેલ (મો. 9712140339) પોતાની વાડીમાં |
ગુજરાતમાં છેલ્લા એક- બે વર્ષથી સીડલેસ લીંબુની
ખેતીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ હજુ સુધી તમામ જગ્યાએ ખેતી થત્તી નથી. આધુનિક
યુગમાં જો સીડલેસ લીંબુની ખેતીમાં ખેડૂતો ધારે તો લાખ્ખોની કમાણી કરી શકે છે. આવું
જ એક શ્રેષ્ઠ ઉદાહારણ ખેડા જિલ્લાનાં પીપલગ ગામનાં પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ ફુલાભાઈ
પટેલ (મો. 9712140339) છે. સમગ્ર પંથકમાં કિરણભાઈએ સીડલેસ લીંબુની સૌથી પહેલા ખેતી
કરી હતી અને હજુ તો પહેલા વર્ષે જ લાખ્ખોની કમાણી કરી છે.
અમદાવાદ-નડીયાદ નેશનલ હાઈવે પર ગુટાલ ગામની
સીમમાં કિરણભાઈનું ખેતર છે અને તેઓ ધો.૧૦માં નાપાસ થત્તા પીતાએ ભણવાનું છોડીને
ખેતીમાં જોંતરવાની વાત કરી હતી. આ વાત કિરણભાઈને મનમાં ઉતારી લીધી હતી અને નાનપણથી
જ તેમને લીબું કે બીજા નવીન પાકોનાં પ્રયોગો કરવાનાં શોખીન હતાં. કિરણભાઈને ગત વર્ષે
સીડલેસ લીબુંની ખેતીની વાત જાણવા મળી હતી અને ત્યાર બાદ અંબીકા એગ્રોનાં સીડલેસ
લીંબુનાં ટિશ્યુને લઈને કિરણભાઈએ સાડા ત્રણ વિઘામાં સીડલેસ લીંબુની ખેતી ચાલુ કરી
હતી. આજે ૧૪ મહિનાનો છોડ થઈ ગયો છે અને શરૂઆતનાં તબક્કામાં સારૂ ઉત્પાદન થયું છે.
સીડલેસ લીંબુમાં હાલ પ્રતિ કિલો રૂ.૫૦નાં ભાવ મળી રહ્યાં છે.
કિરણભાઈ કહે છે કે સાડા ત્રણ વિઘામાં લીંબુનું
વાવેતર કર્યું છે અને આંતરપાક તરીકે તરબૂચનું વાવેતર કર્યું છે. સાડા ત્રણ વિઘામાં
કુલ ૭૮૬ રોપાનું વાવેતર કર્યું છે. એક છોડ દીઠ સરેરાશ ૧૦થી ૧૨ કિલોનું ઉત્પાદન
થવાનો અંદાજ છે. હાલનાં તબક્કે પ્રતિ કિલો રૂ.૫૦નાં ભાવ મળી રહ્યાં છે, પરંતુ
આગામી મે-જૂન મહિનામાં રમઝાન મહિના દરમિયાન ભાવ વધીને રૂ.૧૦૦ પ્રતિ કિલો થવાની
ધારણાં છે. હાલ મે-જૂન મહિનામાં નવો ફાલ આવે એ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી
દીધી છે.
સીડલેસ લીંબુની ખાસિયત વિશે તેઓ કહે છેકે સામન્ય
રીતે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઠંડીમાં વાવેતર કરવામાં આવે તો વધુ ઉત્પાદન મળી
શકે છે. બાકી સીડલેસમાં પાક તો બારેમાસ આવતા હોય છે, પરંતુ વાવેતર એજ રીતે કરીએ તો
ઉનાળામાં પીક સિઝન કે રમઝાન મહિનો આવતો હોય એવા સમયે લીંબું આવે તો ઊંચા ભાવનો લાભ
મળે છે અને વધુ કમાણી પણ થઈ શકે છે. સીડલેસ લીંબુમાં કિરણભાઈ રાસાયણીક ખાતરની સાથે
પોતાનું જાતે બનાવેલું ઓર્ગેનિક ડિ-કમ્પોસ્ટ ખાતર કે જે શેરડીનાં ભુંસા અને
પોલ્ટ્રી ફાર્મની વસ્તુનું મિશ્રણ કરીને બનાવે છે. જેને પણ પૂરતી માત્રામાં
લીંબુનાં છોડમાં સમયાંતરે છાંટવામાં આવે છે. પરિણામે ઉત્પાદન ખૂબ જ સારૂ મળે છે.
![]() |
કીરણભાઈની સાથે કૃષિ પ્રભાતનાં ન્યૂઝ એડીટર દિપક મહેતા |
સીડલેસ લીંબની ખેતીમાં કમાણી વિશેની વાત કરતાં
કિરણભાઈ કહે છેકે લીંબુનાં એક છોડદીઠ રૂ.૧૭૦નો ખર્યો થયો છે અને ૧૫ મહિનામાં
લીંબુનું ૫૦ રૂપિયો કિલો વેચાણ થાય તો પણ આશરે છોડદીઠ રૂ.૬૦૦ની કમાણી થવાનો અંદાજ
છે. લીંબનું વચ્ચે આંતરપાક તરીકે તરબૂચનું
વાવેતર કર્યું છે, જેમાં પણ એકથી ૧.૫૦ લાખની કમાણી થવાનો અંદાજ છે. ગત વર્ષે (નવેમ્બર-૨૦૧૬માં)લીંબુમાં
આંતરપાક તરીકે બીટનું વાવેતર કર્યું હતુ અને તેમાંથી ૧.૫૦થી ૧.૭૫ લાખની કમાણી થઈ
હતી.
કિરણભાઈ સીડલેસ લીંબુંની કેવી સંભાળ રાખે છે?
કિરણભાઈએ સીડલેસ લીંબુની ખેતીમાં વધુ કમાણી માટે
ખેતરમાં ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી છે. ૧૨ બાય ૮ ફુટનાં અંતરે છોડનું વાવેતર કર્યું
છે અને થડની ફરતે ખામણા કરેલા છે. લીંબુમાં દર ૧૫ દિવસે ઓર્ગેનિક દવા અને જાતે
બનાવેલું ખાતર આપે છે. જીવાત કંન્ટ્રોલમાં ન આવે તો જંતુનાશક દવાનો છંટકાવ કરીએ
છીએ. સીડલેસ લીંબુની ખેતીની સાથે બજાર ભાવથી પણ વાકેફ રહીએ છીએ અને જ્યારે બજાર
વધવાનું હોય એ સમયે વેચાણ કરવાથી સારા ભાવ મળે છે.
નીશા મરચીની ખેતીમાં પણ અઢળક કમાણી
કિરણભાઈ પાસે કુલ ૧૭ વીઘા જમીન છે, જેમાંથી પાંચ
વીઘામાં મલેશિયન-મીલીયા ડુબિયા લીમડા, ૨.૫૦ વીઘામાં નિલગીરી, સાડા ત્રણ વીઘામાં
લીંબુની સાથે ચાલુ વર્ષે ૪ વીઘામાં મરચાંની પણ ખેતી કરી છે. કિરણભાઈ મરચાંની ખેતી
વિશે કહ્યું છે કે હું ઘણા વર્ષોથી મરચાંની ખેતી કરું છું અને છેલ્લા ૬-૭ વર્ષથી
નીશા મરચીનું જ વાવેતર કરું છું. ચાલુ વર્ષે મને અત્યાર સુધીમાં એક પણ વાર રૂ.૧૨
કિલોથી નીચેનાં ભાવ મળ્યા નથી. અત્યાર સુધીમાં રૂ.૭૫ હજારની આવક થઈ ચૂકી છે. હજી માર્ચ
અને એપ્રિલ મહિના દરમિયાન બીજી બે વીણી આવશે અને વીઘે દોઢથી બે લાખની કમાણી થવાનો
અંદાજ છે. મરચાંની ખેતીમાં અત્યારે ગમે તેવી સ્થિતિમાં પણ વીઘે દોઢ લાખથી ઓછી
કમાણી થઈ નથી.
(અહેવાલઃ દિપક મહેતા મો.09374548215)
ખેતી ક્ષેત્રે નવીન આવિસ્કારઃ ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ
-ચેન્નઈની એક કંપનીએ બનાવેલા ડ્રોનનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તેનું બીડું ઝડપતી સુરતની હાઈ-ટેક મીકેનાઈઝેશન કંપની
-ભારતમાં સૌપ્રથમવાર ડ્રોન દ્વારા દવાનાં
છંટકવાનાં ડેમો તાજેતરમાં સુરત બાજુ શેરડીનાં ખેતરોમાં યોજાયા
ખેતી ક્ષેત્રે અમુક વર્ષો બાદ અકલ્પનીય
કે અશક્ય ટેકનોલોજી કે સંશોધનનાં આગમનથી એક ક્રાંતિનો તબક્કો શરૂ થતો હોય છે.
ભારતમાં દોઢ દાયકા પહેલા બીટી કોટનનાં પ્રવેશ થયા બાદ કપાસનાં ઉત્પાદનમાં ન
ધાર્યું ઉત્પાદન મેળવ્યું હતું. આવું કંઈક વર્ષ ૨૦૧૭નો ડ્રોનનો ખેતીમાં ઉપયોગ માટે
યાદ રહે તેવી સંભાવનાં છે. અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ આપણે માત્ર લગ્ન કે બીજા પ્રસંગોનાં ફોટોગ્રાફી માટે જ જાણ્યો છે, પરંતુ આગામી
દિવસોમાં તેનો ખેતીમાં મોટો ઉપયોગ થાય તેવી સંભાવના છે અને જેની શરૂઆત દવાનાં
છંટકાવથી થઈ ચૂક્યો છે. તાજેતરમાં સુરત ખાતે અગ્રણી એગ્રીકલ્ચરલ કંપની હાઈટેક
મિકેનાઈઝેશન દ્વારા શેરડીનાં ખેતરમાં ડ્રોન દ્વારા દવાનાં છંટકાવનાં
ડેમો-નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘કૃષિ પ્રભાત’ની ટીમ પણ પહોંચી હતી.
ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે હાલ માત્ર શેરડીનો પાક પસંદ કરવામાં આવ્યો છે અને તેમાં સકસેસ ગયાં બાદ કેળા, કપાસ કે બીજા તમામ પાકોમાં પણ છંટકાવ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ડ્રોન કઈ રીતે ઉપયોગી થશે તેની માહિતી આપતાં હાઈટેક મિકેનાઈઝેશનનાં પાર્ટનર ભરતભાઈ ચૌહાણ (મો.9904709689)એ જણાવ્યું હતું કે ડ્રોનનાં ઉપયોગથી ખેતી ક્ષેત્રે એક નવીન ક્રાંતિ થશે. ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ઉપયોગ શરૂ કરવા માટેનાં આ ડેમો શરૂ કરાયાં છે અને તેનાં ડ્રોનનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. ડ્રોનમાં પાણીની ટાંકીની સાઈઝ ૫ લીટર, ૧૦લીટર, ૧૫, લીટરથી લઈને ૩૦ લીટર સુધીની ક્ષમતા વાળા છે.
ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે હાલ માત્ર શેરડીનો પાક પસંદ કરવામાં આવ્યો છે અને તેમાં સકસેસ ગયાં બાદ કેળા, કપાસ કે બીજા તમામ પાકોમાં પણ છંટકાવ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ડ્રોન કઈ રીતે ઉપયોગી થશે તેની માહિતી આપતાં હાઈટેક મિકેનાઈઝેશનનાં પાર્ટનર ભરતભાઈ ચૌહાણ (મો.9904709689)એ જણાવ્યું હતું કે ડ્રોનનાં ઉપયોગથી ખેતી ક્ષેત્રે એક નવીન ક્રાંતિ થશે. ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ઉપયોગ શરૂ કરવા માટેનાં આ ડેમો શરૂ કરાયાં છે અને તેનાં ડ્રોનનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. ડ્રોનમાં પાણીની ટાંકીની સાઈઝ ૫ લીટર, ૧૦લીટર, ૧૫, લીટરથી લઈને ૩૦ લીટર સુધીની ક્ષમતા વાળા છે.
ડ્રોનથી મદદથી કઈ રીતે દવા છંટાશે?
ભરતભાઈ આ અંગે કહે છેકે ૧૫ લીટરનાં
સાઈઝ વાળા ડ્રોનની વાત કરીએ તો એક એકર ખેતરમાં દવા છંટકાવ કરવા માટે માત્ર ૧૫
મિનીટનો સમય લાગે છે. બેટરી બેક-એપ ૧૫મિનીટ છે, પરિણામે એક વાર ડ્રોન ચાલુ કર્યાં બાદ ૧૫ મિનીટમાં તમે એક એકરમાં દવા
સરળતાથી છાંટી શકો છે. વળી ડ્રોનથી દવા છાંટવાથી દરેક છોડમાં અસરકારક રીતે પહોંચે
છે અને તેનો બગાડ થત્તો નથી. ડ્રોનમાં મેપિંગ અને સ્કેનીંગની સુવિધા પણ આપવામાં
આવી છે. જે પોતાની જાતે જ્યાં દવાનો છંટકાવ કરવાનો હોય એ ખેતરના વિસ્તારનું માપ લઇ
છે. અને સ્કેનીંગ દરમ્યાન ક્યાં કેટલી જીવાત છે કે કોઈ રોગ છે તે પણ બતાવી દે છે
અને તે પ્રમાણે આપ મેળે જ્યાં જેટલી જરૂરિયાત હોય એટલી દવાનું મિક્ષણ કરીને છંટકાવ
કરી શકાય છે.
હાઈટેક મિકેઈનાઝેશનનાં અન્ય પાર્ટનર
એવા મયંકભાઈ પટેલ (મો.9904709687) કહે છેકે ખેડૂતોને સમયની સાથે નાણાનો પણ બચાવ
થાય છે અને દવા છાંટવાને લીધે માનવને જે નુકસાન થાય છે તેમાંથી પણ બચી શકાય છે.
ડ્રોન દ્વારા રિમોટ હોય ત્યાંથી તે એક કિલોમીટરની રેન્જમાં જઈ શકે છે, પરિણામે ખેડૂતો માટે ઘણું ઉપયોગી સાબિત થશે.
ડ્રોનનો બનાવનાર કંપનીનાં માલિકો શું
કહે છે?
ડ્રોન બનાવનાર ચેન્નઈની કંપની શ્રી
સાંઈ એરોટેક ઈનોવેશન્સનાં માલિક એવા પિતા-પુત્ર સાઈ પટ્ટાબિરમ અને વેન્કટેશન સાઈએ
ડ્રોનનાં ઉપયોગ વિશે કહ્યું હતું કે આ ટેકનોલોજી વિશ્વમાં ચીન, અમેરિકા, યુરોપ સહિતનાં દેશોમાં મોટા પાયે વપરાય
છે. માત્ર દવા છંટકાવ માટે નહીં પણ ખેતીમાં જરૂરી તમામ ઉપાયો માટે ડ્રોનનો ઉપયોગ
થાય છે. અમારી ટેકનોલોજીનો ભારતમાં હાલ ખેડૂતો દ્વારા સીધો ઉપયોગ શરૂ નથી થયો,
પરંતુ તામિલનાડુની ચાનાં બગીચા ધરાવતી કંપની
પેરી એગ્રોએ કુલ ૬ હજાર એકર ચાનાં બગીચામાં દવા છાંટવા માટે અમારી ટેકનોલોજીનો
ઉપયોગ કર્યો હતો. ખાનગી હવામાન એજન્સી
સ્કાયમેટ વેધર દ્વારા પણ પાકનાં સર્વે માટે કે બીજી વિમા કંપનીઓ ઉપયોગમાં લે છે.
ટાફે કંપની સાથે કપાસ અને ચાનાં ખેતરમાં પણ ઉપયોગ લેવા માટે વાતચીત ચાલી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં શેરડીનું મોટા પાયે
વાવેતર થાય છે અને વર્ષો પહેલા ત્યાં હેલીકોપ્ટરની મદદથી દવા છાંટવામાં આવતી હતી,
પરંતુ એ સમયે દવા ખેતરની સાથે બીજા માનવવસવાટ
કે જે જગ્યાએ દવાની જરૂર ન હોય ત્યાં પણ છંટાતી હતી, જેને કારણે તેનાં ઉપર પ્રતિબંધ આવ્યો હતો. હવે આ મિની હેલ્પીકોપ્ટર
જેવા ડ્રોનની મદદથી સરળતથી ખેતરમાં દવા છાંટી શકો છો અને દવાનો પૂરતો ઉપયોગ થાય
છે.
ડ્રોનની દવાનાં છંટકાવનાં ડેમોને જોયા
બાદ સુરતનાં દેરોડ ગામનાં ખેડૂત નારણભાઈ નરસીભાઈ પટેલે કહે છે કે આ ટેકનોલોજી સારી છે અને ખેડૂતોએ અપનાવવા
જેવી છે. હાલ દવા છાંટવાથી જે માનવશરીરને નુકસાન થાય છે અને મહેનતની સાથે વધુ સમય
લાગે છે તેની તુલનાએ આ ઓછા સમયમાં થઈ જાય છે.
ડ્રોનની કિંમત અને વપરાશ ખર્ચ શું?
ડ્રોનની કિંમત રૂ.૪ લાખથી શરૂ કરીને
૭-૮ લાખ સુધીની છે. ૧૫ લિટરનાં ડ્રોનની કિંમત આશરે રૂ.૬.૫૦ લાખની છે. વપરાશ ખર્ચ
સામાન્ય રીતે બેટરી ચાર્જ કરવા સિવાયનો બીજો કોઈ નથી. અમુક સમય સુધી વપરાશ કર્યા
બાદ તેના પંખા અને મોટર ચેક કરવા સિવાય કોઈ ખર્ચ નથી. ૮-૧૦ વર્ષે બેટરી બદલવી પડે
છે.
ભારતમાં ડ્રોન દ્વારા દવા છાંટવા
માટેનો આ પહેલો પ્રયોગ શરૂ થયો છે અને આગામી દિવસોમાં જો ખેડૂતો ધીમે ધીમે અપનાવતા
જશે તો ખેડૂતોને આ ટેકનોલોજીનો મોટો ફાયદો થાય તેવી સંભાવનાં છે. રાજ્ય સરકાર કે
કેન્દ્ર સરકાર પાસે ડ્રોનનો ખેતીમાં ઉપયોગ માટે હાલ કોઈ ગાઈડલાઈન્સ નથી, પરંતુ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં સરકારી મંજૂરીની
મહોર લાગે અને સરકાર બીજી ટેકનોલોજીમાં જેમ સબસિડી આપે છે તેમ આમા પણ ૨૦થી ૩૦ ટકા
સુધીની સબસિડી આપે તો ખેડૂતોને ઓછા ખર્ચે
આધુનિક ટેકનોલોજી મળી શકે છે અને ખેતી ક્ષેત્રે હરણફાળ ફેરફાર આવી શકે તેમ છે.
ડ્રોનનો ભારત અને વિશ્વમાં ખેતી
ક્ષેત્રે હાલ શું ઉપયોગ ?
ડ્રોન એક એક પ્રકારનું મિની હેલીકોપ્ટર
જ છે અને વિશ્વમાં ચીન, અમેરિકા, યુરોપનાં કેટલાક દેશમાં દવા છાંટવાની સાથે, બિયારણનાં વાવેતર કરવા, પાકનું
મોનેટરિંગ કરવા સહિતનાં બીજા ઉપયોગમાં
લેવાય છે. ભારતમાં અત્યાર સુધી કોઈ ખેડૂતો દ્વારા વ્યક્તિગ રીતે ખેતીમાં ઉપયોગ થયો
નથી અને તેનો ડેમો પણ ભારતમાં પહેલી વાર સુરત ખાતે ચાલુ મહિને યોજાયો હતો.
સ્કાયમેટ હવામાન એજન્સી કે બીજી વિમા કંપનીઓ પાકમાં નુકસાન અંગે હાલ ડ્રોનનો ઉપયોગ
કરે છે.
ડ્રોનનો ઉપયોગ કરવા માટે કેટલીક સરકારી
મંજૂરી પણ જરૂરી હોવાથી તે પણ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે ૨૦૦ ફુટથી વધુ ઊંચાય અને
એક કિલોમીટરથી વધુ જઈ શકે તેવા ડ્રોન માટે સરકારી મંજૂરી જરૂરી હોય છે. આ ડ્રોન
માત્ર ૧૦૦ ફુટ જ જઈ શકે છે અને એક કિલોમીટરની જ રેન્જ છે, પરિણામે સુરત કલેક્ટરનાં અભિપ્રાય બાદ એવું તારણ નીકળ્યું હતું કે
સરકારી મંજૂરી જરૂરી નથી, પરંતુ સ્થાનિક ઓથોરિટી જેમ કે મામલતદાર
કે પીઆઈને લેખિતમાં આની જાણ કરવી પડે છે.
ડ્રોન વસાવવાથી ખેડૂતોને કમાણી પણ થઈ શકે
હાઈટેકનાં ભરતભાઈ કહે
છેકે ખેડૂતો દ્વારા ડ્રોનની ખરીદી કરવામાં આવે અને તેનો કોમર્શિયલ ધોરણે પોતાનાં
ગામ કે બાજુનાં ગામમાં દવા છંટકાવ માટે ઉપયોગ કરવામાં આવે તો પહેલા જ વર્ષે
ડ્રોનનો ખર્ચો નીકળી જાય છે અને બીજી ૨થી ૩ લાખની કમાણી પણ થઈ શકે છે. સરેરાશ દવા
છાંટવા માટે મજૂરી રૂ.૩૦૦ ચાલે છે એ પ્રમાણે ખેડૂત ડ્રોન વસાવીને તેને ભાડેથી
ઉપયોગ કરે તો આ કમાણી કરી શકે છે.20 March 2017
ખેતીને ધંધો અપનાવી પૈસા કમાવવા વેલ્યુએડીશન અને નવીન પાકો તરફ વળવું પડશે
-જે ખેડૂતોએ સામા પવને ચાલીને નવા પ્રયોગો કર્યાં
છે એ ખેડૂતો સફળ પણ થયાં છે
-પરંપરાગત ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી
ખેડૂતોની ફરિયાદો વધવા લાગી
-ખેડૂતો જાતે જ વેલ્યુએડીશન કરીને પાકોનું વેચાણ
કરે તો ૫૦ ટકાથી પણ વધુ કમાણી થાય
-બાગાયત પાકમાં ખેડૂતો સીધી નિકાસ કરે તો પણ વધુ
કમાણી થવાની સંભાવનાં
ગુજરાત સહિત દેશભરનાં ખેડૂતોને વિવિધ પાકોમાં
પૂરતો ભાવ ન મળતા હોવાની ફરિયાદો વધી રહી છે. ડુંગળી, બટાટા, મગફળી, ચણા, તુવેર કે
ધાણા કોઈ પણ પાક હાથમાં લો એટલે ખેડૂતોની ફરિયાદ સાંભળવા મળે છે કે અમે વાવણી કરી
ત્યારે આસમાને ભાવ હતાં અને કાપણી કરી ત્યારે ભાવ તળિયે બેસી ગયાં હતા. આ ફરિયાદ
દર એક કે બે વર્ષે કોઈને કોઈ પાકમાં જોવા મળતી હોય છે અને ભાજપ હોય કે કોંગ્રેસની
સરકાર હજુ સુધી આનો કાયમી ઉપયાગ કોઈ જ સરકાર લાવી શકી નથી અને લાવી પણ શકશે નહીં.
જો લાવી શકી હોત તો હાલ કઠોળનાં ભાવ તળિયે બેસી ગયાં છે ત્યારે તેની આયાત બંધ થઈ
ગઈ હોય, પરંતુ આયાત ચાલુ જ છે. નાના બાળકને પણ ખબર પડે કે પેટ ભરાય ગયું હોય તો
પાણી ન પીવાય તો નરેન્દ્ર મોદીની સરકારને શું? ના ખબર હોય કે તુવેર કે ચણાનાં ઢગલા
થઈ ગયાં છે અને આયાત કરવી પડશે.
ઓછા ભાવનો કાયમી ઉપાય શું?
ખેતપેદાશોનાં ઓછા ભાવ મળે તેનો કાયમી ઉપાય એક જ
છે અને એ છે કે પરંપરાગત પાકોની સાથે
ખેડૂતોએ નવીન પાક તરફ પણ વળવું જોઈએ અને નવી ટેકનોલોજીની સાથે ખેતી કરવાની શરૂઆત
કરવી જોઈએ. મોટા ભાગનાં ખેડૂતો વાવેતર માટેનો નિર્ણય લે ત્યારે એક જ વસ્તુ વિચારે
છે કે ગામમાં બધા ખેડૂતો શું વાવેતર કરે છે તેનું જ વાવેતર કરવું? બાજુવાળા
રામજીભાઈએ કપાસ વાવ્યો તો આપણે પણ કપાસ જ વાવવો. નિર્ણય લેવામાં ખેડૂતો ભાવને પણ
વધુ ધ્યાનમાં રાખે છે અને પછી ભાવ માટે જ ફરિયાદો કરે છે. ગત વર્ષે તુવેરનાં ભાવ
આસમાને પહોંચ્યાં હોવાથી આ વર્ષે બધા જ ખેડૂતોએ તુવેર વાવી અને પરિણામ એ આવ્યું કે
ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ ભાવની ફરિયાદથી દૂર રહેવું હોય તો
પરંપરાગત પાકનું વર્ષોથી જેટલું વાવેતર કરતાં હોય તેનાં કરતાં ઓછુ જ વાવેતર કરવું
અને ઘેંટાની જેમ ગાડરીયા પ્રવાહમાં તરવું નહીં. ખેતીને ધંધો અપનાવો અને ધંધામાં
એકાદ વર્ષ નુકસાન પણ જાય એવી તૈયારી સાથે ખેતી કરવી જોઈએ.
ખેડૂતોએ વેલ્યુએડીશન અને ગ્રેડિંગ તરફ વળવું જોઈએ
ખેડૂતોએ હવેનાં જમાનામાં બધો જ માલ એક સરખો વેચી
દેવાને પગલે ગ્રેડિંગ કરીને વેચાણ કરવું જોઈએ. મગફળીમાં ક્વોલિટી પ્રમાણે અલગ
કરીને જ વેચાણ કરવું જોઈએ. એજ રીતે કપાસમાં પણ ખેડૂતોએ જુદા-જુદા ટાઈમે વિણાટ
કરેલા કપાસની ક્વોલિટી જુદી-જુદી હોય છે ત્યારે ખેડૂતો ઘણી વાર નબળી ક્વોલિટીના
કપાસનાં સારા ભાવ માટે સારી ક્વોલિટીમાં મિક્સિંગ કરે છે, જેને કારણે સારી
ક્વોલિટીનાં પણ ઓછા ભાવ મળે છે. વાતાવરણ પ્રમાણે દરેક કોમોડિટીમાં ભેજનું પ્રમાણ
બદલાતુ હોય છે અને ક્વોલિટી પણ બદલાતી જાય છે.
ખેડૂતોએ ગ્રેડિંગની સાથે વેલ્યુએડીશન પણ કરવી
જોઈએ. વેલ્યુએડીશનને વાત આવે તે બટાટા અને ટમેટાની વેફરના જ ઉદાહરણ આપણને સાંભળવા મળે છે, એ દરેક ખેડૂતો માટે શક્ય
પણ નથી હોય કે વેફર બનાવીને જ વેચાણ કરવામાં આવે. પરિણામે ખેડૂતોએ માત્ર વાતો જ
સાંભળવા મળે છે. ખેડૂતો ટમેટાની વેફર બનાવવાને બદલે તેનો સોસ બનાવીને કાચની
બોટલમાં ભરીને પણ વેચાણ કરે તો વધુ કમાણી થઈ શકે છે. સોસ બનાવવા માટે ખેતરમાં ઓછા
ટમેટે પાક્યાં હોય તો પણ ચાલે છે અને વળી સોસ બનાવવો પણ સહેલો હોવાથી ઘરે મહિલાઓ
પણ સરળતાથી બનાવી શકે છે. કઠોળમાં પણ સારી ક્વોલિટીનાં કઠોળનું નાના પેકિંગ
બનાવીને રિટેલ કે પછી કોઈ મોટા જથ્થાબંધ વેપારીને વેચાણ કરવામાં આવે તો પણ વધુ કમાણી
થઈ શકે તેમ છે. આમ ખેડૂતોએ વેલ્યુએડીશન કરવું જરૂરી છે.
બાગાયત પાકોની નિકાસ બજાર તરફ પણ ધ્યાન રાખો
કેરી, કેળા, ચીકું કે બીજા બાગાયત પાકોની ખેતી
કરતા ખેડૂતો મોટા ભાગનો માલ ભારતીય બજારમાં જ વેચાણ કરતાં હોય છે. આ વેચાણ પાછળ
તેની ક્વોલિટી પણ જવાબદાર હોય છે. કેટલાક હોશિયાર અને સમજૂ ખેડૂતો હવે નિકાસબર
ક્વોલિટીનાં જ ફળપાકોનું વાવેતર કરે છે અને પોતાનાં જેવા બે-ચાર મોટા ખેડૂતોને માલ
એક સાથે એકઠો કરીને પછી તેને સીધા પણ નિકાસ કરે છે. કચ્છનાં બટુકભાઈ કેરીની નિકાસ
માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. કેળા માટે પણ સાઉથમાં અનેક ખેડૂતો નિકાસ કરી
રહ્યાં છે અને વધુ કમાણી કરી રહ્યાં છે. આમ ખેડૂતોએ ખેતરમાં જેટલું ઉત્પાદન થાય
તેમાંથી નિકાસ થઈ શકે તેમ હોય તેવા ફળોને અલગ કરીને તેની નિકાસ માટે પ્રયાસો કરવા
જોઈએ.
આજનાં ૪જી યુગ અને ૨૧મી સદીમાં ખેડૂતોએ કેટલાક
નવા પાકોનો પણ પ્રયોગ કરવો જોઈએ. સરગવો, ડ્રેગન ફ્રુટ, સીડલેસ લિંબુ (જોકે આ
પ્રયોગ બધાને સફળ ન પણ થાય), સૌરાષ્ટ્રમાં હળદરની ખેતીનો પ્રયોગ, ખારેક જેવા
પાકોની પણ ખેતી કરીને ખેડૂતો બીજા પાકોની તુલનાએ વધુ કમાણી કરી રહ્યાં છે.
નરેન્દ્ર મોદીની સરકારમાં ખેડૂતોને સરકારી સબસિડી આગામી દિવસોમાં ધીમે ધીમે ઓછી જ
મળવાની છે અને ખેડૂતોએ પણ તેનાંથી ટેવાવું પડશે. ખેતીમાં નવા પ્રયોગો કરીને કમાણી
કરવી પડશે. આજે પણ ઘણા ખેડૂતો ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ કરીને પણ ખેતી કરી
રહ્યાં છે અને બાપ કરતા બેટો સવાયો એમ ખેતીમાં સવાઈ અને દોઢી કમાણી કરી રહ્યાં છે.
તમે પણ તમારાં પોતાનાં ખેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકના પસંદગી કરો અને શક્ય
એટલી પરંપરાગત પધ્ધતિને છોડીને નવીન વિચારો સાથે ખેતીને ધંધા તરીકે અપનાવશો તો વધુ
કમાણી થશે.
Subscribe to:
Posts (Atom)
ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું
અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...

-
ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણ થવા આવ્યુ છે અને રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષનાં સરેરાશ વાવેતરની તુલનાએ ૯૧ ટકા વાવણી પૂર્ણ થવા આવી છે. જોકે એરંડા સ...
-
દિપક મહેતાઃ વિશ્વમાં સહકારી મોડલ અને ‘ શ્વેતક્રાંતિ ’ માટે જાણીતા અમૂલ બ્રાન્ડે તાજેતરમાં ખાદ્યતેલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને સમ...
-
અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...