Showing posts with label Gold-Silver. Show all posts
Showing posts with label Gold-Silver. Show all posts

28 June 2020

જાણો સોનાનો ભાવ આટલો કેમ વધ્યો? હવે બાય કરાય કે સેલ?

દિપક મહેતાઃ કોરોનાં વાયરસની મહામારી વચ્ચે એક તરફ દેશ-વિદેશમાં મહામંદી વ્યાપી ગઈ છે અને લોકોનાં પગાર કાપની સાથે કેટલાયની નોકરી પણ જત્તી રહી છે. ચારે બાજુ મંદી-મંદીની જ વાતો ચાલી રહી છે એવા સમયે સોનાનાં ભાવ આસમાને પહોંચ્યાં છે ત્યારને સૌને એક જ પ્રશ્ન છે કે સોનાનાં ભાવ આટલા કેમ વધ્યાં છે અને હવે આ ભાવથી સોનું બાય કરાય કે સેલ કરાય? એનો જ નિર્ણય લઈ શકાતો નથી. આવો પ્રશ્ન તમારા મનમાં પણ જો થયો હોય તો તેનું નિરાકરણ લાવવાનો અહી પ્રયાસ કર્યો છે...
ગુજરાતમાં કે ભારતમાં સોનાનાં ભાવ જૂનનાં અંતમાં જ રૂ.૫૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઓલટાઈમ ઊંચી સપાટીએ પહોચ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે આશરે ૧૫ હજારનો વધારો થયો છે. ટકાવારીમાં જોઈએ તો ૪૨ ટકાનો ઉછાળો આવ્યો છે. આટલું અધધ.. રિટર્ન બીજી એક પણ એસેટ કલાસમાં મળ્યુ નથી. અરે એક વર્ષની વાત તો જવા દો કોરોનાં વાયરસ ભારતમાં આવ્યો અને માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી એ સમયે સોનાનો ભાવ રૂ.૪૨૦૦૦ આસપાસનો હતો. આમ કોરોનાં વાયરસની મહામારી વચ્ચે જ સોનાનો ભાવ ગુજરાતમાં ૮ હજાર રૂપિયા વધી ગયો છે. આવી સ્થિતિમાં દરેકને સોનું ખરીદવાનું મન થાય છે, પરંતુ બીજી તરફ કેટલાકને નોકરી-ધંધા બંધ થઈ ગયા હોવાથી સોનું વેચવા પણ નીકળા છે.
સોનાનાં ભાવ કેમ વધ્યાં? આ રહ્યાં કારણો...
સોનાનાં ભાવ વધવા માટેનાં અનેક કારણો છે જે અહીં બહું ટૂંકાણમાં લખ્યાં છે.
૧) વિશ્વમાં હાલ અનેક દેશો વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. જેમ કે ભારત-ચીન વચ્ચે તણાવ, અમેરિકા-ચીન વચ્ચેનું શિતયુધ્ધ, મિડલ ઈસ્ટમાં તંગદિલી, યુરોપનાં કેટલાક દેશોની બીજા દેશો સાથેની તણાવભરી નીતિ. જ્યારે-જ્યારે યુધ્ધ થાય કે તેનાં ભણકારા પણ વાગે તો સેફ હેવન-સુરક્ષીત રોકાણરૂપી સોનાની માંગ વધી જતી હોય છે અને સોનું વધે છે.
૨) કોરોનાં વાયરસને પગલે વિશ્વની તમામ દેશની ઈકોનોમી મંદીમાં ગરકાવ થઈ છે અને આઈએમએફ કે વર્લ્ડ બેન્ક સહિતની ટોચની સંસ્થાએ જીડીપીનો ગ્રોથ ઘટવાની આગાહી કરી છે ત્યારે તમામ એસેટ કલાસમાં રિટર્ન ઘટી રહ્યાં છે ત્યારે સોનામાં મોટા ફંડોનું આકર્ષણ વધ્યું છે.

૩) ઈકોનોમીને મંદીમાંથી ઊગારવા માટે અમેરિકાની ફેડરલ બેન્ક સહિત વિશ્વની તમામ બેન્કો અને સરકારે મોટા પાયે રાહત પેકેજ જાહેર કરી રહી છે અને બજારમાં ઈઝીમની બહાર આવી રહી છે. અમેરિકામાં વ્યાજદર ઝીરો થયા છે અને આગળ જત્તા યુરોપની જેમ નેગેટિવ વ્યાજદર આવે તો સરકાર બોન્ડની  ખરીદી શરૂ કરી શકે છે, જે સોનાની તેજીનું મુખ્ય ચાલક બળ હોય છે. (૨૦૦૮ની મંદી આવી ત્યારે વૈશ્વિક સોનું આ કારણથી જ ઓલટાઈમ હાઈ થયું હતું.)

૪) વિશ્વની મોટા ભાગની મધ્યસ્થ બેન્કો એટલે કે જેમ ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને અમેરિકામાં ફેડરલ બેન્ક છે તેમ તમામ બેન્કો સોનાની મોટા પાયે ખરીદી કરી રહી છે. ખાસ કરીને ચીન અને રશિયાની મધ્યસ્થ બેન્કે ખરીદી વધારી છે. હાલ વિશ્વની બેન્કો પાસે આશરે ૩૫ હજાર ટન સોનું પડ્યું છે.

૫) ભારતીય સંદર્ભમાં જોઈએ તો વૈશ્વિક સોનું હજી ઓલટાઈમ હાઈ નથી, પંરતુ ભારતીય સોનું વિક્રમી સપાટીએ છે, જેનું કારણ ભારતીય રૂપિયો સતત તુટી રહ્યો છે અને આયાત પડતર વધી રહી છે. ભારત સોનાની જરૂરિયાત આયાત દ્વારા જ પૂરી કરે છે, જેને પગલે સોનાની આયાત મોંઘી પડી રહી છે.

૬) ભારત સહિત વિશ્વનાં તમામ દેશમાં વ્યાજદર ઘટી રહ્યાં છે ત્યારે મોટા હેજ ફંડો કે સામાન્ય રોકાણકારો પાસે સોનું એક માત્ર એવો વિક્લ્પ છે કે જેમાં વાર્ષિક રિટર્ન સારૂ મળી રહ્યું છે. ભારતીય સોનાએ છેલ્લા ૧૫ વર્ષમાં સરેરાશ દર વર્ષે નવ ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે. ભારતમાં હાલ બેન્કો ફિક્સ ડિપોઝીટ ઉપર ૬થી૭ ટકા વ્યાજદર આપે છે. શેરબજારમાં જોખમ વધારે અને એ દરેક માટે પોઝિટીવ રિટર્ન આપતું નથી. સોનું એક માત્ર એવી એસેટ-મિલ્કત છે કે જેને અડધી રાત્રે પણ પાડોશી કે ગમે ત્યાં વેચવા જાવ તો તેનાં પૈસા મળે છે, પરિણામે તેને સૌથી વધુ સુરક્ષીત રોકાણ માનવામાં આવે છે.

સોનું હવે ખરીદાય કે વેચાણ કરાય?
સોનાની તેજી અને તેનાં કારણો વાંચ્યા પછી સોનું ખરીદવાનું મન થઈ જાય એ સ્વભાવિક વાત છે, પંરતુ હાલ લોકો પાસે એટલા પૈસા જ નથી કે બે તોલા સોનાની ચેઈન લઈ આવે. કારણ કે હાલ એક લાખ રૂપિયાનું સોનું લેવાનાં પૈસા લાવવા ક્યાં? જ્યારે ત્રણ મહિનાથી ધંધો જ નથી થયો અને કર્મચારીઓને પગાર દેવાનાં કે ભાડું ચૂકવવાનાં પણ ફાંફા છે. આ વાત સાચી છે કે સોનું ખરીદવા હાલ સામાન્ય લોકો પાસે પૈસા જ નથી...
(નોંધઃ ૨૦૨૦નાં ભાવ ૨૭ જુનનાં છે)
જે વ્યક્તિને પૈસાની સખત જરૂર હોય અને બીજા દેવા ચૂકવવા જ પડે તેમ હોય તેને સોનું વેચાણ કરવાની હાલ તક છે અને સોનું પોતાની પાસે પડ્યું હોય તેનાં અમુક ટકા વેચાણ કરવામાં કોઈ વાંધો નહીં, કારણ કે દેવું ચડી રહ્યું છે.
સોનું ખરીદનારા માટે હાલ જોખમ રહેલું છે. સોનું ૫૦ હજારથી વધીને ૬૦ હજાર થવાની પણ વાત છે, પરંતુ હવે ક્યારે ૬૦ હજાર થશે એ હાલ કહી શકાય તેમ નથી. વૈશ્વિક બજારમાં કોઈ એવું કારણ આવે તો સોનું ઝડપથી ૪૫ હજાર પણ થઈ શકે છે.. આવી વોલેટાલિટી સહન કરવાની શક્તિ હોય તે સોનું ખરીદી શકે છે.
આમ તો વિશ્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાશે એપ્રિલ-મે મહિનામાં જ આગાહી કરી હતી કે વૈશ્વિક સોનું ડિસેમ્બર-૨૦૨૦માં ૧૮૦૦ ડોલર અને ૨૦૨૧માં બે હજાર ડોલરની નવી ટોચે પહોંચશે.

વૈશ્વિક સોનાની વધઘટ પર એક નજર...
વૈશ્વિક બજારમાં વર્ષ ૨૦૦૮માં લેહમેન બર્ધર્સની નાદારીને કારણે મહામંદી આવી એ સમયે ઓક્ટોબર ૨૦૦૮માં વૈશ્વિક સોનું ૭૦૦ ડોલર હતુ, જે ઝડપથી સપ્ટેમ્બર ૨૦૧૧માં વધીને ૧૯૦૦ ડોલરની ટોચે પહોંચ્યું હતું. ત્યાર બાદ સોનું ઘટીને ડિસેમ્બર ૨૦૧૫માં ૧૦૦૦ ડોલર થયું હતું. ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન સોનું ૧૦૦૦થી ૧૩૫૦ ડોલર વચ્ચે અથડાયને હાલ ૨૦૨૦માં જૂન અંતમાં વૈશ્વિક સોનું ૧૭૭૦ ડોલર પર પહોંચ્યુ છે.

-લેખ પસંદ પડે તો આપનો અભિપ્રાય મો.9374548215 પર વોટસએપ કરવો અને લેખની નીચે કોમેન્ટ કરવા વિનંતી.
(નોંધઃ સોના વિષેનો આ લેખ માત્ર એક વ્યક્તિગત વિચાર છે. સોનામાં રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની સલાહ લેવી જરૂરી છે. નફા-નુકસાન માટે અમે જવાબદાર નથી)
(લખ્યા તારીખ ૨૮ જૂન,૨૦૨૦)

19 January 2015

Tarrif Valu 16 Jan. to 31 Jan.2015

ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો ઃ સોનાં-ચાંદીની પણ વધી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ૯ ડોલર અને ચાંદીની ૨૪ ડોલર વધી
વૈશ્વિક બજારમાં વિતેલા પખવાડિયા દરમિયાન ખાદ્યતેલ અને બુલિયનનાં ભાવમાં વધારો થવાને કારણે તેની ટેરિફ વેલ્યૂમાં પણ વધારો નોંધાયો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે  સોયાતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો કરીને ૮૯૪ ડોલર કરવામાં આવી છે. પામોલીન તેલમાં ૩૦થી ૪૦ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મલેશિયામાં પૂરની સ્થિતિ બાદ વૈશ્વિક ખાદ્યતેલમાં તેજી જોવા મળી હોવાથી તેની ટેરિફ પણ વધી છે.
સરકારે સોનાની ટેરિફ વેલ્યૂ પણ ૩૯૨ ડોલરથી વધારીને ૪૦૧ ડોલર પ્રતિ ૧૦ ગ્રામે કરી છે. જ્યારે ચાંદીની કિલોદીઠ ટેરિફ વેલ્યૂ ૫૧૯ ડોલરથી વધારીને ૫૪૩ ડોલર કરી છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧ જાન્યુ.       ૧૬ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૬૯          ૭૦૫
રિફા.પામતેલ          ૬૯૬          ૭૨૯
અન્ય પામતેલ        ૬૮૩          ૭૧૭
ક્રૂડપામોલીન          ૭૦૦          ૭૩૯
રિફા.પામોલીન        ૭૦૩          ૭૪૮
અન્ય પામોલીન      ૭૦૨          ૭૪૧
કાચુ સોયાતેલ         ૮૪૩          ૮૯૪
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૨          ૪૦૧
ચાંદી                    ૫૧૯          ૫૪૩

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 16 jan.2015)

02 January 2015

Tariff Value 1 Jan. to 15 Jan.2015

ચાંદીની ટેરિફ વેલ્યૂમાં ૪૨ ડોલરનો ઘટાડો ઃ ખાદ્યતેલની પણ ટેરિફ ઘટી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ચાર ડોલરનો ઘટાડો

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં વિતેલા પખવાડિયામાં ઘટાડો થવાને પગલે સરકારે તેની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો કર્યો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફીકેશન પ્રમાણે ચાંદીની ટેરિફ વેલ્યૂમાં પ્રતિ કિલોએ ૪૨ ડોલરનો ઘટાડો થયો છે. ચાંદીની ટેરિફ ૫૬૧ ડોલરથી ઘટીને ૫૧૯ ડોલર થઈ છે. જ્યારે સોનામાં ચાર ડોલર ઘટીને ૩૯૨ ડોલર થઈ છે.
સરકારે ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૩૦ ડોલર સુધીનો ઘટાડો કર્યો છે. સૌથી ઓછી સોયાતેલની ડ્યૂટીમાં છ ડોલરનો જ ઘટાડો કર્યો છે. જ્યારે પામતેલમાં સરેરાશ ૩૦ ડોલરનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં સોયાબીનની માંગ વધારે હોવાથી તેનાં ભાવ ઓછા ઘટ્યાં છે, પરિણામે તેની ટેરિફમાં પણ મામૂલી જ ઘટાડો કરાયો છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧૬ ડીસે.     ૧ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૯૯          ૬૬૯
રિફા.પામતેલ          ૭૨૩          ૬૯૬   
અન્ય પામતેલ        ૭૧૧          ૬૮૩
ક્રૂડપામોલીન          ૭૩૧          ૭૦૦
રિફા.પામોલીન        ૭૩૪          ૭૦૩
અન્ય પામોલીન      ૭૩૩          ૭૦૨
કાચુ સોયાતેલ         ૮૪૯          ૮૪૩
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૬          ૩૯૨
ચાંદી                    ૫૬૧          ૫૧૯

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 31 Dec.2014)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...