23 December 2014

Bhavnagar Steel Re-Roling mill close due to Real estate recession

ભાવનગરનાં સ્ટીલ રિ-રોલિંગ મિલો ઉદ્યોગમાં મંદી ઃ ૭૦ ટકા ઉત્પાદન બંધ

-સરકારી પ્રોજેક્ટો બંધ અને રિયેલ એસ્ટેટની મંદીનું પરિણામ

રિયલ એસ્ટેટ સેકટરની મંદીની મોટી અસર સ્ટીલ મિલો ઉપર પણ જોવા મળી છે. ગુજરાતનાં એક માત્ર અલંગ આધારિત ભાવનગર જિલ્લાનાં સ્ટીલ રિ-રોલિંગ મિલ ઉદ્યોગ મંદીમાં ગરકાવ થઈ ગયો છે. સરકારી પ્રોજેક્ટનો અભાવ અને રિયલ એસ્ટેટની સરેરાશ મંદીની અસરથી આ વિસ્તારની ૭૦ ટકા મિલો અત્યારે બંધ પડી છે.
શિહોર રિ-રોલિંગ મિલ એસોસિયેશનનાં પ્રમુખ હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સરકારી પ્રોજેક્ટોનાં કામ ખુલ્યાં જ નથી અને રિયલ એસ્ટેટ સેકટરમાં પણ મંદી ચાલી રહી છે. જેને કારણે આ વિસ્તારમાં ૧૨૮ મિલોમાંથી હાલ માત્ર ૪૫ મિલો જ કાર્યરત છે. દૈનિક ૩ હજાર ટન ઉત્પાદન સામે હાલ એક હજાર ટન સ્ટીલ  સળિયાનું જ ઉત્પાદન થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે અલંગની શિપ આધારિત ઉદ્યોગ હાલ પડી ભાંગ્યો છે. પ્લેટનાં ભાવ પ્રતિ ટન રૃા.૨૭,૦૦૦ની સપાટી ચાલે છે અને ફિનીશ્ડ પ્રોડક્ટનાં ભાવ રૃા.૩૮,૦૦૦ પ્રતિ ટન છે. ગુજરાતની અન્ય ઓટોમેટિક મિલોમાં બનતા સ્ટીલ સળિયાની સરખામણીમાં રૃા.૩૦૦૦થી ૩૫૦૦ જેટલા સસ્તા હોવા છત્તા હાલ સરકારી પ્રોજેક્ટનાં અભાવે મંદી જોવા મળી રહી છે.
બીઆઈએસની માન્યતા મળે તો  ઉદ્યોગને મોટી રાહત થઈ શકે
હરીશભાઈએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પ્લેટમાંથી બનતા સળિયાને બીઆઈએસ આપવાની ના પાડી છે. છેલ્લા ચાર વર્ષથી આ ઈશ્યૂ ચાલે છે અને દર છ મહિને સરકાર મુદત લંબાવતી હતી, પરંતુ પહેલી ઓક્ટોબરથી હવે બીઆઈએસ વગરનાં સળિયા સરકારી પ્રોજેક્ટમાં વાપરવાની મનાઈ આવી છે. અમે રાજ્ય સરકાર મારફતે કેન્દ્રમાં રજૂઆત કરી રહ્યાં છે અને સફળતા મળે તેવી ધારણાં છે. અલંગની શિપમાંથી બનતી પ્લેટ દ્વારા બનતા સ્ટીલનાં સળિયા પણ બિલેટ કે ઈંગોટ દ્વારા બનતા સળિયા જેટલા જ મજબૂત હોય છે અને તેનાં કરતા સસ્તા પણ મળે છે, ત્યારે તેને પણ બીઆઈએસ પ્રમાણપત્ર મળે તે જરૃરી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય આ અંગે તૈયાર થઈ ગયું છે, પરંતુ તેનું અમલીકરણ કરવામાં મોડું થઈ રહ્યું છે. જો બીઆઈએસની મંજૂરી નહીં મળે તો આ ઉદ્યોગ આગળ ઉપર વધુ ખતમ થઈ જશે.
ચીનનાં ડમ્પિંગની પણ મોટી અસર

ચીનમાંથી સસ્તા ભાવથી સ્ટીલની મોટા પાયે આયાત થઈ રહી હોવાથી પણ સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીલની આયાત ઉપર આયાત ડ્યૂટી ન લગાવવામાં આવી રહી હોવાથી છેલ્લા છ-આઠ મહિનામાં મોટા પાયે ડમ્પિંગ થઈ રહ્યું છે. જેને કારણે સ્થાનિક સ્ટીલનાં વપરાશમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો હજુ ત્રણથી છ મહિના સુધી સસ્તા સ્ટીલની આયાત ચાલુ રહે તો દેશનાં નાનાં સ્ટીલ ઉત્પાદકો બંધ થઈ જાય તેવી શક્યતા છે તેમ એક અગ્રણી સ્ટીલ ટ્રેડરે જણાવ્યું હતું.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...