08 January 2015

Guargum-seed price down

ક્રૂડમાં કડાકાથી ગવારમાં પણ મંદી ઃ ગમની નિકાસ અટકવાની શક્યતાં
ગવારગમની નિકાસ ચાલુ વર્ષે ૫ લાખ ટન આસપાસ થવાનો અંદાજ

ક્રૂડતેલનાં ભાવ આજે ઘટીને ૫૦ ડોલરની અંદર પહોંચી જતા ગવારમાં ફરી એક વાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગવારસીડ અને ગવારગમનાં વાયદામાં આજે ઈન્ટ્રા ડે ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ગવારમાં હાજરનાં ખેલાડીઓનું કહેવું છેકે ગવારમાં હવે મોટી મંદી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. બીજી તરફ ગમની નિકાસ ચાલુ વર્ષે ઓછી રહે તેવી સંભાવનાં છે.
ઓલ ઈન્ડિયા ગવારગમ મેન્યુફેકચર્સ એસોસિયેશનનાં પૂર્વ પ્રમુખ પુરષોત્તમ હિસારીયાએ જણાવ્યું હતું કે ગવારગમમાં નવા સોદા હવે અટકી જાય તેવી સંભાવનાં છે. જે પાઈપલાઈનમાં વેપારો છે તેની જ નિકાસ થઈ રહી છે. ક્રૂડતેલ ઘટતા માંગ ઘટી છે, જેને કારણે ચાલુ વર્ષે સરેરાશ ગવારગમની નિકાસ ૫ લાખ ટન કે તેનાંથી પણ ઓછી થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અપેડાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગવારગમની કુલ ૩.૮૫ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૨.૭૬ લાખ ટન થઈ હતી. ઓક્ટોબરથી ડિસેમ્બરનાં ગાળામાં કુલ બીજી ૮૦ હજારથી એક લાખ ટન વચ્ચે નિકાસ થઈ હોવાનો ટ્રેડરોનો અંદાજ છે.
ગવારગસીડનાં જાન્યુ. વાયદામાં ઈન્ટ્રા ડે રૃા. ૧૬૦ ઘટીને રૃા.૪૪૪૬નાં ભાવ હતાં. ગવારગમનાં જાન્યુઆરી વાયદામાં ઈન્ટ્રા ડે રૃા.૪૮૦ ઘટીને રૃા.૧૧,૬૫૦ રહ્યાં હતાં.
ગંગાનગર-રાજસ્થાનનાં ગવારનાં એક અગ્રણી ટ્રેડરે કહ્યું કે ગવારમાં હવે હાજરમાં મંદી લાગતી નથી. દેશમાં ૧.૬૦ કરોડ ગુણીનાં પાક સામે ૯૫ લાખ ગુણી બજારમાં આવી ગઈ હોવાનો અંદાજ છે. જે બાકીનો માલ બચ્યો છે તેમાંથી ૧૫ ટકા આવક છેક નવી સિઝન સુધી આવશે નહીં. બાકી રહેલો માલ આખું વર્ષ ધીમી ગતિએ આવતો જશે. વળી હરિયાણાનાં સ્ટોકિસ્ટોએ રૃા.૫૫૦૦નાં ભાવથી પણ ગવાર ખરીદો છે, જે ગવાર હવે બજારમાં આવશે નહીં. રાજસ્થાનમાં ચાલુ વર્ષે સ્ટોક ઓછો છે.રાજસ્થાનમાં હનુમાનગઢ-ગંગાનગરમાં ૭૫ ટકા આવકો સંપન્ન થઈ ચૂકી છે. બીજી તરફ ગવારમાં ખેડૂતોની મજબૂત પક્કડ છે, જેને કારણે બજારમાં વર્તમાન ભાવથી મોટી મંદી લાગતી નથી.

તેમણે ક્રૂડની અસર વિશે કહ્યું કે ક્રૂડ ઘટી રહ્યું હોવાથી સેન્ટીમેન્ટ  ખરાબ થઈ રહ્યુ છે. ક્રૂડતેલનાં ભાવને ગવાર સાથે સીધો કોઈ સંબંધ નથી. ક્રૂડનું ઉત્પાદન તો વધી જ રહ્યું છે, પરિણામે ગવારગમની માંગ પણ ઘટતી નથી. ભાવ ઘટી રહ્યાં હોવાથી બજારનું સેન્ટમેન્ટ બગડી રહ્યું છે. આગામી પંદર દિવસ જો ગવારગમનાં નિકાસ સોદા થાય તો બજારને ટેકો મળશે અને જો સોદા ન થાય તો બજાર સ્થિર રહી શકે છે.
(Date. 6 Jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...