21 January 2015

Guar Price Dowen Due to Rajsthan Govt High Production Forcast

રાજસ્થાનમાં ગવારનાં ઊંચા ઉત્પાદનનાં અંદાજથી ભાવમાં કડાકો

-ટ્રેડરોનાં ૧૫થી ૨૦ લાખ ટનનાં અંદાજ સામે રાજ્ય સરકારે ૨૮ લાખ ટનનો અંદાજ મૂક્યો
-વાયદામાં સોમવારે ચાર ટકા બાદ મંગળવારે છ ટકાની મંદીની સર્કિટ લાગી

ગવારનાં સૌથી મોટા ઉત્પાદક રાજ્ય એવા રાજસ્થાનમાં રાજ્ય સરકાર દ્વારા ગવારનાં પાકનો ઊંચો અંદાજ મૂકવામાં આવતા છેલ્લા બે દિવસથી ગવારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. વાયદામાં સોમવારે ચાર ટકા બાદ મંગળવારે છ ટકાની મંદીની સર્કિટ પણ લાગી ગઈ હતી.
રાજસ્થાન કૃષિ વિભાગે ગવારનો બીજો આગોતરો ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે, જે મુજબ રાજસ્થાનમાં ગવારનું ઉત્પાદન ૨૭.૯૫ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગતવર્ષે ૨૮.૬૧ લાખ ટન થયું હતું. રાજ્ય  સરકારે સત્તાવાર ગત વર્ષની તુલનાએ અંદાજ નીચો મૂક્યો છે, પરંતુ ટ્રેડરનાં મતે ઉત્પાદન ૧૪થી ૧૫ લાખ ટન વચ્ચે જ થાય તેવી ધારણાં છે. જેની સામે સરકારે બમણો અંદાજ મૂક્યો છે. રાજસ્થાનમાં ગત વર્ષે ૫૦ લાખ હેકટકરમાં વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે ૪૬.૨૫ લાખ હેકટરમાં જ વાવેતર થયું છે. રાજસ્થાનમાં કેટલાક ટ્રેડરો ૧૭.૫થી ૨૦ લાખ ટન વચ્ચેનો અંદાજ પણ માને છે.
ગુજરાતમાં પણ સરકારનાં બીજા આગોતરા અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે, ઉત્પાદન ૧.૮૭ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૩.૧૨ લાખ ટન ઉત્પાદન થયું હતું.
રાજસ્થાનનાં અંદાજ બાદ ગવારમાં ગઈકાલે ચાર ટકાની નીચલી સર્કિટ લાગ્યા બાદ આજે પણ છ ટકાનો ઘટાડો થયો હતો. ગવારગમ જાન્યુ.વાયદો ૮ જાન્યુ.એ રૃા.૧૨૦૨૦ હતો, જે આજે રૃા.૬૮૦ ઘટીને રૃા.૧૦૬૬૦ થયો હતો. ગવારસીડ જાન્યુ. વાયદો આ ગાળામાં રૃા.૪૬૩૬થી ઘટીને રૃા.૪૧૨૪ થયો હતો.
ગવારની તેજી-મંદી માટે ટ્રેડરોમાં પણ મતભેદ
ગવારની તેજી-મંદી માટે ટ્રેડરોમાં પણ મોટો મતભેદ જોવા મળી રહ્યો છે. ગંગાનગરનાં ગવારનાં ટ્રેડર જયદેવ ગુપ્તાનું કહેવું છેકે ગવારસીડનાં ભાવ ઘટીને રૃા.૩૭૦૦ પ્રતિ ક્વિન્ટલ સુધી જઈ શકે છે. ગવારની કુલ નિકાસ વર્ષ દરમિયાન ૨૦થી ૨૫ ટકા ઘટવાનો અંદાજ છે. એમ.એસ.ડૂગર ગ્રૂપનાં શિખર ચંદ્ર ડૂગરનું માનવું છે કે ગવારગમમાં રૃા.૧૦,૦૦૦ અને ગવારસીડમાં રૃા.૩૩૦૦ સુધીનાં ભાવ જોવા મળી શકે છે. ક્રૂડતેલનાં ભાવ ઘટવાને કારણે ગમની નિકાસમાં ઘટાડો જોવા મળે તેવી ધારણાં છે.

આ તરફ બિકાનેરનાં ટ્રેડર પુખરાજ ચોપડા કહે છેકે ગવારમાં વર્તમાન સ્તરથી મોટો ઘટાડો થાય તેવી શક્યતા નથી. જો ગવારસીડનાં ભાવ રૃા.૪૦૦૦ની નીચે જાય તો પણ ઝડપથી સુધરી જશે. જો ભાવ નીચે જશે તો ખેડૂતની વેચવાલી ઘટી જશે. તેઓ કહે છેકે અમેરિકામાં ક્રૂડનું ઉતપાદન ૨.૫ લાખ બેરલથી વધીને ૯ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ રહ્યું છે તો કેવી રીતે માની શકાય કે ગવારની માંગ ઘટી છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનાં આંકડાઓ પણ કહે છે કે ગવારની નિકાસ વધી છે. દેશમાંથી આ સમયમાં કુલ ૩.૮૫ લાખ ટનની નિકાસમાંથી ૨.૩૮ લાખ ટન ગમની અમેરિકામાં જ નિકાસ થઈ છે.
(Date 13 Jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...