08 August 2014

Urea Fertilizer Shortage in Gujarat

ગુજરાતમાં યુરિયા ખાતરની તંગી વધુ ક્વોટા માટે સરકારે માંગણી કરી

રાજ્યમાં વાવણી એક મહિનો મોડી અને એક સાથે થત્તા ખાતરની જંગી માંગ ઃ એકાદ સપ્તાહમાં તંગી હળવી થવાની ધારણાં

ગુજરાતમાં પીક સિઝનમાં જ યુરિયા ખાતરની મોટી તંગી ઊભી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી, જામનગર અને ભાવનગર પંથકમાં ખાતરની મોટી અછત જોવા મળી રહી હોવાથી ખેડૂતોને બૂમ પડી છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ તંગીને પહોંચી વળવા માટે મોદી સરકાર પાસે ચાલુ મહિના માટે જ વધારાનું ૫૫ હજાર ટન ફાળવવા માટે માંગ કરી છે.
ગાંધીનગર સ્થિત નાયબ ખેતી નિયામક-ખાતરનાં અનિલભાઈ પટેલે  જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસું એક મહિનો મોડું બેસતા આસ્થિતિ ખરેખર સર્જાય છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે એપ્રિલથી જુલાઈ મહિના માટે કુલ ૬.૨૪ લાખ ટનની ફાળવણી કરી છે, જેની  સામે ૬.૫૭ લાખ ટન  ખાતર આવી ગયું છે. સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં મોટી તંગી છે. ૧૫ જુલાઈ સુધી વાવણીલાયક વરસાદ પડ્યો જ ન હોવાથી કેટલીક સહકારી મંડળીઓએ તેનો ઓર્ડર મોડો આપ્યો હતો. પરિણામે આવા જિલ્લામાં ખાતર મોડું મળી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે ચાલુ વર્ષે વાવણી એક મહિનો મોડી અને એક સાથે થઈ હોવાથી અત્યારે માંગ પણ એક સાથે વધી ગઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ ઓગસ્ટ માટે ફાળવણી કરતાં વધુ ૫૫ હજાર ટનની માંગણી કરી છે. ઓગસ્ટ માટે કેન્દ્ર સરકારે ૧.૭૯ લાખ ટન ફાળવણી કરી  છે, જેની સામે અત્યાર સુધીમાં ૪૦ હજાર ટન માલ આવી ગયો છે. બીજી તરફ પીપાવાવ બંદરે ઈફકોની એક વેસેલ્સ આવી છે, જેમાંથી પણ ૨૦ હજાર ટન તાત્કાલિક ગુજરાતને ફાળવાયું છે અને જામનગરમાં એક રેન્ક રવાનાં થઈ છે. આગામી ચાર-પાંચ દિવસમાં વધુ જથ્થો આવી જાય તેવી ધારણાં છે. એટલે પરિસ્થિતિ હળવી બને તેવી આશા છે.

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...