28 March 2017

ખેતી ક્ષેત્રે નવીન આવિસ્કારઃ ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ


-ચેન્નઈની એક કંપનીએ બનાવેલા ડ્રોનનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે તેનું બીડું ઝડપતી સુરતની હાઈ-ટેક મીકેનાઈઝેશન કંપની
-ભારતમાં સૌપ્રથમવાર ડ્રોન દ્વારા દવાનાં છંટકવાનાં ડેમો તાજેતરમાં સુરત બાજુ શેરડીનાં ખેતરોમાં યોજાયા
 ખેતી ક્ષેત્રે અમુક વર્ષો બાદ અકલ્પનીય કે અશક્ય ટેકનોલોજી કે સંશોધનનાં આગમનથી એક ક્રાંતિનો તબક્કો શરૂ થતો હોય છે. ભારતમાં દોઢ દાયકા પહેલા બીટી કોટનનાં પ્રવેશ થયા બાદ કપાસનાં ઉત્પાદનમાં ન ધાર્યું ઉત્પાદન મેળવ્યું હતું. આવું કંઈક વર્ષ ૨૦૧૭નો ડ્રોનનો ખેતીમાં ઉપયોગ માટે યાદ રહે તેવી સંભાવનાં છે. અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ આપણે માત્ર લગ્ન કે બીજા પ્રસંગોનાં ફોટોગ્રાફી માટે જ જાણ્યો છે, પરંતુ આગામી દિવસોમાં તેનો ખેતીમાં મોટો ઉપયોગ થાય તેવી સંભાવના છે અને જેની શરૂઆત દવાનાં છંટકાવથી થઈ ચૂક્યો છે. તાજેતરમાં સુરત ખાતે અગ્રણી એગ્રીકલ્ચરલ કંપની હાઈટેક મિકેનાઈઝેશન દ્વારા શેરડીનાં ખેતરમાં ડ્રોન દ્વારા દવાનાં છંટકાવનાં ડેમો-નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ પ્રભાતની ટીમ પણ પહોંચી હતી. 
ડ્રોન દ્વારા દવા છંટકાવ માટે હાલ માત્ર શેરડીનો પાક પસંદ કરવામાં આવ્યો છે અને તેમાં સકસેસ ગયાં બાદ કેળા, કપાસ કે બીજા તમામ પાકોમાં પણ છંટકાવ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ડ્રોન કઈ રીતે ઉપયોગી થશે તેની માહિતી આપતાં હાઈટેક મિકેનાઈઝેશનનાં પાર્ટનર ભરતભાઈ ચૌહાણ (મો.9904709689)એ જણાવ્યું હતું કે ડ્રોનનાં ઉપયોગથી ખેતી ક્ષેત્રે એક નવીન ક્રાંતિ થશે. ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ઉપયોગ શરૂ કરવા માટેનાં આ ડેમો શરૂ કરાયાં છે અને તેનાં ડ્રોનનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. ડ્રોનમાં પાણીની ટાંકીની સાઈઝ ૫ લીટર, ૧૦લીટર, ૧૫, લીટરથી લઈને ૩૦ લીટર સુધીની ક્ષમતા વાળા છે.
ડ્રોનથી મદદથી કઈ રીતે દવા છંટાશે?
ભરતભાઈ આ અંગે કહે છેકે ૧૫ લીટરનાં સાઈઝ વાળા ડ્રોનની વાત કરીએ તો એક એકર ખેતરમાં દવા છંટકાવ કરવા માટે માત્ર ૧૫ મિનીટનો સમય લાગે છે. બેટરી બેક-એપ ૧૫મિનીટ છે, પરિણામે એક વાર ડ્રોન ચાલુ કર્યાં બાદ ૧૫ મિનીટમાં તમે એક એકરમાં દવા સરળતાથી છાંટી શકો છે. વળી ડ્રોનથી દવા છાંટવાથી દરેક છોડમાં અસરકારક રીતે પહોંચે છે અને તેનો બગાડ થત્તો નથી. ડ્રોનમાં મેપિંગ અને સ્કેનીંગની સુવિધા પણ આપવામાં આવી છે. જે પોતાની જાતે જ્યાં દવાનો છંટકાવ કરવાનો હોય એ ખેતરના વિસ્તારનું માપ લઇ છે. અને સ્કેનીંગ દરમ્યાન ક્યાં કેટલી જીવાત છે કે કોઈ રોગ છે તે પણ બતાવી દે છે અને તે પ્રમાણે આપ મેળે જ્યાં જેટલી જરૂરિયાત હોય એટલી દવાનું મિક્ષણ કરીને છંટકાવ કરી શકાય છે.  
 હાઈટેક મિકેઈનાઝેશનનાં અન્ય પાર્ટનર એવા મયંકભાઈ પટેલ (મો.9904709687) કહે છેકે ખેડૂતોને સમયની સાથે નાણાનો પણ બચાવ થાય છે અને દવા છાંટવાને લીધે માનવને જે નુકસાન થાય છે તેમાંથી પણ બચી શકાય છે. ડ્રોન દ્વારા રિમોટ હોય ત્યાંથી તે એક કિલોમીટરની રેન્જમાં જઈ શકે છે, પરિણામે ખેડૂતો માટે ઘણું ઉપયોગી સાબિત થશે.
ડ્રોનનો બનાવનાર કંપનીનાં માલિકો શું કહે છે?
ડ્રોન બનાવનાર ચેન્નઈની કંપની શ્રી સાંઈ એરોટેક ઈનોવેશન્સનાં માલિક એવા પિતા-પુત્ર સાઈ પટ્ટાબિરમ અને વેન્કટેશન સાઈએ ડ્રોનનાં ઉપયોગ વિશે કહ્યું હતું કે આ ટેકનોલોજી વિશ્વમાં ચીન, અમેરિકા, યુરોપ સહિતનાં દેશોમાં મોટા પાયે વપરાય છે. માત્ર દવા છંટકાવ માટે નહીં પણ ખેતીમાં જરૂરી તમામ ઉપાયો માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. અમારી ટેકનોલોજીનો ભારતમાં હાલ ખેડૂતો દ્વારા સીધો ઉપયોગ શરૂ નથી થયો, પરંતુ તામિલનાડુની ચાનાં બગીચા ધરાવતી કંપની પેરી એગ્રોએ કુલ ૬ હજાર એકર ચાનાં બગીચામાં દવા છાંટવા માટે અમારી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.  ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધર દ્વારા પણ પાકનાં સર્વે માટે કે બીજી વિમા કંપનીઓ ઉપયોગમાં લે છે. ટાફે કંપની સાથે કપાસ અને ચાનાં ખેતરમાં પણ ઉપયોગ લેવા માટે વાતચીત ચાલી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં શેરડીનું મોટા પાયે વાવેતર થાય છે અને વર્ષો પહેલા ત્યાં હેલીકોપ્ટરની મદદથી દવા છાંટવામાં આવતી હતી, પરંતુ એ સમયે દવા ખેતરની સાથે બીજા માનવવસવાટ કે જે જગ્યાએ દવાની જરૂર ન હોય ત્યાં પણ છંટાતી હતી, જેને કારણે તેનાં ઉપર પ્રતિબંધ આવ્યો હતો. હવે આ મિની હેલ્પીકોપ્ટર જેવા ડ્રોનની મદદથી સરળતથી ખેતરમાં દવા છાંટી શકો છો અને દવાનો પૂરતો ઉપયોગ થાય છે.
ડ્રોનની દવાનાં છંટકાવનાં ડેમોને જોયા બાદ સુરતનાં દેરોડ ગામનાં ખેડૂત નારણભાઈ નરસીભાઈ પટેલે કહે  છે કે આ ટેકનોલોજી સારી છે અને ખેડૂતોએ અપનાવવા જેવી છે. હાલ દવા છાંટવાથી જે માનવશરીરને નુકસાન થાય છે અને મહેનતની સાથે વધુ સમય લાગે છે તેની તુલનાએ આ ઓછા સમયમાં થઈ જાય છે.
ડ્રોનની કિંમત અને વપરાશ ખર્ચ શું?
ડ્રોનની કિંમત રૂ.૪ લાખથી શરૂ કરીને ૭-૮ લાખ સુધીની છે. ૧૫ લિટરનાં ડ્રોનની કિંમત આશરે રૂ.૬.૫૦ લાખની છે. વપરાશ ખર્ચ સામાન્ય રીતે બેટરી ચાર્જ કરવા સિવાયનો બીજો કોઈ નથી. અમુક સમય સુધી વપરાશ કર્યા બાદ તેના પંખા અને મોટર ચેક કરવા સિવાય કોઈ ખર્ચ નથી. ૮-૧૦ વર્ષે બેટરી બદલવી પડે છે.
ભારતમાં ડ્રોન દ્વારા દવા છાંટવા માટેનો આ પહેલો પ્રયોગ શરૂ થયો છે અને આગામી દિવસોમાં જો ખેડૂતો ધીમે ધીમે અપનાવતા જશે તો ખેડૂતોને આ ટેકનોલોજીનો મોટો ફાયદો થાય તેવી સંભાવનાં છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે ડ્રોનનો ખેતીમાં ઉપયોગ માટે હાલ કોઈ ગાઈડલાઈન્સ નથી, પરંતુ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં સરકારી મંજૂરીની મહોર લાગે અને સરકાર બીજી ટેકનોલોજીમાં જેમ સબસિડી આપે છે તેમ આમા પણ ૨૦થી ૩૦ ટકા સુધીની સબસિડી આપે તો ખેડૂતોને ઓછા  ખર્ચે આધુનિક ટેકનોલોજી મળી શકે છે અને ખેતી ક્ષેત્રે હરણફાળ ફેરફાર આવી શકે તેમ છે.

ડ્રોનનો ભારત અને વિશ્વમાં ખેતી ક્ષેત્રે હાલ શું ઉપયોગ ?
ડ્રોન એક એક પ્રકારનું મિની હેલીકોપ્ટર જ છે અને વિશ્વમાં ચીન, અમેરિકા, યુરોપનાં કેટલાક દેશમાં દવા છાંટવાની સાથે, બિયારણનાં વાવેતર કરવા, પાકનું મોનેટરિંગ કરવા  સહિતનાં બીજા ઉપયોગમાં લેવાય છે. ભારતમાં અત્યાર સુધી કોઈ ખેડૂતો દ્વારા વ્યક્તિગ રીતે ખેતીમાં ઉપયોગ થયો નથી અને તેનો ડેમો પણ ભારતમાં પહેલી વાર સુરત ખાતે ચાલુ મહિને યોજાયો હતો. સ્કાયમેટ હવામાન એજન્સી કે બીજી વિમા કંપનીઓ પાકમાં નુકસાન અંગે હાલ ડ્રોનનો ઉપયોગ કરે છે.
ડ્રોનનો ઉપયોગ કરવા માટે કેટલીક સરકારી મંજૂરી પણ જરૂરી હોવાથી તે પણ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે ૨૦૦ ફુટથી વધુ ઊંચાય અને એક કિલોમીટરથી વધુ જઈ શકે તેવા ડ્રોન માટે સરકારી મંજૂરી જરૂરી હોય છે. આ ડ્રોન માત્ર ૧૦૦ ફુટ જ જઈ શકે છે અને એક કિલોમીટરની જ રેન્જ છે, પરિણામે સુરત કલેક્ટરનાં અભિપ્રાય બાદ એવું તારણ નીકળ્યું હતું કે સરકારી મંજૂરી જરૂરી નથી, પરંતુ સ્થાનિક ઓથોરિટી જેમ કે મામલતદાર કે પીઆઈને લેખિતમાં આની જાણ કરવી પડે છે.
ડ્રોન વસાવવાથી ખેડૂતોને કમાણી પણ થઈ શકે
હાઈટેકનાં ભરતભાઈ કહે છેકે ખેડૂતો દ્વારા ડ્રોનની ખરીદી કરવામાં આવે અને તેનો કોમર્શિયલ ધોરણે પોતાનાં ગામ કે બાજુનાં ગામમાં દવા છંટકાવ માટે ઉપયોગ કરવામાં આવે તો પહેલા જ વર્ષે ડ્રોનનો ખર્ચો નીકળી જાય છે અને બીજી ૨થી ૩ લાખની કમાણી પણ થઈ શકે છે. સરેરાશ દવા છાંટવા માટે મજૂરી રૂ.૩૦૦ ચાલે છે એ પ્રમાણે ખેડૂત ડ્રોન વસાવીને તેને ભાડેથી ઉપયોગ કરે તો આ કમાણી કરી શકે છે.

20 March 2017

ખેતીને ધંધો અપનાવી પૈસા કમાવવા વેલ્યુએડીશન અને નવીન પાકો તરફ વળવું પડશે



-જે ખેડૂતોએ સામા પવને ચાલીને નવા પ્રયોગો કર્યાં છે એ ખેડૂતો સફળ પણ થયાં છે
-પરંપરાગત ખેતીમાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની ફરિયાદો વધવા લાગી
-ખેડૂતો જાતે જ વેલ્યુએડીશન કરીને પાકોનું વેચાણ કરે તો ૫૦ ટકાથી પણ વધુ કમાણી થાય
-બાગાયત પાકમાં ખેડૂતો સીધી નિકાસ કરે તો પણ વધુ કમાણી થવાની સંભાવનાં

ગુજરાત સહિત દેશભરનાં ખેડૂતોને વિવિધ પાકોમાં પૂરતો ભાવ ન મળતા હોવાની ફરિયાદો વધી રહી છે. ડુંગળી, બટાટા, મગફળી, ચણા, તુવેર કે ધાણા કોઈ પણ પાક હાથમાં લો એટલે ખેડૂતોની ફરિયાદ સાંભળવા મળે છે કે અમે વાવણી કરી ત્યારે આસમાને ભાવ હતાં અને કાપણી કરી ત્યારે ભાવ તળિયે બેસી ગયાં હતા. આ ફરિયાદ દર એક કે બે વર્ષે કોઈને કોઈ પાકમાં જોવા મળતી હોય છે અને ભાજપ હોય કે કોંગ્રેસની સરકાર હજુ સુધી આનો કાયમી ઉપયાગ કોઈ જ સરકાર લાવી શકી નથી અને લાવી પણ શકશે નહીં. જો લાવી શકી હોત તો હાલ કઠોળનાં ભાવ તળિયે બેસી ગયાં છે ત્યારે તેની આયાત બંધ થઈ ગઈ હોય, પરંતુ આયાત ચાલુ જ છે. નાના બાળકને પણ ખબર પડે કે પેટ ભરાય ગયું હોય તો પાણી ન પીવાય તો નરેન્દ્ર મોદીની સરકારને શું? ના ખબર હોય કે તુવેર કે ચણાનાં ઢગલા થઈ ગયાં છે અને આયાત કરવી પડશે.

ઓછા ભાવનો કાયમી ઉપાય શું?
ખેતપેદાશોનાં ઓછા ભાવ મળે તેનો કાયમી ઉપાય એક જ છે અને એ છે કે પરંપરાગત પાકોની  સાથે ખેડૂતોએ નવીન પાક તરફ પણ વળવું જોઈએ અને નવી ટેકનોલોજીની સાથે ખેતી કરવાની શરૂઆત કરવી જોઈએ. મોટા ભાગનાં ખેડૂતો વાવેતર માટેનો નિર્ણય લે ત્યારે એક જ વસ્તુ વિચારે છે કે ગામમાં બધા ખેડૂતો શું વાવેતર કરે છે તેનું જ વાવેતર કરવું? બાજુવાળા રામજીભાઈએ કપાસ વાવ્યો તો આપણે પણ કપાસ જ વાવવો. નિર્ણય લેવામાં ખેડૂતો ભાવને પણ વધુ ધ્યાનમાં રાખે છે અને પછી ભાવ માટે જ ફરિયાદો કરે છે. ગત વર્ષે તુવેરનાં ભાવ આસમાને પહોંચ્યાં હોવાથી આ વર્ષે બધા જ ખેડૂતોએ તુવેર વાવી અને પરિણામ એ આવ્યું કે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ ભાવની ફરિયાદથી દૂર રહેવું હોય તો પરંપરાગત પાકનું વર્ષોથી જેટલું વાવેતર કરતાં હોય તેનાં કરતાં ઓછુ જ વાવેતર કરવું અને ઘેંટાની જેમ ગાડરીયા પ્રવાહમાં તરવું નહીં. ખેતીને ધંધો અપનાવો અને ધંધામાં એકાદ વર્ષ નુકસાન પણ જાય એવી તૈયારી સાથે ખેતી કરવી જોઈએ.

ખેડૂતોએ વેલ્યુએડીશન અને ગ્રેડિંગ તરફ વળવું જોઈએ
ખેડૂતોએ હવેનાં જમાનામાં બધો જ માલ એક સરખો વેચી દેવાને પગલે ગ્રેડિંગ કરીને વેચાણ કરવું જોઈએ. મગફળીમાં ક્વોલિટી પ્રમાણે અલગ કરીને જ વેચાણ કરવું જોઈએ. એજ રીતે કપાસમાં પણ ખેડૂતોએ જુદા-જુદા ટાઈમે વિણાટ કરેલા કપાસની ક્વોલિટી જુદી-જુદી હોય છે ત્યારે ખેડૂતો ઘણી વાર નબળી ક્વોલિટીના કપાસનાં સારા ભાવ માટે સારી ક્વોલિટીમાં મિક્સિંગ કરે છે, જેને કારણે સારી ક્વોલિટીનાં પણ ઓછા ભાવ મળે છે. વાતાવરણ પ્રમાણે દરેક કોમોડિટીમાં ભેજનું પ્રમાણ બદલાતુ હોય છે અને ક્વોલિટી પણ બદલાતી જાય છે.
ખેડૂતોએ ગ્રેડિંગની સાથે વેલ્યુએડીશન પણ કરવી જોઈએ. વેલ્યુએડીશનને વાત આવે તે બટાટા અને ટમેટાની વેફરના જ ઉદાહરણ  આપણને સાંભળવા મળે છે, એ દરેક ખેડૂતો માટે શક્ય પણ નથી હોય કે વેફર બનાવીને જ વેચાણ કરવામાં આવે. પરિણામે ખેડૂતોએ માત્ર વાતો જ સાંભળવા મળે છે. ખેડૂતો ટમેટાની વેફર બનાવવાને બદલે તેનો સોસ બનાવીને કાચની બોટલમાં ભરીને પણ વેચાણ કરે તો વધુ કમાણી થઈ શકે છે. સોસ બનાવવા માટે ખેતરમાં ઓછા ટમેટે પાક્યાં હોય તો પણ ચાલે છે અને વળી સોસ બનાવવો પણ સહેલો હોવાથી ઘરે મહિલાઓ પણ સરળતાથી બનાવી શકે છે. કઠોળમાં પણ સારી ક્વોલિટીનાં કઠોળનું નાના પેકિંગ બનાવીને રિટેલ કે પછી કોઈ મોટા જથ્થાબંધ વેપારીને વેચાણ કરવામાં આવે તો પણ વધુ કમાણી થઈ શકે તેમ છે. આમ ખેડૂતોએ વેલ્યુએડીશન કરવું જરૂરી છે.

બાગાયત પાકોની નિકાસ બજાર તરફ પણ ધ્યાન રાખો
કેરી, કેળા, ચીકું કે બીજા બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતો મોટા ભાગનો માલ ભારતીય બજારમાં જ વેચાણ કરતાં હોય છે. આ વેચાણ પાછળ તેની ક્વોલિટી પણ જવાબદાર હોય છે. કેટલાક હોશિયાર અને સમજૂ ખેડૂતો હવે નિકાસબર ક્વોલિટીનાં જ ફળપાકોનું વાવેતર કરે છે અને પોતાનાં જેવા બે-ચાર મોટા ખેડૂતોને માલ એક સાથે એકઠો કરીને પછી તેને સીધા પણ નિકાસ કરે છે. કચ્છનાં બટુકભાઈ કેરીની નિકાસ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. કેળા માટે પણ સાઉથમાં અનેક ખેડૂતો નિકાસ કરી રહ્યાં છે અને વધુ કમાણી કરી રહ્યાં છે. આમ ખેડૂતોએ ખેતરમાં જેટલું ઉત્પાદન થાય તેમાંથી નિકાસ થઈ શકે તેમ હોય તેવા ફળોને અલગ કરીને તેની નિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ.
આજનાં ૪જી યુગ અને ૨૧મી સદીમાં ખેડૂતોએ કેટલાક નવા પાકોનો પણ પ્રયોગ કરવો જોઈએ. સરગવો, ડ્રેગન ફ્રુટ, સીડલેસ લિંબુ (જોકે આ પ્રયોગ બધાને સફળ ન પણ થાય), સૌરાષ્ટ્રમાં હળદરની ખેતીનો પ્રયોગ, ખારેક જેવા પાકોની પણ ખેતી કરીને ખેડૂતો બીજા પાકોની તુલનાએ વધુ કમાણી કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીની સરકારમાં ખેડૂતોને સરકારી સબસિડી આગામી દિવસોમાં ધીમે ધીમે ઓછી જ મળવાની છે અને ખેડૂતોએ પણ તેનાંથી ટેવાવું પડશે. ખેતીમાં નવા પ્રયોગો કરીને કમાણી કરવી પડશે. આજે પણ ઘણા ખેડૂતો ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ કરીને પણ ખેતી કરી રહ્યાં છે અને બાપ કરતા બેટો સવાયો એમ ખેતીમાં સવાઈ અને દોઢી કમાણી કરી રહ્યાં છે. તમે પણ તમારાં પોતાનાં ખેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકના પસંદગી કરો અને શક્ય એટલી પરંપરાગત પધ્ધતિને છોડીને નવીન વિચારો સાથે ખેતીને ધંધા તરીકે અપનાવશો તો વધુ કમાણી થશે.

13 March 2017

ઘઉંનાં બમ્પર પાકની વાતોથી ખેડૂતો સાવધાન



ઘઉંની સિઝન આવી ગઈ છે અને હોળી બાદ ઘઉંની પુષ્કળ આવકોથી બજારો ઉભરાય જશે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું બમ્પર એટલે કે ભારતનાં ઈતિહાસમાં ક્યારેય ન થયું હોય એટલું જંગી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. ખેડૂતોએ સરકારનાં બમ્પર પાકનાં આંકડાઓથી સાવધાન રહેવાની જરૂર છે અને સસ્તામાં માલ વેચાણ કરવાની ઉતાવળ કરતાં નહીં.
ઘઉંનાં ઉત્પાદનનાં આંકડાઓ ઉપર નજર
દેશમાં ચાલુ વર્ષે ઘઉંનું કુલ ૯૬૬.૪૦ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે, જે ઓલટાઈમ હાય છે. ગત વર્ષે દેશમાં સરકારી અંદાજ પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ૯૨૨.૯ લાખ ટન થયું હતું. દેશમાં આ અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં ઘઉંનું ૯૫૮.૫ લાખ ટનનું વિક્રમી ઉત્પાદન થયું હતું. દેશમાં છેલ્લા એક દાયકામાં ઘઉંનાંઉત્પાદનમાં માત્ર ૨૩ ટકાનું જ ઉત્પાદન વધ્યું છે. દશ વર્ષ પહેલા ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૭૮૫.૭ લાખ ટન થયું હતું. ઘઉંનાં ઉત્પાદનમાં  ધીમી ગ્રોથને કારણે જ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલ ૨૦૧૬થી ૩૧મી માર્ચ ૨૦૧૭  દરમિયાન ભારતે કુલ ૫૦ લાખ ટન ઘઉંની આયાત કરવી પડી છે, જે પણ દાયકાની સૌથી વધુ વાર્ષિક આયાત છે.
દેશમાં આટલા વર્ષો પછી પણ ઘઉંનાં ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી બનવા માટે હજી પ્રયાસ કરી રહ્યું છે અને વસ્તી વધારાની સાથે ઉત્પાદનનો ગ્રોથ વધતો ન હોવાતી ભારતે ઘઉંની આયાત કરવી પડી રહી છે.
ઘઉંમાં સરકારી ગોડાઉન તળિયા ઝાટક
ઘઉંમાં સરકારી ગોડાઉન તળિયા ઝાટક જોવા મળી રહ્યાં છે. સરકારી એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં તાજા આંકડાઓ પ્રમાણે પહેલી માર્ચે સરકારી ગોડાઉનમાં ઘઉંનો કુલ  સ્ટોક ૯૪ લાખ ટનનો છે જે છેલ્લા એક દાયકાનો સૌથી નીચો છે. પરિણામે  નવી સિઝનમાં સરકારે ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવથી ઘઉંની ખરીદીનો કુલ ૩૩૦  લાખ ટનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ગત સિઝનમાં માત્ર ૨૩૦ લાખ ટનની જ ખરીદ કરી હતી.
ઘઉંની આયાત ઉપર પણ નિયંત્રણો આવશે
કેન્દ્ર સરકારે હાલ ઘઉંની આયાત ડ્યૂટી ફ્રી કરી છે, જેને કારણે સાઉથની ફ્લોર મિલો બીજા રાજ્યોમાંથી ઘઉંની ખરીદી કરવાને બદલે ઓસ્ટ્રેલિયા અને યૂક્રેનથી ઘઉંની આયાત કરી રહી છે. સામાન્ય રીતે સાઉથની ફ્લોર મિલો માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રમાંથી ઘઉં ખરીદતી હોય છે અને હુડકા મારફતે વેરાવળથી મોટા પાયે ઘઉં જાય છે, પરંતુ ચાલુ વર્ષે આ લેખ લખાય છે ત્યાં  સુધીમાં એક પણ હુડકું સાઉથ ગયું નથી. ૧૦થી ૨૦  કન્ટેનર કચ્છનાં બંદરેથી ગયાં છે. સાઉથની મિલોને હાલ સૌરાષ્ટ્ર કરતાં આયાતી ઘઉં સસ્તા પડે છે. સરકાર આ આયાત ઉપર નિયંત્રણ મુકવા માટે આગામી દિવસોમાં ડ્યૂટી લગાવે તેવી સંભાવનાં છે. હાલ ૨૫ ટકા આયાત ડ્યૂટી લાદવાની વાત છે.
બીજી તરફ એપ્રિલ મહિનાથી ઘઉંમાં ફ્યુમીગેશન (મિથાઈલ બ્રીમાઈડ નામનાં કેમિકલનું ઘઉંમાં મિશ્રણ) કરવાનાં નિયમો પણ બદલાય રહ્યાં છે. ભારત સરકારે મિથાયલ બ્રમાઈડનું ફ્યુમીગેશન હવેથી જે-તે દેશનાં પોર્ટ ઉપર જ કરવાની જાહેરાત કરી છે. કાળા સમુદ્ર અને યુરોપનાં કેટલાક દેશોમાં આ કેમિકલ ઉપર પ્રતિબંધ હોવાથી અત્યાર સુધી ભારતીય પોર્ટ ઉપર આ પ્રક્રીયા થત્તી હતી, પરંતુ હવે આ પ્રક્રીયા બંધ થતા આ કેમિકલ પ્રતિબંધવાળા દેશોમાંથી ભારતમાં ઘઉં આવતા બંધ થઈ જશે. જે ખેડૂતો માટે  સારી વાત છે.
વર્તમાન સ્થિતિ જોત્તા અને આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકાર ખેડૂતોને ફાયદો થાય તેવા કેટલાક નિર્ણયો લઈ શકે છે, જેને કારણે પણ આ નિર્ણયો લેવાય તેવી સંભાવનાં છે.


ખેડૂતોએ ઘઉં કેમ સસ્તામાં કાઢવા નહીં?
કેન્દ્ર સરકારને ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ૬ ટકાએ અને ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવી છે એટલે વાસ્તવિકતાથી પણ ઊંચા ઉત્પાદનનાં આંકડાઓ આપી રહ્યાં છે, જેનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ચાલુ વર્ષે ઘઉંનો વિક્રમી પાક થવાની આગાહી આવતા માર્ચની શરૂઆત અને ફેબ્રુઆરીના  અંતમાં ઘઉંનાં ભાવ પાણી-પાણી થઈ ગયાં હતાં. જોકે હાલ થોડા સુધર્યાં પણ છે. ખેડૂતોએ ઉંચા ઉત્પાદનની વાતમાં આવુ નહીં.
સરકારી સ્ટોક તળિયા ઝાટક હોવાથી ગત વર્ષની તુલનાએ સરકારી એજન્સીઓ ૧૦૦ લાખ ટન ઘઉં વધુ ખરીદવાની છે. (એટલું તો ઉત્પાદન પણ નથી વધ્યું) ચાલુવર્ષે ૫૦ લાખ ટન ઘઉંની આયાત થઈ છે, જે આગામી વર્ષે ૨૦થી ૩૦ લાખ ટન થવાનો અંદાજ છે. ફુડ સિક્યોરિટી બિલનાં અમલને કારણે સરકારી યોજનામાં ઘઉંનો વપરાશ વધશે. સરકાર દ્વારા ૧૫મી માર્ચથી ઘઉંની પ્રતિ ક્વિન્ટલ રૂ.૧૬૨૫ અટલે કે ૨૦ કિલોનાં રૂ.૩૨૫નાં ભાવથી  ખરીદી કરશે, પરિણામે ખેડૂતોએ ભાવથી નીચે વેચાણ કરવુ જ નહીં. આગામી દિવસોમાં ખાનાર વર્ગની ઘરાકી શરૂ થશે એટલે ઘઉંનાં ભાવમાં હજી પણ વધારો થશે. સારી ક્વોલિટીનાં ઘઉંનાં ભાવ ઊંચા રહેવાની પૂરી સંભાવનાં છે. નબળા ઘઉં કાઢી નાખવા હિતાવહ છે.

21 January 2015

Old Garlic stock 5 to 6 lakh bag in All over india

દેશમાં જૂના લસણનો ૫થી ૬ લાખ ગુણીનાં સ્ટોકનો અંદાજ ઃ ભાવ હજુ ઊંચકાશે
-મધ્યપ્રદેશમાં ૧૦થી ૧૫ ફેબ્રુઆરી બાદ આવકોમાં વધારો થવાનો મોટા ભાગનાં ટ્રેડરોનો અંદાજ
લસણ બજારમાં તેજીનો દોર યથાવત છે. દેશમાં જૂના લસણનો ઓછો સ્ટોક અને ખાસ કરીને સારી ક્વોલિટીનાં લસણની અત્યારે તંગી જોવા મળી હોવાથી ભાવ છેલ્લા દશેક દિવસમાં મણે રૃા.૪૦૦ વધીને રૃા.૧૪૦૦ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે. દેશભરનાં ટ્રેડરોનો અત્યારે એક જ સૂર છે કે બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે. તેજી માટે ટ્રેડરો કહે છે કે કિલોએ રૃા.૫થી લઈને રૃા.૨૦ સુધીની તેજી જોવા મળી શકે છે. એ પ્રમાણે સૌરાષ્ટ્રનાં લસણનાં ભાવ ૨૦ કિલોનાં રૃા.૧૬૦૦થી લઈને રૃા.૧૮૦૦ની સપાટીએ પહોંચે તેવી ધારણાં છે.
બેંગ્લોરનાં ગુજરાતની લસણનાં વેપારી ગુલાબભાઈ કરમીયાએ જણાવ્યું હતું કે લસણમાં જૂનો સ્ટોક ઓછો છે અને નવો પાક પણ ઘણો ઓછો હોવાથી બજારમાં તેજી જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં હાલ લસણનો ૫થી ૬ લાખ ગુણીનો સ્ટોક હોવાનો અંદાજ છે. ગુજરાતમાં ૧.૫૦થી ૨ લાખ ગુણી અને મધ્યપ્રદેશમાં ૧.૫૦ લાખ ગુણીનાં સ્ટોકનો અંદાજ છે.
નવા પાક વિશે ગુલાબભાઈએ કહ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષે ૭૦ ટકા પાક ઓછો છે. મધ્યપ્રદેશમાં ૧૦ ટકા ઓછું ઉત્પાદન થશે, રાજસ્થાનમાં ૧૦થી ૧૫ ટકા પાક ઓછો છે અને ઉત્તર પ્રદેશમાં ઉતપાદન ૫૦ ટકા ઓછું થાય તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં હાલ નવા લસણની થોડી થોડી આવકો થાય છે, પરંતુ ૧૫ ફેબ્રુઆરી બાદ જ નવા લસણની આવકોમાં વધારો થાય તેવી ધારણાં છે. હાલ બાંગ્લાદેશની નિકાસ માંગ પણ સારી છે, જેને કારણે સરેરાશ બજારો વધી રહ્યાં છે. સારી ક્વોલિટીનાં લસણમાં વર્તમાન ભાવથી હજુ કિલોએ રૃા.૨૦નો વધારો થાય તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશનાં મંદસૌરનાં એક વેપારીએ જણાવ્યું હતું કે એમ.પી.માં હાલ રોજની એકાદ હજાર ગુણીની આવકો થાય છે, પરંતુ ફેબ્રુઆરીનાં પહેલા સપ્તાહથી આવકો વધીને દૈનિક ચારથી પાંચ હજાર ગુણીની શરૃ થશે. અને ૧૦ ફેબ્રુઆરી બાદ આવકોમાં વધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બાંગ્લાદેશની નિકાસ માંગ ચાલુ રહે તો લસણમાં હજુ કિલોએ રૃા.૫થી ૧૦નો વધારો થાય તેવી શક્યતા દેખાય રહી છે.
એમ.પી.નાં જાવરાનાં વેપારી મહાવીરભાઈએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં અત્યારે દલોદામાં જ નવા લસણની વધારે આવક થાય છે, એ સિવાય ખાસ કોઈ આવકો નથી. ફેબ્રુઆરીનાં પહેલા અઠવાડિયા બાદ નવા લસણની આવકો વધે તેવી ધારણાં છે. જૂનો સ્ટોક ઓછો હોવાથી બજારો વધી રહી છે. લસણમાં હજુ પણ કિલોએ રૃા.૫થી ૧૦નો વધારો થાય તેવી ધારણાં છે.
સૌરાષ્ટ્રનાં લસણનાં એક વેપારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં લસણમાં આવકો ઓછી થઈ ગઈ છે. ઊંચા ભાવને કારણે ખેડૂતોની વેચવાલી અત્યારે ઘટી ગઈ છે અને ખેડૂતોને પણ હવે એવી ધારણાં છેકે ભાવમાં હજુ પણ વધારો થશે. લસણમાં અગાઉનાં વર્ષો જેવી તેજી થવાની ધારણાં આ વર્ષે નથી. લસણમાં વર્તમાન ભાવથી હજુ સુધારો જોવા મળશે, પરંતુ આગળ  ઉપર મધ્યપ્રદેશની નવી આવકોની ક્વોલિટી કેવી નીકળે છે  તેનાં ઉપર બજારનો મોટો ટ્રેન્ડ રહેલો છે. બાંગ્લાદેશની પણ નિકાસ માંગ કેવી નીકળે તેનાં ઉપર પણ બજારનો આધાર છે. જો બાંગ્લાદેશની નિકાસ માંગ જળવાઈ રહેશે તો બજારમાં પોઝિટિવ માહોલ ટકી રહે તેવી પૂરી શક્યતા દેખાય રહી છે.
(Date 20 Jan.2015)

Cardamom price Down: 12 auctions every week from 17 Jan.2015:

એલચીનાં સપ્તાહમાં ૧૨ ઓક્શન શરૃ કરાતાં વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ
-વધુ ઓક્શનને પગલે એલચીનાં ભાવમાં થોડા સમય માટે ઘટાડાની ધારણાં
એલચીની તેજીને હવે ટૂંકાગાળા માટે બ્રેક લાગે તેવી સંભાવનાં છે. સ્પાઈસીસ બોર્ડે દેશમાં એલચીનો પૂરવઠો વધે એ માટે  સપ્તાહમાં ૧૨ ઓક્શન શરૃ કરવા માટે આદેશ આપ્યો છે. દક્ષિણ ભારતમાં પોંગલની રજાઓને કારણે તાજેતરમાં આવકોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થતા ભાવ ઊંચકાયાં હોવાથી સ્પાઈસીસ બોર્ડે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે આજે વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ લાગી હતી.
સ્પાઈસીસ બોર્ડે જણાવ્યું હતું કે એલચીની સોમવારથી શનિવાર દરમિયાન કુલ ૧૨ ઓક્શનનો આદેશ કર્યો છે અને રવિવારે કોઈ પણ ઓક્શન ન કરવાની પણ જાહેરાત કરી છે. આમ દૈનિક બે ઓક્શન ઉત્પાદક મથકોએ થશે, જેમાં છ ઓક્શન કેરળનાં ઉડ્ડુકી અને પુટડી જિલ્લામાં અને બાકીનાં છ ઓક્શન તમિલનાડુનાં બોડિનાયાકુન્નુરમાં થશે.
એલચીનાં ઓક્શન વધવાને કારણે એમસીએક્સ ખાતે એલચી વાયદામાં પણ ભાવ તુટ્યાં હતાં. ફેબ્રુઆરી વાયદો મંગળવારે રૃા.૪૩ ઘટીને રૃા.૧૦૩૧ની સપાટી પર બંધ રહ્યો હતો. ફેબુઆરી ઉપરાંત માર્ચ વાયદામાં પણ ચાર ટકાની મંદીની સર્કિટ લાગી હતી.
એલચીમાં હાજર બજારમાં પણ આવકો ઓછી અને નિકાસ માંગને કારણે ભાવ વધીને સરેરાશ રૃા.૧૧૦૦-૧૨૦૦ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં હતાં. ટ્રેડરો કહે છેકે સ્પાઈસીસ બોર્ડનાં આ પગલા બાદ આવકો વધશે અને ભાવમાં પણ ટૂંકાગાળા માટે ઘટાડો જોવા મળે તેવી સંભાવનાં છે. એલચીમાં અત્યારે ચોથા તબક્કાની કાપણી ચાલી રહી છે, પરિણામે આગામી દિવસોમાં આવકો ઘટે તેવી સંભાવનાં છે, જેને કારણે લાંબાગાળાનો ટ્રેન્ડ તેજી તરફી છે.

દેશમાં ગત સપ્તાહે કુલ ૨૪૦ ટન એલચીની આવકો થઈ હતી, જે અગાઉનાં સપ્તાહે ૬૦૪ ટનની થઈ હતી. દેશમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૧૧,૬૧૨ ટનની આવક થઈ છે, જે ગત વર્ષે ૧૨,૫૬૩ ટનની થઈ હતી. મથકોએ ૮ એમએમ બોલ્ડ વેરાયટીમાં ઉપરમાં રૃા.૧૨૦૦ સુધીનાં ભાવ પણ ઓક્શનમાં ગત  સોમવારે ક્વોટ થયાં હતાં.
(Date 20 Jan.2015)

Maize-Corn price may be strong till march.15

મકાઈનાં ભાવમાં માર્ચ મહિના સુધી ભાવ ઊંચા રહેવાની ધારણાં

-દેશમાં સારી ક્વોલિટીની મકાઈની અછતથી મજબૂતાઈ
મકાઈ બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન ગ્રેઈન કાઉન્સિલનાં મતે ભારતીય બજારમાં મકાઈનાં ભાવ માર્ચ મહિના સુધી ઊંચા રહે તેવી ધારણાં છે. પોલ્ટ્રી અને સ્ટાર્ચ સેકટરની અત્યારે સારી માંગ હોવાથી સરેરાશ મકાઈ બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે.
મકાઈનાં હાજર બજારમાં ઉત્પાદક મથકોએ સારી ક્વોલિટીમાં રૃા.૧૪૮૦થી રૃા.૧૫૦૦ સુધીનાં ભાવ ક્વોટ થઈ રહ્યાં છે. અમેરિકન ગ્રેઈન કાઉન્સિલનાં ભારતીય પ્રતિનિધિ અમિત સચદેવે જણાવ્યું હતું કે ઉત્પાદક રાજ્યોમાં સારી ક્વોલિટીની મકાઈની અછત છે, જેને કારણે ભાવ ઊંચકાયા છે. વિશ્વ બજારમાં અત્યારે અમેરિકન મકાઈ સસ્તી હોવાથી ભારતીય મકાઈની નિકાસ માંગ મર્યાદીત જ છે. પાડોશી દેશોમાં થોડા વેપારો થઈ રહ્યાં છે. સ્થાનિક બજારમાં નવી મકાઈની આવકો માર્ચ મહિનાથી શરૃ થશે અને એપ્રિલમાં તેમાં વધારો થાય તેવી ધારણાં છે, પરિણામે ત્યાં સુધી મકાઈમાં મજબૂતાઈ જોવા મળશે.
રાજસ્થાન લાઈનમાંથી મકાઈનાં હરિયાણા અને પંજાબ લાઈનમાં રૃા.૧૪૯૦ સુધીનાં વેપારો થઈ રહ્યાં છે. પોલ્ટ્રી સેકટરની સારી માંગથી બજારો ભાગી રહી છે.
નિઝામાબાદનાં મકાઈનાં ટ્રેડર પી.સી.ગુપ્તાએ જણાવ્યું હતું કે આંધ્રમાં મકાઈનાં ભાવ રૃા.૧૨૫૦ છે, પરંતુ વેપારીઓ પાસે સ્ટોક મર્યાદીત માત્રામાં છે, જેને કારણે વેચવાલી ઓછી છે. પરિણામે આગળ ઉપર ભાવ ઊંચકાય તેવી ધારણા છે. ગુજરાતમાં સ્ટાર્ચ મિલોની ખરીદી સરેરાશ રૃા.૧૩૫૦થી રૃા.૧૩૮૫ની વચ્ચે અથડાય રહ્યાં છે.

દેશમાં ચાલુ વર્ષે મકાઈનું વાવેતર પણ ઓછું થયું છે. અત્યાર સુધીનાં આંકડાઓ પ્રમાણે રવિ સિઝનમાં મકાઈનું ૧૩.૬૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૧૪.૧૨ લાખ હેકટરમાં થયું હતું. બિહારમાં ૩.૯૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગતવર્ષે ૪.૨૫ લાખ હેકટરમાં થયું છે.
(Date 20 Jan.2015)

Gujarat Ravi Sowing 19 Jan.2015

ગુજરાતમાં લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું ઃ જુવારમાં ૩૫ ટકાનો ઘટાડો

ગુજરાતમાં કુલ રવિ વાવેતર ગત વર્ષની તુલનાએ ૨૧ ટકા ઘટ્યું
ગુજરાતમાં મોટા ભાગનાં રવિ પાકોનું વાવેતર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. છૂટક છૂટક વિસ્તારમાં હજુ ઘઉંનું કે મકાઈનું વાવેતર થઈ રહ્યું છે. અત્યાર સુધીનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં લસણનું વાવેતર ૮૧ ટકા ઘટ્યું છે, જ્યારે જુવારનાં વાવેતરમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત કૃષિ ખાતાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૧૯મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં કુલ ૩૦.૪૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૮.૪૨ લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ ગત વર્ષની કુલ વાવેતર વિસ્તાર ૨૧ ટકા ઘટ્યો છે.

રાજ્યમાં ચાલુ વર્ષે સૌથી વધુ ઘટાડો લસણનાં વાવેતરમાં થયો છે. લસણનું વાવેતર ચાલુ વર્ષે માત્ર ૭૬૦૦ હેકટરમાં જ થયું છે, જે ગત વર્ષે ૪૦,૬૦૦ હેકટરમાં થયું હતું. ઓછા વાવેતરને કારણે ભાવમાં તેજી જોવા મળી રહી છે. જુવારમાં પણ પાણીનાં અભાવે ખેડૂતોએ ૩૫ ટકા ઓછું વાવેતર કર્યું છે.
(Date 20 Jan.2015)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...