દેશમાં
ડુંગળીનાં ભાવમાં ડિસેમ્બરમાં ૩૩ ટકાનો વધારો
-કમોસમી વરસાદથી પાકને અસર થતા સારી
ક્વોલિટીમાં ભાવ ઊંચકાયાં
બટાટાનાં ભાવ ઘટી રહ્યાં છે, પરંતુ ડુંગળીનાં ભાવમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં
ડુંગળી ઉત્પાદક વિસ્તારમાં કમોસમી વરસાદ અને શિયાળુ વાવેતર ઓછા થવાને પગલે ડુંગળીનાં
ભાવ ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩૩ ટકા અને મહારાષ્ટ્રમાં ૨૭ ટકાનો
ઉછાળો આવ્યો છે.
ગુજરાતમાં ડુંગળીનાં ઘર ગણાતા મહુવામાં પહેલી ડિસેમ્બરે
ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૃા.૧૨૦-૩૦૦નાં હતા, જે આજે (૧૮ ડિસે.) વધીને રૃા.૨૫૧-૩૭૮ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે.
મહારાષ્ટ્રમાં પણ એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ આજ સમયગાળામાં
પ્રતિ ક્વિન્ટલ રૃા.૧૩૭૫થી વધીને રૃા.૧૭૫૦ની ઊંચાઈએ પહોંચ્યાં છે. નવી દિલ્હીમાં
પણ ૨૫ ટકાનો વધારો થયો છે.
નેશનલ હોર્ટીકલ્ચરલ રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનાં ડિરેકટર
આર.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટૂંકાગાળાનો વધારો છે. કમોસમી વરસાદને કારણે
કાપણીમાં અસર પહોંચી હોવાથી ભાવ વધ્યાં છે. ખેતરમાં ભેજનું પ્રમાણ ઘટતા અને આવકો
વધતા એકાદ સપ્તાહમાં ભાવ ફરી ઘટે તેવી ધારણાં છે.
મહુવાનાં ડુંગળીનાં અગ્રણી ટ્રેડર સંજયભાઈ દોશીએ જણાવ્યું
હતું કે મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં તાજેતરમાં પડેલા વરસાદથી ગુજરાતની માંગ નીકળી છે.
પરિણામે ભાવ ઊંચકાયા છે. વર્તમાન સ્થિતિ જોતા હવે મણદીઠ રૃા.૩૦૦ની નીચે બજાર જાય
તેવું લાગતું નથી. વળી હાલની ડુંગળીનું આયુષ્ય ૧૫થી ૨૦ દિવસનું જ હોય છે, ત્યાર બાદ તે ઊગી જાય છે.
તેમણે ગુજરાતનાં
પાકની સ્થિતિ વિશે કહ્યું કે હાલ થોડો નબળો માલ આવી રહ્યો છે, ખેડૂતો પાક તૈયાર થાય તે પહેલા જ વેચાણ કરે
છે, પરંતુ તાજેતરમાં પડેલી ઠંડીને કારણે આગામી દિવસોમાં આવકો
થશે તે સારી ક્વોલિટીનો રહેશે. ચાલુ વર્ષે ઉતારા પણ ઓછા છે, પરિણામે
ભાવ ઘટે તેવું લાગતું નથી.