02 January 2015

Gujarat Ravi Sowing 29 December

ગુજરાતમાં રવિ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો ઃ જીરૃનું ૪૨ ટકા ઘટ્યું 

-સૌરાષ્ટ્રમાં રવિ વાવેતરમાં ૪૦ ટકાનો ઘટાડો, ઘઉંનાં વાવેતરમાં મોટો ફટકો
ગુજરાતમાં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી સરેરાશ છેલ્લા દશેક દિવસથી વાવેતર વિસ્તાર વધ્યો છે, તેમ છત્તા ગત વર્ષની તુલનાએ કુલ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં રવિ વાવેતર વિસ્તારમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૯મી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૨૮.૯૧ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૬.૬૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં ઘઉંનાં વાવેતરનાં ૨૩.૭૪ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ઘઉંનાં વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીનાં વાવેતરનાં આંકડાઓ પ્રમાણે જીરૃનાં વાવેતરમાં ૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાયડાનાં વાવેતરમાં ૩૪ ટકાનો ઘટાડો થયો છે.
સૌરાષ્ટ્રમાં કુલ રવિ વાવેતર વિસ્તાર ૭૧૭૬૦૦ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૨૧૪૯૦૦ હેકટરમાં થયું હતું. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે પાણીની મોટી તંગી હોવાથી વાવેતરમાં મોટો કાપ આવ્યો છે.  સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે એક માત્ર ધાણાનું જ વાવેતર વધ્યું છે, એ સિવાયની તમામ પાકોનાં વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે.

31 December 2014

Coriander Give's Highest Returns in 2014 and crude give lowest Return

કોમોડિટીમાં ૨૦૧૪માં રિટર્ન આપવામાં ધાણા ટોચ પર, ક્રૂડ તળિયે

-ધાણામાં રેકર્ડબ્રેક ૫૬ ટકા, એલચી ૪૪ ટકા વધી, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો કડાકો
Top-5 Commodity in 2014
૨૦૧૪નાં વર્ષનો આજે અંતિમ દિવસ છે. ભારતીય કોમોડિટી વાયદા બજારમાં ૨૦૧૪નાં વર્ષમાં રોકાણકારોને ધાણાએ માલામાલ કરીદીધા છે, પરંતુ ક્રૂડતેલે ધોય નાખ્યાં છે.ધાણામાં વર્ષ દરમિયાન ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
એગ્રી વાયદામાં પણ સૌથી વધુ નેગેટિવ રિટર્ન કપાસ-રૃ વાયદાએ આપ્યું છે. રૃનાં ભાવ વર્ષ દરમિયાન ૨૦ ટકા તુટી ગયાં છે. સોના-ચાંદીનાં ભાવમાં વર્ષ દરમિયાન ઘરઆંગણે અનુક્રમે ૫.૬૭ ટકા અને ૧૭.૧૫ ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં સોનાનાં ભાવ વર્ષ દરમિયાન ૧.૪૦ ટકા ઘટ્યાં છે, જ્યારે ચાંદીમાં ૧૯.૦૮ ટકાનો ઘટાડો થયો છે.
એનાલિસ્ટોનું કહેવું છેકે ૨૦૧૫માં એગ્રી કોમોડિટીમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી શકે છે. ધાણાએ છેલ્લા બે વર્ષ પોઝિટીવ વળતર આપ્યું છે. ધાણામાં ૨૦૧૩માં ૪૬ ટકા અને ૨૦૧૪માં ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, પરંતુ ૨૦૧૫માં ૫૦ ટકાનો ઘટાડો બતાવે તેવી પૂરી સંભાવનાં છે. ધાણા બે વર્ષમાં રૃા.૫૦૦૦થી વધીને રૃા.૧૨,૦૦૦ થયા છે, પરંતુ ૨૦૧૫માં તે રૃા.૬૦૦૦ કે તેનાંથી પણ નીચે જઈ શકે છે. સોના-ચાંદીમાં હજુ પણ સરેરાશ મામૂલી રિટર્ન કે નેગેટિવ વળતરની સંભાવનાં છે.
(Date 30 Dec.2014)

Brent crude price at lowest level in 5½ years

ક્રૂડમાં વર્ષાંતે મંદી , ભાવ સાડા પાંચ વર્ષનાં તળિયે 
-બ્રેન્ટ ક્રૂડતેલ વાયદો ઘટીને ૫૬ ડોલરની નજીકઅમેરિકામાં ક્રૂડનો સ્ટોક ત્રણ દાયકાની ટોચે પહોંચતા મંદી વકરી
ક્રૂડતેલમાં વર્ષાંતે મંદી વધુ વકરી છે. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ત્રણ દાયકાની ટોચે પહોંચવાની ધારણાએ વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવ ઘટીને સાડા પાંચ વર્ષનાં તળિયે પહોંચી ગયાં છે.  વળી ક્રૂડતેલમાં ચાલુ વર્ષે ૪૬ ટકાનાં ઘટાડા સાથે વર્ષ ૨૦૦૮ બાદનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો પણ જોવા મળ્યો છે.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ગત સપ્તાહે ૩૮૭૨ લાખ બેરલનો રહ્યો હોવાનો અંદાજ છે, જે વર્ષ ૧૯૮૨ બાદનો સૌથી વધુ છે. સત્તાવાર સરકારી આંકડાઓ બુધવારે જાહેર થશે. અમેરિકામાં ઉત્પાદન વધવાની સાથે વિશ્વમાં હાલ દૈનિક ૨૦ લાખ બેરલ સરપ્લસ સ્ટોક રહે છે, જેને કારણે મંદી વધુ વકરે તેવી પણ સંભાવનાં રહેલી છે.
અમેરિકામાં સ્ટોક વધવાનાં સમાચાર પાછળ નાયમેક્સ વાયદો આજે ઘટીને ૫૨.૭૦ ડોલરની સપાટી પર પહોંચ્યો હતો, જે મે ૨૦૦૯ બાદની સૌથી નીચી સપાટી છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલ ૫૬.૭૪ ડોલરની સપાટી પર છે. નાયમેક્સ સામે પ્રીમિયમ ૪ ડોલર ચાલી રહ્યું છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ ફરી ઘટી શકે
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવમાં ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં પણ નવા વર્ષે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડાની જાહેરાત થાય તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણ ઉપરની એક્સાઈઝ ડ્યૂટી જો વધારવામાં નહીં આવે તો પહેલી જાન્યુઆરીથી ભાવ ઘટે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. દેશની ક્રૂડતેલની આયાતનાં બાસ્કેટ ભાવ ૨૯મી ડિસેમ્બરે ૫૬.૨૬ ડોલર પહોંચ્યાં છે, જે ૧૧મી ડિસેમ્બરે પૂરા થતા પખવાડિયામાં ૬૭.૨૪ ડોલર હતાં. આમ ભારતનાં આયાત ભાવ ૧૧ ડોલર ઘટ્યાં હોવાથી પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ ઘટે તેવી સંભાવનાં છે.
(Date 30 Dec.2014)

World Rubber price Rise, Price Rise 22% in last 3 month

વૈશ્વિક રબ્બરમાં તેજીનો તબક્કો શરૃ ઃ ભાવ ત્રણ માસમાં ૨૨ ટકા વધ્યાં
-મલેશિયા અને  થાઈલેન્ડમાં પૂરને કારણે રબ્બરનાં પૂરવઠામાં વિક્ષેપ પડતા ટોક્યો વાયદો ચાર ટકા ઊંચકાયો
વૈશ્વિક રબ્બર બજારમાં તેજીનો તબક્કો હવે શરૃ થઈ ગયો છે. મલેશિયા અને થાઈલેન્ડમાં છેલ્લા બે સપ્તાહથી પડી રહેલા વરસાદ અને દાયકાનાં સૌથી ખરાબ પૂરને કારણે ટોક્યો રબ્બર વાયદો આજે ચાર ટકા ઊંચકાયો હતો. આ સાથે વિશ્વ બજાર માટે બેન્ચમાર્ક એવા ટોક્યો વાયદામાં ભાવ  ઓક્ટોબરમાં પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યાં હતાં, ત્યાંથી ૨૨ ટકાનો ઉછાળો આવ્યો છે.
ટોક્યો કોમોડિટી એક્સચેન્જ ખાતે રબ્બર વાયદો ૩.૯ ટકા વધીને ૨૧૩.૩ યેન પ્રતિ કિલો (૧૭૭૩ ડોલર પ્રત ટિન) પહોંચ્યો હતો. જે પણ ૩ જુલાઈ બાદની સૌથી ઊંચી સપાટી હતી. ટોક્યો વાયદો ગત બીજી ઓક્ટોબરનાં રોજ ૧૭૫.૪ યેન હતો.
વિશ્વમાં થાઈલેન્ડ રબ્બરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને મલેશિયા -ઈન્ડોનેશિયા પણ રબ્બરની થોડી નિકાસ રહી રહ્યું છે. બંને દેશોમાં પૂરની સ્થિતિને કારણે નિકાસકારો શિપમેન્ટ માટે નવો સમયગાળો માંગી રહ્યાં છે. રબ્બર એસોસિયેશન ઓફ ઈન્ડોનેશિયાએનાં ડિરેકટર રુસદમે જણાવ્યું હતું કે નિકાસકારો હવે બાયરો સાથે નિકાસ માટે નવો સમય માંગી રહ્યાં છે. વર્તમાન પૂરની સ્થિતિ જોતા રબ્બરનું ઉત્પાદન ૩૦ ટકા ઘટે તેવી ધારણાં છે. 
ઈન્ટરનેશનલ રબ્બર કોન્સોર્ટીયમનું કહેવું  છેકે થાઈલેન્ડ અને મલેશિયામાંથી આશરે એક લાખ ટન રબ્બરનાં સોદા એક મહિના માટે ડિલે થાય તેવું લાગી રહ્યું છે. રબ્બર વાયદો ડિસેમ્બર ક્વાર્ટરમાં ૧૬ ટકા વધ્યો છે, જે ૨૦૧૩ બાદનો સૌથી પહેલો સુધારો છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયાએ આગામી વર્ષે નિકાસ ઘટાડવાનું પણ નક્કી કર્યું છે.
(Date 30 Dec.2014)

FCI Wheat Tender open 1 Jan. in Gujarat

ગુજરાતમાં એફસીઆઈનું ઘઉંનું ૧ લાખ ટનનું ટેન્ડર પહેલી જાન્યુઆરીએ ખુલશે
-ગુજરાતમાં સતત ૨૦ ટેન્ડર નિષ્ફળ ગયા બાદ ૨૧માં ટેન્ડરમાં ૮ હજાર ટન ઘઉંનું વેચાણ થયું

ઘઉંની ખુલ્લા બજારમાં અછતથી ભાવ ઊંચકાતા હવે સરકારી માલોની માંગ વધે તેવી સંભાવનાં છે. ગુજરાતમાં સરકારી એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા એક લાખ ટન ઘઉંનું ઈ-ઓક્શન પહેલી જાન્યુઆરી થઈ રહ્યું છે, જેમાં મોટો જથ્થો વેચાણ થાય તેવી સંભાવનાં છે.
એફસીઆઈ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ઓપન માર્કેટ સેલ સ્કીમ જાહેર કરવામાં આવી હતી અને દર સપ્તાહે ઈ-ઓક્શન થતું હતું. ગુજરાતમાં સતત ૨૦ સપ્તાહ સુધી એક પણ બીડ ન આવ્યાં બાદ ગત સપ્તાહે યોજાયેલા ૨૧માં ઓક્શનમાં કુલ ૮ હજાર ટન ઘઉંનું વેચાણ થયું હતું.
ગુજરાત એફસીઆઈનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે યોજાયેલા ટેન્ડરમાં ૯ હજાર ટનની બીડ આવી હતી, જેમાંથી ૮ હજાર ટનની મંજૂરી આપી છે. જેમાં સરેરાશ રૃા.૧૬૫૧થી ૧૬૯૧નાં ભાવ ભરાયાં હતાં. હવે પહેલી જાન્યુઆરીનાં દિવસે એક લાખ ટનનું ટેન્ડર છે, જેમાં ૯૬ હજાર ટન વર્ષ ૨૦૧૩-૧૪ની સિઝનનાં અને ૪ હજાર ટન વર્ષ ૨૦૧૪-૧૫ની સિઝનનાં ઘઉં છે. 
એફસીઆઈ દ્વારા રાજ્યમાં કુલ ૧૪ સેન્ટરો માટે અલગ-અલગ જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યમાં ઘઉંનાં બેઝ ભાવ જૂના ઘઉં માટે રૃા.૧૬૫૧થી ૧૭૧૦ છે જ્યારે નવા ઘઉંમાં રૃા.૭૦નું પ્રીમિયમ વસૂલવામાં આવે છે.
(Date 30 Dec.2014)

Call Auction may be start in Agri future market

એગ્રી વાયદામાં પણ સેટલમેન્ટ ભાવ માટે કોલ ઓક્શન આવશે

-એફએમસીએ સૂચનો માટે ડ્રાફ્ટ જાહેર કર્યો


એગ્રી કોમોડિટી વાયદામાં એક્સપાયરી બાદ ફાઈનલ સેટલમેન્ટ પ્રાઈસ માટે ફોરવર્ડ માર્કેટ કમિશન કોલ ઓક્શન શરૃ કરવાનું આયોજન ઘડી  રહી છે. એફએમસીએ આ અંગેનું ડિટેલ ડ્રાફ્ટ જાહેર કર્યો છે અને લોકો પાસેથી ૧૫મી જાન્યુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યાં છે.
એગ્રી કોમોડિટી વાયદામાં હાલનાં સમયમાં સેટલમેન્ટ પ્રાઈઝ સ્પોટ બજારમાંથી લઈને પુલિંગ આધારે નક્કી કરવામાં આવે છે, પરંતુ ઘણી વાર તેમાં પારદર્શકતા અંગે ફરિયાદો આવે છે. સેટલમેન્ટ પ્રાઈઝમાં વધુ પારદર્શકતા આવે તે માટે  બજાર બંધ થવા સમયે ૨૦ મિનીટનું કોલ ઓક્શન શરૃ કરવામાં આવશે તેમ એફએમસીએ જણાવ્યું હતું.
કોલ ઓક્શન ૪.૪૦થી ૫ વાગ્યા દરમિયાન કરવામાં આવશે, જેમાં ૧૫ મિનીટ  ઓર્ડર એન્ટ્રી, મોડિફીકેશને અને કેન્સલનો સમય અને પાંચ મિનીટ મેચિંગ અને કર્ન્ફમેશનનો રહેશે. આ સિસ્ટમમાં છેલ્લા ત્રણ કોલ ઓક્શનનાં એવરેજ ભાવને સેટલમેન્ટ ભાવ તરીકે નક્કી કરવામાં આવી  શકે છે. ઓક્શનમાં પણ વાયદાની જેમ જ પ્રાઈસ બેન્ડ લાગુ પડશે અને એક્સચેન્જ દ્વારા ફરજિયાત ડિલીવરીનાં દિવસો દરમિયાન કે અન્ય નક્કી  કરેલા દિવસો દરમિયાન ઓક્શન શરૃ કરવામાં આવી શકે છે.
એફએમસીએ એવું જણાવ્યું છેકે કોલ ઓક્શન દરમિયાન બંને તરફીનાં ભાવ મેચ થાય તે જ ભાવ વેલિડ ગણાશે. એક્સચેન્જોએ પણ માર્ચ ૨૦૧૫ પછીનાં વાયદામાં કોલ ઓક્શન લાગુ કરી શકાય તે પ્રકારની સિસ્ટમ બનાવવા પણ સૂચના આપી છે. એફએમસીનાં ડ્રાફ્ટ ઉપર લોકો-સંસ્થાઓનાં જરૃરી સૂચનો આવ્યાં બાદ આખરી ગાઈડલાઈન્સ જાહેર કરશે.

ઉલ્લેખનીય છેકે તાજેતરમાં ધાણામાં સ્પોટ અને વાયદાનાં ભાવ અંગે મોટી ફરિયાદો એક્સચેન્જ સામે થઈ હતી. વળી એગ્રી વાયદામાં સેટલમેન્ટ પ્રાઈસ અને હાજર ભાવમાં પણ ઘણી વાર મોટો ફેરફાર હોવાની ફરિયાદો ઉઠી છે, જેને ધ્યાનમાં રાખીને એફએમસી પણ શેરબજારની જેમ કોલ-ઓક્શન શરૃ કરવા જઈ રહ્યું છે.
(Date 29 Dec.2014)

Jeera price rise 3rd and rise Rs.1700 in last 3 day's

જીરૂમાં તેજીની સર્કિટની હેટ્રીક , વાયદો ત્રણ દિવસમાં રૃા.૧૭૦૦ ઊંચકાયો
જીરૃ ફેબ્રુઆરી વાયદામાં ઊભા ઓળિયા પખવાડિયામાં ચાર ગણા વધ્યાં

જીરૃમાં વન-વે તેજી દોડી રહી છે. દેશમાં જીરૃનો પાક ઓછો અને નિકાસ વધવાની એક ચોટેલી કેસેટ પાછળ તેજીવાળા રોજ સર્કિટો લગાવી રહ્યાં છે. જાન્યુઆરી વાયદામાં ચાર ટકાની તેજીની સર્કિટની હેટ્રીક થઈ ગઈ છે અને ત્રણ સેસનમાં વાયદામાં રૃા.૧૭૦૦ની નોન-સ્ટોપ તેજી આવી છે. જીરૃનાં જાન્યુઆરી સિવાયનાં તમામ વાયદામાં પણ ચાર ટકાની સર્કિટ લાગી હતી.
જીરૃ વાયદો ત્રણ સેશન પહેલા રૃા.૧૩૯૮૦ની સપાટી પર બધ રહ્યો હતો, જે આજે સર્કિટ લાગતા રૃા.૬૦૦ વધીને રૃા.૧૫૬૮૦ની સપાટી પર બંધ રહ્યો હતો. ફેબ્રુઆરી વાયદો રૃા.૬૧૦ વધીને રૃા.૧૫૯૪૦ બંધ રહ્યો હતો. કુંવરજી કોમોડિટીનાં સિનીયર રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારનું કહેવું છે કે ભાવ વધીને રૃા.૧૭૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. રોકાણકારોએ રૃા.૧૪૭૦૦નો સ્ટોપલોસ રાખીને ઘટાડે ખરીદી કરવાનો વ્યૂહ અપનાવવો.

જીરૃમાં તેજીની સાથે ઊભાઓળિયા પણ વધી રહ્યાં છે. ટ્રેડરો જાન્યુઆરીમાંથી પોઝિશન ફેબ્રુઆરીમાં રોલઓવર પણ મોટા પાયે કરી રહ્યાં છે. જાન્યુઆરી વાયદામાં ૧૨ ડિસે. ૮૮૬૬ ટનનાં ઊભા ઓળિયા હતા, જે આજે ઘટીને ૬૫૦૦ થયાં છે. પરંતુ ફેબ્રુઆરી વાયદામાં ૧૨ ડિસેમ્બરે બે હજાર ટનનાં ઓળિયા હતા, જે આજે વધીને ૮ હજાર ટનની ઉપર પહોંચી ગયાં છે. ફેબ્રુઆરી કે માર્ચ વાયદામાં ભાવ વધીને રૃા.૨૦,૦૦૦ની સપાટીએ પણ પહોંચે તેવી ચર્ચા અત્યારે બજારમાં સેવાય રહી છે.
(Date 29 dec.2014)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...