કોમોડિટી
વાયદાનાં બ્રોકરને પણ આજથી મની લોન્ડરિંગનો કાયદો લાગુ પડશે
-બ્રોકર્સ દ્વારા નિયમનું પાલન ન કરવા બદલે
દૈનિક રૃા.૨૦૦નો દંડ અને ટર્મિનલ પણ બંધ થઈ શકે
દેશમાં મની લોન્ડિરિંગ એક્ટનો આજથી કોમોડિટી વાયદા બજારમાં
કામ કરતા બ્રોકર્સને પણ લાગુ પડી જશે. એફએમસીએ અગાઉ ત્રણ વાર તેની મુદત લંબાવી પણ
હતી, પરંતુ આખરી મુદત ૩૧મી ડિસેમ્બરે પૂરી થઈ રહી
છે. પરિણામે પહેલી જાન્યુઆરીથી જરૃરી નોંધણી ન કરાવનાર બ્રોકર્સનું ટર્મિનલ બંધ પણ
થઈ શકે છે.
કોમોડિટી એક્સચેન્જોએ આજે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મની
લોન્ડરિંગ એક્ટનાં નિયમ મુજબ બ્રોકરોને ફિનનેટ ગેટવેમાં રજિસ્ટ્રેશન કરવાની સૌ
પ્રથમ મુદત ૭ એપ્રિલ, ૨૦૧૪ હતી, ત્યાર બાદ
તેને વધારીને ૧૫મી મે અને ૨૬મી સપ્ટેમ્બર અને છેલ્લી મુદત ૩૧મી ડિસેમ્બર સુધી
વધારી આપી હતી. પરંતુ હવે આગળ ઉપર મુદત વધારવામાં આવશે નહીં. પરિણામે ૩૧મી
ડિસેમ્બર સુધીમાં બ્રોકરોએ જરૃરી માહિતી સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જો બ્રોકરો દ્વારા આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવામાં નહીં
આવ્યું હોય તો તેને દૈનિક ધોરણે રૃા.૨૦૦નો દંડ લાગુ પડશે અને તેનું ટર્મિનલ
ડિએક્ટીવ મોડ કે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.
કોમોડિટી
બજારોમાં કાળા નાણાં આવતા અટકે એ હેતુંથી આ સિસ્ટમનો અમલ થઈ રહ્યો છે. વર્તમાન
સમયમાં બેન્કિંગ સહિતની તમામ નાણાકીય સેવા આપતી સંસ્થાઓ માટે મની લોન્ડિરિંગ
એક્ટનો અમલ કરી રહી છે. જેમાં હવે કોમોડિટી વાયદાનાં બ્રોકરોનો પણ ઉમેરો થયો છે.
(Date 31 Dec.2014)