02 January 2015

Money Laundering Act in Commodity Future trade

કોમોડિટી વાયદાનાં બ્રોકરને પણ આજથી મની લોન્ડરિંગનો કાયદો લાગુ પડશે
-બ્રોકર્સ દ્વારા નિયમનું પાલન ન કરવા બદલે દૈનિક રૃા.૨૦૦નો દંડ અને ટર્મિનલ પણ બંધ થઈ શકે

દેશમાં મની લોન્ડિરિંગ એક્ટનો આજથી કોમોડિટી વાયદા બજારમાં કામ કરતા બ્રોકર્સને પણ લાગુ પડી જશે. એફએમસીએ અગાઉ ત્રણ વાર તેની મુદત લંબાવી પણ હતી, પરંતુ આખરી મુદત ૩૧મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. પરિણામે પહેલી જાન્યુઆરીથી જરૃરી નોંધણી ન કરાવનાર બ્રોકર્સનું ટર્મિનલ બંધ પણ થઈ  શકે છે.
કોમોડિટી એક્સચેન્જોએ આજે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક્ટનાં નિયમ મુજબ બ્રોકરોને ફિનનેટ ગેટવેમાં રજિસ્ટ્રેશન કરવાની સૌ પ્રથમ મુદત ૭ એપ્રિલ, ૨૦૧૪ હતી, ત્યાર બાદ તેને વધારીને ૧૫મી મે અને ૨૬મી સપ્ટેમ્બર અને છેલ્લી મુદત ૩૧મી ડિસેમ્બર સુધી વધારી આપી હતી. પરંતુ હવે આગળ ઉપર મુદત વધારવામાં આવશે નહીં. પરિણામે ૩૧મી ડિસેમ્બર સુધીમાં બ્રોકરોએ જરૃરી માહિતી સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જો બ્રોકરો દ્વારા આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવામાં નહીં આવ્યું હોય તો તેને દૈનિક ધોરણે રૃા.૨૦૦નો દંડ લાગુ પડશે અને તેનું ટર્મિનલ ડિએક્ટીવ મોડ કે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.

કોમોડિટી બજારોમાં કાળા નાણાં આવતા અટકે એ હેતુંથી આ સિસ્ટમનો અમલ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં બેન્કિંગ સહિતની તમામ નાણાકીય સેવા આપતી સંસ્થાઓ માટે મની લોન્ડિરિંગ એક્ટનો અમલ કરી રહી છે. જેમાં હવે કોમોડિટી વાયદાનાં બ્રોકરોનો પણ ઉમેરો થયો છે.
(Date 31 Dec.2014)

Tariff Value 1 Jan. to 15 Jan.2015

ચાંદીની ટેરિફ વેલ્યૂમાં ૪૨ ડોલરનો ઘટાડો ઃ ખાદ્યતેલની પણ ટેરિફ ઘટી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ચાર ડોલરનો ઘટાડો

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં વિતેલા પખવાડિયામાં ઘટાડો થવાને પગલે સરકારે તેની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો કર્યો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફીકેશન પ્રમાણે ચાંદીની ટેરિફ વેલ્યૂમાં પ્રતિ કિલોએ ૪૨ ડોલરનો ઘટાડો થયો છે. ચાંદીની ટેરિફ ૫૬૧ ડોલરથી ઘટીને ૫૧૯ ડોલર થઈ છે. જ્યારે સોનામાં ચાર ડોલર ઘટીને ૩૯૨ ડોલર થઈ છે.
સરકારે ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૩૦ ડોલર સુધીનો ઘટાડો કર્યો છે. સૌથી ઓછી સોયાતેલની ડ્યૂટીમાં છ ડોલરનો જ ઘટાડો કર્યો છે. જ્યારે પામતેલમાં સરેરાશ ૩૦ ડોલરનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં સોયાબીનની માંગ વધારે હોવાથી તેનાં ભાવ ઓછા ઘટ્યાં છે, પરિણામે તેની ટેરિફમાં પણ મામૂલી જ ઘટાડો કરાયો છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧૬ ડીસે.     ૧ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૯૯          ૬૬૯
રિફા.પામતેલ          ૭૨૩          ૬૯૬   
અન્ય પામતેલ        ૭૧૧          ૬૮૩
ક્રૂડપામોલીન          ૭૩૧          ૭૦૦
રિફા.પામોલીન        ૭૩૪          ૭૦૩
અન્ય પામોલીન      ૭૩૩          ૭૦૨
કાચુ સોયાતેલ         ૮૪૯          ૮૪૩
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૬          ૩૯૨
ચાંદી                    ૫૬૧          ૫૧૯

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 31 Dec.2014)

FMC New Chairman Mr. T.V.Somnathan

એફએમસીનાં નવા ચેરમેન તરીકે ટી.વી.સોમનાથનની નિમણૂંક
રમેશ અભિષેકની મુદત ૭ જાન્યુઆરીએ પૂર્ણ


કોમોડિટી વાયદા બજાર ઉપર નિયંત્રણ કરતી સંસ્થા ફોરવર્ડ માર્કેટ કમિશનનાં નવા ચેરમેન તરીકે સરકારે ટી.વી.સોમનાથનની નિમણૂંક કરી છે. સોમનાથન હાલમાં વર્લ્ડ બેન્કમાં ડિરેકટર તરીકે કાર્યરત છે. તેઓ એફએમસીનાં ચેરમેનનો હવાલો ચાલુ મહિને જ સંભાળી લેશે. એફએમસીનાં વર્તમાન ચેરમેન રમેશ અભિષેકની મુદત ૭મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહી છે.

એફએમસીનાં ચેરમેન તરીકે રમેશ અભિષેકને અગાઉ બેથી ત્રણ વાર એક્સટેન્શન મળ્યાં બાદ હવે નવા ચેરમેનની પસંદગી કરાય છે. સરકારે કુલ પાંચ નામ અંતિમ તબક્કામાં નક્કી કર્યાં હતાં, જેમાંથી સોમનાથનની પસંદગી કરાય છે. સોમનાથન ૧૯૮૭ની તામીલનાડુ બેચનાં આઈએએસ ઓફિસર છે અને તામિલનાડુની સરકારમાં સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ ચેન્નઈ મેટ્રો રેલ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેકટર તરીકે પણ રહી ચૂક્યાં છે.

Chana zero % duty Extended till 31 March 2015

ચણામાં ઝીરો ટકા આયાત ડ્યૂટીની મુદત માર્ચ સુધી લંબાવાય

ચણા વાયદામાં સતત બીજા દિવસે મંદીનો માહોલ ઃ વાયદામાં ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો

ચણા ઉપર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાગવાની સંભાવનાઓ ઉપર આખરે પૂર્ણ વિરામ મુકાય ગયું છે. કેન્દ્ર સરકારે ચણાની આયાત ઉપર ઝીરો ટકા ડ્યૂટીની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. મુદત વધતા ચણા વાયદામાં બે દિવસની ઉપલી સપાટીથી રૃા.૩૦૦નો કડાકો બોલ્યો હતો.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા એક નોટિફિકેશન પ્રમાણે હવેથી ચણાની ઝીરો ટકા આયાત ડ્યૂટી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધી લંબાવી દેવામાં આવી છે. આયાત ડ્યૂટીની મુદત લંબાવાની જાહેરાતથી ચણા વાયદામાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ચણા વાયદો છેલ્લા બે દિવસમાં સરેરાશ રૃા.૩૦૦ ઘટ્યો છે.
ચણા જાન્યુઆરી વાયદો ૩૦મી ડિસેમ્બરે રૃા.૩૬૯૭ પર બંધ રહ્યો હતો, જે ગઈકાલે રૃા.૩૭૪૫ની સપાટીએ પહોંચ્યાં બાદ છેલ્લે ઘટીને રૃા.૩૫૫૦ પર બંધ રહ્યો હતો. જેમાં આજે વધુ રૃા.૧૦૬નો ઘટાડો થઈને ભાવ રૃા.૩૪૪૪ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ચણામાં સરેરાશ ફંડામેન્ટલ તેજી તરફી છે, પરંતુ છેલ્લા દશેક દિવસથી ડ્યૂટી લાદવાની અફવાએ બજારો વધ્યાં હતાં, જેમાં ફરી ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીનાં ચણાનાં ટ્રેડર રાહુલ વોરાનું કહેવું છેકે દેશમાં ચાલુ વર્ષે ચણાનું ઉત્પાદન ઘટીને ૪૮થી ૫૦ લાખ ટન રહે તેવી ધારણાં છે, જે ગત વર્ષે ૭૦ લાખ ટનનું થયું હતું. દેશમાં ૨૦થી ૨૫ લાખ ટનનો કેરીઓવર સ્ટોક પણ પડ્યો છે. પરિણામે ચાલુ વર્ષે કુલ ૭૦થી ૭૫ લાખ ટનનો પૂરવઠો રહેશે અને દેશની જરૃરિયાત ૯૦ લાખ ટનની છે, પરિણામે ચણામાં આયાતી માલોની જરૃરિયાત વધુ જ રહેશે.

કેન્દ્ર સરકારે પણ મોંઘવારી વધુ ન વધે અને દેશમાં કઠોળનું ઉત્પાદન ચાલુ વર્ષે સરેરાશ ઘટવાની ધારણાં હોવાથી ચણાની આયાત ઉપરની ડ્યૂટી વધુ ત્રણ મહિના માટે ઝીરો ટકા કરી છે.એપ્રિલ મહિના દરમિયાન નવા ચણાની આવકો વધે ત્યારે તેનાં ઉપર આયાત ડ્યૂટી લગાવાય તેવી સંભાવનાં છે.
(Date 1 jan.2015)

Gujarat Ravi Sowing 29 December

ગુજરાતમાં રવિ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો ઃ જીરૃનું ૪૨ ટકા ઘટ્યું 

-સૌરાષ્ટ્રમાં રવિ વાવેતરમાં ૪૦ ટકાનો ઘટાડો, ઘઉંનાં વાવેતરમાં મોટો ફટકો
ગુજરાતમાં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી સરેરાશ છેલ્લા દશેક દિવસથી વાવેતર વિસ્તાર વધ્યો છે, તેમ છત્તા ગત વર્ષની તુલનાએ કુલ વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં રવિ વાવેતર વિસ્તારમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૯મી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૨૮.૯૧ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૬.૬૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્યમાં ઘઉંનાં વાવેતરનાં ૨૩.૭૪ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ઘઉંનાં વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીનાં વાવેતરનાં આંકડાઓ પ્રમાણે જીરૃનાં વાવેતરમાં ૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાયડાનાં વાવેતરમાં ૩૪ ટકાનો ઘટાડો થયો છે.
સૌરાષ્ટ્રમાં કુલ રવિ વાવેતર વિસ્તાર ૭૧૭૬૦૦ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૨૧૪૯૦૦ હેકટરમાં થયું હતું. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે પાણીની મોટી તંગી હોવાથી વાવેતરમાં મોટો કાપ આવ્યો છે.  સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે એક માત્ર ધાણાનું જ વાવેતર વધ્યું છે, એ સિવાયની તમામ પાકોનાં વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે.

31 December 2014

Coriander Give's Highest Returns in 2014 and crude give lowest Return

કોમોડિટીમાં ૨૦૧૪માં રિટર્ન આપવામાં ધાણા ટોચ પર, ક્રૂડ તળિયે

-ધાણામાં રેકર્ડબ્રેક ૫૬ ટકા, એલચી ૪૪ ટકા વધી, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો કડાકો
Top-5 Commodity in 2014
૨૦૧૪નાં વર્ષનો આજે અંતિમ દિવસ છે. ભારતીય કોમોડિટી વાયદા બજારમાં ૨૦૧૪નાં વર્ષમાં રોકાણકારોને ધાણાએ માલામાલ કરીદીધા છે, પરંતુ ક્રૂડતેલે ધોય નાખ્યાં છે.ધાણામાં વર્ષ દરમિયાન ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ક્રૂડતેલમાં ૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
એગ્રી વાયદામાં પણ સૌથી વધુ નેગેટિવ રિટર્ન કપાસ-રૃ વાયદાએ આપ્યું છે. રૃનાં ભાવ વર્ષ દરમિયાન ૨૦ ટકા તુટી ગયાં છે. સોના-ચાંદીનાં ભાવમાં વર્ષ દરમિયાન ઘરઆંગણે અનુક્રમે ૫.૬૭ ટકા અને ૧૭.૧૫ ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં સોનાનાં ભાવ વર્ષ દરમિયાન ૧.૪૦ ટકા ઘટ્યાં છે, જ્યારે ચાંદીમાં ૧૯.૦૮ ટકાનો ઘટાડો થયો છે.
એનાલિસ્ટોનું કહેવું છેકે ૨૦૧૫માં એગ્રી કોમોડિટીમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી શકે છે. ધાણાએ છેલ્લા બે વર્ષ પોઝિટીવ વળતર આપ્યું છે. ધાણામાં ૨૦૧૩માં ૪૬ ટકા અને ૨૦૧૪માં ૫૬ ટકાનો ઉછાળો આવ્યો છે, પરંતુ ૨૦૧૫માં ૫૦ ટકાનો ઘટાડો બતાવે તેવી પૂરી સંભાવનાં છે. ધાણા બે વર્ષમાં રૃા.૫૦૦૦થી વધીને રૃા.૧૨,૦૦૦ થયા છે, પરંતુ ૨૦૧૫માં તે રૃા.૬૦૦૦ કે તેનાંથી પણ નીચે જઈ શકે છે. સોના-ચાંદીમાં હજુ પણ સરેરાશ મામૂલી રિટર્ન કે નેગેટિવ વળતરની સંભાવનાં છે.
(Date 30 Dec.2014)

Brent crude price at lowest level in 5½ years

ક્રૂડમાં વર્ષાંતે મંદી , ભાવ સાડા પાંચ વર્ષનાં તળિયે 
-બ્રેન્ટ ક્રૂડતેલ વાયદો ઘટીને ૫૬ ડોલરની નજીકઅમેરિકામાં ક્રૂડનો સ્ટોક ત્રણ દાયકાની ટોચે પહોંચતા મંદી વકરી
ક્રૂડતેલમાં વર્ષાંતે મંદી વધુ વકરી છે. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ત્રણ દાયકાની ટોચે પહોંચવાની ધારણાએ વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવ ઘટીને સાડા પાંચ વર્ષનાં તળિયે પહોંચી ગયાં છે.  વળી ક્રૂડતેલમાં ચાલુ વર્ષે ૪૬ ટકાનાં ઘટાડા સાથે વર્ષ ૨૦૦૮ બાદનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો પણ જોવા મળ્યો છે.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ગત સપ્તાહે ૩૮૭૨ લાખ બેરલનો રહ્યો હોવાનો અંદાજ છે, જે વર્ષ ૧૯૮૨ બાદનો સૌથી વધુ છે. સત્તાવાર સરકારી આંકડાઓ બુધવારે જાહેર થશે. અમેરિકામાં ઉત્પાદન વધવાની સાથે વિશ્વમાં હાલ દૈનિક ૨૦ લાખ બેરલ સરપ્લસ સ્ટોક રહે છે, જેને કારણે મંદી વધુ વકરે તેવી પણ સંભાવનાં રહેલી છે.
અમેરિકામાં સ્ટોક વધવાનાં સમાચાર પાછળ નાયમેક્સ વાયદો આજે ઘટીને ૫૨.૭૦ ડોલરની સપાટી પર પહોંચ્યો હતો, જે મે ૨૦૦૯ બાદની સૌથી નીચી સપાટી છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલ ૫૬.૭૪ ડોલરની સપાટી પર છે. નાયમેક્સ સામે પ્રીમિયમ ૪ ડોલર ચાલી રહ્યું છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ ફરી ઘટી શકે
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવમાં ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં પણ નવા વર્ષે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડાની જાહેરાત થાય તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણ ઉપરની એક્સાઈઝ ડ્યૂટી જો વધારવામાં નહીં આવે તો પહેલી જાન્યુઆરીથી ભાવ ઘટે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. દેશની ક્રૂડતેલની આયાતનાં બાસ્કેટ ભાવ ૨૯મી ડિસેમ્બરે ૫૬.૨૬ ડોલર પહોંચ્યાં છે, જે ૧૧મી ડિસેમ્બરે પૂરા થતા પખવાડિયામાં ૬૭.૨૪ ડોલર હતાં. આમ ભારતનાં આયાત ભાવ ૧૧ ડોલર ઘટ્યાં હોવાથી પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ ઘટે તેવી સંભાવનાં છે.
(Date 30 Dec.2014)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...