09 December 2010

Home Ministry orders probe into leak of IB report

આઇબીનો રિપોર્ટ લીક થતાં ગાૃહ મંત્રાલય દ્વારા તપાસના આદેશ
અઠવાડિયાથી લીક થયેલા રિપોર્ટનો લાભ લઇ રહેલા શેરબજારના ખેલાડીઓ સામે પણ તપાસ કરાશે
શેરબજારમાં અચાનક ૫૦૦ પોઇન્ટના કડાકા અંગે સરકાર મોડે મોડે જાગી
અમદાવાદ, ગુરુવાર
શેરબજારમાં આજે અચાનક ૫૦૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો હતો. પાડાની વાંકે પખાલીને ડામ જેવી વર્તમાન બજારની સ્થિતિમાં નાના રોકાણકારોનો કચ્ચરઘાણ નીકળી ગયા પછી કેન્દ્રીય ગાૃહ મંત્રાલય આજે મોડી સાંજે જાગ્યું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી લીક થયેલા આઇબીના રિપોર્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ રિપોર્ટ લીક થવાના કારણે જ અનેક કંપનીના શેરમાં આજે કડાકો બોલી ગયો હતો.
દેશ અત્યારે ચોતરફ કૌભાંડથી ઘેરાયેલો છે ત્યારે દેશની ટોચની સરકારી એજન્સી ઇન્ટેલજન્સી બ્યુરો(આઇબી)નો રિપોર્ટ છેલ્લા એક અઠવાડિયાથી લીક થઇ ગયો છે. આ રિપોર્ટમાં ગઇકાલ સુધી માત્ર ત્રણ જ કંપનીના નામ કોઇએ લીક કર્યા હતા, પરંતુ આજે આ રિપોર્ટમાં અનેક કંપની અને ઓપરેટરોના નામ હોવાના સમાચાર વહેતા થતાં બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. આખરે સરકાર જાગી છે અને કેન્દ્રીય ગાૃહ મંત્રાલયે એવો આદેશ આપ્યો છે કે આઇબીનો રિપોર્ટ લીક થયો છે તેની અને તેનો લાભ લઇને બજારમાં જે લોકો લાભ લઇ રહ્યા છે તેની સામે તપાસ કરવામાં આવશે. આ રિપોર્ટને લઇને ટોપટુ બોટમ સુધીની તપાસ કરવાનો આદેશ અપાયો છે.
ઊલ્લેખનીય છે કે ગઇ કાલે આઇબીના  રિપોર્ટમાં રૂચિ સોયા, કે.એસ.ઓઇલ, શ્રી અષ્ઠવિનાયક અને કરૂતરી ગ્લોબલ કંપનીના નામ ઊછળ્યાં હતા. જોકે આજે આ ત્રણેય કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે અમારી કંપનીમાં કોઇ પણ પ્રકારની તપાસ ચાલતી નથી. આ કંપનીના શેર છેલ્લા બે-ત્રણ દિવસમાં જ ૨૫થી ૩૦ ટકા જેટલા તૂટી ગયાં હતાં. આજે બજારમાં એવી વાતો ફેલાઇ કે આઇબીના રિપોર્ટમાં બે-ચાર નહ પણ અનેક કંપનીઓ અને ઓપરેટરોના નામ છે, જેમણે કાળા અને વિદેશી નાણાનો શેરબજારમાં ગેરઊપયોગ કર્યો હતો. આ સમાચાર પાછળ ખાસ કરીને સ્મોલ કેપ કંપનીના શેર ૪૫ ટકા જેટલા તૂટી ગયાં હતાં.
ઊલ્લેખનીય છે કે શેરબજારમાં આઇબીના રિપોર્ટને લઇને સુકાની સાથે લીલું પણ બળે તેમ તમામ શેર તૂટયાં હતાં. એક શેર વધ્યો હતો, જેની સામે ૨૦ શેર તૂટ્યાં હતા. ૭૦ ટકા શેરમાં ૧૦થી ૨૦ ટકા અને ૬૦૦ કંપનીના શેરમાં પાંચથી ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.
કે.આર.ચોકસી સિકયોરિટીના દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, નાના રોકાણકારો અત્યારે સમજી વિચારીને બજારમાં જાણીતી કંપનીમાં જ પૈસા લગાવે. કોઇ શેરમાં ગમે ત્યારે કોઇ મોટી વધઘટ જોવા મળે કે કંઇ સમાચાર આવે તો તુરંત જ બ્રોકરની સલાહ લઇને નિર્ણય લે.

21 November 2010

મકાનના ભાવ ઘટશે ખરાં ?

ફ્લેટ મકાન ખરીદવું છે? થોડો સમય રાહ જુવો...

ફ્લેટ ખરીદવાનો વિચાર કરનાર અત્યારે આવુજ વિચારતો હશે કે મારે એક ફ્લેટ ખરીદવો છે પણ ભાવ સાંભળીને નામ લેવા જેવું નથી। REAL ESTATE માર્કેટમાં એટલી બધી તેજી આવી ગઈ છે કે નાના માણસ માટે મકાન ખરીદવું અઘરું થઇ ગયું છે. દિવાળીમાં કદાચ બધાના ઘરે જતાં આવી વાતો પણ સાંભળવા મળી હશે. છેલ્લા એક વર્ષમાં મકાનના ભાવ ડબલ થઇ ગયા છે, આમાં મકાન ખરીદવું કેવી રીતે ?
મકાન ખરીદનારા માટે એક સારા સમાચાર એ છે કે આગામી ૬ મહિનામાં મકાનના ભાવ ઘટે તેવી શક્યતા છે. બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાવ ૨૦ % પણ ઘટી શકે છે અને ૨૫ ટકા પણ ઘટી શકે છે. આ વાત સાચી છે મિત્રો આગામી ૬ મહિનામાં મકાનના ભાવમાં જરૂર ૧૫થી ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળશે. હવે આ ઘટાડો ક્યારે કેટલો આવશે તે બિલ્ડરો ઉપર વધારે આધાર રાખે છે.
મકાનના ભાવ શા માટે ઘટી શકે?

મકાનના ભાવ ઘટાડવાનો ગુજરાત સહીત દેશભરના બિલ્ડરો ઈચ્છતા નથી અને ઈચ્છે પણ શા માટે, પરંતુ મિત્રો આગામી દિવસોમાં બિલ્ડરોએ ભાવ ઘટાડવા પડશે REAL ESTATE માર્કેટમાં એટલી તેજી આવી ગઈ છે કે ભાવ જરૂર ઘટશે. REAL ESTATE માર્કેટનો ઘટાડો આખા વિશ્વમાં શરૂ થયો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશમાં ફરી આ સેક્ટરમાં મંદી શરૂ થઇ છે. અમેરિકામાં અત્યારે ૫૦ ટકા નીચા ભાવથી મકાન વેચવાની પણ ઓફર ચાલી રહી છે. યુરોપના અનેક દેશમાં મંદી ચાલે છે વિશ્વમાં REAL ESTATE માર્કેટમાં મંદીથી અનેક લોકો બેકાર બન્યા છે. તાજેતરમાં એટલે કે હજુ અઠવાડિયા પહેલાજ ચીને પણ REAL ESTATE માર્કેટની તેજીને ખાળવા અનેક પગલા લીધા છે. વિદેશની કોઈ કંપની ત્યાં એકથી વધારે મકાન કે PROPERTY પણ ખરીદી શકશે નહી. આ વાત થાય વિદેશની, હવે ભારતમાં પણ તાજેતરમાં RESERVE BANK OF INDIA એ લોન પર કડક નિયમો લાદ્યા છે. હવે થી મકાનની કુલ કીંમતના ૮૦ ટકાથી વધારે લોન પણ નહિ મળે. વ્યાજદરમાં વધારો થઇ રહ્યો છે એ વધારામાં.
ગુજરાત સહીત દેશમાં ઠગલાબંધ મકાનો બની રહ્યા છે
ગુજરાત સહીત દેશભરમાં ઠગલાબંધ મકાનો બની રહ્યાં છે એકલા અમદાવાદમાં જ આગામી ૫ વર્ષમાં ૧ લાખથી પણ વધારે મકાનો બની રહ્યા છે. આટલા બધા મકાનો બને છે છતાં ભાવ ઘટતાં નથી. અમદાવાદ જેવા મોટા શહેરમાં માત્ર ૬ જ મોટા બિલ્ડરો આગામી દશ વર્ષમાં એક લાખ મકાનો બનાવી રહ્યાં છે. જેને સરકારે ટાઉનશીપ એવું નામ આપ્યું છે. ટાઉનશીપ ને તમે આખે આખું ગામ ઉભું થશે એવું પણ કહી શકો છો. આ ગામ આધુનિક હશે. આવું જ ગુજરાતના અન્ય શહેરમાં થઇ રહ્યું છે જેવું ગામ એ મુજબ મકાનો બની રહ્યાં છે. આટલા બધા મકાનો બની રહ્યાં છે સામે ભાવ ઊંચા હોવાથી ખરીદનાર વર્ગ ભાવ ઘટવાની રાહ જોવે છે. આ ભાવ ઘટશે એટલે ખરીદનાર વર્ગ વધારે આવશે.
ટાઉનશીપ વિશે થોડું વધારે જાણો....
અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩ ટાઉનશીપ લોન્ચ થઇ ચુકી છે. દરકે ટાઉનશીપમાં આશરે ૧૫-૧૫ હજાર મકાનો બની રહ્યા છે. વાત ભાવની કરીએ તો એક પણ ટાઉનશીપમાં ૨૫ લાખથી નીચેના મકાન-ફ્લેટ નથી. પજેસન ૨-૩ વર્ષ પછી મળશે. ભાવ તમને મોંઘા ના લગતા હોઈ અને પજેસન માટે રાહ જોવાની તૈયારી હોઈ તો જરૂર ઘર ખરીદી શકાય.
નરેન્દ્ર મોદી તમે આ કરી શકો છો.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ વિદેશમાં ગુજરાતનું નામ ગુંજતું કરી દીધું છે. ઉદ્યોગપતિઓં રોકાણ કરવા માટે આવે એ માટે લીલી જાજમ પાથરી દીધી છે, પણ થોડું મધ્યમવર્ગના લોકો માટે પણ વિચારવું જોઈએ. મકાનના ભાવ વધી રહ્યા છે ત્યારે આ ટાઉનશીપમાં કે કોઈ અન્ય જગ્યાએ મધ્યમવર્ગના લોકોને સસ્તું ઘર મળે તેવું કઈ કરવાની જરૂર છે. ગુજરાત સરકાર આ તરફ વિચારે તો REAL ESTATE MARKETની ખોટી તેજીનો થોડો અંત આવી શકે છે.


અમદાવાદમાં ક્યાં વિસ્તારમાં ફ્લેટના શું ભાવ ચાલે છે એ જાણવા થોડી રાહ જુવો. અહીંજ વાંચવા મળશે....

11 January 2010

GOLD PRICE OUTLOOK: IN 2010 PRICE RISE OR DOWEN?


સોનાના ભાવ ચાલુ વર્ષે વધશે કે ઘટશે?

મારી લાઈફનો પ્રથમ બ્લોગ વાંચીને રાજકોટના મારા એક ફ્રેન્ડે ફોન કરીને મને કહ્યું કે, પૈસા ઉપર તો તું લખ એ બરાબર છે, પરંતુ પ્રેમ ઉપર તું શું લખીશ?. મારો જવાબ એટલો જ હતો કે જોયા કર.

કદાચ મારા બીજા પણ મિત્રો હશે કે જેમને આ પ્રશ્ન થતો હશે?. પ્રથમ બ્લોગ વાંચીને સોનાના ભાવ વધશે કે ઘટશે તે જાણવાની ઈચ્છા ધરાવનાર લોકો વધારે છે. ૨૦૧૦માં સોનાના ભાવ વધશે કે ઘટશે તે જાણવા માટે એક અઠવાડિયાની રાહ જોયા વિના ત્રણ ફોન આવી ગયાં કે અઠવાડિયું રાહ જોવાય તેમ નથી, કહી દોને સોનું ક્યારે ખરીદવું જોઈએ?

બસ, હવે આપણે મુળ વાત પર આવીએ. સોનાનો સરેરાશ ઈતિહાસ છે કે એ વર્ષો વર્ષ વધતું જ જાય છે. વિશ્વમાં મુખ્ય ૨૦૦ જેટલી કોમોડિટી છે જેમાંથી એક માત્ર સોનાના ભાવ જ છેલ્લા નવ વર્ષથી સરેરાશ વાર્ષિક વધતા રહ્યાં છે. ૨૦૦૯માં સોનાના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચીને સરેરાશ ૨૫ ટકા જેટલા વધ્યાં છે. ૨૦૧૦માં સોનાના ભાવ વધશે એ નક્કી છે, પરંતુ સરેરાશ ૧૫ ટકા જેટલું રિટર્ન આપે તેવી શક્યતા છે.

મેરેજ સિઝન આગામી મે મહિના સુધી નથી એટલે મેરેજ સિઝનની ઘરાકી તો નીકળવાની નથી. સોનાના ભાવ અત્યારે સરેરાશ ૧૭,૨૦૦ આસપાસ ચાલી રહ્યા છે. ૨૦૧૦માં સોનાના ભાવ ઘટીને ગમે ત્યારે ૧૬,૦૦૦ સુધી જઈ શકે છે. રોકાણના હેતુંથી ખરીદનાર વર્ગે ૧૬,૨૦૦ થાય ત્યારે પણ ખરીદી લેવું જોઈએ. ૨૦૧૦માં સોનાના ભાવ વધીને ૨૦,૦૦૦ની સપાટી પર પહોંચે તેવી પૂરી શક્યતા છે. સોનું ખરીદવા માટે ફેબ્રુઆરીથી માર્ચ મહિનો ઉત્તમ હોય છે. જેમ સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ સોનાના ભાવ સૌથી વધારે વધે છે તેમ માર્ચ મહિનામાં સોનાના ભાવ સરેરાશ ઘટતા જ રહે છે. ૧૯૬૯થી ૨૦૦૯ સુધીનો ઈતિહાસ છે કે માર્ચ મહિનામાં સોનાએ સરેરાશ નેગેટિવ રિટર્ન આપ્યું છે.

આમ, સોનાના ભાવ અત્યારે ભલે વધતા હોય, પરંતુ માર્ચ મહિનાના અંત સુધીમાં ફરી ભાવ ઘટશે. ઘટે ત્યારે સોનાની ખરીદી કરી લેવી હિતાવહ છે. એપ્રિલની શરૂઆત સુધીમાં વર્ષના જે નીચા ભાવ હશે તે આવી જશે.
સોનાના ભાવ સરેરાશ વધે જ છે તો એક પ્રશ્ન એ પણ થતો હશે કે સોનાના ભાવ ક્યાં સુધી વધતા રહશે? એનાલિસ્ટો કહે છે કે સોનાના ઊંચા ભાવ માટે એક સીધું ગણીત યાદ રાખવું કે જ્યાં સુધી અમેરિકામાં વ્યાજદર બેથી ત્રણ ટકા થાય ત્યાં સુધી ભાવ વધતા રહેશે. અમેરિકામાં અત્યારે ઝીરો ટકા વ્યાજદર ચાલે છે. વ્યાજદર વધશે તો ભાવ ઘટશે. ઘટ્યા બાદ પણ ફરી વધશે. આ સાઈકલ વ્યાજદર બેથી ત્રણ ટકા થાય ત્યાં સુધી ચાલશે, પછી જ સોનાની લાંબાગાળાની રેન્જ નક્કી થઈ શકશે. કદાચ વ્યાજદર બેથી ત્રણ ટકા થયા બાદ સોનાના ભાવમાં મોટો અકલ્પનીય ઘટાડો પણ જોવા મળી શકે છે.

સોના વિશે વધુ જાણવું હોય તો બેશક જણાવજો.
બધાને એડવાન્સ હેપી ઉતરાયણ..... મમરાના લાડવા અને માંડવીનો પાક, ટેરેસમાં ખાતા ખાતા ચશ્મા પહેરીને પતંગના બદલે બીજું કાંઈ જોવા મળે તેના માટે BEST WISHES....

01 January 2010

પૈસા અને પ્રેમ છે તો AAL IZZ WELL

પૈસા અને પ્રેમ છે તો AAL IZZ WELL

Ahmedabad:01/01/2010: જીવનમાં પૈસા અને પ્રેમ છે તો બધુ જ સારૂ છે। જિંદગી જીવવા માટે આ બંનેની જરૂર છે. એકલા પૈસાથી પણ નથી ચાલતું અને એકલા પ્રેમથી પણ નથી ચાલતું. બંને સિક્કાની બે બાજુ છે, માટે જ કહું છું કે પૈસા અને પ્રેમ છે તો ઓલ ઈઝ વેલ.
૨૦૦૯માં ‘મંદી’ નામના શબ્દથી બધા જ કંટાળી ગયા હશો, મોંઘવારીથી ત્રાસી ગયાં હશો? એક તરફ કોસ્ટ કટિંગ, પગાર કાપ અને નવી નોકરીની તકનો અભાવ હતો. બીજી તરફ ૨૦૦૯નું વર્ષ જ કમાણી માટે શ્રેષ્ઠ હતું. શેરબજારમાં ઐતિહાસિક રિટર્ન, સોનાચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પર, હળદર જેવી રોજિંદી વસ્તુમાં વર્ષમાં ૧૪૦ ટકાનો વધારો થયો. હા, તુવેરદાળ વધી એ પણ ખબર છે. આ બધુ જ ૨૦૦૯માં બની ગયું, પરંતુ આપણા નસબીમાં તો મંદી, કોસ્ટ કટિંગ અને પગાર કાપ લખ્યો હતો, માટે કમાણી ન કરી શક્યાં. કેમ ખરૂ ને? મિત્રો, જિંદગીમાં આવું જ બને છે તક આવે ત્યારે તકની ખબર નથી હોતી અને જ્યારે ખબર પડે છે ત્યારે બહું મોડું થઈ ગયું હોય છે.
રિટેલ ચેઈન વોલ્માર્ટ સ્ટોરના માલિક એસ।રોબ્સન વોલ્ટન કહે છે કે, ‘‘લોકો પાસે પૈસાની ક્યારેય કમી નથી હોતી, પરંતુ ઉત્તમ વિચાર અને દષ્ટ્રીનો અભાવ હોય છે.’’ બસ, આપણે આવી જ વાત કરીશું. ૨૦૦૯નું વર્ષ કમાણીનું હતું તો ૨૦૧૦નું વર્ષ કરેલ કમાણી જાળવવાનું છે. કારણ કે ૨૦૦૯ની તેજી જોઈને આંધણી રીતે રોકાણ કરશો તો બચેલ પૈસા પણ પાણી થઈ જતાં વાર નહી લાગે. ૨૦૦૯માં શેરબજાર, સોનું કે હળદરમાં જેટલો વધારો થયો એટલો વધારો ૨૦૧૦માં નથી થવાનો. એક વાત એ પણ સત્ય છે કે પૈસા વિના પણ ચાલતું નથી, માટે કમાણીના રસ્તા તો શોધવા જ પડશે. ૨૦૧૦માં પણ કમાણી માટેની અનેક તક છે, માત્ર જાણવાનું એ છે કે શેમાં કમાણી છે. શેરબજારમાં રોકાણ કરનારાને વધારે અનુભવ હશે કે એક શેર ૧૦૦, ૨૦૦ કે ૪૦૦ ટકા વધે પછી ખબર પડે અને આપણે ખરીદવા જઈએ ત્યારે જ ભાવ ગગડી જાય છે. કેમ ખરૂ ને ?
૨૦૧૦નું પ્રભાત ઊગી ગયું છે, આ વાંચતા હશો ત્યારે નવા વર્ષની કરોડો સેંકડો પણ વીતી ગઈ હશે. કમાણી કેમાથી કરવી એ જાણવા માટે આપણે દર સોમવારે અહીં મળતા રહેશું. તમને એ પણ પ્રોમિસ આપું છું કે દર અઠવાડિયે તમારી ૧૦ મીનિટથી વધારે સમય નહી લઉ, કારણ કે સમય હશે તો જ પૈસા કમાશો. વાતો પૈસાની અને પ્રેમની જ કરીશું. હા! એ પણ જાણી લો કે અહીં પૈસા કેમ કમાવવા તેના કરતાં પૈસા કેમ બચાવવા તેની વાતો વધારે કરીશું।
પૈસા કેમ સાચવવા, ક્યાં રાખવા તીજોરીમાં કે બેન્કમાં રાખવા? સોનું ખરીદવું કે ચાંદી? શેરબજારમાં રોકાણ કરવું કે પ્રાઈમરી માર્કેટમાં? આ બધુ જ તમને ખબર છે, પણ મને એ પણ ખબર છે કે તમને આ બધુ જ કમાણીની તક જતી રહી પછી જ ખબર પડી છે. સોનાના ભાવ ૨૦૦૯માં વિક્રમી સપાટીએ પહોંચ્યા, ક્યારેય ન જોયા હોય એટલા ભાવ થયાં. પણ, કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ચાલુ વર્ષે તમામ રોકાણના સાધનોમાં સોનાએ સૌથી ઓછું રિટર્ન આપ્યું છે. છતાં પણ ભારતીય લોકોનો સોનાનો મોહ છૂટતો નથી, માટે આવતા સોમવારે આપણે સોના િવશે જ વાત કરીશું? ૨૦૧૦માં સોનાના ભાવ વધશે કે ઘટશે? ક્યાં સુધી ભાવ જઈ શકે? આ બધું જ વાંચવા આવતા સોમવારે ક્લીક કરજો
http://dipakmehta.blogspot.com

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...