13 December 2013

Guargum Price Dowen

ગવારમાં મંદીની સર્કિટ  નવેમ્બરમાં ગમની
 નિકાસ ઓક્ટો. કરતા ૪૫ ટકા વધી
ગવારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેે છેલ્લા એક સપ્તાહમાં ભાવ સરેરાશ ૭ થી ૮ ટકા જેટલા તુટી ગયા છે. દેશમાં ગવારના જંગી ઉત્પાદનના અંદાજે બજારો ઘટી રહ્યાં છે, પરંતુ બીજી તરફ ગવારગમ પ્રોડક્ટની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગવાર ગમની નવેમ્બર મહિનાની નિકાસ આગલા મહિના કરતા ૪૫ ટકા જેટલી વધી છે.
ગવાર ગમની નિકાસ વધવા અંગે ગુજરાતની ટોચના ગમ ઉત્પાદક રામા ઈન્ડસ્ટ્રીઝના માલિક બાબુભાઈ શાહે જણાવ્યું હતું કે, અમેરિકા, જાપાન અને ચીનની ખૂબ જ સારી નિકાસ માગ છે, જેને કારણે નિકાસ વધી રહી છે. ચીનની ગવાર દાળની ખૂબ માગ છે, ત્યાં પાઉડર પ્લાન્ટો વધ્યાં હોવાથી તેની માગ વધી છે. બીજી મહત્તવની વાત એ છે કે સામાન્ય રીતે દર વર્ષે આ સમયે ૧૦ થી ૨૦ હજાર ટન ગવાર ગમનો સ્ટોક પડ્યો હોય છે, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં એક પણ ટન ગમનો સ્ટોક પડ્યો નથી. પરિણામે આગામી દિવસોમાં સ્ટોકિસ્ટોની માગ પણ નીકળી શકે છે.
નિકાસના આંકડાઓ જોઈએ તો ગત વર્ષ ઓક્ટોબર-નવેમ્બરની તુલનાએ આ વર્ષે આ બંને મહિનામાં ગમ પ્રોડક્ટની નિકાસ બમણાંથી પણ વધારો થઈ છે જેને કારણે અત્યારે સ્ટોક નીલ છે. બાબુભાઈ ભાવ વિશે કહ્યું કે, ગવાર ગમમાં પ્રતિ કિલો રૃા.૧૨૫થી નીચે મંદી દેખાતી નથી.
જયપૂરની કોન્ફરન્સ બાદ ગવાર અને ગમમાં એકધારી મંદી જોવા મળી રહી છે. ઊંચા પાકના આંકડાઓને કારણે બજારો નરમ છે. ગમ વાયદો છેલ્લા એક સપ્તાહમાં રૃા.૧૩૮૯૦થી ઘટીને આજે રૃા.૧૩૭૩૦ હતો, જ્યારે ગવારસીડના ભાવ રૃા.૪૯૫૦થી ઘટીને રૃા.૪૫૫૦નાં હતાં.
 જોધપૂર સ્થિત જે.ડી.ઈન્ડસ્ટ્રીઝનાં રતનલાલે જણાવ્યું હતું કે, ગવારગમમાં રૃા.૧૨૫-૧૨૭ની નીચે મંદી દેખાતી નથી અને ઉપરમાં રૃા.૧૫૦-૧૫૨થી વધુ તેજી દેખાતી નથી. સામે પ્લાન્ટોની માગ પણ સારી છે.
કોટક કોમોડિટીના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગવારગમનો વાયદો રૃા.૨૨,૪૦૦ની સપાટીથી સળંગ ઘટી રહ્યો છે. તાજેતરમાં રૃા.૧૩૧૨૦ની સપાટી તુટતા હવે મંદી વધુ ઘેરી બનવાના સંજોગો દેખાય છે. વાયદામાં વેચાણ કરવાની સલાહ છે. રોકાણકારોએ રૃા.૧૩૭૯૦ સુધીના ભાવથી વેચાણ કરવું અને રૃા.૧૩૯૯૦ના સ્ટોપલોસ સાથે રૃા.૧૧૯૫૦નો ટાર્ગેટ રાખવો.

ગવાર ગમ પ્રોડક્ટની નિકાસ
મહિનો          ૨૦૧૨          ૨૦૧૩
એપ્રિલ              ૪૮,૮૮૩          ૫૧,૧૮૨
મે                     ૪૯,૦૧૩          ૫૮,૨૭૦
જૂન                  ૪૧,૮૭૦          ૫૮,૫૫૦
જુલાઈ              ૨૭,૮૩૨          ૪૫,૦૭૩
ઓગસ્ટ             ૩૩,૧૫૭          ૫૩,૯૭૩
સપ્ટેમ્બર            ૨૬,૭૫૨          ૨૫,૦૫૪
ઓક્ટોબર           ૧૮,૦૩૪          ૩૩,૭૦૦
નવેમ્બર             ૧૭,૧૭૨          ૪૮,૭૧૩
કુલ નિકાસ      ૨,૬૨,૭૧૩    ૩,૭૪,૫૧૧

29 June 2012

મારી કેરીયરમાં પત્રકારત્વ ક્ષેત્રનો એક દાયકો પૂરો





આજે એટલે કે ૨૪ જુનના રોજ મારી કેરીયરમાં પત્રકારત્વ ક્ષેત્રનો એક દાયકો પૂરો થયો છે.(૨૦૦૨-૨૦૧૨) મિત્રો, સ્નેહીજનો અને આપ સૌની શુભેચ્છાથી આ લાઈનમાં ૧૦ વર્ષ પૂરા થયા અને ૧૧મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન અનેક ચઢાવ-ઉતાર મે અનુભવ્યા છે અને જોયા પણ છે. કોલજકાળ પૂરો કરીને સીધો જન્મભૂમિ ગ્રૂપના બાય વીકલી ન્યૂઝપેપર "વ્યાપાર"થી ૨૪ જૂન, ૨૦૦૨થી પત્રકારત્વની શરૂઆત કરી  હતી, મારા પ્રથમ સમાચાર માત્ર ૧૦-૧૫ લાઈનના માંડ હતા, આજે ૧૫ પેજ લખવા હોય તો પણ વાંધો ન આવે. હું બિઝનેસ ક્ષેત્રમાં છું, પણ પત્રકારત્વની ઓફિસીયલી કાર્રિકદી શરૂ કરી એ પહેલા જિંદગીમાં પ્રથમવાર કલમ ચાલી ત્યારે એક લવસ્ટોરી લખી હતી અને આનંદની વાત એ છે કે એ સ્ટોરી ગુજરાત સમાચારના મેગેઝિન ‘શ્રી"માં મારી બાયલાઈન સાથે પ્રસીધ્ધ પણ થઈ. કદાચ આ જ સ્ટોરીને કારણે આજે હુ પત્રકારત્વ ક્ષેત્રે છું એવું જરૂર કહીશ...
વ્યાપારમાં થોડો સમય કાર્ય કર્યું અને એ સમયગાળા દરમિયાન જર્નાલિઝમ પણ સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ કર્યું. પત્રકારત્વની પા..પા.. પગલી માંડી રહ્યો હતો ત્યાં ઓક્ટોબર-૨૦૦૩માં ‘કોમોડિટી વર્લ્ડ’ નામનું નવું  અખબાર ચાલુ થયું અને બીજી ઓક્ટોબર, ૨૦૦૩ના રોજ એટલે કે મારા જન્મ દિવસે જ આ નવા અખબારમાં જોડાયો.
કોમોડિટી વર્લ્ડે ૨૦૦૬માં અમદાવાદ આવૃતિ શરૂ કરી અને ૬ ઓગસ્ટ, ૨૦૦૬ અને ફ્રેન્ડશીપ ડેના દિવસે જ અમદાવાદ સાથે દોસ્તી શરૂ કરી અને રાજકોટને વિદાય આપી. અમદાવાદમાં પત્રકારત્વની મજા કંઈક અલગ છે અને રાજકોટમાં પણ અલગ મઝા છે, એ અહીં આવ્યા પછી અનુભવ્યું છે. બંનેની તુલના ના થઈ શકે.
અમદાવાદમાં કોમોડિટી વર્લ્ડમાં લગભગ બે વર્ષ કાર્ય કર્યા બાદ ૧૪  ઓક્ટો, ૨૦૦૮માં સમભાવ ગ્રૂપના ન્યૂઝ પેપર ‘મેટ્રો સમભાવ’માં  જોડાયો અને ત્યાં એક નવો અનુભવ થયો. ઘણું નવું જાણવા મળ્યું અને અનુભવ્યું પણ ખરૂ..
સમભાવ ગ્રૂપમાં લગભગ અઢી વર્ષ કાર્ય કર્યા બાદ એપ્રિલ, ૨૦૧૧માં ફરી એક વાર મે કોમોડિટી વર્લ્ડ જોઈન્ટ કર્યું અને આજે ત્યાં જ કર્યા કરી રહ્યો છું.
પત્રકારત્વના આ એક દાયકામાં ખૂબ જ મઝા પડી છે. કામ કરવા ખાતર નથી કર્યું, પણ દીલ દઈને બધી જગ્યાએ કામ કર્યું છે. ઘણી વાર કામને પણ ગમતુ કરીને મજા લીધી છે. એક દાયકામાં ત્રણ ગ્રૂપ સાથે કામ કર્યું છે. દાયકામાં એકાદ સારી તક પણ વ્યક્તિગત કારણોસર સ્વીકારી નહોંતી અને એકાદ-બે તક ન મળી તેનો આજે આનંદ પણ છે. પત્રકારત્વ ક્ષેત્રમાં હું બે વ્યક્તિનો આભાર ક્યારેય ભુલી શકું તેમ નથી. એક તો મારા કોલેજકાળના પ્રોફેસર હરેશ પંડયા અને બીજા મયુર મહેતા. એકે આંગળી બતાવી છે તો બીજાએ મારી આંગળી પકડી છે.

નવા દાયકાની શરૂઆત માટે આપની શુભેચ્છાની રાહમાં....

07 September 2011


ટીએમટી સળિયામાં ફરી તેજીઃ રૂા.૧,૦૦૦નો ઉછાળો


બાંધકામ ક્ષેત્રમાં વપરાતા ટીએમટી સળિયાની બજારમાં પરી તેજી જોવા મળી છે. દેશની મુખ્ય સ્ટીલ કંપનીઓએ રૂા.૧,૦૦૦નો સુધીનો વધારો જાહેર કર્યો છે, જેની પાછળ કચ્છ-ગુજરાતની સ્ટીલ કંપનીઓએ પણ આજે રૂા.૩૦૦ સુધીનો વધારો જાહેર કર્યો હતો. સેઈલ કંપનીએ સીધો ભાવવધારવાને બદલે ડિસ્કાઉન્ટ બંધ કર્યું છે. કાચા માલની અછતને કારણે સ્ટીલના ભાવમાં તેજીનો પ્રારંભ થયો છે.
જેએસડબ્લ્યુ સ્ટીલે સ્ટીલના ભાવમાં રૂા.૧,૦૦૦નો વધારો જાહેર કર્યો છે. જયારે સેઈલએ રૂા.૫૦૦થી ૧,૦૦૦નું ડિસ્કાઉન્ટ હતું તે બંધ કર્યું છે.
જેએસડબ્લ્યુ સ્ટીલના ડિરેકટર (સેલ્સ અને માર્કેટિંગ) જયંત આચાર્યે જણાવ્યું હતું કે, કંપનીએ શનિવારથી લાગુ પડે એ રીતે રૂા.૧,૦૦૦નો વધારો કર્યો છે.
ટાટા સ્ટીલે હજુ સુધી સપ્ટેમ્બર મહિના માટેના ભાવવધારાની જાહેરાત કરી નથી. એસ્સાર સ્ટીલ અને અન્ય સ્ટીલ કંપનીઓ ભાવવધારવા માટે વિચારણા કરી રહી છે તેમ બજાર સુત્રોએ જણાવ્યું હતું.
મેઈન કંપનીઓ પાછળ ગુજરાતની ટીએમટી બનાવતી કંપનીઓએ પણ ભાવવધારો જાહેર કર્યો હતો. આજે ગુજરાતની ટીએમટી સ્ટીલ કંપનીઓએ રૂા.૨૦૦થી ૩૦૦નો વધારો જાહેર કર્યો હતો. ભાવવધારા બાદ સરેરાશ ટનદીઠ ભાવ રૂા.૪૦,૨૦૦થી રૂા.૪૦,૫૦૦ના ભાવ થયા છે.
ફ્રેન્ડ્સ ટીએમટીના સૌરાષ્ટ્ર-ક્ચ્છના સિનીયર માર્કેટિંગ મેનેજર ગૌરવ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, કાચા માલની અછત અને તેના ઊંચા ભાવને કારણે સ્ટીલના ભાવમાં તેજી જોવા મળી છે. ગુજરાતની બજારમાં દશ-પંદર દિવસ બાદ હજુ વધુ રૂા.૩૦૦થી ૪૦૦નો ઉછાળો આવે તેવી શક્યતા છે.જન્માષ્ટ્રમની રજાઓ બાદ બજારમાં નવા કામ ખૂલ્યા છે અને દરેકને દિવાળી પહેલા કામ પૂરા કરવા છે, માટે બજારમાં સ્ટીલ સળિયાની માગ પણ વધી છે. 
ટાટા સ્ટીલના ગુજરાતના એક અગ્રણી ડીલરે જણાવ્યું હતું કે, સ્ટીલમાં હવે તેજીનો દોર આગળ વધશે. બજારમાં મંદીની કોઈ શક્યતા હવે દેખાતી નથી. ટાટાએ ચાલુ મહિને ભલે ભાવ ન વધાર્યા હોય, પરંતુ આવતા મહિને કે પખવાડિયા બાદ પણ ભાવ વધારે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આયર્નઓરની ખાણો બંધ થતા 
સ્ટીલમાં વધુ સુધારાની શક્યતા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટકની ખાણો બંધ થવા લાગી છે, જેને કારણે આયર્નઓરની મોટી અછત જોવા મળી રહી છે. આયર્નઓરની ખરી અછત હજુ પંદર દિવસ બાદ જોવા મળે તેવી શક્યતા છે. ખાણો બંધ થયા બાદ સ્ટોકનો માલ વેચાઈ ગયો છે, સ્ટોક પણ પૂરો થવામાં આવશે એટલે ભાવમાં વધુ તેજીની શક્યતા છે.
સ્ટીલ બનાવવા માટે આયર્નઓર મુખ્ય કાચો માલ છે. આયર્નઓરના ભાવ વધી રહ્યા છે, પરંતુ કુકિંગ કોલ (કાચા કોલસા)ના ભાવ ઘટી રહ્યા છે, પરિણામે કંપનીઓને થોડી રાહત મળી છે, નહીંતર ભાવમાં વધુ વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં કુકિંગ કોલના ભાવ  ઘટી રહ્યા છે. બીજા ક્વાર્ટર દરમિયાન  ૩૧૫ ડોલર પ્રતિ ટનના ભાવ હતા, જે ઘટીને ઓક્ટોબર ક્વાર્ટર દરમિયાન ૨૮૦ ડોલર થશે. આયર્નઓરના ભાવ તાજેતરમાં ૧૫ ડોલર જેટલા વધીને અત્યારે ૧૮૭ ડોલર પ્રતિ ટનની સપાટી પર ટ્રેડિંગમાં છે.

09 December 2010

Home Ministry orders probe into leak of IB report

આઇબીનો રિપોર્ટ લીક થતાં ગાૃહ મંત્રાલય દ્વારા તપાસના આદેશ
અઠવાડિયાથી લીક થયેલા રિપોર્ટનો લાભ લઇ રહેલા શેરબજારના ખેલાડીઓ સામે પણ તપાસ કરાશે
શેરબજારમાં અચાનક ૫૦૦ પોઇન્ટના કડાકા અંગે સરકાર મોડે મોડે જાગી
અમદાવાદ, ગુરુવાર
શેરબજારમાં આજે અચાનક ૫૦૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો હતો. પાડાની વાંકે પખાલીને ડામ જેવી વર્તમાન બજારની સ્થિતિમાં નાના રોકાણકારોનો કચ્ચરઘાણ નીકળી ગયા પછી કેન્દ્રીય ગાૃહ મંત્રાલય આજે મોડી સાંજે જાગ્યું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી લીક થયેલા આઇબીના રિપોર્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ રિપોર્ટ લીક થવાના કારણે જ અનેક કંપનીના શેરમાં આજે કડાકો બોલી ગયો હતો.
દેશ અત્યારે ચોતરફ કૌભાંડથી ઘેરાયેલો છે ત્યારે દેશની ટોચની સરકારી એજન્સી ઇન્ટેલજન્સી બ્યુરો(આઇબી)નો રિપોર્ટ છેલ્લા એક અઠવાડિયાથી લીક થઇ ગયો છે. આ રિપોર્ટમાં ગઇકાલ સુધી માત્ર ત્રણ જ કંપનીના નામ કોઇએ લીક કર્યા હતા, પરંતુ આજે આ રિપોર્ટમાં અનેક કંપની અને ઓપરેટરોના નામ હોવાના સમાચાર વહેતા થતાં બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. આખરે સરકાર જાગી છે અને કેન્દ્રીય ગાૃહ મંત્રાલયે એવો આદેશ આપ્યો છે કે આઇબીનો રિપોર્ટ લીક થયો છે તેની અને તેનો લાભ લઇને બજારમાં જે લોકો લાભ લઇ રહ્યા છે તેની સામે તપાસ કરવામાં આવશે. આ રિપોર્ટને લઇને ટોપટુ બોટમ સુધીની તપાસ કરવાનો આદેશ અપાયો છે.
ઊલ્લેખનીય છે કે ગઇ કાલે આઇબીના  રિપોર્ટમાં રૂચિ સોયા, કે.એસ.ઓઇલ, શ્રી અષ્ઠવિનાયક અને કરૂતરી ગ્લોબલ કંપનીના નામ ઊછળ્યાં હતા. જોકે આજે આ ત્રણેય કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે અમારી કંપનીમાં કોઇ પણ પ્રકારની તપાસ ચાલતી નથી. આ કંપનીના શેર છેલ્લા બે-ત્રણ દિવસમાં જ ૨૫થી ૩૦ ટકા જેટલા તૂટી ગયાં હતાં. આજે બજારમાં એવી વાતો ફેલાઇ કે આઇબીના રિપોર્ટમાં બે-ચાર નહ પણ અનેક કંપનીઓ અને ઓપરેટરોના નામ છે, જેમણે કાળા અને વિદેશી નાણાનો શેરબજારમાં ગેરઊપયોગ કર્યો હતો. આ સમાચાર પાછળ ખાસ કરીને સ્મોલ કેપ કંપનીના શેર ૪૫ ટકા જેટલા તૂટી ગયાં હતાં.
ઊલ્લેખનીય છે કે શેરબજારમાં આઇબીના રિપોર્ટને લઇને સુકાની સાથે લીલું પણ બળે તેમ તમામ શેર તૂટયાં હતાં. એક શેર વધ્યો હતો, જેની સામે ૨૦ શેર તૂટ્યાં હતા. ૭૦ ટકા શેરમાં ૧૦થી ૨૦ ટકા અને ૬૦૦ કંપનીના શેરમાં પાંચથી ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.
કે.આર.ચોકસી સિકયોરિટીના દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, નાના રોકાણકારો અત્યારે સમજી વિચારીને બજારમાં જાણીતી કંપનીમાં જ પૈસા લગાવે. કોઇ શેરમાં ગમે ત્યારે કોઇ મોટી વધઘટ જોવા મળે કે કંઇ સમાચાર આવે તો તુરંત જ બ્રોકરની સલાહ લઇને નિર્ણય લે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...