25 July 2018

સંગઠન એજ શક્તિઃ વાવ પંથકનાં ખેડૂતોએ કંપની બનાવી ૨૦ ટકા વધુ ભાવ મેળવ્યાં

રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડએ પહેલા જ વર્ષે ૨૦ લાખનું ટર્નઓવર કર્યું
ખેતપેદાશનું ગ્રેડિંગ કરીને વેચાણ કરતાં ખેડૂતોને બીજા કરતાં બોરીએ રૂ.૪૦૦ વધુ મળ્યાં

રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડનાં  બોર્ડ ઓફ ડિરેકટર્સ
ગુજરાતમાં કહેવાય છેકે સંગઠન એજ શક્તિ, જો ખેડૂતો આ વાતને ગળે ઉતારીને ખેતકાર્ય કરે તો બીજા ખેડૂતોની તુલનાએ બે પૈસા વધુ રળી શકે તેમ છે. ઉત્તર ગુજરાતનો છેવાડાનો વિસ્તાર એટલે બનાસકાંઠાનાં થરાદ-વાવ પંથકમાં પહેલેથી જ પાણીની સમસ્યાઓ હતી, પરંતુ ખેડૂતો ખેતીમાં રોદણા રોવાને બદલે વધુ કમાણી કઈ રીતે થાય તેનો રસ્તો શોધી કાઢ્યો અને બે વર્ષ પહેલા ખેડૂતોએ પોતાની જ કંપની બનાવી દીધી અને આજે એજ સ્થિતિ છેકે બીજાની તુલનાએ તેઓ વધારે કમાણી કરી રહ્યાં છે.
વાવ પંથકનાં કોળાવા ગામનાં પ્રગતિશીલ ખેડૂત માવજીભાઈ પટેલની આગેવાનીમાં આ વિસ્તારનાં ૧૦થી વધુ ગામનાં ખેડૂતોએ એકઠા થઈને બે વર્ષ પહેલા રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડની સ્થાપના કરી. આ કંપનીની પ્રગતિ અને ઉદભવ વિશે વાત કરતા કંપનીનાં ચેરમેન માવજીભાઈ પટેલ (મો.૮૦૦૦૮૩૫૮૮૫) કૃષિ પ્રભાતને  વાત કરતાં જણાવે છે કે ખાતર કંપની ઈફ્કો કિશાનનાં ખેડૂતો અંગેનાં તાલિમ કાર્યકર્મ મારફતે અમને આ કંપનીની જાણકારી મળી અને ત્યાર બાદ ૧૬ મી મે ૨૦૧૬નાં રોજ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતો વેલ્યુએડીશન કરીને એજ પાકમાં કંઈ રીતે વધુ કમાણી કરી શકે તે હેતુંથી કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીની સ્થાપનાં બાદ તેનાં શેરહોલ્ડર ખેડૂતોને સરેરાશ ૧૫થી ૨૦ ટકા ભાવ વધારે મળ્યાં છે.
તેઓ વધુમાં કહે છે કંપનીની સ્થાપના બાદ ઈફકો દ્વારા જ રૂ.૬ લાખનાં ખર્ચે જીરૂનું ગ્રેડિંગ મશીન કંપનીને આપવામાં આવ્યું હતું અને તેનાં દ્વારા આ કંપનીનાં ખેડૂતો ગ્રેડિંગ કરીને જ યાર્ડમાં જીરૂ વેચાણ કરી રહ્યાં છે. કંપનીનાં શેરહોલ્ડરો સિવાયનાં કોઈ બહારથી ખેડૂતો ગ્રેડિંગ કરવા આવે તો અમે એક કિલોનાં એક એમ બોરીએ રૂ.૬૦નો ચાર્જ લઈને ગ્રેડિંગ કરી આપીએ છીએ. આ ગ્રેડિંગ કરેલું જીરૂ ખેડૂતો બજારમાં વેચાણ કરવા જાય છે તો તોને બીજાની તુલનાએ બોરીએ રૂ.૪૦૦થી ૪૫૦ વધારે મળી રહ્યાં છે.
જીરૂનું ગ્રેડિંગ કરવાનું મશીન

જીરૂનાં વાયદામાં પણ કમાણી કરી
કંપનીઓ પોતાનાં સભ્ય ખેડૂતો પાસેથી જીરૂની ગ્રેડિંગ પ્રમાણે ખરીદી કરીને આશરે ૧૦ ટન જીરૂનો વાયદામાં વેપાર કર્યાં હતાં, જેમાં અમે રૂ.૩૨૦૦માં ખરીદી કર્યાં બાદ તેનાં રૂ.૪૨૦૦નાં ભાવ મળ્યાં હતાં. આમ અમને મણે રૂ.૧૦૦૦ વધુ મળ્યાં હતાં. કંપનીઓ વિતેલા એક વર્ષમાં વિવિધ ખેતપેદાશ, બિયારણ-દવાનાં વેચાણ મારફતે કુલ રૂ.૨૦ લાખનું ટર્નઓવર કર્યું છે. આ ટર્નઓવરમાંથી જ નફો થશે તો જ ખેડૂત શેરહોલ્ડરોને આ વર્ષે ડિવીડંડ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.
કંપનીનું ભાવિ આયોજ
કંપની પોતાનાં સભ્ય ખેડૂતોને દવા, ખાતર, બિયારણ યોગ્ય અને વ્યાજબી ભાવથી મળી રહે એ માટે વેચાણ કરવાનું આયોજન ઘડી રહી છે. આગામી રવિ સિઝનથી રેગ્યુલર વેચાણનું આયોજન છે. આ ઉપરાંત જીરૂનાં પેકેટમાં વેચાણ માટે ફુડ સેફ્ટી ઓથોરિટીનું લાઈસન્સ લેવાની હાલ  પ્રક્રીયા ચાલુ છે.

ખેડૂતો પોતાનાં ખેતરનાં શાકભાજી ખાય એ માટે પ્રયાસ
કંપનીનાં ચેરમેન માવજીભાઈકહે છે કે ૯૦ ટકા ખેડૂતો શાકભાજી બજારમાંથી ખરીદે છે, પરંતુ કંપનીનાં ખેડૂતો પોતાનાં જ ખેતરનાં શાકભાજી ખાય એ માટે દરેક ખેડૂતોને મરચાં, તુરિયા, ભીડાં, સહિતનાં શાકભાજીનાં જરૂરિયાત પ્રમાણે રોપાનું વિતરણ કરવામાં આવે છે. હાલ આ વિસ્તારનાં ૧૦ ટકા ખેડૂતો પોતાનાં ખેતરનાં શાકભાજી ખાતા થયાં છે. કંપની દ્વારા દાડમ, સાગ અને પપૈયાનું પણ બજારની તુલનાએ ઓછા ભાવથી વેચાણ કરવામાં આવે છે.

ખેડૂત કંપનીનો પરિચય
નામઃ   રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ
ચેરમેનઃ        માવજીભાઈ પટેલ (મો. ૮૦૦૦૮૩૫૮૮૫)
શેરહોલ્ડરઃ      ૩૨૦ ખેડૂતો
સ્થાપનાઃ        ૧૬ મે, ૨૦૧૬
ટર્નઓવરઃ      ૨૦ લાખ

ખેડૂતોએ પોતાની જ કંપની બનાવી અને જીરૂની બ્રાન્ડ બનાવી વધુ કમાણીનો દ્વાર ખોલ્યો

રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં ૨૧ ગામનાં ૯૯૦ ખેડૂતોએ બનાસ ફાર્મર પ્રોડ્યુસર લિમીટેડ કંપની બનાવી અને ચોરાડ જીરૂની બ્રાન્ડ બનાવી
   
ઉદ્ઘાટન વેળાની તસ્વીર
ખેડૂતોની હરહંમેશ ફરિયાદ હોય છેકે ખેતપેદાશનાં પૂરતા ભાવ મળતા નથી, પરંતુ જો ખેડૂતો ધારે તો બીજા કરતાં વધુ ભાવ મેળવી શકે છે અને તેનામાં આવી તાકાત પણ રહેલી છે. તાજેતરમાં પાટણ પાસેનાં રાધનપુર અને સાંતલપુર તાલુકાનાં ખેડૂતોએ આ વાત સાબીત કરી આપી છે અને પોતાની જ કંપની ઊભી કરીને સૌપ્રથમવાર જીરૂની બ્રાન્ડ બનાવીને તેનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકાર પણ હાલ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(એફપીઓ)ને પ્રોત્સાહન આપી રહી છે, જેનાં ભાગરૂપે વિવિધ સંસ્થાઓનાં સહયોગથી ખેડૂતોની કંપનીઓ ઊભી થઈ રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન-રાધનપુરનાં સહયોગથી રાધનપુર અને સાંતલપૂર તાલુકાનાં ૨૧ ગામનાં  કુલ ૯૯૦ ખેડૂતોએ મળીને બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ નામની કંપનીની રચના કરી હતી અને ૨૨ એપ્રિલ ૨૦૧૬નાં રોજ તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. બે વર્ષનાં ટૂંકાગાળામાં જ કંપની હરફાળ ભરી રહી છે અને અખાત્રીજનાં બીજા દિવસે કંપનીએ પોતાની જીરૂની ચોરાડ બ્રાન્ડનું લોન્ચિંગ કર્યું હતું. કંપનીમાં ચેરમેન સહિત કુલ ૭ બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ હોય છે અને તેમનાં નેજા હેઠળ પોતાનાં સભ્ય ખેડૂતોનાં ગવાર અને  જીરૂનું રાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડિંગ કરીને બીજા ખેડૂતની તુલનાએ ઊંચા ભાવ મેળવે છે.
કરશનજી જાડેજા, ચેરમેન
બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડનાં ચેરમેન કરશનજી જાડેજા (મો.95863 12031)એ કૃષિ પ્રભાતને કંપની બનાવવાની પ્રેરણા વિશે વાત કરતાં કહે છેકે ૨૦૧૩માં અમે ૧૦ ખેડૂતોએ સાથે મળીને ૩૦૦ મણ જીરૂ ઊંચા ભાવથી અમદાવાદનાં એક મોલવાલાને વેચાણ કર્યું હતું. એ સમયે બજારમાં મણનાં રૂ.૧૭૦૦થી ૧૮૦૦નાં ભાવ હતા, જેની સામે અમે રૂ.૨૩૦૦માં વેચાણ કર્યું હતું. ઊંચા ભાવ મળ્યાં ત્યારે ખબર પડી કે સમુહ અને સંગઠન હોય તો બીજા કરતાં વધુ કમાણી થઈ શકે તેમ છે. પરિણામે બે વર્ષ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળીને આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
કરશનજીભાઈ વધુમાં કહ્યું કે અત્યાર સુધી ખેડૂતોને માલ એકઠો કરીને તેનું યોગ્ય સમયે વેચાણ કરીએ છે અને એક પગલા આગળ રૂપે હવે ચોરાડ બ્રાન્ડ ઊભી કરી છે. ચોરાડ એ સાંતલપુર વિસ્તારનાં ૨૪ ગામડાને એક પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેની ક્વોલિટી બીજા કરતાં સારી હોય છે, પરિણામે એ બ્રાન્ડથી પ્રથમ જીરૂનું પેકિંગ કરીને વેચાણ શરૂ કર્યું છે. આ માટે અમે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડનું લાઈસન્સ પણ લીધું છે અને પ્રથમ તબક્કામાં ૨૫૦ ગ્રામ પેકિંગમાં ચોરાડ જીરૂ લોન્ચ કર્યું છે, જેનો ભાવ રૂ.૬૨.૫૦ એટલે કે કિલોનાં રૂ.૨૫૦ છે. ભવિષ્યમાં મગ-મઠ અને ચણા-ઘઉનું પણ બ્રાન્ડિંગ, પેકિંગ અને ગ્રેડિંગ કરીને વેચાણ કરવાનું આયોજન છે.

પાટણ જિલ્લા કલેક્ટરનાં હસ્તે ચોરાડ બ્રાન્ડનું લોન્ચિંગ
અખાત્રીજનાં બીજા દિવસે-ગણેશ ચતુર્થીનાં દિવસે પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચોરાડ બ્રાન્ડની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે જીરૂનું ગ્રેડિંગ અને ક્લિનિંગ કરીને બજારમાં મકુતા ખેડૂતોને સારા ભાવ મળશે. આ પ્રસંગે કંપનીનાં પશુઆહાર કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાનાં કલેક્ટરનાં હસ્તે લોન્ચિંગ થયું તે પ્રસંગની તસ્વીર
કાર્યક્રમમાં પદ્મશ્રી ગેનાભાઈ પટેલ દ્વારા માર્કેટીંગ ઉપર ભાર મૂકી ચોરાડ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળે એ વાત ઉપર ભાર મુકવાની પણ વાત કરી હતી. સરદાર સરોવરના એક્ઝિક્યુટિવ ડાયરેકટર મારવીયા દ્વારા જીરાની ગુણવત્તા જળવાય અને સ્પર્ધામાં ટકી રહેવા માટે આ બ્રાન્ડનો વ્યાપક પ્રચાર કરવા પર ભાર મુક્યો હતો. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના નાયરભાઈએ ખેડૂતો કંપની બનાવી તેમની ઉપજનું એક પ્લેટફોર્મ પર વેચાણ કરશે તો આવક બમણી કરવામાં આ સારું પ્લેટફોર્મ છે વધુમાં વધુ ગામ અને ખેડૂતો ને ઉત્પાદક કંપની માં જોડાવા માટે આહવાન કર્યું હતું. NCDEX ના  અનુપમ ચતુર્વેદી દ્વારા જીરા અને ગુવારના માર્કેટીંગમાં સરાહનીય કામગીરી અને હજી વધુ કોમોડિટી આ પ્લેટફોર્મ દ્વારા વેચાણ થાય તો ખેડુતોને આનો વધુ ફાયદો થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ભરત પટેલ, હેમજીભાઈ પટેલ સહિત ફાઉન્ડેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કંપનીની અત્યાર સુધીની યાત્રા કંપનીના ચેરમેન કરસનજી જાડેજાએ કરી હતી જ્યારે સ્વાગત પ્રવચન બાબુજી ઠાકોર અને આભાર વિધિ કાનજી ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.૩૦૦ થી વધુ શેરહોલ્ડર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


કંપનીનાં ખેડૂતોને કમાણી જ કમાણી...
-નોટબંધી સમયે ખેડૂતોને ગવાર કોઈ લેવા તૈયાર નહોંતું અને એ સમયે બજારમાં મણનાં રૂ.૫૭૦નાં ભાવ ચાલતાં હતાં.આ સમયે કંપનીએ એક હજાર મણ ગવાર એનસીડેક્સનાં ડીસા ગોડાઉનમાં ડિમેટ કરાવ્યો હતો અને પાછળથી આ ગવાર રૂ.૬૯૮માં ખપ્યો હતો. આમ ખેડૂતોને વધુ ભાવ મળ્યાં હતાં.
-હાલ પોતાનાં શેરહોલ્ડર-ખેડૂતો પાસેથી ૩૦૦ મણ જીરૂ રૂ.૩૦૦૦ ભાવથી ખરીદી કર્યું છે અને જુલાઈ-ઓગસ્ટમાં ભાવ  ઊંચકાશે ત્યારે તેનું વેચાણ કરશે અથવા તો પેકિંગમાં તેનું વેચાણ કરવા ઉપયોગ કરાશે. પાછળથી જે નફો થાય તે ખર્ચ બાદ કરીને ખેડૂતોને જ ચેકથી પરત આપવામાં આવશે.

28 March 2017

સીડલેસ લેમનની ૭૮૬ છોડમાં ખેતી કરીને લાખોની કમાણી કરતાં પીપલગનાં કિરણભાઈ પટેલ



કિરણભાઈની વાડીમાં અંબીકા એગ્રોનાં સીડલેસ લીંબુનાં ટીશ્યુનું વાવેતર કરેલા છોડને જોવા ગુજરાતનાં ખુણે-ખુણેથી ખેડૂતો-વૈજ્ઞાનિકો આવી રહ્યાં છે....
ખેડા જિલ્લાનાં પીપલગ ગામનાં પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ ફુલાભાઈ પટેલ (મો. 9712140339) પોતાની વાડીમાં

ગુજરાતમાં છેલ્લા એક- બે વર્ષથી સીડલેસ લીંબુની ખેતીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ હજુ સુધી તમામ જગ્યાએ ખેતી થત્તી નથી. આધુનિક યુગમાં જો સીડલેસ લીંબુની ખેતીમાં ખેડૂતો ધારે તો લાખ્ખોની કમાણી કરી શકે છે. આવું જ એક શ્રેષ્ઠ ઉદાહારણ ખેડા જિલ્લાનાં પીપલગ ગામનાં પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ ફુલાભાઈ પટેલ (મો. 9712140339) છે. સમગ્ર પંથકમાં કિરણભાઈએ સીડલેસ લીંબુની સૌથી પહેલા ખેતી કરી હતી અને હજુ તો પહેલા વર્ષે જ લાખ્ખોની કમાણી કરી છે.
અમદાવાદ-નડીયાદ નેશનલ હાઈવે પર ગુટાલ ગામની સીમમાં કિરણભાઈનું ખેતર છે અને તેઓ ધો.૧૦માં નાપાસ થત્તા પીતાએ ભણવાનું છોડીને ખેતીમાં જોંતરવાની વાત કરી હતી. આ વાત કિરણભાઈને મનમાં ઉતારી લીધી હતી અને નાનપણથી જ તેમને લીબું કે બીજા નવીન પાકોનાં પ્રયોગો કરવાનાં શોખીન હતાં. કિરણભાઈને ગત વર્ષે સીડલેસ લીબુંની ખેતીની વાત જાણવા મળી હતી અને ત્યાર બાદ અંબીકા એગ્રોનાં સીડલેસ લીંબુનાં ટિશ્યુને લઈને કિરણભાઈએ સાડા ત્રણ વિઘામાં સીડલેસ લીંબુની ખેતી ચાલુ કરી હતી. આજે ૧૪ મહિનાનો છોડ થઈ ગયો છે અને શરૂઆતનાં તબક્કામાં સારૂ ઉત્પાદન થયું છે. સીડલેસ લીંબુમાં હાલ પ્રતિ કિલો રૂ.૫૦નાં ભાવ મળી રહ્યાં છે.
કિરણભાઈ કહે છે કે સાડા ત્રણ વિઘામાં લીંબુનું વાવેતર કર્યું છે અને આંતરપાક તરીકે તરબૂચનું વાવેતર કર્યું છે. સાડા ત્રણ વિઘામાં કુલ ૭૮૬ રોપાનું વાવેતર કર્યું છે. એક છોડ દીઠ સરેરાશ ૧૦થી ૧૨ કિલોનું ઉત્પાદન થવાનો અંદાજ છે. હાલનાં તબક્કે પ્રતિ કિલો રૂ.૫૦નાં ભાવ મળી રહ્યાં છે, પરંતુ આગામી મે-જૂન મહિનામાં રમઝાન મહિના દરમિયાન ભાવ વધીને રૂ.૧૦૦ પ્રતિ કિલો થવાની ધારણાં છે. હાલ મે-જૂન મહિનામાં નવો ફાલ આવે એ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે.
સીડલેસ લીંબુની ખાસિયત વિશે તેઓ કહે છેકે સામન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઠંડીમાં વાવેતર કરવામાં આવે તો વધુ ઉત્પાદન મળી શકે છે. બાકી સીડલેસમાં પાક તો બારેમાસ આવતા હોય છે, પરંતુ વાવેતર એજ રીતે કરીએ તો ઉનાળામાં પીક સિઝન કે રમઝાન મહિનો આવતો હોય એવા સમયે લીંબું આવે તો ઊંચા ભાવનો લાભ મળે છે અને વધુ કમાણી પણ થઈ શકે છે. સીડલેસ લીંબુમાં કિરણભાઈ રાસાયણીક ખાતરની સાથે પોતાનું જાતે બનાવેલું ઓર્ગેનિક ડિ-કમ્પોસ્ટ ખાતર કે જે શેરડીનાં ભુંસા અને પોલ્ટ્રી ફાર્મની વસ્તુનું મિશ્રણ કરીને બનાવે છે. જેને પણ પૂરતી માત્રામાં લીંબુનાં છોડમાં સમયાંતરે છાંટવામાં આવે છે. પરિણામે ઉત્પાદન ખૂબ જ સારૂ મળે છે.
કીરણભાઈની સાથે કૃષિ પ્રભાતનાં ન્યૂઝ એડીટર દિપક મહેતા
 સીડલેસ લીંબની ખેતીમાં કમાણી વિશેની વાત કરતાં કિરણભાઈ કહે છેકે લીંબુનાં એક છોડદીઠ રૂ.૧૭૦નો ખર્યો થયો છે અને ૧૫ મહિનામાં લીંબુનું ૫૦ રૂપિયો કિલો વેચાણ થાય તો પણ આશરે છોડદીઠ રૂ.૬૦૦ની કમાણી થવાનો અંદાજ છે.  લીંબનું વચ્ચે આંતરપાક તરીકે તરબૂચનું વાવેતર કર્યું છે, જેમાં પણ એકથી ૧.૫૦ લાખની કમાણી થવાનો અંદાજ છે. ગત વર્ષે (નવેમ્બર-૨૦૧૬માં)લીંબુમાં આંતરપાક તરીકે બીટનું વાવેતર કર્યું હતુ અને તેમાંથી ૧.૫૦થી ૧.૭૫ લાખની કમાણી થઈ હતી.
કિરણભાઈ સીડલેસ લીંબુંની કેવી સંભાળ રાખે છે?
કિરણભાઈએ સીડલેસ લીંબુની ખેતીમાં વધુ કમાણી માટે ખેતરમાં ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી છે. ૧૨ બાય ૮ ફુટનાં અંતરે છોડનું વાવેતર કર્યું છે અને થડની ફરતે ખામણા કરેલા છે. લીંબુમાં દર ૧૫ દિવસે ઓર્ગેનિક દવા અને જાતે બનાવેલું ખાતર આપે છે. જીવાત કંન્ટ્રોલમાં ન આવે તો જંતુનાશક દવાનો છંટકાવ કરીએ છીએ. સીડલેસ લીંબુની ખેતીની સાથે બજાર ભાવથી પણ વાકેફ રહીએ છીએ અને જ્યારે બજાર વધવાનું હોય એ  સમયે  વેચાણ કરવાથી સારા ભાવ મળે છે.
નીશા મરચીની ખેતીમાં પણ અઢળક કમાણી
કિરણભાઈ પાસે કુલ ૧૭ વીઘા જમીન છે, જેમાંથી પાંચ વીઘામાં મલેશિયન-મીલીયા ડુબિયા લીમડા, ૨.૫૦ વીઘામાં નિલગીરી, સાડા ત્રણ વીઘામાં લીંબુની સાથે ચાલુ વર્ષે ૪ વીઘામાં મરચાંની પણ ખેતી કરી છે. કિરણભાઈ મરચાંની ખેતી વિશે કહ્યું છે કે હું ઘણા વર્ષોથી મરચાંની ખેતી કરું છું અને છેલ્લા ૬-૭ વર્ષથી નીશા મરચીનું જ વાવેતર કરું છું. ચાલુ વર્ષે મને અત્યાર સુધીમાં એક પણ વાર રૂ.૧૨ કિલોથી નીચેનાં ભાવ મળ્યા નથી. અત્યાર સુધીમાં રૂ.૭૫ હજારની આવક થઈ ચૂકી છે. હજી માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન બીજી બે વીણી આવશે અને વીઘે દોઢથી બે લાખની કમાણી થવાનો અંદાજ છે. મરચાંની ખેતીમાં અત્યારે ગમે તેવી સ્થિતિમાં પણ વીઘે દોઢ લાખથી ઓછી કમાણી થઈ નથી.
(અહેવાલઃ દિપક મહેતા મો.09374548215)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...