27 December 2014

Government hikes 5% import duty on crude, refined edible oil

ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો
-ક્રૂડખાદ્યતેલની ડ્યૂટી વધીને ૭.૫ ટકા અને રિફાઈન્ડની ૧૫ ટકા થઈ- સરકારને રૃા.૫૦૦૦ કરોડથી વધુની આવક થશે
આખરે કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. દેશનાં તેલીબિયાં ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી વધારવાની માંગ હતી, જે આંશિક સંતોષાય છે. કેન્દ્રીય કસ્ટમ વિભાગે ક્રૂડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૨.૫ ટકાથી વધારીને ૭.૫ ટકા અને રિફાઈન્ડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે. આમ તમામ પ્રકારનાં ખાદ્યતેલની ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો થયો છે. જોકે વર્તમાન ડ્યૂટી વધારાથી હજુ પણ દેશનો ખાદ્યતેલ ઉદ્યોગ નારાજ હોવાની લાગણી ઊભી થઈ છે.
દેશમાં ખાદ્યતેલની ઓક્ટોબરમાં પૂરી થયેલી સિઝનમાં રેકર્ડબ્રેક ૧૧૬ લાખ ટનની ખાદ્યતેલની આયાત થઈ હતી, જે અગાઉનાં વર્ષે ૧૦૪ લાખ ટનની થઈ હતી. વળી છેલ્લા પાંચ મહિનામાં દેશમાં ૫૫થી ૫૭ લાખ ટન ખાદ્યતેલની આયાત થઈ હતી, જેને કારણે તેલીબિયાં લોબી દ્વારા અનેક વાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દેશમાં વાર્ષિક રૃા.૬૦,૦૦૦ કરોડની ખાદ્યતેલની આયાત થાય છે, જે મુજબ રૃા.૫૦૦૦ કરોડની આવક સરકારને થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ સરકારનાં નિર્ણયથી નારાજ છે. તેમનાં મતે ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્યતેલ વચ્ચે ઓછામાં ઓછો ૧૫ ટકાનો ડ્યૂટી ફરક હોય તો જ દેશની રિફાઈનરીઓ ચાલુ રહી શકે છે, પરંતુ વર્તમાન પગલાથી દેશમાં ચાલુ વર્ષે ખાદ્યતેલની આયાત વધવાની પૂરે પૂરી સંભાવનાં છે. દેશની રિફાઈનરીઓ અત્યારે તેની ક્ષમતા કરતાં ૩૦થી ૩૫ ટકા જ કેપિસીટમાં ચાલુ છે.
સરકારનાં નિર્ણયને પગલે આજે તમામ ખાદ્યતેલનાં ભાવમાં ૧૦ કિલોએ રૃા.૫થી રૃ.૧૨નો વધારો જોવા મળ્યો હતો. પામતેલનાં ભાવ સરેરાશ ૧૦ કિલોએ રૃા.૧૦ વધ્યાં હતાં.

ખાદ્યતેલમાં ડ્યૂટી પાંચ ટકાનો વધારો છત્તા દેશનો રિફાઈનરી ઉદ્યોગ નારાજ
ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ડ્યૂટી ફરક માત્ર ૭.૫ ટકા જ હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છત્તા દેશનો ખાદ્યતેલ-રિફાઈનરી ઉદ્યોગ નારાજ છે. આ ક્ષેત્રનાં જાણકારોનું કહેવું છેકે ક્રૂડ અને રિફાઈન્ડ વચ્ચે ૭.૫ ટકાનો જ ડ્યૂટી ફરક હોવાથી સસ્તી આયાતનો પ્રવાહ ચાલુ જ રહેશે.
ઉદ્યોગજગતને કોઈ જ રાહત થવાની નથી ઃ ડો.બી.વી.મહેતા
સોલવન્ટ એક્સટેકટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)નાં એક્ઝિક્યુટીવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાંચ ટકા ડ્યૂટી વધારાથી ઉદ્યોગજગતને કોઈ રાહત થવાની નથી. અમારી સરકાર પાસે બે એન્ગલથી માંગ હતી કે એક તો ડ્યૂટી વધારો તમે ખેડૂતોનાં હીતમાં કરો અને બીજું કે રિફાઈનરી ઉદ્યોગને રાહત મળે. આ બેમાંથી ડ્યૂટી વધતા ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગને કોઈ ફાયદો નહી થાય. ક્રૂડ અને રિફાઈન્ડ ડ્યૂટી વચ્ચેનો ફરક ૧૫ ટકા રહે તેવી અમારી માંગ હતી અને અમે ક્રૂડ તેલ ઉપર ૧૦ ટકા અને રિફાઈન્ડ ઉપર ૨૫ ટકા ડ્યૂટી લાદવાની માંગ કરી હતી. સરકારે બંને ઉપર પાંચ ટકા વધારી છે, પરંતુ ડ્યૂટી ફરક ૭.૫ ટકા જ રહ્યો છે. પરિણામે મલેશિયા અને ઈન્ડોનેશિયા ફેબ્રુઆરીમાં જ્યારે ક્રૂડપામતેલ ઉપર નિકાસ ડ્યૂટી લાગુ પાડશે ત્યારે અહીં ૭.૫ ટકાનાં ફરકને લીધે ડ્યૂટી વધારાની અસર નીલ થઈ જશે. પાંચ ટકા ડ્યૂટી વધવા છત્તા ચાલુ વર્ષે આયાત વધીને ૧૨૫ લાખ ટને પહોંચે તેવી પૂરી સંભાવનાં છે.
અમે સરકારનાં નિર્ણય અંગે ફેર રજૂઆત કરીશું અને અમારી એ પણ માંગ છેકે ડ્યૂટી વધારાથી સરકારને કુલ રૃા.૫૦૦૦ કરોડની આવક થશે, જે નાણા તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે અને લઘુત્તમ ટેકાનાં ભાવથી ખરીદી કરવાની  સિસ્ટમમાં ઉપયોગ થાય. ગત વર્ષે નાફેડ પાશે પૂરતું ફંડ ન હોવાથી ગુજરાત સહિતનાં દેશનાં મગફળીનાં ખેડૂતોને નુકસાન થયું હતું. જેવું ભવિષ્યમાં ન થાય તે જરૃરી છે.
મલેશિયા-ઈન્ડો. પામતેલનાં ભાવ ઘટાડશે ઃ વીજય ડાટા
સીનાં પૂર્વ પ્રમુખ વીજય ડાટાએ જણાવ્યું હતુંકે ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગકારોને નહીં. મેલશિયા અને ઈન્ડોનેશિયા પામતેલનાં ભાવ ઘટાડે તેવી ધારણાં છે. સરકારે ક્રૂડતેલની ૨૫ ટકા અને રિફાઈન્ડની ૩૭.૫ ટકા ડ્યૂટી વધારવી જોઈએ.
સરકારનો નિર્ણય અધકચરો છે ઃ સમીરભાઈ શાહ
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિયેશન(સોમા)નાં પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે વધારો જરૃરી હતી, પરંતુ સરકારે ઓછો વધારો ક્યો છે. સરકારનો નિર્ણય અધકચરો હોય તેવું લાગે છે. સરકારે કોઈ એવો નિર્ણય લેવો જોઈએ કે જેથી સ્થાનિક તેલનોવપરાશ વધે અને એ વધશે તો ખેડૂતોને ભાવ મળશે અને દેશમાં ઉત્પાદનમાં પણ વધારો થશે. એક તબક્કે સોયા ઉપર ૪૫ ટકા અને પામતેલ ઉપર ૮૫ ટકા ઉપરની ડ્યૂટી હતી, એની સરખામણીમાં હાલ ડ્યૂટી ઘણી ઓછી છે એટલે આયાત તો વધવાની જ છે. વળી આ વર્ષે પાક પણ ઓછો છે.
ડ્યૂટીમાં ૧૦ ટકાનો વધારો થવાની જરૃર હતીઃ બાબુલાલ ડાટા
રાજસ્થાન સ્થિત મસ્ટર્ડ ઓઈલ પ્રોડ્યુસર એસો.(મોપા)નાં પ્રમુખ બાબુલાલ ડાટાએ જણાવ્યું હતું કે ડ્યૂટી વધારાની જરૃર હતી, પરંતુ ઓછો વધારો થયો છે. ૧૦ ટકા ડ્યૂટી વધે તે જરૃરી છે. હાલમાં પણ  સ્થાનિક કરતા વિદેશી તેલ સસ્તા હોવાથી આયાત વધે તેવીપૂરી શક્યતા છે.
ડ્યૂટી ૧૫ ટકાને બદલે પાંચ ટકા જ વધી ઃ અનિલ છત્તર
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગ કંપનીનાં અનિલ છત્તરે જણાવ્યું હતું ડ્યૂટી ૧૫ ટકા વધવાની ધારણાં હતી,પરંતુ પાંચ ટકા જ વધી છે. ઉદ્યોગજગતને થોડી રાહત થશે. અમુક તેલોની આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો થાય તેવી ધારણાં છે.



No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...