19 January 2015

Garlic Price Rise

લસણમાં દેશાવરની ધૂમ માંગથી બે દિવસમાં મણે રૃા.૨૦૦થી ૨૫૦નો ઉછાળો
- મધ્યપ્રદેશમાં પણ કિવન્ટલે રૃા.૫૦૦થી ૧૫૦૦નો વધારો

લસણ બજારમાં લાલચોળ તેજી જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં દેશાવરની ધૂમ ઘરાકીને કારણે સૌરાષ્ટ્રના પીઠાઓમાં મણે રૃા.૨૦૦થી ૨૫૦નો ઉછાળો આવ્યો છે. મધ્યપ્રદેશ અને યુ.પી.માં નવા લસણની આવકો શરૃ થઈ છે, પરંતુ તેની નબળી ક્વોલિટી અને જૂના લસણમાં બગાડનાં સમાચારને પગલે બજારો ઝડપથી ઊંચકાયા છે. બજારનો ટોન હજુ પણ મજબૂત હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓ આજે ગોંડલમાં હતાં. પરિણામે ગોંડલમાં લસણનાં ભાવ વધીને ઉપરમાં રૃા.૧૩૮૧ સુધીમાં વેચાણ થયાં હતાં. આ ભાવથી ૧૦૦ ગુણીનાં વેપાર થયા હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. રાજકોટમાં પણ રૃા.૧૧૦૦ ઉપરનાં ભાવ ક્વોટ થયાં હતા. ગોંડલમાં ૯ હજાર ગુણીની આવક સામે ૬ હજાર ગુણીનાં વેપારો થયાં હતાં.
ગોંડલનાં સુધીર એન્ટરપ્રાઈઝનાં પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ.પી.માં લસણ ઉગવા લાગ્યું છે અને નવી આવકો પણ ઓછી છે. સરેરાશ ચાલુ વર્ષે ઉત્પાદન જ ઓછું છે. સાઉથની ઘરાકી પણ સારી છે અને આવકો છેલ્લા બે-ચાર દિવસથી કપાય ગઈ છે, જેને કારણે લસણમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લસણમાં બે દિવસમાં રૃા.૨૦૦થી ૨૫૦નો વધારો થયો છે. સારી ક્વોલિટીનાં લસણમાં ગઈકાલે રૃા.૧૩૨૧નાં આજે રૃા.૧૩૮૧ કવોટ થયાં હતાં. બજારમાં હજુ પણ તેજી જોવા મળશે.
કેશોદનાં જતીનભાઈ દલાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનાં લસણની ક્વોલિટી અત્યારે સમગ્ર દેશમાં બેસ્ટ છે. છેલ્લા ત્રણ દિવસ એમ.પી.નાં મોટા ભાગનાં પીઠાઓ બંધ હતાં અને આજે ખુલ્યા બાદ પણ આવકો ૧૦થી ૧૨ હજાર ગુણીની માંડ થઈ હતી. જેને કારણે એમ.પી.નાં બજારો પણ ક્વિન્ટલે રૃા.૫૦૦થી રૃા.૧૫૦૦ વધ્યાં હતાં. એમ.પી.માં જે નવું લસણ ઊંટી ક્વોલિટી આવ્યું છે તેની પણ ક્વોલિટી નબળી છે અને જૂનું લસણ હવે ઓછું હોય તેવું લાગે છે. લસણની વર્તમાન સ્થિતિ જોતા લસણમાં તેજી થવાનાં ૯૫ ટકા ચાન્સ છે અને મંદી થવાનાં માત્ર પાંચ ટકા જ ચાન્સ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતો પણ મક્કમ હોવાથી વેચવાલી ઓછી કરી રહ્યાં છે. ગુજરાતમાં હાલ ૨થી ૨.૫૦ લાખ ગુણી ( એક ગુણી ૬૦ કિલો) લસણનો સ્ટોક હોવાનો અંદાજ છે જે હજુ એકાદ મહિનો ચાલશે. ગુજરાતમાં નવો લસણનો પાક ૨૦ ટકા જ છે, પરંતુ એ માલ બજારમાં આવે તેવું લાગતું નથી. પરિણામે બજારો આગળ ઉપર પણ વધે તેવી સંભાવનાં છે.
મધ્યપ્રદેશનાં મંદસૌરનાં વેપારી મદનલાલ જૈને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધુમ્મસ - ઝાકળની સાથે વરસાદની બુંદો પણ પડી રહી છે, જેને કારણે નબળી ક્વોલિટીનાં જૂનાં લસણમાં બગાડ ચાલુ થયો છે અને એ ઊગવા લાગ્યું છે. આ લસણ સ્થાનિક બજારો સિવાય ક્યાંય ચાલે નહીં. સાઉથમાં કે બીજા રાજ્યોમાં એમ.પી.નું સારૃ લસણ જ જાય છે. આવી સ્થિતિમાં બજારમાં આવકો પણ નથી, પરિણામે બજારો વધી રહ્યાં છે. વર્તમાન વાતાવરણથી લસણનાં ઊભા પાકને ફાયદો છે.
તેમણે નવા લસણની સ્થિતિ વિશે કહ્યું કે હાલ સમગ્ર એમ.પી.માં માંડ એક હજાર ગુણી આવતું હશે, જ્યાં સુધી નવા લસણની ૨૦થી ૨૫ હજાર ગુણીની દૈનિક આવકો ચાલુ ન થાય ત્યાં સુધી તેની નોંધ લઈ શકાય નહીં. મારા મતે આટલી આવકે ૧૫ ફેબ્રુઆરી પહેલા થાય તેવા કોઈ ચાન્સ નથી.
નવા લસણની આજે દલોડામાં ૪૫૦ ગુણીની હતી અને ભાવ ક્વિન્ટલનાં રૃા.૬૦૦૦થી રૃા.૧૫૦૦ હતાં. જ્યારે યુ.પી.નાં ઘીરોરમાં ૪૦૦થી ૫૦૦ ગુણી નવા દેશી લસણની આવક હતી. ભાવ ક્વિન્ટલનાં રૃા.૨૦૦૦થી રૃા.૫૫૦૦નાં હતાં. સરેરાશ ઘીરોરમાં ક્વિન્ટલે રૃા.૬૦૦થી ૭૦૦નો વધારો હતો.
દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓનાં સૌરાષ્ટ્રમાં ધામાં
સમગ્ર દેશમાં અત્યારે સૌરાષ્ટ્રનું જ લસણ જ બેસ્ટ અને સારી ક્વોલિટીનું છે અને બીજા રાજ્યોમાં લસણ મોટા ભાગે પૂરૃ થઈ ગયું હોવાથી દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓ છેલ્લા બે-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં આવ્યાં છે. વેપારી સૂત્રોનાં કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશનાં ૭થી ૮ વેપારીઓ ગોંડલમાં છે અને ઓરિસ્સાનાં પણ બેથી ત્રણ વેપારીઓ આવ્યાં છે. મધ્યપ્રદેશનાં પણ બે-ત્રણ વેપારીઓ સૌરાષ્ટ્રમાં છે. મધ્યપ્રદેશનાં એક વેપારી પણ આજે વાયા ગુજરાત થઈને ચેન્નઈ રવાનાં થયાં હતાં. ગોંડલમાં ઊંચા ભાવ પાછળનું કારણ એક માત્ર દેશાવરનાં વેપારીઓની ખરીદી જ હતું તેમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું.
(Date 16 jan.2015)

No comments:

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...