યૂક્રેન
કટોકટીથી કોમોડિટીમાં તેજીની આગ
યૂક્રેનનો કોમોડિટી સાથે શું નાતો?
- -ઘઉંની નિકાસમાં વિશ્વમાં પાંચમા નંબરનો સૌથી મોટો દેશ
- -મકાઈની નિકાસમાં વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ
- -સનફ્લાવર તેલની નિકાસમાં વિશ્વનાં કુલ ટ્રેડમાં ૫૦ ટકા હિસ્સો
- -રાયડાની નિકાસમાં વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ
- -યૂરોપને પૂરા પડતા ગેસમાંથી ૫૦ ટકા ગેસ યૂક્રેનમાં પસાર થાય
ગુજરાત કરતા પણ ઓછી વસ્તી ધરાવતા યૂરોપિયન દેશ યૂક્રેનમાં
ઊભી થયેલી કટોકટીને પગલે વૈશ્વિક કોમોડિટી બજારમાં તેજીની આગ લાગી છે. યૂક્રેનની
બોર્ડર ઉપર આવેલા રશિયાએ યૂક્રેનમાં રહેતા પોતાનાં દેશવાસીઓને બચાવવા માટે લશ્કર
મોકલતા અને લશ્કરને બધા જ પ્રકારની છૂટછાટ આપતા અમેરિકાનાં પેટમાં પણ પાણી રેડાયું
છે. આટલું જ નહીં, પરંતુ રશિયાએ યૂક્રેનનાં ક્રાઈમિયા શહેરમાં
લશ્કરી હૂમલો પણ કર્યો છે. યૂક્રેનને લઈને બનેલી આ ઘટનાથી વૈશ્વિક બજારમાં
સોનું-ચાંદી, ક્રૂડતેલ, નેચરલ ગેસ અને
અનાજમાં ઘઉં-મકાઈ અને ખાદ્યતેલ બજારમાં પણ તેજીની આગ લાગી છે.
વૈશ્વિક ઘઉં-મકાઈ બજારમાં
તેજીઃ ઘઉં ૧૭ માસની ટોચે
યૂક્રેન ઘઉં અને મકાઈની નિકાસમાં અગ્રેસર છે. યૂક્રેન ઘઉંની
નિકાસમાં વિશ્વનો પાંચમાં નંબરનો અને મકાઈની નિકાસમાં વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી
મોટો નિકાસકાર દેશ છે. ઘઉંની નિકાસમાં એક દાયકા પહેલા રશિયા અને યૂક્રેનનો વૈશ્વિક
ટ્રેડમાં માત્ર ત્રણ ટકા હિસ્સો હતો, જે આજે વધીને ૧૭ ટકા થઈ ગયો છે.
યૂક્રેનમાં કટોકટીથી અનાજની નિકાસ ઉપર અસર થઈ શકે છે, જેની સૌથી મોટી અસર ચીનને થશે. ચીને ડિસેમ્બરમાં રેકર્ડબ્રેક
મકાઈની આયાત કરી હતી. યૂક્રેનનાં રિસર્ચ ગ્રૂપ એપીકે જણાવ્યું હતું કે, યૂક્રેનમાંથી ચીનમાં જાન્યુઆરીમાં રેકર્ડબ્રેક ૧.૯૦ લાખ ટનની નિકાસ થઈ હતી,
જે નવેમ્બરની રેકર્ડબ્રેક નિકાસ કરતા ૭૫ ટકા વધું હતી. આમ, ચીનમાં જે ટોચનાં પાંચ દેશોમાંથી મકાઈ આયાત થાય છે તેમાં યૂક્રેન પણ છે.
યૂક્રેને ગત ફેબ્રુઆરી મહિનામાં ચીનમાં પ્રથમવાર જવની પણ નિકાસ કરી હતી.
યૂક્રેની કટોકટીથી અનાજના નિકાસ વેપાર ઉપર મોટી અસર થશે, જેને પગલે આજે શિકાગો બોર્ડ ખાતે ઘઉં વાયદો ૫.૯ ટકા વધીને
૬.૩૮ ડોલર પહોંચ્યો હતો, જે ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ બાદની સૌથી
ઊંચી સપાટી હતી. જ્યારે મકાઈ વાયદો પણ ૩.૭ ટકા વધીને ૪.૮૦ ડોલર હતો, જે સપ્ટેમ્બર-૨૦૧૩ બાદની સૌથી ઊંચી સપાટી હતી.
નેચરલ ગેસ અને ક્રૂડતેલમાં
પણ તેજી
રશિયા યૂરોપિયન યુનિયનમાં જે ગેસની નિકાસ કરે છે, તેમાંનો અડધો અડધ ગેસની લાઈન યૂક્રેનમાંથી પસાર થાય છે.
રશિયા-યૂક્રેનનાં કોલ્ડવોરેને કારણે ગેસનાં પૂરવઠામાં અસર થવાના ડરે નેચરલ ગેસ
વાયદો આજે ૨.૮ ટકા વધ્યો હતો. યૂરોપનાં એક્સચેન્જમાં મે ગેસ વાયદામાં ૭.૮ ટકાનો
ઉછાળો હતો અને ભાવ ૧૦.૧૯ ડોલર પ્રતિ મિલિયન બ્રીટીશ થર્મલ યુનિટ હતા. રશિયાએ ગત
વર્ષે યૂરોપનાં કુલ વપરાશમાં ૩૦ ટકા ગેસ પૂરો પાડ્યો હતો.
ક્રૂડનાં પૂરવઠામાં પણ અસર થઈ શકે છે.૨૦૧૩માં સરેરાશ દૈનિક
૩.૧૩ લાખ બેરલ ક્રૂડ યૂક્રેનમાંથી પસાર થઈને બીજા દેશોમાં ગયું હતું. બ્રેન્ટ
ક્રૂડતેલ વાયદો આજે ૧૧૨.૧૦ ડોલર હતો.
આઈએનટીએલ એફસી સ્ટોનનાં એનાલિસ્ટ એડવર્ડ મેર કહે છેકે જે
રસિયા અને યૂક્રેન વચ્ચે સમાધાન નહીં થાય તો ક્રૂડતેલ અને ગેસનાં ભાવમાં મોટી તેજી
થઈ શકે છે અને વૈશ્વિક ઈકોનોમીમાં ફરી મંદીનાં વાદળો ઘેરાય શકે છે.
સોનું ચાર મહિનાની ટોચે, ચાંદીમાં પણ તેજી
યૂક્રેન, રશિયા અને
અમેરિકા વચ્ચેના કોલ્ડવોરને પગલે વિશ્વમાં મિની યુધ્ધનો ભય ફેલાતા સોનામાં
સુરક્ષીત રોકાણરૃપી માગ નીકળતા સોનું આજે વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું
હતું. કોમેક્સ ખાતે સોનું ૧૩૫૦ ડોલર હતું. સોનામાં ૨૦૧૪માં અત્યાર સુધીમાં ૧૨
ટકાનો ઉછાળો આવ્યો છે. વાયદામાં વોલ્યુમ પણ છેલ્લા ૧૦ દિવસની સરેરશ કરતા ૫૦ ટકા
વધ્યું છે. ચાંદી પણ ૧.૨ ટકા વધીને ૨૧.૪૯ ડોલર હતી.
સનફ્લાવર તેલમાં પણ તેજી, પામતેલ-સોયાને ટેકો
યૂક્રેન સનફ્લાવરનાં ઉત્પાદનમાં વિશ્વમાં ટોચ પર છે.
વૈશ્વિક બજારમાં સનફ્લાવર તેલનાં કૂલ પૂરવઠામાં યૂક્રેનનો હિસ્સો ૫૦ ટકા છે. ઓઈલ
વર્લ્ડના મતે ૨૦૧૩માં યૂક્રેનમાં સનફ્લાવરનું ઉત્પાદન ૧૧૦ લાખ ટનનું રેકર્ડબ્રેક
થયું હોવાનો અંદાજ છે. યૂક્રેન રાયડાનો પણ વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો
નિકાસકાર દેશ છે. યૂક્રેનની કટોકટીને પગલે સનફ્લાવર તેલનાં પૂરવઠામાં અસર થવાની
શક્યતા છે, જેને કારણે સમગ્ર ખાદ્યતેલમાં પણ તેજી જોવ
મળી રહી છે.
વૈશ્વિક બજારમાં સનફ્લાવર તેલમાં છેલ્લા એક મહિનામાં ૬૦થી
૭૦ ડોલર વધીને હાલ મુંબઈ જેએનપીટી ૯૬૦ ડોલર સીઆઈએફ બોલાય છે. સનફ્લાવરની તેજીની
અસર અન્ય ખાદ્યતેલમાં પણ જોવા મળી રહી છે. પામતેલ વાયદો પણ એક મહિનામાં ૧૦૦ ડોલર
વધીને હાલ ૮૯૦ ડોલર છે. સોયાબીન-રાયડામાં પણ તેજીની આગ છે.
વૈશ્વિક કોમોડિટી ઈન્ડેક્સ
છ માસની ટોચે
યૂક્રેનની કટોકટીને પગલે વૈશ્વિક કોમોડિટી ઈન્ડેક્સ પણ આજે
છ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ગોલ્ડમેન સાશનો કોમોડિટી ઈન્ડેક્સ ૨.૧ ટકા
વધીને ૬૬૩.૪૮ રહ્યો હતો. ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડતેલ વાયદો ૨.૮ ટકા, ઘઉં વાયદો ૪.૭ ટકા અને સોનું ૧.૭ ટકા વધતા કોમોડિટી ઈન્ડેક્સ
વધ્યો હતો.
રશિયાએ વ્યાજદર વધાર્યા, શેરબજાર ૧૨ ટકા તુટ્યું
યૂક્રેનની કટોકટીને ધ્યાનમાં રાખીને રશિયાની મધ્યસ્થ બેન્કે
વ્યાજદરમાં ૨ ટકાનો વધારો કર્યો છે. રશિયામાં બેન્ચમાર્ક વ્યાજદર ૫.૫ ટકાથી વધીને
૭.૫ ટકા થયા છે. આ જાહેરાતને પગલે આજે રશિયન શેરબજારમાં ૧૨ ટકાનો કડાકો બોલ્યો
હતો.