25 December 2014

Mustardsedd price touch two year high

રાયડામાં ઊભા પાકને નુકસાનીની સંભાવનાએ વાયદો બે વર્ષની ટોચે

રાયડા બજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. રાયડા જાન્યુઆરી વાયદામાં આજે ઈન્ટ્રા ડે રૃા.૪૩૧૫ની ઊંચી સપાટી જોવા મળી હતી જે છેલ્લા બે વર્ષનાં સૌથી ઊંચા ભાવ છે. વાયદામાં  છેલ્લા ૧૦ દિવસમાં રૃા.૩૦૦નો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ભાવ ૧૨ ટકા અને બે મહિનામાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. એક મહિનાં પહેલા રાયડા વાયદો ૨૮મી નવેમ્બરે રૃા.૩૮૬૧ની સપાટી પર હતો.
જયપૂરનાં મારૃધર ટ્રેડિંગનાં અનિલ છત્તરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ રાયડા અને રાયડાતેલમાં તેજીનો દોર ચાલુ રહે તેવી પૂરી સંભાવનાં છે. નવો પાક લેઈટ થસે અને જૂનો સ્ટોક ઓછો પડ્યો છે, જેને કારણે ભાવ વધી રહ્યાં છે. ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં પડેલા બરફ અને હીમપાતને કારણે પાકને નુકસાની થવાની પણ સંભાવનાં દેખાય રહી છે. જેને કારણે ચાલુવર્ષે ઉત્પાદન ૧૫થી ૨૦ ટકા ઘટે તેવી ધારણાં છે.

રાયડા વાયદા વિશે બ્રોકરેજ હાઉસનાં એનાલિસ્ટોનું માનવું છેકે આગામી દિવસોમાં ભાવ વધીને રૃા.૪૪૦૦ની સપાટી પાર કરી  શકે છે. પાકને જો વધુ નુકસાન થશે તો વાયદો રૃા.૪૫૦૦ની ઉપર પણ પહોંચે તેવી સંભાવનાં છે.

Palmoil price may rise to 19% in next 3 month

પામતેલ વાયદામાં ત્રણ મહિનામાં ૧૯ ટકાનો ઉછાળો આવશે ઃ એનાલિસ્ટો

-એમસીએક્સ પામતેલ વાયદામાં પણ ભાવ વધીને રૃા.૪૬૦-૪૮૦ થવાની આગાહી


પામતેલ વાયદામાં છેલ્લા થોડા દિવસથી તેજી જોવા મળી રહી છે. વિશ્વનાં ટેકનિકલ એનાલિસ્ટોનું માનવું છેકે મલેશિયન પામતેલ વાયદામાં વર્તમાન ચાલ જોતા આગામી ત્રણ મહિનામાં ભાવ ૧૯ ટકા વધે તેવી ટેકનિકલ ચાલ બતાવે છે.
ટેકનિકલ એનાલિસ્ટોનું કહેવું છેકે મલેશિયન પામતેલ વાયદો આગામી ત્રણ મહિનામાં વધીને ૨૬૪૯ રિગિંટની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ માટે મહત્તવનું રેઝિસ્ટન્સ લેવલ ૨૩૩૮ રિગિંટની સપાટી છે. બેન્ચમાર્ક માર્ચ વાયદો આજે ૧૦ રિગિંટ વધીને ૨૨૧૯ રિગિંટની સપાટી પર બંધ રહ્યો હતો.
ફિબોનેક્કી રિટ્રેચમેન્ટ પધ્ધતિ પ્રમાણે મલેશિયન પામતેલ વાયદામાં ૨૮મી ઓક્ટોબર ૨૦૦૮નાં રોજ ૧૩૩૧ રિગિંટની સપાટીથી ભાવ વધીને ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૧નાં રોજ ૩૯૬૭ની હાઈ જોવા મળી હતી. જે ૬૧.૮ ટકાનો ઉછાળો બતાવે છે. આ રેન્જમાં ૫૦ ટકાનાં લેવલે ૨૬૪૯ રિગિંટની સપાટી થાય છે જે લેવલ આગામી ત્રણ મહિનામાં જોવા મળી શકે છે. મલેશિયન વાયદો બીજી સપ્ટેમ્બરનાં રોજ ૧૯૧૪ રિગિંટની સપાટીથી એકધારો સુધરી રહ્યો છે. બીજી એક ચાલ એવી પણ છે કે ૩૯૬૭થી તેજી-મંદીનાં પાંચ વેવ પ્રમાણે પણ વાયદો વધીને ફરી ૨૬૪૯ રિગિંટ સુધી પહોંચી શકે છે. તેજીની સાઈકલનો સમય અને ભાવ જોતા પણ ૨૩૩૮ રિગિંટની સપાટી જોવા મળી શકે છે.
બીજી તરફ સ્થાનિક વાયદામાં પણ તેજીની સંભાવનાં ટેકનિકલ એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે. કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેેશ ભાટીયાનું કહેવુું છેકે ડોજી પેટર્ન પ્રમાણે જાન્યુઆરી ક્રૂડપામતેલ વાયદો વધીને રૃા.૪૪૨ અને ત્યાર બાદ રૃા.૪૬૨ સુધી જઈ  શકે છે. સ્ટોપલોસ રૃા.૪૧૫ ધ્યાનમાં રાખવો. જાન્યુઆરી વાયદો આજે રૃા.૪૩૫ પર બંધ રહ્યો હતો.
કેડિયા કોમોડિટીનાં મેનેજિંગ ડિરેકટર અજય કેડિયાનું કહેવું છે કે ક્રૂડપામતેલ વાયદો વધીને રૃા.૪૬૦ની સપાટી પર પહોંચશે. આ લેવલ વટાવશે તો ભાવ વધીને રૃા.૪૮૦ સુધી પણ જઈ શકે છે. સ્ટોપલોસ રૃા.૪૧૫નો ધ્યાનમાં રાખવો.

Jeera Price Rise Rs.2500 in one Month

જીરૂમાં તેજી, મહિનામાં રૂા.૨૫૦૦નો ઉછાળો

-ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતરમાં કાપને પગલે તેજીનો માહોલ
-ઉત્પાદન ઘટવાની ધારણાએ વાયદો મહિનામાં ૨૦ ટકા ઊંચકાયો

જીરૃમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીરૃનાં વાવેતરમાં ઘટાડો થયો હોવાથી જીરૃનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ક્વિન્ટલે રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. જાણકારોનું કહેવું  છેકે વાવેતર તો ઘટ્યું છે, પરંતુ નિકાસ પણ વધી રહી હોવાથી ભાવ હજુ પણ ઊંચકાશે.
જીરૃ જાન્યુઆરી વાયદામાં આજે ચાર ટકાની તેજીની સર્કિટ લાગતા ભાવ રૃા.૫૫૫ વધીને રૃા.૧૪૫૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ૨૫મી નવેમ્બરનાં રોજ રૃા.૧૨૧૦૦ હતાં. આમ એક મહિનામાં ૨૦ ટકા અથવા તો રૃા.૨૫૦૦નો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી વાયદો આજે વધીને રૃા.૧૫૦૦૦ની ઉપર પહોંચી ગયો હતો.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૨૨મી ડિસેમ્બર સુધીમાં જીરૃનું વાવેતર ૪૩ ટકા ઘટીને ૨.૫૦ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૪.૪૦ લાખ હેકટરમાં થયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવેતર ૫૦ ટકા કપાયુ છે. કચ્છમાં ગત વર્ષે ૩૧૯૦૦ હેકટર સામે ચાલુ વર્ષે માત્ર ૪૭૦૦ હેકટકરમાં વાવેતર થયું છે. ગુજરાત સરકારનાં અંદાજો પ્રમાણે રાજ્યમાં ગત વર્ષે ૪.૫૫ લાખ હેકટરમાં વાવેતર અને ૩.૪૬ લાખ ટન ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે.
રાજસ્થાનમાં પણ સત્તાવાર આંકડાઓ પ્રમાણે અત્યાર  સુધીમાં ૩.૩૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે.બે વર્ષ અગાઉ ૪.૯૫ લાખ હેકટરમાં થયું હતું.

કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાએ જણાવ્યું હતું કે જીરૃ વાયદામાં હજુ પણ તેજી જોવાશે અને જાન્યુ.વાયદો વધીને રૃા.૧૫૫૦૦ સુધી જઈ શકે છે. સ્ટોપલોસ રૃા.૧૩૨૦૦નો ધ્યાનમાં રાખવો.

24 December 2014

Trader Avoid new Basmati Rice Selling due to low price

જૂના બાસમતી ચોખાનાં જંગી સ્ટોકથી નવા ચોખાનું વેચાણ ટાળતા ટ્રેડરો

-નવા-જૂના ચોખા વચ્ચેનો બદલો રૃા.૪૦નો થતા વેપારીઓને નુકસાની ઃ નવા ચોખામાં પણ બ્રાન્ડ-નોન બ્રાન્ડ વચ્ચે મોટો બદલો

દેશમાં ચાલુ વર્ષે બાસમતી ચોખાનાં ભાવમાં જંગી ઘટાડો થવાને પગલે ટ્રેડરો નવા ચોખાનું વેચાણ ટાળી રહ્યાં છે. ગુજરાત સહિતનાં દેશનાં ટ્રેડરો પાસે જૂના બાસમતી ચોખાનો મોટો સ્ટોક પડ્યો હોવાથી તેમને જંગી નુકસાની સહન કરવી પડી રહી છે.
ઈરાનમાં બાસમતી ચોખાની નિકાસ ઘટી હોવાથી અને દેશમાં પણ મોટો પાક થયો હોવાથી સરેરાશ ગત વર્ષની તુલનાએ નવા ચોખામાં કિલોએ રૃા.૪૦થી ૪૫નો ઘટાડો થયો છે. નવા ચોખાની સિઝન આવી ગઈ હોવા છત્તા હજુ ઘણા સ્ટોર-મોલ કે છૂટક વેપારીઓને ત્યાં નવા ચોખાને બદલે જુના ચોખાનું વધારે વેચાણ થઈ રહ્યું છે. નવા અને જૂના ચોખા વચ્ચે બ્રાન્ડેડ ક્વોલિટીમાં તો રૃા.૫૦થી પણ વધુનો ભાવ બદલો છે.
ડીસાનાં ચોખાનાં ટ્રેડર એવા હિમાંશુભાઈ ભટ્ટે જણાવ્યું કે વેપારીઓ પાસે જૂના ચોખાનો સ્ટોક વધારે છે અને નવા ચોખાનાં ભાવ નીચા છે. વળી ગત વર્ષે મોટી તેજીને કારણે ટ્રેડરોએ ધારણાં કરતા પણ વધારે ખરીદી કરી હતી. પરિણામે હાલ આ સ્થિતિ ઊભી થઈ છે.
તેમણે કહ્યું કે ચાલુ વર્ષે નીચા ભાવને કારણે બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બાસમતી ચોખા વચ્ચેનો બદલો પણ મોટો છે. હરિયાણા બાજુની કેટલીક નોન બ્રાન્ડેડ મિલોનાં સારી ક્વોલિટીનાં આખા ચોખાનાં ભાવ કિલોનાં રૃા.૬૫ ચાલે છે, જેની સામે બ્રાન્ડેડવાળાનાં ભાવ રૃા.૯૦થી ૯૫ ચાલી રહ્યાં છે.

અમદાવાદનાં એક અન્ય ચોખાનાં ટ્રેડરે કહ્યું કે નવા બાસમતી ચોખાની આવકો હજુ પંદર દિવસ પછી વધી શકે છે. પ્રથમ તબક્કામાં ટ્રેડરો જૂના ચોખાનું વેચાણ કરવા માંગે છે. કેટલાક મોલવાળા પણ અત્યારે સ્કીમો કાઢીને જૂનો સ્ટોક ખાલી કરવાનાં મૂડમાં છે. જૂનો સ્ટોક ખાલી થયા બાદ નવા ચોખાનો જથ્થો બજારમાં વધે તેવી ધારણાં છે.

Mentha oil price Down

મેન્થાઓઈલનાં નફારૃપી વેચવાલીથી વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ
વાયદો સપ્તાહમાં ૧૦ ટકા ઊંચકાયા બાદ ફરી ઘટાડો જોવાયો

મેન્થા વાયદામાં નોન સ્ટોપ તેજીને બ્રેક લાગી હતી અને વાયદામાં ચાર ટકાની મંદીની સર્કિટ લાગી હતી. મેન્થાતેલમાં તાજેતરની તેજી બાદ ભાવ વધતા મથકોએ આવકોમાં વધારો જોવા મળ્યો હતો અને ટેકનિકલી પણ વાયદામાં નફારૃપી વેચવાલી આવતા ભાવ તુટ્યાં હતાં.
એમસીએક્સ ખાતે ડિસેમ્બર વાયદામાં ભાવ ગઈકાલે રૃા.૭૪૬ પર બંધ રહ્યાં હતાં, જે આજે રૃા.૩૦ ઘટીને રૃા.૭૧૬ની નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. વાયદામાં ચાલુ મહિનાની શરૃઆતમાં રૃા.૭૦૦ની અંદરનાં ભાવ હતાં.
મેન્થાઓઈલ અંગે જાણકારોનું કહેવું છેકે વાયદામાં હજુ પણ ઘટાડો થઈને ભાવ રૃા.૬૯૫ સુધી આવી શકે છે, પરંતુ એ સપાટીથી ફરી સુધારો જોવા મળશે. સિન્થેટીક મેન્થા અને નેચરલ મેન્થાનો ભાવ અત્યારે સરેરાશ એકસરખા જેવો જ હોવાથી નેચરલ મેન્થામાં મોટી તેજી થવી મુશ્કેલ છે, પરંતુ ટેકનિકલી ઉપરમાં રૃા.૭૫૦ની સપાટી વટાવશે તો ભાવ વધીને રૃા.૮૦૦ સુધી આગામી બેથી ત્રણ મહિનામાં પહોંચે તેવી ધારણાં છે.

મેન્થાઓઈલનું ચાલુ વર્ષે ઉત્પાદન ૧૦ ટકા ઘટે તેવી ધારણાં છે. હાલનો ઘટાડો આવકો વધવાને કારણે છે. યુ.પી.માં દૈનિક ૫૦થી ૮૦ ડ્રમની આવક થતી હતી, જે હાલ વધીને ૧૦૦ ડ્રમની ઉપર થઈ રહી છે. જેને કારણે ભાવ ઘટ્યાં છે તેમ ટ્રેડરોનું કહેવું છે.

Natural gas price Crase 25% in last 25 day

નેચરલ ગેસમાં મંદી, ભાવ ઘટીને બે વર્ષનાં તળિયે ઃ ૨૫ દિવસમાં ૨૫ ટકાનો કડાકો

-ક્રૂડતેલની ઊંધી ચાલતી કોમોડિટીમાં વધુ ઘટાડાની સંભાવનાં

અમેરિકામાં ઠંડીની ઋતું હોવા છત્તા ક્રૂડતેલની ચાલથી હંમેશા ઊંધી ચાલતી હોવાની છાપ ધરાવતાં નેચરલ ગેસ વાયદામાં ફરી કડાકો બોલી ગયો છે અને ભાવ બે વર્ષનાં તળિયે પહોંચી ગયાં છે. વૈશ્વિક બજારને પગલે સ્થાનિક બજારમાં પણ છેલ્લા ૨૫ દિવસમાં ૨૫ ટકાનો કડાકો બોલી ગયો છે.
વૈશ્વિક બજારમાં નેચલ ગેસ વાયદામાં સોમવારે ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો અને ભાવ જાન્યુઆરી ૨૦૧૩ બાદની સૌથી નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. વાયદો ૩.૧૪ ડોલર પ્રતિ મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટની સપાટી પર પહોંચ્યો હતો.
અમેરિકામાં ચાલુ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું હતું, જેને કારણે ગેસ વાયદામાં વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક ભાવ ઘટતા સ્થાનિક ડિસેમ્બર વાયદો પણ નવેમ્બર અંતમાં રૃા.૨૬૦ની સપાટીએ હતો, જે ઘટીને હાલ રૃા.૧૯૭ની નીચી સપાટીએ પહોંચીને હાલ રૃા.૨૦૦ની આસપાસ સ્થિર થવા મથી રહ્યો છે. આમ તેમાં ચાલુ મહિનામાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે.

કાર્વી કોમટ્રેડનાં કોમોડિટી હેડ અરબિન્દો પ્રસાદે જણાવ્યું હતું  કે અમેરિકામાં તપામાન સામાન્ય કરતાં ઊંચું રહેવાને  કારણે ભાવ ઊંચકાયાં હતાં.  રોકાણકારોને સલાહ છેકે ઉછાળે વેચાણ કરવામાં આવે. આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે તેવી ધારણાં છે. ડિસેમ્બર વાયદામાં રૃા.૨૦૫-૨૦૬ ઉપર વેચાણ કરે અને રૃા.૨૦૯નો સ્ટોપલોસ રાખો ભાવ ઘટીને રૃા.૧૯૫ સુધી જઈ શકે છે.

Gujarat Ravi Sowing 22 December

ગુજરાતમાં રવિ વાવેતરમાં ૨૬ ટકાનો ઘટાડો

ગુજરાતમાં ધાણાનું રેકર્ડબ્રેક ૮૮ હજાર હેકટરમાં વાવેતર ઃ વરિયાળીનું ૩૨ ટકા વધ્યું, જીરૃનું ૪૩ ટકા ઘટ્યું

 
ગુજરાતમં રવિ વાવેતર હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.  ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં ધાણાનું રેકર્ડબ્રેક ૮૮ હજાર હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે વરિયાળીનાં વાવેતરમાં ૩૨ ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે મુખ્ય રવિ પાક જીરૃ, ઘઉં, ચણા અને રાયડાનાં વાવેતરમાં મોટો ઘટાડો થયો હોવાથી કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨૨મી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૨૬.૨૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૩૫.૪૩ લાખ હેકટરમાં થયું હતું. ધાણાનું સત્તાવાર વાવેતર રાજ્ય સરકારે ચાલુ વર્ષથી જ ચાલુ કર્યું છે, પરંતુ ટ્રેડરોનાં મતે ગત વર્ષની તુલનાએ બેથી ત્રણગણું વધારે વાવેતર થયું હોવાનો અંદાજ છે.
ગુજરાતનાં મુખ્ય રવિ પાક એવા ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ૩૧ ટકાનો ઘટાડો  થયો છે. સૌરાષ્ટ્રમાં પાણીની તંગી વધારે હોવાથી વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. જીરૃનું વાવેતર ૪૪ ટકા, ચણાનું ૩૪ ટકા અને રાયડાનાં વાવેતર વિસ્તારમાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.


ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...