21 January 2015

Steel Import From Russia

રૃબલ તુટતા ચીન બાદ હવે રશિયાથી સ્ટીલની જંગી આયાતની સંભાવનાં
-સ્થાનિક સ્ટીલ કંપનીઓને મોટો ફટકો પડવાની સંભાવનાં
ભારતીય  સ્ટીલ કંપનીઓ ચીનની સસ્તા સ્ટીલની આયાત અટકાવવા સામે લડી રહી છે ત્યારે રશિયાની કરન્સી રૃબલ ડોલર સામે નબળી પડતાં હવે ચીનને બદલે રશિયાથી પણ મોટા પ્રમાણમાં સસ્તી સ્ટીલની આયાત થાય તેવી સંભાવનાં છે. તાજેતરમાં આ માટે ભારતીય સ્ટીલ વપરાશકારોએ રશિયા સાથે સોદા પણ કર્યાં છે.
નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડિયાનાં અભિયાને સાકાર કરવા માટે ટાટા સ્ટીલ, સેઈલ અને જેએસડબલ્યુ જેવી મોટી સ્ટીલ કંપનીઓ ઉત્પાદન વધારવા માટે આયોજન ઘડી રહી છે ત્યારે ભારતીય સ્ટીલ બાયરો સ્થાનિકને બદલે રશિયા તરફ વળ્યાં છે. રશિયાની કરન્સી રૃબલમાં ડોલર સામે ૪૯ ટકાનો ઘટાડો થયો હોવાથી રશિયાથી સ્ટીલની નિકાસ સસ્તી થઈ ગઈ છે.
વિશ્વમાં મિડલ ઈસ્ટનાં દેશો પણ રશિયા તરફ વળ્યાં છે અને ચીનને બદલે રશિયા સાથે હરિફાઈ વધી છે. રશિયા વિશ્વમાં પાંચમાં નંબરનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે.
મુંબઈ સ્થિતિ સ્ટીલએનાલિસ્ટ.કોમનાં સ્થાપક નીરજ શાહે જણાવ્યું હતું કે રશિયન કંપનીઓ ભારતીયોને હોટ રોલ્ડ સ્ટીલ ઉપર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે અને સરેરાશ ૫૫૦થી ૬૦૦ ડોલર પ્રતિ ટનનાં ભાવ ઓફર કરે છે. રશિયન કંપનીઓએ ભારત સાથે સોદા પણ કર્યાં છે અને ફેબ્રુઆરી મહિનામાં આ સોદાની ડિલીવરી થશે.

રશિયાથી આગામી દિવસોમાં ભારતમાં સ્ટીલની આયાત વધશે તો ભારતીય સ્ટીલ કંપનીઓને પણ ભાવ ઘટાડવાની સાથે ઉત્પાદનમાં કાપ મૂકવા ઉપર ફરજ પડે તેવી સંભાવનાં જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. ભારતીય સ્ટીલ બજારમાં ચાલુ મહિને સરેરાશ મોટા ભાગની કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યાં હતાં, પરંતુ ફેબ્રુઆરીમાં ભાવ ઘટાડે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.
(Date 13 Jan.2015)

Gujarat Ravi Sowing 12 Janu.2015

ગુજરાતમાં ઘઉંનાં વાવેતરમાં ૨૩ ટકાનો ઘટાડો ઃ બટાટાનું વધ્યું
-રાજ્યમાં કુલ રવિ વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાનો ઘટાડો

ગુજરાતમાં ચાલુ વર્ષે ઘઉંનાં વાવેતર વિસ્તારમાં કુલ ૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બટાટાનાં વાવેતર વિસતારમાં ૩૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૧૨મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર ૩૦ લાખ હેકટરમાં નોંધાયું છે, જે ગત વર્ષે ૩૭ લાખ હેકટરમાં થયું હતું. ખેડૂતોએ ચાલુ વર્ષે પાણીનાં અભાવે ઓછું વાવેતર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની મોટી તંગી હોવાથી રાજ્યમાં મોટા ભાગનાં મુખ્ય શિયાળુ પાકોનાં વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ઘઉંનાં વાવેતરમાં સરેરાશ ૨૩ ટકાનો ઘટાડો થયો છે, પંરતુ સૌરાષ્ટ્રમાં વાવેતર વિસ્તાર ૫૦ ટકા જેટલો ઘટ્યો છે. ગુજરાતમાં નવા ઘઉંની આવકો ટૂંક સમયમાં ચાલુ થાય તેવી સંભાવનાં છે
(Date 13 Jan.2015

19 January 2015

India's This year Edible oil Import rise to 126 lakh ton

દેશમાં ચાલુ વર્ષે ખાદ્યતેલની રેકર્ડબ્રેક ૧૨૬ લાખ ટનની આયાત થવાનો અંદાજ 
રાયડાનું ઉત્પાદન નવ ટકા ઘટીને ૫૯ લાખ ટન થશે
દેશમાં ચાલુ વર્ષે તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઓછું થવાથી અને માંગ વધવાને કારણે ખાદ્યતેલોની રેકર્ડબ્રેક આયાત થાય તેવો અંદાજ છે. ખાસ કરીને શિયાળુ પાક રાયડાનાં ઉત્પાદનમાં પણ ઘટાડો થવાને કારણે મોટી અસર જોવા મળશે.
જી.જી.પટેલ એન્ડ નિખીલ રિસર્ચ એન્ડ કંપનીનાં મેનેજિંગ પાર્ટનર ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશમાં ખાદ્યતેલની ઓલટાઈમ હાઈ ૧૨૬ લાખ ટનની આયાત થવાનો અંદાજ છે. તેમણે ગત સપ્ટેમ્બર મહિનામાં ૧૨૧ લાખ ટનની આયાત થવાનો અંદાજ મૂક્યો હતો, તેનાં કરતાં આ વધારે છે. દેશમાં ગત વર્ષે ૧૧૬ લાખ ટનની આયાત થઈ હતી.
ગોવિંદભાઈએ રાયડાનાં પાક વિશે કહ્યું કે ચાલુ વર્ષે દેશમાં રાયડાનું ઉત્પાદન પણ નવ ટકા ઘટીને ૫૯ લાખ ટન થવાનો અંદાજ છે. પરિણામે ખાદ્યતેલની વધુ આયાત કરવી જરૃરી બની છે. રાયડામાં ઉતારા પણ આ વર્ષે ગત વર્ષ જેવા નથી. તાજેતરમાં વરસાદ આવ્યો હોવા છત્તા ઘણા વિસ્તારમાં પાકની સ્થિતિ સંતોષજનક નથી.
કૃષિ કમિશ્નર જે.એસ.સાધુએ જણાવ્યું હતું કે દેશમાં રાયડાનું મોટા ભાગે વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઉતારા સરેરાશ સામાન્ય લેવલ જેટલા જ છે. દેશમાં ચાલુ વર્ષે ૬૪.૯૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૭૦.૪૩ લાખ હેકટરમાં થયું હતું. 
સોલવન્ટ એક્સટેકટર્સ એસોસિયેશન (સી)નાં એક્ઝિક્યુટિવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલનો વપરાશ વાર્ષિક ધોરણે ત્રણ ટકા વધી રહ્યો છે. ચાલુ વર્ષે તેલીબિયાં પાકનું ઉત્પાદન ઘટ્યું છે અને સસ્તા ખાદ્યતેલને કારણે માંગ વધી હોવાથી આયાત ઉપરની નિર્ભરતા વધશે. દેશની ૧૯૦ લાખ ટનની ખાદ્યતેલની માંગને સંતોષવા આપણે ૧૨૫ લાખ ટનથી વધુ આયાત કરવી જ પડશે. મલેશિયા અને ઈન્ડોનેશિયા દ્વારા લાંબા સમય સુધી ઝીરો ટકા ટેક્સ રહેશે તો ભારતમાં વધુ પુરવઠો ઠલવાશે.
(Date 16 jan.2015)

World Commodity index touch 12 year Low

વૈશ્વિક કોમોડિટી ઈન્ડેક્સ ૧૨ વર્ષનાં તળિયે
-કોપરનાં ભાવ પંદર દિવસમાં ૧૨ ટકા તુટ્યાં
-ચીનની માંગ ઘટતા અને વૈશ્વિક ઈકોનોમીનો ગ્રોથનો અંદાજ ઘટતા મંદી

વૈશ્વિક બજારમાં ક્રૂડ પછી હવે કોપરની બજારમાં પણ કડાકો બોલ્યો હોવાથી વૈશ્વિક કોમોડિટી ઈન્ડેક્સ ૧૨ વર્ષનાં તળિયે પહોંચી ગયો હતો. ખાસ કરીને કોપરનાં ભાવ તુટતા ઈન્ડેક્સમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો હતો.
વિશ્વની અગ્રણી ૨૨ કોમોડિટીને સમાવતો બ્લૂમબર્ગનો કોમોડિટી ઈન્ડેક્સ ઘટીને ૧૦૦ની સપાટીએ પહોંચી ગયો હતો, જે ૨૦૧૨ બાદની સૌથી નીચી સપાટીએ છે. ઈન્ડેક્સ મે ૨૦૧૪ની ઊંચાઈએથી અત્યાર સુધીમાં ૨૯ ટકા અને ૨૦૧૧ની ઊંચાઈથી ૪૪ ટકા ઘટી ગયો છે. ખાસ કરીને કોપરનાં ભાવ ચાલુ વર્ષે ૧૨ ટકા ઘટ્યાં હોવાથી તેમાં વધુ ઘટાડો થયો હતો. લંડન કોપર વાયદામાં ૧૪ જાન્યુઆરીએ ઈન્ટ્રા ડે ૫.૭ ટકાનો ઘટાડો થઈને ભાવ નીચામાં ૫૫૨૬ ડોલરની સપાટીએ પહોંચ્યાં હતાં. જે ૨૦૧૧ બાદનો સૌથી મોટો ઘટાડો હતો.
ચાલુ સપ્તાહે કોપર વાયદો ૭.૩ ટકા તૂટ્યો છે. જે ૨૦૦૯ બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. બ્લુમબર્ગ કોમોડિટી ઇન્ડેક્સમાં કોપરનું દેખાવ સૌથી ખરાબ રહ્યો હતો. યુરોપ અને ચીનમાં આર્થિક નરમાઇ, યુએસના ઔદ્યોગીક ઉત્પાદનના આંકડામાં નબળા આવ્યાં હતાં,આ બધાની અસર કોપર વાયદા પર જોવાઈ છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડતેલનાં ભાવ પણ ઘટીને ૪૫ ડોલરની સપાટીએ પહોંચી ગયાં છે. કોપરની પાછળ નિકલ, ઝિંકનાં ભાવ પણ તુટ્યાં હતાં.  વર્લ્ડ બેન્ક દ્વારા વૈશ્વિક ઈકોનોમીનો ૨૦૧૫નાં વર્ષ માટેનો ગ્રોથનો અંદાજ પણ ઘટાડીને ૩ ટકા મૂકવામાં આવ્યો છે, જે ગત જૂન મહિનામાં ૩.૪ ટકા મૂકવામાં આવ્યો હતો.
(Date 16 jan.2015)

Garlic Price Rise

લસણમાં દેશાવરની ધૂમ માંગથી બે દિવસમાં મણે રૃા.૨૦૦થી ૨૫૦નો ઉછાળો
- મધ્યપ્રદેશમાં પણ કિવન્ટલે રૃા.૫૦૦થી ૧૫૦૦નો વધારો

લસણ બજારમાં લાલચોળ તેજી જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં દેશાવરની ધૂમ ઘરાકીને કારણે સૌરાષ્ટ્રના પીઠાઓમાં મણે રૃા.૨૦૦થી ૨૫૦નો ઉછાળો આવ્યો છે. મધ્યપ્રદેશ અને યુ.પી.માં નવા લસણની આવકો શરૃ થઈ છે, પરંતુ તેની નબળી ક્વોલિટી અને જૂના લસણમાં બગાડનાં સમાચારને પગલે બજારો ઝડપથી ઊંચકાયા છે. બજારનો ટોન હજુ પણ મજબૂત હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓ આજે ગોંડલમાં હતાં. પરિણામે ગોંડલમાં લસણનાં ભાવ વધીને ઉપરમાં રૃા.૧૩૮૧ સુધીમાં વેચાણ થયાં હતાં. આ ભાવથી ૧૦૦ ગુણીનાં વેપાર થયા હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. રાજકોટમાં પણ રૃા.૧૧૦૦ ઉપરનાં ભાવ ક્વોટ થયાં હતા. ગોંડલમાં ૯ હજાર ગુણીની આવક સામે ૬ હજાર ગુણીનાં વેપારો થયાં હતાં.
ગોંડલનાં સુધીર એન્ટરપ્રાઈઝનાં પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ.પી.માં લસણ ઉગવા લાગ્યું છે અને નવી આવકો પણ ઓછી છે. સરેરાશ ચાલુ વર્ષે ઉત્પાદન જ ઓછું છે. સાઉથની ઘરાકી પણ સારી છે અને આવકો છેલ્લા બે-ચાર દિવસથી કપાય ગઈ છે, જેને કારણે લસણમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લસણમાં બે દિવસમાં રૃા.૨૦૦થી ૨૫૦નો વધારો થયો છે. સારી ક્વોલિટીનાં લસણમાં ગઈકાલે રૃા.૧૩૨૧નાં આજે રૃા.૧૩૮૧ કવોટ થયાં હતાં. બજારમાં હજુ પણ તેજી જોવા મળશે.
કેશોદનાં જતીનભાઈ દલાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનાં લસણની ક્વોલિટી અત્યારે સમગ્ર દેશમાં બેસ્ટ છે. છેલ્લા ત્રણ દિવસ એમ.પી.નાં મોટા ભાગનાં પીઠાઓ બંધ હતાં અને આજે ખુલ્યા બાદ પણ આવકો ૧૦થી ૧૨ હજાર ગુણીની માંડ થઈ હતી. જેને કારણે એમ.પી.નાં બજારો પણ ક્વિન્ટલે રૃા.૫૦૦થી રૃા.૧૫૦૦ વધ્યાં હતાં. એમ.પી.માં જે નવું લસણ ઊંટી ક્વોલિટી આવ્યું છે તેની પણ ક્વોલિટી નબળી છે અને જૂનું લસણ હવે ઓછું હોય તેવું લાગે છે. લસણની વર્તમાન સ્થિતિ જોતા લસણમાં તેજી થવાનાં ૯૫ ટકા ચાન્સ છે અને મંદી થવાનાં માત્ર પાંચ ટકા જ ચાન્સ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતો પણ મક્કમ હોવાથી વેચવાલી ઓછી કરી રહ્યાં છે. ગુજરાતમાં હાલ ૨થી ૨.૫૦ લાખ ગુણી ( એક ગુણી ૬૦ કિલો) લસણનો સ્ટોક હોવાનો અંદાજ છે જે હજુ એકાદ મહિનો ચાલશે. ગુજરાતમાં નવો લસણનો પાક ૨૦ ટકા જ છે, પરંતુ એ માલ બજારમાં આવે તેવું લાગતું નથી. પરિણામે બજારો આગળ ઉપર પણ વધે તેવી સંભાવનાં છે.
મધ્યપ્રદેશનાં મંદસૌરનાં વેપારી મદનલાલ જૈને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધુમ્મસ - ઝાકળની સાથે વરસાદની બુંદો પણ પડી રહી છે, જેને કારણે નબળી ક્વોલિટીનાં જૂનાં લસણમાં બગાડ ચાલુ થયો છે અને એ ઊગવા લાગ્યું છે. આ લસણ સ્થાનિક બજારો સિવાય ક્યાંય ચાલે નહીં. સાઉથમાં કે બીજા રાજ્યોમાં એમ.પી.નું સારૃ લસણ જ જાય છે. આવી સ્થિતિમાં બજારમાં આવકો પણ નથી, પરિણામે બજારો વધી રહ્યાં છે. વર્તમાન વાતાવરણથી લસણનાં ઊભા પાકને ફાયદો છે.
તેમણે નવા લસણની સ્થિતિ વિશે કહ્યું કે હાલ સમગ્ર એમ.પી.માં માંડ એક હજાર ગુણી આવતું હશે, જ્યાં સુધી નવા લસણની ૨૦થી ૨૫ હજાર ગુણીની દૈનિક આવકો ચાલુ ન થાય ત્યાં સુધી તેની નોંધ લઈ શકાય નહીં. મારા મતે આટલી આવકે ૧૫ ફેબ્રુઆરી પહેલા થાય તેવા કોઈ ચાન્સ નથી.
નવા લસણની આજે દલોડામાં ૪૫૦ ગુણીની હતી અને ભાવ ક્વિન્ટલનાં રૃા.૬૦૦૦થી રૃા.૧૫૦૦ હતાં. જ્યારે યુ.પી.નાં ઘીરોરમાં ૪૦૦થી ૫૦૦ ગુણી નવા દેશી લસણની આવક હતી. ભાવ ક્વિન્ટલનાં રૃા.૨૦૦૦થી રૃા.૫૫૦૦નાં હતાં. સરેરાશ ઘીરોરમાં ક્વિન્ટલે રૃા.૬૦૦થી ૭૦૦નો વધારો હતો.
દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓનાં સૌરાષ્ટ્રમાં ધામાં
સમગ્ર દેશમાં અત્યારે સૌરાષ્ટ્રનું જ લસણ જ બેસ્ટ અને સારી ક્વોલિટીનું છે અને બીજા રાજ્યોમાં લસણ મોટા ભાગે પૂરૃ થઈ ગયું હોવાથી દેશાવરનાં ૧૦થી ૧૨ વેપારીઓ છેલ્લા બે-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં આવ્યાં છે. વેપારી સૂત્રોનાં કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશનાં ૭થી ૮ વેપારીઓ ગોંડલમાં છે અને ઓરિસ્સાનાં પણ બેથી ત્રણ વેપારીઓ આવ્યાં છે. મધ્યપ્રદેશનાં પણ બે-ત્રણ વેપારીઓ સૌરાષ્ટ્રમાં છે. મધ્યપ્રદેશનાં એક વેપારી પણ આજે વાયા ગુજરાત થઈને ચેન્નઈ રવાનાં થયાં હતાં. ગોંડલમાં ઊંચા ભાવ પાછળનું કારણ એક માત્ર દેશાવરનાં વેપારીઓની ખરીદી જ હતું તેમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું.
(Date 16 jan.2015)

Tarrif Valu 16 Jan. to 31 Jan.2015

ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો ઃ સોનાં-ચાંદીની પણ વધી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ૯ ડોલર અને ચાંદીની ૨૪ ડોલર વધી
વૈશ્વિક બજારમાં વિતેલા પખવાડિયા દરમિયાન ખાદ્યતેલ અને બુલિયનનાં ભાવમાં વધારો થવાને કારણે તેની ટેરિફ વેલ્યૂમાં પણ વધારો નોંધાયો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કસ્ટમ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે  સોયાતેલની ટેરિફ વેલ્યૂમાં ૫૧ ડોલરનો વધારો કરીને ૮૯૪ ડોલર કરવામાં આવી છે. પામોલીન તેલમાં ૩૦થી ૪૦ ડોલર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મલેશિયામાં પૂરની સ્થિતિ બાદ વૈશ્વિક ખાદ્યતેલમાં તેજી જોવા મળી હોવાથી તેની ટેરિફ પણ વધી છે.
સરકારે સોનાની ટેરિફ વેલ્યૂ પણ ૩૯૨ ડોલરથી વધારીને ૪૦૧ ડોલર પ્રતિ ૧૦ ગ્રામે કરી છે. જ્યારે ચાંદીની કિલોદીઠ ટેરિફ વેલ્યૂ ૫૧૯ ડોલરથી વધારીને ૫૪૩ ડોલર કરી છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧ જાન્યુ.       ૧૬ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૬૯          ૭૦૫
રિફા.પામતેલ          ૬૯૬          ૭૨૯
અન્ય પામતેલ        ૬૮૩          ૭૧૭
ક્રૂડપામોલીન          ૭૦૦          ૭૩૯
રિફા.પામોલીન        ૭૦૩          ૭૪૮
અન્ય પામોલીન      ૭૦૨          ૭૪૧
કાચુ સોયાતેલ         ૮૪૩          ૮૯૪
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૨          ૪૦૧
ચાંદી                    ૫૧૯          ૫૪૩

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 16 jan.2015)

Wheat Export may be rise : till july may export 20 lakh ton.

ઘઉંની નિકાસ માટે સોનેરી તક , જુલાઈ સુધીમાં ૨૦ લાખ ટન નિકાસનો અંદાજ
રશિયા-યૂક્રેન દ્વારા નિકાસ નિયંત્રણોથી ભારતીય ઘઉંની નિકાસને વેગ મળશે

ભારતીય ઘઉંની નિકાસ માટે સોનેરી તક આવી રહી છે. રશિયા અને યૂક્રેન જેવા કાળા સમુદ્રનાં દેશોઓ નિકાસ ઉપર નિયંત્રણો લાદતા ભારતમાંથી જુલાઈ મહિના સુધીમાં કુલ ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ થાય તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.
વિશ્વમાં છેલ્લા ત્રણ મહિનામાં ઘઉંનાં ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. રશિયા પહેલી ફેબ્રુઆરીથી ઘઉંની નિકાસ ઉપર ૪૧ ડોલર પ્રતિ ટનની નિકાસ ડ્યૂટી લાદી છે. યૂક્રેને પણ કોઈ પણ નિકાસકાર માટે  બે લાખ ટનની મર્યાદામાં જ નિકાસની છૂટ આપી છે.
નવી દિલ્હી સ્થિત એક વૈશ્વિક ટ્રેડિંગ કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કે ભારત એક એવી જગ્યાએ છેકે તેને રશિયાનાં નિયંત્રણનો મોટો લાભ મળશે. ફેબ્રુઆરીથી જુલાઈ મહિનાનાં સમયગાળામા ભારતમાંથી કુલ ૨૦ લાખ ટનની ઘઉંની નિકાસ થાય તેવી ધારણાં છે.
સિંગાપોરનાં એક ટ્રેડરે કહ્યું કે ઈન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા અને બાંગ્લાદેશ ઓછા શિપિંગ ભાડાંને કારણે યુરોપિયન દેશોને બદલે ભારતમાંથી ખરીદી કરે તેવી ધારણાં છે. એશિયન ખરીદદારોને ભારતમાંથી ઘઉંની ખરીદીમાં ટને ૧૨થી ૧૫ ડોલરનું જ ભાડું લાગે છે, જેની સામે યૂક્રેનથી ૩૦ ડોલર જેટલું ભાડું લાગે છે.
ટ્રેડરો કહે છે કે સરકાર માટે પણ સારી તક છેકે પોતાનાં ૨૫૧ લાખ ટનનાં રિઝર્વ સ્ટોકને ઘટાડવા માટે નિકાસ ટેન્ડર જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા હજુ નિકાસ માટે કોઈ જ નિર્ણય લેવાયો નથી. સરકાર ખેડૂતો પાસેથી સરેરાશ ૨૩૦ ડોલર પ્રતિ ટનનાં ભાવથી ઘઉં ખરીદે છે.
વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંનાં ખાનગી ટ્રેડરો અત્યારે ૨૭૦ ડોલર એફઓબી ભાવ ક્વોટ કરે છે. જ્યારે ફ્રેચ ઘઉંનાં ભાવ ૨૪૮થી ૨૫૦ ડોલર અને ઓસ્ટ્રેલિયન સ્ટાન્ડર્ડ ઘઉંનાં ૨૭૦ ડોલર અને યુક્રેન મિલબર ઘઉંનાં ૨૬૫ ડોલરનાં ભાવ ક્વોટ થઈ રહ્યાં છે.
સિંગાપોરનાં એક ટ્રેડરે કહ્યું કે એશિયન દેશો માટે ભારતીય ઘઉં વધુ આકર્ષક છે, કારણ કે ભાડું પણ ઓછું લાગે છે અને ડિલીવરીનો સમય પણ બચી જાય છે. પરિણામે આગામી દિવસોમાં લાખો ટન ભારતીય ઘઉંની માંગ નીકળે તેવી સંભાવનાં છે.
મધ્યપ્રદેશમાં ઘઉંનું રેકર્ડબ્રેક ૨૦૫ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ
દેશમાં ઘઉંનાં ટોચનાં ઉત્પાદક રાજ્ય એવા મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ઘઉંનું રેકર્ડબ્રેક ઉતપાદન થવાનો અંદાજ સરકારે મૂક્યો છે. રાજ્ય સરકારનાં મતે ચાલુ વર્ષે કુલ ૨૦૫.૨ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે, જે ગત વર્ષે ૧૭૪.૭  લાખ ટન થયું હતું.
મધ્યપ્રદેશમાં ઉત્પાદન વધારવા અંગે સરકારે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાતાવરણ અનુકૂળ રહેતા અને વરસાદ પણ સારો પડ્યો હોવાથી ઉતારા પણ વધ્યાં છે, જેને કારણે ચાલુ વર્ષે ઉત્પાદન પંજાબથી પણ વધારે થાય તેવી ધારણાં છે. આ સાથે મધ્યપ્રદેશ ઘઉંનું ટોચનું ઉત્પાદક રાજ્ય પણ બનશે.

મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે ૫૬.૬ લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે ગત વર્ષે ૫૮.૭૪ લાખ હેકટરમાં થયું હતું. રાજ્ય સરકારે કુલ ૬૦ લાખ હેકટર વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાવેતર ઘટ્યું છે, પરંતુ ઉતારા વધતા કુલ ઉત્પાદનમાં વધારો જોવા મળશે.
(Date 15 Jan.2015)

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...