દેશમાં જૂના લસણનો ૫થી ૬ લાખ ગુણીનાં સ્ટોકનો
અંદાજ ઃ ભાવ હજુ ઊંચકાશે
-મધ્યપ્રદેશમાં ૧૦થી ૧૫ ફેબ્રુઆરી બાદ
આવકોમાં વધારો થવાનો મોટા ભાગનાં ટ્રેડરોનો અંદાજ
લસણ બજારમાં તેજીનો દોર યથાવત છે. દેશમાં જૂના લસણનો ઓછો
સ્ટોક અને ખાસ કરીને સારી ક્વોલિટીનાં લસણની અત્યારે તંગી જોવા મળી હોવાથી ભાવ
છેલ્લા દશેક દિવસમાં મણે રૃા.૪૦૦ વધીને રૃા.૧૪૦૦ની ઊંચી સપાટીએ પહોંચી ગયાં છે.
દેશભરનાં ટ્રેડરોનો અત્યારે એક જ સૂર છે કે બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે.
તેજી માટે ટ્રેડરો કહે છે કે કિલોએ રૃા.૫થી લઈને રૃા.૨૦ સુધીની તેજી જોવા મળી શકે
છે. એ પ્રમાણે સૌરાષ્ટ્રનાં લસણનાં ભાવ ૨૦ કિલોનાં રૃા.૧૬૦૦થી લઈને રૃા.૧૮૦૦ની
સપાટીએ પહોંચે તેવી ધારણાં છે.
બેંગ્લોરનાં ગુજરાતની લસણનાં વેપારી ગુલાબભાઈ કરમીયાએ
જણાવ્યું હતું કે લસણમાં જૂનો સ્ટોક ઓછો છે અને નવો પાક પણ ઘણો ઓછો હોવાથી બજારમાં
તેજી જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં હાલ લસણનો ૫થી ૬ લાખ ગુણીનો સ્ટોક હોવાનો
અંદાજ છે. ગુજરાતમાં ૧.૫૦થી ૨ લાખ ગુણી અને મધ્યપ્રદેશમાં ૧.૫૦ લાખ ગુણીનાં
સ્ટોકનો અંદાજ છે.
નવા પાક વિશે ગુલાબભાઈએ કહ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષે ૭૦
ટકા પાક ઓછો છે. મધ્યપ્રદેશમાં ૧૦ ટકા ઓછું ઉત્પાદન થશે, રાજસ્થાનમાં ૧૦થી ૧૫ ટકા પાક ઓછો છે અને ઉત્તર પ્રદેશમાં
ઉતપાદન ૫૦ ટકા ઓછું થાય તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં હાલ નવા લસણની થોડી થોડી
આવકો થાય છે, પરંતુ ૧૫ ફેબ્રુઆરી બાદ જ નવા લસણની આવકોમાં
વધારો થાય તેવી ધારણાં છે. હાલ બાંગ્લાદેશની નિકાસ માંગ પણ સારી છે, જેને કારણે સરેરાશ બજારો વધી રહ્યાં છે. સારી ક્વોલિટીનાં લસણમાં વર્તમાન
ભાવથી હજુ કિલોએ રૃા.૨૦નો વધારો થાય તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશનાં મંદસૌરનાં એક વેપારીએ જણાવ્યું હતું કે
એમ.પી.માં હાલ રોજની એકાદ હજાર ગુણીની આવકો થાય છે, પરંતુ ફેબ્રુઆરીનાં પહેલા સપ્તાહથી આવકો વધીને દૈનિક ચારથી પાંચ હજાર
ગુણીની શરૃ થશે. અને ૧૦ ફેબ્રુઆરી બાદ આવકોમાં વધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
બાંગ્લાદેશની નિકાસ માંગ ચાલુ રહે તો લસણમાં હજુ કિલોએ રૃા.૫થી ૧૦નો વધારો થાય
તેવી શક્યતા દેખાય રહી છે.
એમ.પી.નાં જાવરાનાં વેપારી મહાવીરભાઈએ જણાવ્યું હતું કે
મધ્યપ્રદેશમાં અત્યારે દલોદામાં જ નવા લસણની વધારે આવક થાય છે, એ સિવાય ખાસ કોઈ આવકો નથી. ફેબ્રુઆરીનાં પહેલા અઠવાડિયા બાદ
નવા લસણની આવકો વધે તેવી ધારણાં છે. જૂનો સ્ટોક ઓછો હોવાથી બજારો વધી રહી છે.
લસણમાં હજુ પણ કિલોએ રૃા.૫થી ૧૦નો વધારો થાય તેવી ધારણાં છે.
સૌરાષ્ટ્રનાં
લસણનાં એક વેપારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં લસણમાં આવકો ઓછી થઈ ગઈ છે. ઊંચા ભાવને
કારણે ખેડૂતોની વેચવાલી અત્યારે ઘટી ગઈ છે અને ખેડૂતોને પણ હવે એવી ધારણાં છેકે ભાવમાં
હજુ પણ વધારો થશે. લસણમાં અગાઉનાં વર્ષો જેવી તેજી થવાની ધારણાં આ વર્ષે નથી. લસણમાં વર્તમાન
ભાવથી હજુ સુધારો જોવા મળશે, પરંતુ આગળ ઉપર મધ્યપ્રદેશની નવી આવકોની ક્વોલિટી કેવી નીકળે
છે તેનાં ઉપર બજારનો મોટો ટ્રેન્ડ રહેલો છે.
બાંગ્લાદેશની પણ નિકાસ માંગ કેવી નીકળે તેનાં ઉપર પણ બજારનો આધાર છે. જો બાંગ્લાદેશની
નિકાસ માંગ જળવાઈ રહેશે તો બજારમાં પોઝિટિવ માહોલ ટકી રહે તેવી પૂરી શક્યતા દેખાય રહી
છે.(Date 20 Jan.2015)