09 August 2014

Kharif Sowing all india till 8 August

દેશમાં ખરીફ વાવેતર ૮૦૦ લાખ હેકટરને પાર, એરંડાનું વાવેતર વધ્યું
મગફળીનું વાવેતર માત્ર ૫.૭૭ લાખ હેકટરમાં  જ ઘટ્યું


દેશમાં ખરીફ વાવેતરમાં હવે મોટો વધારો થઈ રહ્યો છે. દેશમાં ૧૦૫૦ લાખ હેકટરનાં સામાન્ય વાવેતર સામે અત્યાર સુધીમાં ૮૦૩ લાખ હેકટરમાં ખરીફ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને એરંડા અને તલનાં વાવેતરમાં ગતવર્ષની તુલનાએ વધારો પણ થયો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં ૮ ઓગસ્ટનાં આંકડાઓ પ્રમાણે દેશમાં તેલીબિયાં પાકોનું કુલ વાવેતર ૧૫૨.૨૩ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયગાળા સુધીમાં ૧૭૩.૭૧ લાખ હેકટરમાં થયું હતું. ખાસ કરીને એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ નજીવું વધ્યું છે. તલનાં વાવેતર વિસ્તારમાં ૧ લાખ હેકટરનો વધારો થયો છે.
મગફળીનાં વાવેતરમાં મોટો ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ સમગ્ર દેશમાં મગફળીનાં વાવેતરમાં માત્ર ૫.૭૭ લાખ હેકટરનો જ ઘટાડો જોવા મળ્યો છે.
કપાસનું વાવેતર અત્યાર સુધીમાં ૧૧૨.૨૪ લાખ હેકટરમાં પૂર્ણ થઈ ચૂક્યું છે, જે ગત વર્ષે સમગ્ર સિઝનને અંતે ૧૧૪.૮૭ લાખ હેકટરમાં થયું હતું. આમ કપાસનું વાવેતર હવે ગત વર્ષની તુલનાએ વધી જાય તેવી પૂરી સંભાવનાં છે.
દેશમાં ખરીફ પાકની સ્થિતિ
પાકનુંનામ           ૨૦૧૪          ૨૦૧૩
મગફળી             ૩૧.૯            ૩૭.૬૬
સોયાબીન           ૧૦૩.૦૯       ૧૧૮.૭૬
સનફ્લાવર          ૧.૨૩            ૧.૮૪
તલ                   ૧૨.૦૦         ૧૦.૯૬
અળસી              ૦.૪૨            ૦.૯૫
એરંડા                ૩.૫૯            ૩.૫૪
તેલીબિયાં           ૧૫૨.૨૩       ૧૭૩.૭૧
ડાંગર                 ૨૬૭.૩૩       --
કઠોળ                ૭૬.૦૯         -
ધાન્યપાકો           ૧૪૦.૧૫       -
શેરડી                 ૪૪.૧૭         -
કપાસ                ૧૧૨.૨૪       -

(આંકડાઓ લાખ હેકટરમાં૮ ઓગસ્ટ સુધીનાં)

08 August 2014

Potato Price Rice Due to heavy Export to Pakistan

પાકિસ્તાનમાં બટાટાની જંગી નિકાસ અને શ્રાવણને કારણે તેજીનો માહોલ

બટાટાનાં ભાવમાં મહિનામાં ક્વિન્ટલે રૃા.૨૦૦નો ઉછાળો

બટાટામાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતમાંથી પાકિસ્તાનમાં બટાટામાં જંગી નિકાસને પગલે છેલ્લા એક મહિનામાં ભાવમાં ક્વિન્ટલે રૃા.૨૦૦નો ઉછાળો આવ્યો છે. શ્રાવણ મહિનાને કારણે ભાવમાં હજુ પણ વધારો થવાની ધારણાં છે.
બટાટાનાં મુખ્ય ઉત્પાદક મથક આગ્રામાં બટાટાનાં ભાવ ૨૦ કિલોદીઠ રૃા.૧૬૭૦ની સપાટી પર પહોંચ્યાં છે, જે એક મહિના પહેલા રૃા.૧૪૧૫ હતાં. દેશનાં બીજા સેન્ટરોમાં પણ ભાવ સરેરાશ રૃા.૧૪૦૦થી વધીને રૃા.૧૬૦૦ થયાં છે.
પાકિસ્તામાં બટાટાની જંગી ખાધને કારણે માર્ચ મહિનાથી પાકિસ્તાનની આયાત વધી રહી છે. પાકિસ્તાનની સરકારે દેશની બટાટાની  અછતને પૂરી કરવા માટે ભારતમાંથી પહેલા ૨ લાખ ટન અને છેલ્લે ૧૯મી જુલાઈએ વધુ એક લાખ ટન બટાટા ઝીરો ટકા ડ્યૂટી સાથે આયાત કરવાની છૂટ આપી છે. જોકે બે દિવસ પહેલા પાકિસ્તાને ફરી એક વાર આયાત ડ્યૂટી લાદી હોવાનાં સમાચાર છે.
હોર્ટીકલ્ચર એક્સપોર્ટ એસોસિયેશનનાં પ્રમુખ અજીત શાહે જણાવ્યું હતું કે પહેલી ઓગસ્ટથી પાકિસ્તાનમાં બટાટાની નિકાસ થતી નથી. પાકિસ્તાનની ડ્યૂટી અંગે હજુ અવઢવ છે અને સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.
૪ જુલાઈથી ૪ ઓગસ્ટ વચ્ચે ભારતમાંથી ૩.૯૧ લાખ ડોલરની કિંમતનાં બટાટાની નિકાસ થઈ છે. એક જ મહિનામાં જંગી નિકાસને કારણે ભાવ પંદર જ દિવસમાં ક્વિન્ટલે રૃા.૨૦૦નો વધારો થઈ ચૂક્યો છે. પશ્ચિમ બંગાળમાંથી જ બટાટાની નિકાસ થાય છે એવું નથી, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબમાંથી પણ મોટા ફાયે પાકિસ્તાનમાં બટાટાની નિકાસ થઈ રહી છે.

જથ્થાબંધ બજારમાં બટાટાનાં ઊંચા ભાવને કારણે રિટેલ બજારમાં સેરરાશ રૃા.૨૫થી ૩૦ કિલો વેચાણ થઈ રહ્યું છે. ઓરિસ્સા જેવા રાજ્યમાં રૃા.૪૦ પ્રતિ કિલો વેચાણ થઈ રહ્યું છે.

Urea Fertilizer Shortage in Gujarat

ગુજરાતમાં યુરિયા ખાતરની તંગી વધુ ક્વોટા માટે સરકારે માંગણી કરી

રાજ્યમાં વાવણી એક મહિનો મોડી અને એક સાથે થત્તા ખાતરની જંગી માંગ ઃ એકાદ સપ્તાહમાં તંગી હળવી થવાની ધારણાં

ગુજરાતમાં પીક સિઝનમાં જ યુરિયા ખાતરની મોટી તંગી ઊભી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી, જામનગર અને ભાવનગર પંથકમાં ખાતરની મોટી અછત જોવા મળી રહી હોવાથી ખેડૂતોને બૂમ પડી છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ તંગીને પહોંચી વળવા માટે મોદી સરકાર પાસે ચાલુ મહિના માટે જ વધારાનું ૫૫ હજાર ટન ફાળવવા માટે માંગ કરી છે.
ગાંધીનગર સ્થિત નાયબ ખેતી નિયામક-ખાતરનાં અનિલભાઈ પટેલે  જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસું એક મહિનો મોડું બેસતા આસ્થિતિ ખરેખર સર્જાય છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે એપ્રિલથી જુલાઈ મહિના માટે કુલ ૬.૨૪ લાખ ટનની ફાળવણી કરી છે, જેની  સામે ૬.૫૭ લાખ ટન  ખાતર આવી ગયું છે. સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં મોટી તંગી છે. ૧૫ જુલાઈ સુધી વાવણીલાયક વરસાદ પડ્યો જ ન હોવાથી કેટલીક સહકારી મંડળીઓએ તેનો ઓર્ડર મોડો આપ્યો હતો. પરિણામે આવા જિલ્લામાં ખાતર મોડું મળી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે ચાલુ વર્ષે વાવણી એક મહિનો મોડી અને એક સાથે થઈ હોવાથી અત્યારે માંગ પણ એક સાથે વધી ગઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ ઓગસ્ટ માટે ફાળવણી કરતાં વધુ ૫૫ હજાર ટનની માંગણી કરી છે. ઓગસ્ટ માટે કેન્દ્ર સરકારે ૧.૭૯ લાખ ટન ફાળવણી કરી  છે, જેની સામે અત્યાર સુધીમાં ૪૦ હજાર ટન માલ આવી ગયો છે. બીજી તરફ પીપાવાવ બંદરે ઈફકોની એક વેસેલ્સ આવી છે, જેમાંથી પણ ૨૦ હજાર ટન તાત્કાલિક ગુજરાતને ફાળવાયું છે અને જામનગરમાં એક રેન્ક રવાનાં થઈ છે. આગામી ચાર-પાંચ દિવસમાં વધુ જથ્થો આવી જાય તેવી ધારણાં છે. એટલે પરિસ્થિતિ હળવી બને તેવી આશા છે.

07 August 2014

Rupee Down 4.73% after Modi Become PM


નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં ત્યાર બાદ રૂપિયાનું મૂલ્ય ૪.૭૩ ટકા ઘટ્યું 

કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ રૃપિયો સુધરશે તેવી ધારણા રાખનારા હવે ખોટા પડી રહ્યાં છે. રૃપિયો સુધરવાને પગલે નબળી પડી રહ્યો છે. આરબીઆઈ ગવર્નર રાજન અને વડાપ્રધાન મોદીની લડાઈમાં અત્યારે રાજનનો ઘોડો વીનમાં છે. જેને પગલે રૃપિયો સતત નબળો પડી રહ્યો છે. ભારતીય રૃપિયામાં આજે છેલ્લા સાડા છ મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો બોલ્યો છે અને રૃપિયો ૬૫ પૈસા તુટી ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં રૃપિયામાં આ ત્રીજો  સૌથી મોટો કડાકો બોલ્યો છે.
ભારતીય રૃપિયો ડોલર સામે આજે ૬૫ પૈસા નબળો પડીને ૬૧.૪૯ની(6 ઓગસ્ટ-2014) સપાટી પર બંધ રહ્યો હતો. જે છેલ્લા સાડા ચાર મહિનાની સૌથી નીચી સપાટી બતાવે છે.રૃપિયામાં એક તબક્કે ૧૧ મહિનાની નીચી સપાટી પણ જોવા મળી હતી. રૃપિયામાં આજે એક દિવસમાં ૧.૦૬ ટકાનો ઘટાડો થયો તે ૨૪ જાન્યુઆરી બાદનો  સૌથી મોટો એક દિવસીય કડાકો હતો. જ્યારે ૨૦૧૪નો બીજો સૌથી મોટો એક દિવસીય કડાકો હતો. બીજી મહત્તવની વાત એ પણ છેકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં ત્યાર બાદ રૃપિયાનું મૂલ્ય ડોલર સામે ૪.૭૩ ટકા ઘટ્યું છે. રૃપિયો ૨૬મી મેનાં રોજ ૫૮.૭૧ બંધ રહ્યો હતો.
ફોરેક્સ બજારનાં એનાલિસ્ટ સમીર લોઢાનું કહેવું છે કે મારા મતે રૃપિયામાં સ્થિરતા ટૂંક  સમયમાં આવવી જોઈએ. ફુગાવો રૃપિયા માટે પોઝિટીવ છે અને સરકાર દ્વારા પણ પૂરવઠો વધે એ તરફ પગલાઓ લેવાય રહ્યાં હોવાથી ફુગાવો ઘટે તેવી સંભાવનાં છે. વૈશ્વિક બજારની ઘટનાઓ અત્યારે મંદી તરફી છે. રૃપિયામાં આગળ ઉપર ૬૨નું બોટમ બનાવીને ફરી પાછો સુધરે તેવી શક્યતા છે. ટૂંકાગાળાની રેન્જ જોઈએ તો રૃપિયો ૬૦.૫૦થી ૬૧.૫૦ની વચ્ચે અથડાયા કરે તેવી સંભાવનાં દેખાય રહી છે.
રૃપિયામાં ઘટાડા અંગે એનાલિસ્ટો કહે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય શેરબજારમાં મોટી ખરીદીથી રૃપિયો સુધર્યો હતો, પરંતુ હવે તે ખરીદી પાછી  ખેંચાય રહી છે. ભારતીય શેરબજારમાંથી એફઆઈઆઈ નાણા પાછા ખેંચી રહ્યાં છે. વિદેશી ફંડોએ ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં ઈક્વિટીમાંથી ૩૬૩૪.૮ લાખ ડોલર અને ડેબ્ટમાંથી ૪૪૦૧.૫ લાખ ડોલર પાછા ખેંચ્યાં છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીનું રોકાણ ૨૫.૬૦ અબજ ડોલરનું રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચેની વધતી તંગદિલીને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે રૃપિયામાં સતત નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશમાં છેલ્લા એક મહિનાથી ચોમાસાની ખાધ ઘટી છે, પરંતુ સરેરાશ હજુ પણ વરસાદની ૧૯ ટકાની ખાધ છે. ચોમાસાનાં બે મહિના પૂરા થઈ ગયાં છે અને હવે દોઢ મહિનો બાકી છે. સમગ્ર ચોમાસા દરમિયાન જો વરસાદની ૧૦ ટકા કરતા પણ વધુ ખાધ રહે તો વર્ષ નબળું જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં રૃપિયામાં હજુ પણ સુધારો થાય તેવા કારણોની મોટી ગેરહાજરી છે અને ઘસારો થયા તેવા કારણો વધી રહ્યાં છે.


06 August 2014

FCI Start Wheat E-Auction From 7 August. Gujarat 1 lakh tone Tender

ગુજરાતમાં FCI ઘઉંનું ૧ લાખ ટનનું ટેન્ડર જાહેર

-ઈ-ઓક્શન મારફતે ગુરૃવારથી ટેન્ડર ખુલશે
-ગુજરાતમાં અતિ ઊંચા ભાવથી ટેન્ડરનો ફિયાસ્કો થવાની ગણતરી



કેન્દ્ર સરકારે એફસીઆઈનાં ૧૦૦ લાખ ટન ઘઉંનાં ટેન્ડરના ભાગરૃપે સમગ્ર દેશમાં રાજ્યવાર ઘઉંનાં ટેન્ડરો જાહેર કર્યાં છે. જેમાં એફસીઆઈએ ગુજરાતમાં એક લાખ ટન ઘઉંનું ટેન્ડર બહાર પાડ્યું છે. જોકે ગુજરાત માટે ઘઉંનાં જૂના અને નવા પાકનાં ઊંચા ભાવને કારણે ટેન્ડરને નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે. ઈ-ઓક્શન મારફતે ઘઉંના ઓક્શનની પ્રક્રીયા ૭મી ઓગસ્ટ એટલે કે ગુરૃવારથી શરૃ થશે.
કેન્દ્ર સરકારે ગત મહિને એફસીઆઈનાં ઘઉં છુટ્ટા કરવાની જાહેરાત કરી હતી જેમાં જૂના પાકનાં રૃા.૧૫૦૦ અને નવા પાકનાં રૃા.૧૫૭૦ બૈઝિક ભાવ નક્કી કર્યાં છે. આ ભાવ માત્ર ઘઉં ઉત્પાદક રાજ્યો એટલે કે પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણા માટે છે. આ સિવાયનાં   દેશનાં તમામ રાજ્યો માટે લુધીયાણાથી જે-તે સેન્ટરનું રેલ્વે ભાડું અને નૂરનો દર ઉમેરીને બૈઝિક ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. આ પ્રક્રીયાને કારણે ગુજરાતનાં ભાવ ખૂબજ ઊંચા છે.
એફસીઆઈનાં અમદાવાદ સ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ૧ લાખ ટન ઘઉંનું ટેન્ડર જાહેર થયું છે, જેમાં જૂના પાકનું ૯૪ હજાર ટન અને નવા પાકનું ૬ હજાર ટનનું ટેન્ડર છે. ૭મી ઓગસ્ટથી ઈ-ઓક્શન જાહેર થશે.
ગુજરાતનાં ટેન્ડરમાં બૈઝિક ભાવ સૌથી ઓછા પાલનપૂર માટે જૂના પાકનાં રૃા.૧૬૨૫ અને નવા પાકનાં રૃા.૧૬૯૫ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ માળીયા માટે રૃા.૧૬૯૩ અને રૃા.૧૭૬૩ નક્કી કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં એફસીઆઈએ કુલ ૩૪ સેન્ટરો  માટેનાં બૈઝિક ભાવ નક્કી કરી દીધા છે. આ સેન્ટરવાળાએ ઈ-ઓક્શનમાં લઘુત્તમ આજ ભાવ ભરવાનાં છે.  એફસીઆઈએ દરેક સેન્ટર વાર ઘઉંની ક્વોન્ટીટી પણ નક્કી કરી છે અને આ માટે કુલ ૧૭ ગોડાઉન છે. જેમાં  નવા ઘઉં માત્ર ભોમૈયા સેન્ટર ઉપર ૩ હજાર ટન અને અડાલજ ગોડાઉનમાં ૩ હજાર ટન છે. આ સિવાય તમામ સેન્ટરમાં જૂના ઘઉંનું જ વેચાણ થશે.
ગુજરાત રોલર ફ્લોર મિલ એસોસિયેસનનાં ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ શરાફે જણાવ્યું હતું કે સરકારે ઘણીભેદભાવવાળી નીતિ કરી છે. મધ્યપ્રદેશમાં ઘઉંનાં ભાવ રૃા.૧૫૦૦ અને ગુજરાતમાં રૃા.૧૬૨૫ ઉપરનાં છે તો લોકો ગુજરાતમાંથી ઘઉં શા માટે ખરીદી કરે? ગુજરાતમાં અત્યારે જ બજારમાં ઘઉંમાં સરેરાશ રૃા.૧૬૦૦-૧૬૩૦માં પડતર છે. વળી સરકારે ઈ-ઓક્શન રાખવાની પ્રક્રીયા જ ખોટી રાખી છે.  સરકારે ઘઉં આપવા જ છે તો સીધેસીધા આપી દેવા જોઈએ. સરકાર પાસે પણ સ્ટોક છે અને ઘઉંનું વેચાણ કરવું છે તો સરળ પધ્ધતિ અપનાવવી જોઈએ. ઈ-ઓક્શનમાં પ્રક્રીયા થયા બાદ પણ ૮થી ૧૦ દિવસે માલ મળે છે.
સરેરાશ ગુજરાતમાં એફસીઆઈનાં બજાર ભાવ કરતાં પણ ઊંચા ભાવ હોવાને કારણે ઘઉંનાં ટેન્ડરનો નબળો પ્રતિસાદ મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. ઘઉંનાં બજાર ભાવ ઉપર આની કોઈ અસર નહીં થાય, પરંતુ મોટી તેજી હવે અટકી જશે એ સ્પષ્ટ થઈ ગયું છે.


05 August 2014

Tea price Down Up to Rs.15 at Auction center.

ચાનાં ઓક્શન મથકોએ પખવાડિયામાં કિલોએ રૃા.૧૦થી ૧૫નો ઘટાડો

આવકો વધતા કલકતા ટી ઓક્શનમાં ભૂકી ચામાં કિલોએ રૃા.૧૫થી વધુ તૂટ્યાં


ચાનાં ઓક્શન મથકોએ છેલ્લા એક પખવાડિયાથી ચાનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાની આવકોમાં વધારો થવાની સાથે લેવાલી પ્રમાણમાં ઓછી હોવાથી કોલકતા ઓક્શન મથકે છેલ્લા એક પખવાડિયામાં ચાનાં ભાવમાં કિલોએ રૃા.૧૦થી ૧૫નો ઘટાડો થયો છે. ટ્રેડરો કહે છે કે ઓક્શન ભાવ ઘટવા છત્તા હજુ રિટેલ ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવનાં નથી.
કોલકાતા ટી ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા યોજવામાં આવેલા ઓક્સનમાં સીટીસી લીફ ચાનાં ભાવ પખવાડિયા પહેલા સરેરાશ રૃા.૧૭૭.૫૧ હતા, જે છેલ્લે પહેલી ઓગસ્ટે થયેલા ઓક્શનમાં ઘટીને રૃા.૧૬૭.૬૯ પ્રતિ કિલો ક્વોટ થયાં હતાં. આજ રીતે સીટીસી ડસ્ટ ચાનાં ભાવ સરેરાશ રૃા.૧૮૭.૨૨થી ઘટીને રૃા.૧૭૧.૩૮ની સપાટી પર પહોંચી ગયાં છે.
ઓક્શન મથકોએ ચાની વેચવાલી થોડી વધી રહી છે, જેને કારણે પણ ભાવ દબાય રહ્યાં છે. લીફ ચાની વેચવાલી પખવાડિયા પહેલા ૨૫.૪૦ લાખ કિલો હતી, જે છેલ્લા ઓક્શનમાં વધીને ૨૮.૪૪  લાખ કિલોની થઈ ગઈ છે. જ્યારે ડસ્ટ ચાની ૧૩.૩૦ લાખ કિલોથી વધીને ૧૪.૭૫ લાખ કિલો વેચાણ માટે ઓફર થઈ હતી.
ચાનાં વેપારીઓનું કહેવું છે કે સેકન્ડ ફ્લશ ચાની સિઝન પૂરી થયા બાદ હવે રેગ્યુલર સિઝન ચાલુ થઈ છે. જેમાં ઉત્પાદન સારૃ થયું છે. વાતાવરણ અનુકૂળ રહેવાને કારણે ઉત્પાદન વધી રહ્યું છે. પરિણામે સરેરાશ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સારી ક્વોલિટીનાં ચાનાં ભાવ ઊંચી સપાટીથી સરેરાશ રૃા.૨૦ છેલ્લા એક મહિનામાં પ્રતિ કિલોએ ઘટી ગયાં છે. હજુ પણ નજીવો ઘટાડો થાય તેવી સંભાવનાં છે.
દાર્જલિંગ ચાનાં ભાવ સરેરાશ રૃા.૧૦૦ ઘટ્યાં
દાર્જલિંગની પ્રખ્યાત પ્રીમિયમ ક્વોલિટીની ચાનાં ભાવમાં છેલ્લા થોડા ઓક્શનમાં કિલોએ રૃા.૧૦૦નો ઘટાડો થયો છે. દાર્જલિંગ ચાનું ઉત્પાદન ૮૫થી ૯૦ લાખ કિલો જ દર વર્ષે થાય છે.
દાર્જલિંગ ટી એસોસિયેશનનાં ચેરમેન શંકર બગારીયાએ જણાવ્યું હતું કે ભાવમાં છેલ્લા થોડા  ઓક્શનમાં કિલોએ રૃા.૧૦૦ ઘટ્યાં છે. યુરોપિયન ખરીદદારો અને ટાટા ગ્રૂપ તેમજ એચયુએલની ખરીદી  ઓક્શનમાંથી ઓછી છે. પરિણામે ભાવ ઘટ્યાં છે. સરેરાશ દાર્જલિંગ ચાનાં ભાવ છેલ્લા સપ્તાહમાં પ્રતિ કિલો રૃા.૩૭૩ ક્વોટ થયાં હતાં, જે અગાઉનાં સપ્તાહમાં રૃા.૪૪૧ હતાં.


Guar Sowing Rise in Rajsthan.. Price Dowen

રાજસ્થાનમાં ગવારનું વાવેતર ૪૦ ટકા વધ્યું ઃ વાયદામાં મંદીની સર્કિટો ઉપર સર્કિટ
-પાંચ દિવસમાં ગવાર વાયદામાં ભાવ ૧૫ ટકા સુધી તુટ્યાં ઃ ભાવ હજુ ઘટવાની સંભાવનાં


દેશમાં ગવારનાં સૌથી મોટા ઉત્પાદક રાજ્ય રાજસ્થાનમાં ગવારનું વાવેતર અત્યાર સુધીમાં ૪૦ ટકા વધી ગયું છે. ગવારનાં વાવેતરમાં વધારાને પગલે વાયદામાં આજે પણ મંદીની સર્કિટ લાગી હતી. એનાલિસ્ટોનાં મતે ભાવમાં હજુ પણ સુધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
રાજસ્થાન સરકારનાં કૃષિ વિભાગનાં આંકડાઓ પ્રમાણે રાજસ્થાનમાં ૩૧મી જુલાઈ સુધીમાં ગવારનું કુલ ૧૯.૦૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૧૩.૫૫ લાખ હેકટરમાં થયું હતું. ગવારમાં વાવેતર ઘટવાની વાતો કરનારા હવે વાવેતર વધે તેવી શક્યતા પણ વ્યક્ત કરી રહ્યાં છે.
વાવેતરનાં સારા અહેવાલને પગલે છેલ્લાં પાંચ દિવસથી ગવારગમ અને ગવારસીડનાં વાયદામાં ભાવ તુટી રહ્યાં છે અને એક પછી એક મંદીની સર્કિટો લાગી રહી છે. ગવારગમનાં ભાવ પાંચ ટ્રેડિંગ સેશનમાં ૧૧ ટકા અને ગવારસીડનાં ભાવ ૧૪ ટકાથી વધુ ઘટી ગયાં છે. ઈન્ટ્રાડે સોમવારે ગમ વાયદો રૃા.૧૩૬૨૦ અને ગવારસીડ વાયદો રૃા.૫૦૫૪ સુધી પહોંચ્યો હતો.
રેલિગેર કોમોડિટીનાં એનાલિસ્ટ અજિતેશ મલીકનું કહેવું છે કે રાજસ્થાનમાં સારા વરસાદથી વાવેતર વધ્યું છે. જેને કારણે ભાવ તુટી રહ્યાં છે. ગવારસીડનાં ભાવમાં હાલનાં લેવલથી હજુ રૃા.૫૦૦નો ઘટાડો થઈ શકે છે. ઓગસ્ટ વાયદામાં રૃા.૪૫૦૦ સુધીનાં ભાવ જોવાશે. ખેડૂતો પાસે ગત વર્ષનો સ્ટોક પણ મોટો છે, જેને કારણે ભાવ વધુ ઘટી રહ્યાં છે. તેમનાં મતે ગવારસીડમાં રૃા.૪૦૦૦થી નીચેનાં ભાવ જોવા મળે તેવી શક્યતા નથી અને લાંબાગાળે ઉપરમાં રૃા.૫૫૦૦-૬૦૦૦નાં ભાવ પણ જોવા મળ શકે છે.
ગવારનાં સ્ટોક અને ઉત્પાદનનાં ગણીત અંગે ગવાર ક્ષેત્ર સાથે સંકળાયેલાનું અનુમાન જુદા-જુદાં છે. ગત સિઝનમાં ગવારનું ઉત્પાદન ૩ કરોડ ગુણી હોવાનો અંદાજ છે અને અત્યાર સુધીમાં એટલે કે સિઝનનાં નવ મહિના સુધીમાં ૧.૭૫થી ૨ કરોડ ગુણી આવક થઈ હોવાનો અંદાજ છે. સ્ટોક અંગે ઓલ ઈન્ડિયા ગવારગમ મેન્યુફેકચરિંગ એસોસિયેશનનાં પ્રમુખ પુરષોતમ હીસારીયાનું માનવું છે કે હજુ એક કરોડ ગુણીનો સ્ટોક હોવાનો અંદાજ છે. જ્યારે ગુજરાતનાં ડીસા બાજુનાં એક મીલ માલીક કહે છે કે ૬૦થી ૭૦ લાખ ગુણીનો સ્ટોક હોવાનો અંદાજ છે. નવી સિઝન પહેલી ઓક્ટોબરથી ચાલુ થાય ત્યારે કેરીફોરવર્ડ  સ્ટોક ૬થી ૧૦ લાખ ગુણીનો રહે તેવો વેપારીઓનો અંદાજ છે.



ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...