રશિયાની
કટોકટીથી એચપીએસ સિંગદાણાનાં ૩ હજાર ટનનાં સોદા રદ
-બે હજાર ટનનાં સોદામાં પેમેન્ટ ડીલે અથવા
ભાવ કાપ અંગે વાટાઘાટો ચાલુ
રશિયન ઈકોનોમીની કટોકટીની અસર સૌરાષ્ટ્રનાં એચપીએસ
સિંગદાણાને પણ નડી રહી છે. રશિયાની કરન્સી રૃબલની વેલ્યૂમાં મોટો ઘટાડો અને
નાણાકીય કટોકટીને પગલે સિંગદાણાનાં આશરે ૩ હજાર ટનનાં નિકાસ સોદા રદ થયા હોવાનું
નિકાસકારોએ જણાવ્યું હતું.
મુંબઈનાં એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતું કે રશિયામાં
કુલ ૫ હજાર ટનનાં સિંગદાણાનાં નિકાસ સોદા થયાં હતાં, જેમાંથી ૩ હજાર ટનનાં સોદા તો રદ થઈ ચૂક્યાં છે. જ્યારે બાકીનાં સોદામાં
આયાતકારો એવી માંગ કરે છેકે કાં તમે ઓર્ડર રદ કરો અથવા તો બીજા દેશોમાં ડાઈવર્ટ
થાય તેમ હોય તો ડાઈવર્ટ કરો. માલ પરત લઈ જઈ શકાય હોય તે પરત લઈ જાવ અથવા તો
પેમેન્ટ ડીલે મળે તે માટેની તૈયારી સાથે નિકાસ કરો. રશિયન બાયરો અત્યારે પેમેન્ટ
માટે ૧૫થી ૨૫ દિવસનો સમયગાળો માંગી રહ્યાં છે. કેટલાક બાયરો બીજા દેશોમાંથી ડોલરની
વ્યવસ્થા કરી રહ્યાં છે. પરંતુ સરવાળે નવા નિકાસ વેપારો રશિયા સાથેનાં બંધ થઈ ગયાં છે.
રશિયાની કરન્સી રૃબલ જુલાઈ મહિનામાં ડોલર સામે ૩૮ હતી, જે તાજેતરમાં ઘટીને ૭૦ની સપાટીએ પહોંચી ગઈ હતી. આમ તેની
કરન્સીની વેલ્યૂમાં ૫૦ ટકા જેટલો ઘટાડો
થવાથી ત્યાં નાણાકીય કટોકટી ઊભી થઈ છે. રશિયાએ ૧૫મી ડિસેમ્બરે વ્યાજદર ૧૦.૫
ટકાથી વધારીને ૧૭ ટકા કરતાં કરન્સી વધુ નબળી પડી હતી અને એ દિવસે એક જ દિવસમાં
ડોલર સામે ૧૩.૫ ટકા રૃબલ તુટી ગયો હતો. આમ ૧૫ ડિસેમ્બર બાદ સ્થિતિ વધુ વણસી છે.
ભારતમાં કુલ
એચપીએસ સિંગદાણાની નિકાસમાં રશિયાનો હિસ્સો
બે ટકા છે, પરંતુ વર્તમાન સમયમાં તેની મોટી અસર થઈ શકે છે. અપેડાનાં આંકડાઓ પ્રમાણે
ગત નાણાકીય વર્ષમાં દેશમાંથી કુલ ૫.૦૯ લાખ સિંગદાણાની નિકાસ થઈ હતી, જેમાંથી રશિયા ખાતે ૯૪૩૮ ટનની નિકાસ થઈ હતી. ચાલુ વર્ષનાં સત્તાવાર
એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ૨.૬૧ લાખ ટનની કુલ નિકાસમાંથી રશિયામાં ૬૩૮૮ ટનની
નિકાસ થઈ છે.