મકાઈનાં
ભાવમાં માર્ચ મહિના સુધી ભાવ ઊંચા રહેવાની ધારણાં
-દેશમાં સારી ક્વોલિટીની મકાઈની અછતથી
મજબૂતાઈ
મકાઈ બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન
ગ્રેઈન કાઉન્સિલનાં મતે ભારતીય બજારમાં મકાઈનાં ભાવ માર્ચ મહિના સુધી ઊંચા રહે
તેવી ધારણાં છે. પોલ્ટ્રી અને સ્ટાર્ચ સેકટરની અત્યારે સારી માંગ હોવાથી સરેરાશ મકાઈ
બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે.
મકાઈનાં હાજર બજારમાં ઉત્પાદક મથકોએ સારી ક્વોલિટીમાં
રૃા.૧૪૮૦થી રૃા.૧૫૦૦ સુધીનાં ભાવ ક્વોટ થઈ રહ્યાં છે. અમેરિકન ગ્રેઈન કાઉન્સિલનાં
ભારતીય પ્રતિનિધિ અમિત સચદેવે જણાવ્યું હતું કે ઉત્પાદક રાજ્યોમાં સારી ક્વોલિટીની
મકાઈની અછત છે, જેને કારણે ભાવ ઊંચકાયા છે. વિશ્વ બજારમાં
અત્યારે અમેરિકન મકાઈ સસ્તી હોવાથી ભારતીય મકાઈની નિકાસ માંગ મર્યાદીત જ છે.
પાડોશી દેશોમાં થોડા વેપારો થઈ રહ્યાં છે. સ્થાનિક બજારમાં નવી મકાઈની આવકો માર્ચ
મહિનાથી શરૃ થશે અને એપ્રિલમાં તેમાં વધારો થાય તેવી ધારણાં છે, પરિણામે ત્યાં સુધી મકાઈમાં મજબૂતાઈ જોવા મળશે.
રાજસ્થાન લાઈનમાંથી મકાઈનાં હરિયાણા અને પંજાબ લાઈનમાં
રૃા.૧૪૯૦ સુધીનાં વેપારો થઈ રહ્યાં છે. પોલ્ટ્રી સેકટરની સારી માંગથી બજારો ભાગી
રહી છે.
નિઝામાબાદનાં મકાઈનાં ટ્રેડર પી.સી.ગુપ્તાએ જણાવ્યું હતું
કે આંધ્રમાં મકાઈનાં ભાવ રૃા.૧૨૫૦ છે, પરંતુ વેપારીઓ પાસે સ્ટોક મર્યાદીત માત્રામાં છે, જેને
કારણે વેચવાલી ઓછી છે. પરિણામે આગળ ઉપર ભાવ ઊંચકાય તેવી ધારણા છે. ગુજરાતમાં
સ્ટાર્ચ મિલોની ખરીદી સરેરાશ રૃા.૧૩૫૦થી રૃા.૧૩૮૫ની વચ્ચે અથડાય રહ્યાં છે.
દેશમાં ચાલુ
વર્ષે મકાઈનું વાવેતર પણ ઓછું થયું છે. અત્યાર સુધીનાં આંકડાઓ પ્રમાણે રવિ સિઝનમાં
મકાઈનું ૧૩.૬૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૧૪.૧૨ લાખ હેકટરમાં થયું હતું. બિહારમાં ૩.૯૬ લાખ
હેકટરમાં વાવેતર થયું છે, જે ગતવર્ષે ૪.૨૫ લાખ હેકટરમાં થયું
છે.
(Date 20 Jan.2015)