દેશમાં ચાલુ
વર્ષે ખાદ્યતેલની રેકર્ડબ્રેક ૧૨૬ લાખ ટનની આયાત થવાનો અંદાજ
રાયડાનું ઉત્પાદન નવ ટકા ઘટીને ૫૯ લાખ ટન થશે
દેશમાં ચાલુ વર્ષે તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઓછું થવાથી
અને માંગ વધવાને કારણે ખાદ્યતેલોની રેકર્ડબ્રેક આયાત થાય તેવો અંદાજ છે. ખાસ કરીને
શિયાળુ પાક રાયડાનાં ઉત્પાદનમાં પણ ઘટાડો થવાને કારણે મોટી અસર જોવા મળશે.
જી.જી.પટેલ એન્ડ નિખીલ રિસર્ચ એન્ડ કંપનીનાં મેનેજિંગ
પાર્ટનર ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશમાં ખાદ્યતેલની ઓલટાઈમ
હાઈ ૧૨૬ લાખ ટનની આયાત થવાનો અંદાજ છે. તેમણે ગત સપ્ટેમ્બર મહિનામાં ૧૨૧ લાખ ટનની
આયાત થવાનો અંદાજ મૂક્યો હતો, તેનાં
કરતાં આ વધારે છે. દેશમાં ગત વર્ષે ૧૧૬ લાખ ટનની આયાત થઈ હતી.
ગોવિંદભાઈએ રાયડાનાં પાક વિશે કહ્યું કે ચાલુ વર્ષે દેશમાં
રાયડાનું ઉત્પાદન પણ નવ ટકા ઘટીને ૫૯ લાખ ટન થવાનો અંદાજ છે. પરિણામે ખાદ્યતેલની
વધુ આયાત કરવી જરૃરી બની છે. રાયડામાં ઉતારા પણ આ વર્ષે ગત વર્ષ જેવા નથી.
તાજેતરમાં વરસાદ આવ્યો હોવા છત્તા ઘણા વિસ્તારમાં પાકની સ્થિતિ સંતોષજનક નથી.
કૃષિ કમિશ્નર જે.એસ.સાધુએ જણાવ્યું હતું કે દેશમાં રાયડાનું
મોટા ભાગે વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઉતારા સરેરાશ સામાન્ય લેવલ જેટલા જ છે.
દેશમાં ચાલુ વર્ષે ૬૪.૯૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૭૦.૪૩ લાખ હેકટરમાં થયું હતું.
સોલવન્ટ એક્સટેકટર્સ
એસોસિયેશન (સી)નાં એક્ઝિક્યુટિવ ડિરેકટર ડો.બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યતેલનો
વપરાશ વાર્ષિક ધોરણે ત્રણ ટકા વધી રહ્યો છે. ચાલુ વર્ષે તેલીબિયાં પાકનું ઉત્પાદન ઘટ્યું
છે અને સસ્તા ખાદ્યતેલને કારણે માંગ વધી હોવાથી આયાત ઉપરની નિર્ભરતા વધશે. દેશની ૧૯૦
લાખ ટનની ખાદ્યતેલની માંગને સંતોષવા આપણે ૧૨૫ લાખ ટનથી વધુ આયાત કરવી જ પડશે. મલેશિયા
અને ઈન્ડોનેશિયા દ્વારા લાંબા સમય સુધી ઝીરો ટકા ટેક્સ રહેશે તો ભારતમાં વધુ પુરવઠો
ઠલવાશે.
(Date 16 jan.2015)