08 January 2015

Turmeric Price High..

હાઈબ્રીડ હળદરનાં ભાવ વધીને રૃા.૧૦,૮૦૦ને ઊંચી સપાટીએ પહોંચ્યાં
-સારી ક્વોલિટીની હળદરમાં માંગ વધતા મજબૂતાઈની ધારણાં ઃ વાયદામાં રૃા.૧૨,૦૦૦ની આગાહી

હળદરમાં વાયદાની સાથે હાજર બજારમાં પણ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. હળદરનાં ઉત્પાદક મથકોએ ચાલુ સપ્તાહે ભાવ વધીને રૃા.૧૦,૮૦૦ની ઊંચી સપાટીએ પણ પહોંચ્યાં હતાં. આવકો ઘટતા અને નિકાસ માંગ સારી રહેવાને કારણે સરેરાશ ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. વાયદામાં પણ ભાવ રૃા.૧૨,૦૦૦ની નજીક પહોંચવાની ધારણાં છે.
ઈરોડમાં હાઈબ્રીડ હળદરનાં ભાવ ચાલુ સપ્તાહે વધીને ક્વિન્ટલદીઠ રૃા.૧૦,૮૮૮ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં. સરેરાશ ૧૦,૫૦૦ ગુણીની આવક હતી, જેમાંથી મોટા ભાગની હળદરનું વેચાણ થયું હતું. હાઈબ્રીડ વેરાયટીમાં એક જ દિવસમાં રૃા.૧૨૦૦નો ઉછાળો આવ્યો હતો, જ્યારે અન્ય વેરાયટીમાં રૃા.૩૦૦થી ૫૦૦નો સુધારો થયો હતો.
ઈરોડમાં સરેરાશ લોકલ મંડીમાં ફિંગર વેરાયટીમાં ભાવ રૃા.૪૬૯૯-૮૯૯૧ પ્રતિ ક્વિન્ટલનાં ભાવ હતાં, જ્યારે રૃટ વેરાયટીમાં રૃા.૪૬૮૯-૮૫૮૮નાં ભાવ ક્વોટ થયાં હતાં.
સાંગલીમાં હળદરની આવકો ઠપ્પ
મહારાષ્ટ્રનાં હળદરનાં મુખ્ય મથક સાંગલીમાં છેલ્લા ત્રણ દિવસથી મંડીઓ બંધ હતી. મજૂરો દ્વારા વેતન વધારો માંગવાને કારણે મંડી બંધ રહેતા હળદરની આવકો ઠપ્પ થઈ ગઈ છે. સાંગલીમાં મજૂરો દ્વારા ૩૦ ટકા મજૂરી વધારવા માટે માંગ કરી છે, પરંતુ હળદર એસોસિયેશન દ્વારા ૯થી ૧૦ ટકા જ વેતન વધારો આપવા તૈયાર છે, પરિણામે હરાજી અટકી હતી.
હળદર એપ્રિલ વાયદો રૃા.૧૧,૯૦૦ થવાની ધારણાં

હળદર હાજર બજારની સાથે એપ્રિલ વાયદામાં પણ સુધારો થાય તેવી ધારણાં છે. એપ્રિલ વાયદો ગત શુક્રવારે રૃા.૯૨૪૦ની સપાટી પર બંધ રહ્યો હતો. કોટક કોમોડિટીનાં ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેશ ભાટીયાનું કહેવું છેકે એપ્રિલ વાયદો વધીને રૃા.૧૦,૫૦૦ અને રૃા.૧૧,૯૦૦ની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. સ્ટોપલોસ રૃા.૯૦૦૦ ધ્યાનમાં રાખીને વેપાર કરવો.
(Date. 3 Jan.2015)

03 January 2015

Coriander Price Down 20% in one month

ધાણામાં મંદી , ભાવ મહિનામાં ૨૦ ટકા તુટ્યાં

-રાજસ્થાનમાં વરસાદથી ધાણાનાં ઊભા પાકને ફાયદો, પણ ગુજરાત-એમ.પી.માં નુકસાન

ધાણાની તેજી હવે અસ્ત થવા લાગી છે અને છેલ્લા બે મહિનામાં ૨૦ ટકાનો કડાકો બોલી ગયો છે. ધાણા ઉત્પાદક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે રાજસ્થાનમાં ફાયદો છે, પરંતુ એ સિવાયનાં વિસ્તારમાં નુકસાનીની સંભાવનાં છે.
ધાણા બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો ૧ ડિસેમ્બરે રૃા.૧૩૫૬૨ હતો, જે આજે ઘટીને રૃા.૧૦,૫૦૦ની નજીક પહોંચી ગયો છે. આમ તેમાં સરેરાશ રૃા.૩૦૦૦નો કડાકો બોલ્યો છે. જ્યારે નવા પાકનાં એપ્રિલ વાયદામાં ભાવ એક મહિનામાં રૃા.૮૪૯૦થી ઘટીને રૃા.૭૯૦૦ થયાં છે. સરેરાશ બજારો ઘટતા રહે તેવી ધારણાં છે.
રાજસ્થાનમાં ધાણાનાં અગ્રણી ટ્રેડર અને અખિલ ભારતીય વાયદા વ્યાપારી સંઘનાં સેક્રેટરી પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલા વરસાદને કારણે ધાણાને મોટો ફાયદો થયો છે. ધાણા માટે વર્તમાન વરસાદ અમૃત સમાન છે. ચાલુ વર્ષે અઢીથી ત્રણ ગણો પાક થવાની ધારણાં છે. ઓલ ઈન્ડિયા ધાણાનો પાક ૧.૫૦ કરોડ ક્વિન્ટલ થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૬૦ લાખ ક્વિન્ટલ થયો હતો. નવા ધાણા અમુક વિસ્તારમાં આવા લાગ્યાં છે, પરંતુ એકાદ મહિનામાં આવકો રેગ્યુલર ચાલુ થાય તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશનાં ખેડૂત અને પાટીદાર આગેવાન મનોહર પાટીદારે જણાવ્યું હતું કે બે દિવસથી પડી રહેલો વરસાદ ધાણા સિવાયનાં પાક માટે ફાયદાકારક છે. ધાણાનાં પાકને થોડી અસર જોવા મળી શકે છે અને ક્વોલિટી બગડે તેવી પણ સંભાવનાં છે.
ધાણાનાં પાક ઉપર વરસાદની દરેક વિસ્તાર પ્રમાણે અસર થતી હોય છે. રાજસ્થાનની જમીન નીતાર વાળી અને પાણી ચૂસી લેતી હોવાથી ત્યાં વરસાદ પડે તો પાકને ફાયદો થાય છે, પરંતુ એમ.પી. કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ બાજુની કાળી જમીન ઉપર પાણી પડે તો ક્યારે ભરેલા રહે છે, જેને કારણે પાકને ભવિષ્યમાં રોગ લાગી શકે છે. સૌરાષ્ટ્રમાં હળવદ કે ધ્રાંગ્રધા વિસ્તારમાં વરસાદ પડે તો ફાયદો પણ થઈ શકે છે.
ધાણાનાં ભાવ વિશે પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે ધાણાનાં ભાવ આગામી એકથી બે મહિનામાં રૃા.૨૦૦૦થી ૩૦૦૦ ઘટી જાય તેવી સંભાવનાં છે. એપ્રિલ વાયદો ઘટીને રૃા.૫૦૦૦ની સપાટીએ પણ પહોંચવાની સંભાવનાં છે. ઉલ્લેખનીય છેકે ધાણામાં ૨૦૧૪નાં વર્ષમાં સમગ્ર કોમોડિટીમાં સૌથી વધુ ૪૭ ટકાનો ભાવવધારો થયો હતો.

રાજ્ય સરકારનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ચાલુ વર્ષે ધાણાનું ૯૦ હજાર હેકટરમાં અને રાજસ્થાનમાં ૧.૯૦ લાખ હેકટરમાં વાવેતર થયું છે.
(Date 2 Jan.2015)

All India Ravi Sowing 2 Jan.2015



દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર સાત ટકા ઘટ્યું ઃ વરસાદથી રાયડાને ફાયદો
નવા રાયડાની આવકો માર્ચમાં શરૃ થવાની ધારણાં
દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર મોટા ભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે અને ઊભા પાકની સ્થિતિ પણ સારી છે. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે તેલીબિયાં પાકોને ફાયદો થાય તેવી સંભાવનાં જાણકારોએ વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે દેશમાં બીજી જાન્યુઆરી સુધીમાં તેલીબિયાં પાકોનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કુલ ૭૫.૪૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૮૦.૯૩ લાખ હેકટરમાં થયું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં અમુક ભાગોમાં છેલ્લા બે દિવસથી વરસાદી પડી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે. રાયડાનાં સૌથી મોટા ઉત્પાદક વિસ્તાર રાજસ્થાનનાં મસ્ટર્ડ સીડ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિયેશનનાં પ્રમુખ બાબુલાલ ડાટાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં બે દિવસથી વરસાદ છે. કોટા પંથકમાં ગુરૃવારે અને જયપૂર પંથકમાં શુક્રવારે વરસાદી માહોલ હતો. વરસાદને કારણે રાયડાનાં ઊભા પાકને ફાયદો થશે અને ઊતારા પણ વધે તેવી ધારણાં છે. રાયડા-સરસવમાં ફુલ બેસી ગયાં છે અને વર્તમાન વરસાદ કે ઠંડીથી પાકને ફાયદો જ છે. જોકે પશ્ચિમ રાજસ્થાનમાં હજુ વરસાદની તાતી જરૃર છે. વર્તમાન સ્થિતિ જોતા નવા રાયડાની આવકો માર્ચ મહિનાથી શરૃ થાય તેવી ધારણાં છે.
ઉલ્લેખનીય છેકે દેશમાં રાયડાનું વાવેતર ૬૪ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયે ૬૮ લાખ હેકટર અને સમગ્ર સિઝનને અંતે ૭૦ લાખ હેકટર ઉપર વાવેતર થયું હતું.
દેશમાં રવિ પાકનાં વાવેતરની સ્થિતિ
 પાકનું નામ     ચાલુ વર્ષે   ગત વર્ષે
રાયડો             ૬૪.૨૪    ૬૮.૦૪
મગફળી         ૩.૯૭      ૩.૬૭
સૂર્યમુખી         ૨.૪૫      ૩.૪૭
તલ               ૦.૬૪      ૦.૪૬
અળસી          ૨.૮૭      ૩.૧૪
તેલીબિયાં       ૭૫.૪૩    ૮૦.૯૩
ઘઉં               ૨૯૩.૧૬ ૨૯૪.૩૦
ધાન્ય પાક       ૫૧.૧૭    ૫૬.૧૮
ચણા              ૭૯.૬૫    ૯૫.૦૩
કઠોળ             ૧૨૯.૯૯ ૧૪૪.૭૯
કુલ વાવેતર     ૫૫૨.૮૨ ૫૭૯.૬૩

(આંકડાઓ લાખ હેકટરમાં ૨ જાન્યુ.સુધીનાં)
(Date 2 Jan.2015)

New Wheat start in Visavadar APMC

વિસાવદરમાં નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ
-દેશમાં સૌપ્રથમ વિસાવદરમાં ૩૦ ગુણી નવા ઘઉં આવ્યાં


દેશમાં એક તરફ ઘણા વિસ્તારમાં ઘઉંની વાવણી હજુ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રનાં વિસાવદરમાં આજે નવા ઘઉંની આવકોનાં શ્રીગણેશ પણ થયાં હતાં. આ સાથે સમગ્ર દેશમાં સૌ પ્રથમ નવા ઘઉંની આવકો ચાલુ થઈ છે.
ઘઉંનાં વેપારીઓનાં જણાવ્યાં પ્રમાણે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આજે ૩૦ ગુણી નવા ઘઉંની આવકો હતી અને સરેરાશ રૃા.૩૩૨.૨૫નાં ભાવથી મૂર્હતનાં સોદા થયાં હતાં. આ ઘઉંનું વાવેતર શરદપૂનમ આસપાસ થયું હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં દર વર્ષે કેશોદ પંથકમાં નવા ઘઉંની આવકો સૌપ્રથમ થતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વિસાવદરમાં થઈ છે. કેશોદમાં પણ ૧૫થી ૨૦ દિવસમાં નવા ઘઉંની આવકો ચાલુ થાય તેવી શક્યતા છે. કેશોદ આજુબાજુનાં ત્રંબાવદર, ગડુ અને જંગર સહિતના ગામોમાં ખેડૂતોએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણી આપવાનું બંધ કર્યું છે, પરિણામે તે ઘઉં પંદર દિવસમાં પાકી જશે. એકાદ મહિનામાં તો રેગ્યુલર આવકો ચાલુ થઈ જાય તેવી પણ સંભાવનાં છે.
એફસીઆઈનાં ઘઉંનાં ટેન્ડરમાં ૯૫૦૦ ટનનું વેચાણ
ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ગુજરાતનાં પહેલી જાન્યુઆરીએ ખુલેલા એક લાખ ટનનાં ટેન્ડરમાંથી ૯૫૦૦ ટન ઘઉંનું વેચાણ થયું હતું. સરેરાશ ઘઉંમાં ભાવ તેનાં લઘુત્તમ ભાવની આસપાસ જ વેચાણ  થયું હતું. આમ ગુજરાતમાં સતત બે સપ્તાહ સુધી સરકારી ઘઉંનું વેચાણ થયું છે અને બે ટેન્ડરોમાં કુલ ૧૭૫૦૦ ટન ઘઉં ખુલ્લા બજારમાં ઠલવાયા છે. આગામી ટેન્ડર આવતા સપ્તાહે ખુલશે, જેમાં ૧૦ હજાર ટન જેવાં માલનું વેચાણ થાય તેવી સંભાવનાં છે. સરકારી માલોની આવકોથી ખુલ્લા બજારમાં ભાવ વધતા અટકી ગયાં છે.
ઘઉં ઉત્પાદક વિસ્તારોમાં વરસાદથી રેકર્ડબ્રેક પાકની ધારણાં
-કેન્દ્રીય કૃષિ કમિશ્નરનાં મતે ઉત્પાદન ગત વર્ષને પાર થવાની ધારણાં
-ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા ભાગનાં વિસ્તારમાં વરસાદ
દેશમાં ઘઉંનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની નજીવો ઘટાડો થયો છે,પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી ઉત્તર અને મધ્ય ભારતમાં પડી રહેલા વરસાદને કારણે ઘઉંનાં પાકનું ચીત્ર બદલાય તેવી સંભાવનાં છે અને ઉત્પાદન ગત વર્ષની તુલનાએ વધીને રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે.
કેન્દ્રીય કૃષિ કમિશ્નર જે.એસ.સાધુએ જણાવ્યું હતું કે દેશમાં ગત વર્ષે ૯૫૯ લાખ ટનનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે સરકારે સત્તાવાર રીતે ૯૪૭ લાખ ટન પાક થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ તાજેતરમાં પડેલા વરસાદને કારણે પાકનો મોટો ફાયદો થશે. વરસાદને કારણે ઉતારા પણ વધશે, પરિણામે ચાલુ વર્ષે પણ રેકર્ડબ્રેક પાક થાય તેવી ધારણાં છે.
દેશમાં ઘઉનાં ટોચનાં ઉત્પાદક એવા મધ્યપ્રદેશમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે પાકને મોટો ફાયદો થશે. રાજસ્થાનમાં પણ વરસાદથી પાકને ફાયદો થશે. રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર પણ ગત વર્ષની તુલનાએ નવા ટકા વધ્યું છે. પરિણામે ત્યાં ઉત્પાદન ચાલુ વર્ષે રેકર્ડબ્રેક થાય તેવી ધારણાં છે. ટ્રેડરો અને જાણકારોનું કહેવું છેકે વર્તમાન સ્થિતિ જોતા હવે સમગ્ર દેશમાં ગુજરાતમાં જ ઘઉંનાં ઉત્પાદનમાં મોટો કાપ આવશે, એ સિવાયનાં રાજ્યોમાં ઉત્પાદન ઘટે તેવું લાગતું નથી. વરસાદથી ઉતારા વધતા સરેરાશ દેશમાં ઉત્પાદન ગતવર્ષ જેટલું અથવા તો તેનાંથી વધી જશે અને પાક ઓલટાઈમ હાઈ થઈ શકે છે.

કેન્દ્રીય કૃષિ ખાતાનાં આંકડાઓ પ્રમાણે દેશમાં બીજી જાન્યુઆરી સુધીમાં ઘઉંનું ૨૯૩.૧૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૨૯૪ લાખ હેકટરમાં થયું હતું. આમ સરેરાશ વાવેતર વિસ્તાર ગત વર્ષ જેટલો જ છે. જો ઉતારા વધશે તો પાક પણ વધી જાય તેવી પૂરી સંભાવનાં છે.

02 January 2015

Money Laundering Act in Commodity Future trade

કોમોડિટી વાયદાનાં બ્રોકરને પણ આજથી મની લોન્ડરિંગનો કાયદો લાગુ પડશે
-બ્રોકર્સ દ્વારા નિયમનું પાલન ન કરવા બદલે દૈનિક રૃા.૨૦૦નો દંડ અને ટર્મિનલ પણ બંધ થઈ શકે

દેશમાં મની લોન્ડિરિંગ એક્ટનો આજથી કોમોડિટી વાયદા બજારમાં કામ કરતા બ્રોકર્સને પણ લાગુ પડી જશે. એફએમસીએ અગાઉ ત્રણ વાર તેની મુદત લંબાવી પણ હતી, પરંતુ આખરી મુદત ૩૧મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. પરિણામે પહેલી જાન્યુઆરીથી જરૃરી નોંધણી ન કરાવનાર બ્રોકર્સનું ટર્મિનલ બંધ પણ થઈ  શકે છે.
કોમોડિટી એક્સચેન્જોએ આજે એક પરિપત્રમાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક્ટનાં નિયમ મુજબ બ્રોકરોને ફિનનેટ ગેટવેમાં રજિસ્ટ્રેશન કરવાની સૌ પ્રથમ મુદત ૭ એપ્રિલ, ૨૦૧૪ હતી, ત્યાર બાદ તેને વધારીને ૧૫મી મે અને ૨૬મી સપ્ટેમ્બર અને છેલ્લી મુદત ૩૧મી ડિસેમ્બર સુધી વધારી આપી હતી. પરંતુ હવે આગળ ઉપર મુદત વધારવામાં આવશે નહીં. પરિણામે ૩૧મી ડિસેમ્બર સુધીમાં બ્રોકરોએ જરૃરી માહિતી સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જો બ્રોકરો દ્વારા આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવામાં નહીં આવ્યું હોય તો તેને દૈનિક ધોરણે રૃા.૨૦૦નો દંડ લાગુ પડશે અને તેનું ટર્મિનલ ડિએક્ટીવ મોડ કે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.

કોમોડિટી બજારોમાં કાળા નાણાં આવતા અટકે એ હેતુંથી આ સિસ્ટમનો અમલ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં બેન્કિંગ સહિતની તમામ નાણાકીય સેવા આપતી સંસ્થાઓ માટે મની લોન્ડિરિંગ એક્ટનો અમલ કરી રહી છે. જેમાં હવે કોમોડિટી વાયદાનાં બ્રોકરોનો પણ ઉમેરો થયો છે.
(Date 31 Dec.2014)

Tariff Value 1 Jan. to 15 Jan.2015

ચાંદીની ટેરિફ વેલ્યૂમાં ૪૨ ડોલરનો ઘટાડો ઃ ખાદ્યતેલની પણ ટેરિફ ઘટી
સોનાની ટેરિફ વેલ્યૂમાં ચાર ડોલરનો ઘટાડો

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં વિતેલા પખવાડિયામાં ઘટાડો થવાને પગલે સરકારે તેની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો કર્યો છે. ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફીકેશન પ્રમાણે ચાંદીની ટેરિફ વેલ્યૂમાં પ્રતિ કિલોએ ૪૨ ડોલરનો ઘટાડો થયો છે. ચાંદીની ટેરિફ ૫૬૧ ડોલરથી ઘટીને ૫૧૯ ડોલર થઈ છે. જ્યારે સોનામાં ચાર ડોલર ઘટીને ૩૯૨ ડોલર થઈ છે.
સરકારે ખાદ્યતેલની ટેરિફ વેલ્યૂમાં ૩૦ ડોલર સુધીનો ઘટાડો કર્યો છે. સૌથી ઓછી સોયાતેલની ડ્યૂટીમાં છ ડોલરનો જ ઘટાડો કર્યો છે. જ્યારે પામતેલમાં સરેરાશ ૩૦ ડોલરનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક બજારમાં સોયાબીનની માંગ વધારે હોવાથી તેનાં ભાવ ઓછા ઘટ્યાં છે, પરિણામે તેની ટેરિફમાં પણ મામૂલી જ ઘટાડો કરાયો છે.
ટેરિફ વેલ્યુમાં ફેરફાર
કોમોડિટી               ૧૬ ડીસે.     ૧ જાન્યુ.
ક્રૂડપામતેલ            ૬૯૯          ૬૬૯
રિફા.પામતેલ          ૭૨૩          ૬૯૬   
અન્ય પામતેલ        ૭૧૧          ૬૮૩
ક્રૂડપામોલીન          ૭૩૧          ૭૦૦
રિફા.પામોલીન        ૭૩૪          ૭૦૩
અન્ય પામોલીન      ૭૩૩          ૭૦૨
કાચુ સોયાતેલ         ૮૪૯          ૮૪૩
(ટેરિફ વેલ્યુ ડોલરમાં, ખાદ્યતેલની પ્રતિ ટન)
સોનું                    ૩૯૬          ૩૯૨
ચાંદી                    ૫૬૧          ૫૧૯

(ટેરિફ વેલ્યુ ડોલરમાં સોનાની પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીની પ્રતિ કિલો)
(Date 31 Dec.2014)

FMC New Chairman Mr. T.V.Somnathan

એફએમસીનાં નવા ચેરમેન તરીકે ટી.વી.સોમનાથનની નિમણૂંક
રમેશ અભિષેકની મુદત ૭ જાન્યુઆરીએ પૂર્ણ


કોમોડિટી વાયદા બજાર ઉપર નિયંત્રણ કરતી સંસ્થા ફોરવર્ડ માર્કેટ કમિશનનાં નવા ચેરમેન તરીકે સરકારે ટી.વી.સોમનાથનની નિમણૂંક કરી છે. સોમનાથન હાલમાં વર્લ્ડ બેન્કમાં ડિરેકટર તરીકે કાર્યરત છે. તેઓ એફએમસીનાં ચેરમેનનો હવાલો ચાલુ મહિને જ સંભાળી લેશે. એફએમસીનાં વર્તમાન ચેરમેન રમેશ અભિષેકની મુદત ૭મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહી છે.

એફએમસીનાં ચેરમેન તરીકે રમેશ અભિષેકને અગાઉ બેથી ત્રણ વાર એક્સટેન્શન મળ્યાં બાદ હવે નવા ચેરમેનની પસંદગી કરાય છે. સરકારે કુલ પાંચ નામ અંતિમ તબક્કામાં નક્કી કર્યાં હતાં, જેમાંથી સોમનાથનની પસંદગી કરાય છે. સોમનાથન ૧૯૮૭ની તામીલનાડુ બેચનાં આઈએએસ ઓફિસર છે અને તામિલનાડુની સરકારમાં સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ ચેન્નઈ મેટ્રો રેલ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેકટર તરીકે પણ રહી ચૂક્યાં છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર બે ટકા વધ્યું

અમદાવાદ તા.૩ ગુજરાતમાં ખરીફ પાકોનાં વાવેતર પૂર્ણ થયા છે પંરતુ એરંડા જેવા કેટલાક પાકોના વાવેતરનાં આંકડાઓ હજી આવી રહ્યાં છે અને એરંડાના વાવેતર...